ફિનલેન્ડની યાદો સાથે…

ફિનલેન્ડની યાદો સાથે…


આકાશવાણીના રોકોર્ડિંગ માટે મારે રાજકોટ જવાનું થયું અને રાજકોટમાં મંદારભાઈ સાથે કેટકેટલી વાતો ભેગી થયેલી, તેથી અમે રૂબરૂ મળવાનું નક્કી કર્યું. બી..નચિકેતા પ્રકલ્પની વેબસાઈડ તેમણે ડેવલપ કરી છે. ઉપરાંત એક ભાઈ, મિત્ર અને લાગણીશીલ વ્યક્તિ.. 

રાતે અમે જમીને બેઠ્યા એટલે આડાઅવળી વાતો ચાલી રહી હતી. તેમાં આજના શિક્ષણની વાત નીકળી અને વળી વિદેશની વાત નીકળી એટલે મેં કહ્યું કે ફિનલેન્ડનું શિક્ષણ જબરદસ્ત છે એમ કહે છે બધા.. તરત તેમણે કહ્યું કે હું 2008માં ફિનલેન્ડ જઈ આવ્યો છું... બસ, પછી શું હોય. રાતના 3 વાગ્યા સુધી અમે ચર્ચાઓ કરી મેં કેટલુંક જાણ્યું, તેણે કેટલુંક જણાવ્યું...
ફિનલેન્ડ તરફ આકર્ષણ થાય તેવો તેનો પ્રવાસ અને તેના પ્રવાસમાંથી મને ગમતી બાબતોના પ્રશ્નોના જવાબો આપ્યા. તેની કેટલીક ચર્ચા અહીં મુકવાનો વિચાર એટલે આવ્યો કે તે ઘણાંને કામ લાગે તેવો છે. ઘણું કરીને એ લોકો જે અહીં થી તહીં ભટકે છે વિદેશોમાં પણ જોવાજેવું રહી જતું હોય છે. વળી, આ ચર્ચામાં શિક્ષણ, નીતિ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ત્યાંના રસ્તા, ત્યાંનું અર્થતંત્ર, ત્યાંનું શિક્ષણ, વાલી, જાગૃત નાગરિક, સ્વયંશિસ્ત, વાહનવ્યવહાર વગેરે વિશે અદ્દભૂત વાતો એમણે કરી છે તેની માત્ર ઝલક જ ચર્ચાઈ... આ ચર્ચા મને જે યાદ રહી એ રીતે વર્ણવું. 

- મંદારભાઈ જાય છે ત્યારે ત્યાં વરસાદ હોય છે એટલે વિમાન થોડો સમય આકાશમાં વિહાર કરે છે અને એ રીતે તેને ફિનલેન્ડનું નગર તેણે નીહાળ્યું અને તે નગરની વ્યવસ્થા જ આપણને આકર્ષિત કરતી હોય છે. 

- તે પહોંચ્યા અને વરસાદ બંધ રહી ગયો તો તેના રસ્તા પણ પંદર મીનીટમાં કોરા થઈ ગયા કારણ કે રસ્તાની સંરચના જ એવી બનાવાઈ છે કે લાંબો સમય તેના પર પાણી ન ટકે

- બરફનો વરસાદ પડે એટલે બરફ જામી જાય રસ્તા ઉપર. તેના માટે તેનું તંત્ર કેટલું જાગૃત છે તે મંદારભાઈને જોવા મળ્યું કે આઠ વાગે લોકો બધા કામે લાગે એ પહેલા બરફ હટાવવા વાળાઓને સવારે ચાર વાગ્યાના કામે લગાડી દીધા હતા અને સવાર પડતા સુધીમાં તો બધો બરફ સાફ અને ઝરણા વાટે ત્યાં સરોવરો જાજા છે એટલે તેમાં વહી ગયો. 

- ત્યાં રસ્તા પર ક્યાંય ટ્રાફિક પોલીસ કે બીજી પોલીસ પણ રસ્તા પર ક્યાંય જોવા ન મળે. પ્રજામાં એટલું સ્વયંશિસ્ત છે. ત્યાં ડ્રામ ચાલે છે. ડ્રામ આવતી હોય એટલે વ્યક્તિ ઉભા રહી જાય ડ્રામ થોડી દૂર ચાલી જાય પછી જ બધા વાહનો, વ્યક્તિઓ આગળ ચાલે. 

- કોઈ ચાલનાર વ્યક્તિ ઝિબ્રાક્રોસિંગ પર હોય તો ફૂલ સ્પિડમાં આવનાર વાહન ચાલક પણ બ્રેક મારી દે અને ચાલનારાને ઈસારો કરી રસ્તો ક્રોસ કરી લેવાનું કહે. તે વ્યક્તિ રસ્તો ક્રોસ કરી લે પછી જ પેલાના વાહનનો સેલ્ફ લાગે. 

- ફિનલેન્ડમાં પોલીસ તો છે જ તે આપણાં સલમાનખાનના બાંઉસર જેવા એટલે કે ઊંચા અને સશક્ત. કોઈ ફાંદવાળો પોલીસવાળો જોવા ન મળે. તે બુલેટ લઈને ચક્કર લગાવા નીકળે એટલે પ્રવાસી કોઈ ચાલ્યો જતો હોય તો પૂછે કે આપને કોઈ તકલીફ, કોઈ કામ? 

- ત્યાં દરેક વ્યક્તિએ મિલેટ્રી ટ્રેનિંગ ફરજિયાત છે. જ્યારે તેનું કારણ પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે અમારો દેશ નાનો છે. લશ્કર પણ નાનું છે અને જો યુદ્ધમાં વધારાની જરૂર પડી તો ઘર દીઠ સરકાર બે વ્યક્તિને બોલાવે ત્યારે સૌને પોતાનું સ્વરક્ષણ આવડવું જોઈએ અને બંદુક ચલાવવા આવડવું જોઈએ જેથી તે દેશની રક્ષા કરી શકે. 

- ત્યાં સ્વયંશિસ્ત જબરું છે તેના નાનામાં નાના બાળકમાં આ સંસ્કાર રૂપે રોપવામાં આવે છે. તેઓ ત્યાં ફરવા ગયા હતા. ત્યાંના એક મીત્રનો દીકરો છે. તે હજુ ખુબ નાનો હતો. તે તેની સાથે જમવા ગયો અને બુફે હતું તો તેણે ભૂલથી પાસ્તા લઈ લીધા પછી ટેબલ પર આવીને તેનું મોઢું બગડી ગયું, મંદારભાઈએ કારણ પૂછ્યું તો કહે એ ફેકાય પણ નહીં અને પડતું પણ ન મૂકાય. તો તેનું કારણ પણ પૂછ્યું તો પેલો છોકરો કહે મમ્મી મારે... મંદારભાઈએ કહ્યું કે આ જ ફર્ક છે તમારા અને અમારામાં.

- એ જ છોકરો ઘરે જઈને પોતાના બૂટ , મોજા જાતે કાઢી અને તેના ખાનામાં ગોઠવે છે. મંદારભાઈ ફરી પૂછે છે કે તારી રીતે તું બધું કરી લે. તો તેણે કહ્યું. મારે બધું જાતે જ કરવાનું મમ્મી મદદ ન કરે. તે શીખવે. 

- ફિનલેન્ડના એ બાળકને ગીટારનો શોખ હતો. તે એક ખૂણામાં બેસીને ગીટાર વગાડતો હતો. ઘરનું કોઈ વ્યક્તિ એને ડિસ્ટર્બ કરતું ન હતું. એએનો શોખ અને તેની લગનથી તલ્લીન થઈને સંગીત શીખી રહ્યો હતો. 

- ફિનલેન્ડમાં 18 વર્ષ પહેલા અને 60 વર્ષ પછી ત્યાંના લોકોને સરકાર સાચવે છે. 

- ફિનલેન્ડમાં તમે જેટલો ટેક્સ ભરો એટલી તમને સવલતો મળે. તમે ટેક્સના જે સ્લેબમાં આવો એ સ્લેબની ફ્રી યોજનાઓનો લાભ તમને મળે. 

-તેની એક નેગેટીવ બાબત પણ છે કે ત્યાં આત્મહત્યા વધુ થાય છે. તેનું કારણ એવું છે કે બાળક મોટો થાય એટલે તેની રીતે રહેવા લાગે, બિઝનેસ કરે તો એમાં ખોટ જાય તો માતા-પિતા તેને આર્થિક કે માનસિક સધિયારો આપવા ઉભા નથી હોતા. કોઈ ટેકો નથી હોતો. લોકો ત્યાંના લાગણી વગરના છે. પ્રોફેશનલ છે. હવે માનસિક કે આર્થિક બોઝ સહન ન કરી શકે એટલે મૃત્યુને પસંદ કરી લે. તેને લાંબાગાળાના રિલેશન નથી હોતા. 

- મેં અહીં ક્યાંય કોઈ સરખામણી નથી કરી. તુલના કરતા કરતા જ અમે વાતો કરેલી પણ મને થયું કે સૌના સારા નરસા પાસા હોય જ છે. તેનું શ્રેષ્ઠ જ આપણે લેવાનું હોય. અને આ અભ્યાસ લેખ પણ નથી પરંતું માત્ર ઝલક છે કે આ વાતો સાંભળીને મને પણ કાંઈક નવું મળ્યું તો વાંચનાર જાણનારા સૌને મળે... એ લોકો પાસેથી સ્વયંશિસ્ત મંદારભાઈ શીખીને આવે છે તો વળી આપણા મંદારભાઈ તેમને લાગણી શીખવીને આવે છે. સંબંધોમાં ન માનનારા લોકો સાથે નાતો બાંધીને આવે છે. તે જેમના ઘરે ગયા હતા તેના પત્ની સાથે મા-દિકરાનો સંબંધ સ્થાપીને આવે છે અને ત્યાંની કંપનીના એક કર્મચારીને શીખવીને આવે છે કે તું અઠવાડિયામાં બે વાર માતા-પિતાને મળ. અને ત્રણ વર્ષ પછી પેલો કર્મચારી મંદારભાઈને મેસેજ કરે છે કે હું ખૂબ આર્થિક અને માનસિક સંકડામણમાં હોવા છતાં તે કહેલું તેમ અઠવાડિયામાં બે વાર મા-બાપને મળવાથી સંકટો સામે લડીને પાર થવાની શક્તિ મને મળી છે. 

આ બધી બાબતો તો માત્ર ટ્રેલર છે દોસ્તો, પણ પિક્ચર તો મંદારભાઈ પાસે છે. તે વ્યક્તિ ફિનલેન્ડ પર એક પુસ્તક લખી શકે એટલી વિગત તેમની પાસે છે. આશા રાખીએ કે તેઓ પુસ્તક લખે અને એક સમયે ઈઝરાયલ પાછળ પાગલ થઈને સરકારે ખેતીમાં નવા પ્રયોગો કર્યા અને સારું પરિણામ આવ્યું તેમ તંત્ર ફિનલેન્ડની વ્યવસ્થા અને ઝીરોટકા ક્રાઈમ અને ઝીરો ટકા કરપ્સન વાળા દેશની વ્યવસ્થા જોઈ અને શિક્ષણમાં વિશ્વમાં પ્રથમ પાસેથી શિક્ષણનીતિ શીખે, સમજે તેવું કાંઈક સરકારે કરવું જોઈએ. તંત્રએ એવી વ્યવસ્થા કરવી જોઈએ કે જે ક્ષેત્રમાં ગ્રાસરૂટમાં કંઈ પણ કોઈ સારું કરતું હોય તો તેમને આવા પ્રવાસોની તક આપવી જોઈએ જેથી કરનાર માણસ એપ્લાઈ કરી શકે. અધિકારીઓ કે નેતાઓના પ્રવાસથી કદાચ ફાયદો થતો હશે પણ આ સીધો જ ફાયદો નાના માણસને ત્યાં રૂબરૂ કરાવવાથી થઈ શકે એવું મને લાગે છે. પુસ્તકમાં હોય કે મારા જેવા અહીં બેઠા બેઠા પણ ફિનલેન્ડ વિશે જાણી શકે એવું મંદારભાઈ લખે. મંદારભાઈનો ટોન નાટ્યાત્મક છે. જો એ જ ટોનમાં તેનું પુસ્તક આવે તો તમને એમ થાય કે તમારી સામે આખું દૃશ્ય ખડું થાય. આશા રાખીએ કે એમનું પુસ્તક આવે. 
આપણે આપણી સંસ્કૃતિને સાચવીને વિદેશોમાંથી જે સારું છે તે લાવવું જોઈએ અને તો જ આપણી ગતિ સાતત્યપૂર્ણ વિકાસ તરફ જશે. આપણે ત્યાં પાયાનું કામ જ કરવાનું બાકી છે. 

આપની જાણ સારું કે અમેરિકાએ ફિનલેન્ડની શૈક્ષણિક પ્રગતિ જોઈને પોતાના શિક્ષકોને ત્યાં મોકલ્યા અને પોતાની શિક્ષણ પદ્ધતિ સુધારવા તાકીદે પગલા લીધા. અમેરિકા પરમાણુ શસ્ત્રો વાપરી જાણે છે કે નાસા જેવી સંસ્થા બનાવી જાણે છે કે દુનિયાના દાદો દેશ કહેવાય છે છતાં પોતાની શિક્ષણ પદ્ધતિ સુધારવા તે ફિનલેન્ડ જેવા ટચુકડા દેશ આગળ નમવા ગયું તેમાં તે નાનું નથી બન્યું... સોને કી ચિડિયા અમસ્તી નથી ઉડી ગઈ આપણે ભવ્ય ભૂતકાળમાં ફાંફાં મારતા રહ્યા છે. 


અસ્તુ.

તસવીરો  – મંદાર દવે

Advertisements
Posted in આંખના ઈશારે.... | Leave a comment

જિંદગીને સમજવામાં ગળથૂંથીનું કામ કરતા: તેજ લિસોટા

તેજ લિસોટા

ડો. જગદીપ એમ. કાકડિયા

IMG_20171101_204007

અમારા લાડીલા વાચનવીર, સીત્તેરી વટાવી ચૂકેલા એવા ઉકાબાપાએ ફોન કર્યો. હું ટાવરચોકે ગયો અને તે ભાવનગરથી હમણાં ઉતર્યા હતા અને આંબાવડ જવા રવાના થતા હતા તેની વચ્ચે મને જગદીપભાઈની ઓળખાણ આપી અને તેના પુસ્તકની ઓળખાણ આપી. આમ તો ઉકાબાપાના ખંભે રહેતો થેલો અમારા માટે કંઈને કંઈ નવું લઈ આવે. આ વખતે તેજ લિસોટા આપી. જો કે એ પહેલા ચીની બેટી આપેલી તેનાથી અવગત હતો. હવે તેજ લિસોટા મને ઘણી ગમી તેના વિશે આજે વાત કરીએ.

અક્ષરદીપ આંખની હોસ્પિટલ ધરાવતા જગદીપભાઈ ડોક્ટર છે. હૃદયે સર્જક છે, મને કલ્પનાશીલ છે અને મગજે વિદ્વાન છે. તેમની યશદાયી કૃતિ તો મોંઘો માનુષ્ય અવતાર હજુ મેં વાંચી નથી. ત્યારબાદ ચીની બેટી એ ત્રીજું પુસ્તક છે. છેલ્લે વાત થઈ ત્યારે મેં જગદીપ સાહેબને કહેલું કે હું આપને મળવા આવીશ ત્યારે તેમણે કહેલું કે તમે આવશો ત્યાં સુધીમાં ચોથી બુક પણ આવી જશે.

તેજ લીસોટામાં અધ્યાત્મકના, ચમત્કારના, ધર્મના, પ્રેમના, સત્યના, સંસ્કારના, દેશભક્તિના એવા લીસોટા છે કે આપણને પણ આંજી દે અને આપણે અંજાવું જ રહ્યું. આ પુસ્તકના કેટલાક કિસ્સાઓ બાળકના સંસ્કાર ઘડતરની બહુ મોટી મૂડી આપણને આપી જાય છે.

મને હંમેશા એવા જ લેખકોનું વાંચવું ગમે જે મોટી મોટી વાતો લખતા હોય તો પાછા તેવું જીવતા પણ હોવા જોઈએ, જગદીપભાઈ એવા જ એક લેખક છે.

તેજલીસોટા-1 પ્રકરણમાં પ્રમુખ સ્વામીજીને પ્રથમવાર મળ્યાનો પ્રસંગ છે.

તેજલિસોટા-2માં તેના પિતાએ કરાવેલા આકાશદર્શનની વાતો છે.

તપતા સૂર્યનો દેશ – આ પ્રકરણ ખરેખર ઉમદા છે. દેશની જાહેર સંપત્તિને નુક્સાન પહોંચાડવું તે ખરેખર ગુનો છે તેનો પદાર્થપાઠ છે આ. તેમાં બાળલેખક બાળસહજ રીતે એસ.ટી.બસની સીટનું ડન્ડલોપ કાઢી લે છે અને પછી તેનું પ્રાયશ્ચિત તેના પિતા કઈ રીતે કરાવે તેનું વર્ણન છે ત્યારે કહેવત સાચી ઠરે કે કુવામાં હોય તો હવેડામાં આવે અને મોરના ઈંડા ચિતરવા ન પડે.

ઉપરનું પ્રકણ વાંચો એટલે એના પછીનું પ્રકરણ ફ્રી લંચ… લેખકે સૈનિકોને શા માટે ફ્રી લંચ અપાવ્યું તેના સંસ્કાર ઝીલાતા દેખાશે.

વોક એન એકસ્ટ્રા માઈલ ખરેખર મોટિવેશનલ સ્ટોરી છે. આપણે આપણા જીવનમાં ધ્યેયપ્રાપ્તિ કે વધુ કંઈક પ્રાપ્ત કરવા કંઈક વધુ આપવું પણ જોઈએ.

પ્રાણમાં પ્રાણ ફૂંકાયો એ પ્રકણ પ્રમુખ સ્વામી પરની શ્રદ્ધા ચમત્કારમાં કઈ રીતે પરિણમે છે તેની આપણને પણ પ્રતિતિ કરાવે છે. ઉર્દુમાં કહેવાયું છે કે ફાનુસ બનકર જીનકી હિફાઝત વો કરે વો શમ્મા કૈસે બુઝે જીસે રોશન ખુદા કરે. આમ એક દર્દીના પ્રાણ ઓપરેશન થિયેટરમાં જતા જતા પાછા આવ્યા તેમાં ઈશ્વર સીધો નથી આવતો પણ ફકિરો, ફરિશ્તાઓ, સાધુ, સંન્યાસીઓ, સંતો એવા વ્યક્તિઓ છે જે આપણને હંમેશા હિફાઝતમાં રાખે છે.

અહીં પાસવર્ડ, સેન્ડવિચ, પેલેટ ગન, Rx, ફોરસેપ્સ, નોસ્ટાલ્જિયા, માઈક્રો ફિક્શન સ્ટોરીઝ, સાત સામેલિયા થવું, વગેરેનો ઈતિહાસ પણ કથા રૂપે કહેવાયો છે જેથી આપણને ઘણું જાણવા મળે છે. તો વળી સ્વનામ ધન્ય જેવા પ્રકરણો તો શિક્ષકને પણ ભણાવવાની પદ્ધતિ શીખવી જાય છે.

એમાંય કાર ફૂલ્લ સ્પીડમાં ચલાવોને… એ પ્રકરણ તો મા-બાપોએ ખાસ વાંચવું જોઈએ હું એના વીશે કંઈ નહીં કહું કારણ કે એ તમે વાંચશો તો જ સમજાશે. જેના સંતાનો ધો.10-12માં છે કે હવે ધો. 10-12માં આવશે એવોએ આ પ્રકરણ ખાસ વાંચવું. જે માતા-પિતા બાળકને ગુજરાતી કે અંગ્રેજી માધ્યમમાં ભણાવવા માટે વિચારતા હોય એવો એ પણ આ વાંચવું. અને જે મા-બાપ તેના સંતાનના ભણતર માટે પોતે પણ ચિંતા કરતા હોય અને સંતાનોને પણ સ્ટ્રેશમાં રાખતા હોય એવોએ પણ ખાસ વાંચવું.

કડવી ગોળી, આંતરડી કકળાવો મા…, સરસ્વતી વંદના, બિંદુમાં સિંધુ, એક બૂટ, અને પ્રમુખ સ્વામીની વાતો… આ બધા પ્રકરણો લેખકના અંગત જીવનમાં મળી જતા સ્વજનો અને સજ્જનો જેવા લોકોમાંથી જીવનનો પદાર્થપાઠ જે એમને મળ્યો છે તે આ પ્રકરણો થકી આપણને પણ મળે છે.

તમારા સંતાનોમાં સંસ્કારનો વારસો મુકવા માંગતા હો તો બીજા ઘણાં પુસ્તકો સાથે આ પુસ્તકોનું નામ પણ હું યાદીમાં મૂકવા કહીશ. આવા પુસ્તકો જિંદગીને સમજવામાં ગળથૂંથીનું કામ કરતા હોય છે.

Posted in આંખના ઈશારે.... | Leave a comment

પ્રેરણા રૂપ સીતા આવી જ જોઈએ…

સીતાઃ મિથિલાની વીરાંગના 

– અમીશ ત્રિપાઠી

સીતાઃ મિથિલાની વીરાંગના એ રામચંદ્રશ્રેણીનો બીજો ભાગ છે પ્રથમ ભાગ ઈક્ષવાકુના વંશજ હતો.

અમીશ શિવની શ્રેણીમાં ગણરાજ્યોની વાત કરી અને તેને શિવજી સાથે જોડી. અહીં એ ગણરાજ્યોના વેપાર અને વ્યવહારની વાતને તેણે રામ અને સીતા સાથે જોડી છે.
dhoomkharidi.com માંથી મારી બુક આવી એ પછી અઠવાડિયું માત્ર પડી રહી અને પછી વેકેશનમાં હાથમાં લીધી તો ચાર દીવસે કટકે કટકે પૂરી થઈ. પણ રસપ્રદ રહી. તેનો ભાવાનુવાદ ચિરાગ ઠક્કરે કર્યો છે. મૂળ અંગ્રેજીમાં હું કૃતિનો રસાસ્વાદ નથી લઈ શકતો તેથી હું મારી માતૃભાષામાં અનુવાદિત કૃતિ વધારે લેવાનું પસંદ કરું છું. ચાલો, તો થોડીવાતો આ પુસ્તક બાબતે...
અમીશનું સર્જન મને ગમવાનું એક માત્ર કારણ હોય તો એ છે કે પુરાણ અને ઈતિહાસને જોડીને હાલની સમસ્યાને વાચા આપી દે છે. સીતાની આગળનો ભાગ ઈક્ષવાકુના વંશજમાં તેમણે નકસલવાદ અને આતંકવાદ અને બળાત્કાર અને નેતૃત્વની વાતો કરી હતી. એ કથા છેલ્લે નેતૃત્વની વાતે આવીને અટકે છે અને તે પુરુષ નેતૃત્વની વાતે આવીને ઉભેલી કથા સ્ત્રી નેતૃત્વથી સીતાઃ મિથિલાની વિરાંગનામાં શરૂ થાય છે.

આ નવલકથાનું સાહિત્યિક કે વિવેચન મૂલ્ય કદાચ ન પણ હોય. પણ આને સર્જન તો કહેવું જ રહ્યું. આજના સંદર્ભે ભારત વિશે જે વાતો યુવાનોમાં મૂકવી જોઈએ એ કામ અમીશ કરી રહ્યો છે. અમીશ એ પેઢી માટેનો લેખક છે કે જેને દાદા-દાદીની વાર્તાઓ સાંભળવાનો સમય કે તક નથી મળી.

આપણા ભગવાનોને આપણે એક શક્તિના રૂપમાં જોવા જ પડશે. તેને કરેલા ફેરફારો કે તે કરવા ધારતા ફેરફારોને નવી પેઢીમાં રોપવા પડશે. વિચારો જ ક્રાંતિ કરી શકે છે.

સીતાના જન્મથી લઈને રામ અને સીતાના લગ્ન અને વનવાસ સુધીની વાત છે. વાયુપુત્રો અને મલયપુત્રોનો ગજગ્રાહ અને બીજી બાજુ રાવણ ધીમે ધીમે વધારતો જતો પોતાનો વેપાર, એ સિંધુસંસ્કૃતિ પર તોળાતું સંકટ બને છે. તેની સામે મોટા નેતૃત્વને મૂકવાની વાત થઈ રહી છે. ત્યારે ફરી ભારતમાં એ જ કડાકુટ કે મલયપુત્રો પોતાના નેતાને મૂકવા માંગે છે ને વાયુપુત્રો પોતાને, કોઈ સમન્વય કરવા નથી ઈચ્છતા. સીતા રામને પરણીને એ સમન્વય સાધવાનો રસ્તો બનાવે છે અને એ એકતા જ કદાચ ભારતને રાવણથી બચાવી શકે.


કથા જાનીપહેચાની નથી. માત્ર પાત્રોના નામ જ જાણ્યામાણ્યા લાગે એવા છે. ઘણું ઈતિહાસનું સંશોધન, થોડો માયથિકલ ટેસ્ટ અને તેમાં કલ્પનાનો કિમામ ઉમેરીને જક્કાસ બનાવ્યું છે આખું ચિત્ર...

ઘણાં કારણો, ઘણાં પ્રશ્નો ઘણી વાતોના ઉત્તર આપણને મળી જાય છે. આવી સંશોધનાત્મક અને વિચારપ્રધાન નવલકથા આપણે ત્યાં ઓછી લખાય છે. હજુ ગુજરાતી સાહિત્યકારો પ્રેમલા પ્રેમલી કે થ્રિલર રસોઈ બનાવવામાંથી ઊંચા નથી આવ્યા અને હજુ ગુજરાતી વાચકોને એવી જ રસોઈ ભાવે છે. જો કે નવી પેઢીમાં કેટલાક આશાસ્પદ છે જેની ચર્ચા પછી ક્યારેક અત્યારે તો 
સીતા વીશે વાત કરીએ...

સીતાઃ મિથિલાની વીરાંગના... એ વાંચતા વાંચતા મને વિચાર આવ્યો કે આપણી સીતા તો કેવી છે, લવિંગ કેરી લાકડીએ રામ સીતાને મારે તો પણ તે મૂર્જાઈ જાઈ એવી. જ્યારે આ સીતા વીરાંગના છે. આજની સ્ત્રીની પ્રેરણા રૂપ તો આવી સીતા હોવી જોઈએ. જેને લાકડી ચલાવતા આવડે છે, જેને તલવારબાજી આવડે છે. જેને ઘોડા ખેલવતા આવડે છે, જેને રાજ્ય ચલાવતા આવડે છે અને એકલે હાથે રાવણના ગુંડાઓ સાથે લડી પડે એવી વીરાંગના સીતા. મારા ભારતની ધાર્મિક પ્રજાનો આદર્શ આવી જ સીતા હશે. કદાચ આવી જ સીતા હશે પણ આપણા સૌંદર્યપ્રેમી સાહિત્યકારોએ જ સીતાને કોમળ બનાવી દીધી અને તેના આદર્શે ભારતની બધી સ્ત્રીને કોમળ બનાવી દીધી. એ પતિવ્રતા એ અર્થમાં હતી કે તે પતિ સાથે લડાઈમાં પણ ખંભે ખંભા મેળવીને ધરતી ધ્રુજાવી શકે ખરા અર્થમાં સહધર્મચારીણી નહીં કે ઘરમાં પડીને પતિની માથે પડે...

આજે પણ એવો સમાજ છે જે પોતાના દીકરાની વહુ કે ઘરની દીકરી કમાવવા જાય તો જીભ કાઢે ને નાકનું ટેરવું ઊંચું કરી જાય કે સ્ત્રીઓની પ્રગતિ જોઈને અસહકારી સમાજ ઉભો થાય... એવા ઓએ આ વીરાંગના સીતાના જીવનમાંથી ધડો લેવા જેવો છે.

વિશેષ તો તમને આ પુસ્તક કહેશે... અહીં તેમાંથી ગમેલા કેટલાક વાક્યોના દાણા વેરું છું...

- ઘણાં લોકો એટલા ચતુર નથી હોતા કે જીવનના આશીર્વાદ ઓળખી શકે. તેના બદલે તેમનું ધ્યાન આ દુનિયામાં તેમને જે નથી મળ્યું તેની પર જ કેન્દ્રિત હોય છે.

- આપણે ન ટાળી શકીએ એવી વસ્તુઓ માટે તૈયાર રહેવું સારું.

- જીવનમાં અમુક વસ્તુઓ જાણવા માટે અમુક આયુ હોય છે. તમારે તેના માટે સજ્જ થવું પડે છે.

- પેટ ખાલી હોય ત્યારે પણ પોતાનું ચારિત્ર્ય મક્કમ રાખવાની ક્ષમતા બધામાં નથી હોતી.

- ઘણીવાર નિર્ધનોમાં ધનવાન કરતાં વધારે ઉમદા ગુણો હોય છે.

- ધ્યેય નક્કી કરવા માટે તમારે તમારું હૃદય વાપરવાનું, પણ એ ધ્યેય સુધી જવાનું આયોજન કરવા માટે તારે તારા મસ્તિષ્કનો ઉપયોગ કરવો પડશે.

- તમારે મુક્ત વિચારધારા તો અવશ્ય અપનાવવી પડશે. કારણ કે એ વિચારધારા જ ભારતીય છે. પણ આંધળા અને મૂર્ખ બનીને મુક્ત વિચારધારા અપનાવાની આવશ્યકતા નથી.

- મોટાભાગના લોકો સમાજ અને કુટુંબના દબાણ સામે નમી જાય છે. જોકે તેના કારણે તેમનામાં ભયંકર નિરાશા ઉત્પન્ન થાય છે. એવા લોકો સુખી નથી રહી શકતા, ક્રોધમાં જ રહે છે, અને અસમતુલિત અને અસંતુષ્ટ જીવન જીવતા જાય છે. ઉપરાંત સમાજને પણ તેના કારણે સહન કરવું પડે છે. સમાજને એવો ક્ષત્રિય મળે છે જેનામાં શૌર્ય નથી અને જે સમાજનું રક્ષણ કરી શકે એમ નથી. એ સમાજને એવો બ્રાહ્મણ મળે છે જેનામાં વૈદ્ય કે મૂર્તિકાર સ્વરૂપે કૌશલ્યપૂર્ણ શૂદ્ર બનાવાની અભિરૂચિ છે. માટે એવો બ્રાહ્મણ બહુ ખરાબ શિક્ષક બની રહેશે. છેવટે, એ સમાજને અધોગતિની દિશામાં લઈ જશે.

- પીડાકારક સ્મૃતિઓને વળગી રહેવું નિરર્થક છે.

- સમસ્યાઓ અને પડકારોનો કદી અંત આવવાનો નથી, તે તો આ જીવનનો હિસ્સો છે.

- ભાગી છૂટવાથી કદી ઉકેલ મળતો નથી. તમારી સમસ્યાઓનો સામનો કરો. તેના ઉકેલ શોધો. એ જ છે એક યોદ્ધાની રીત.

- પાછળ જોઈશ નહીં. ભવિષ્ય સામે જો. તારા ભવિષ્યનું ઘડતર કર. ભૂતકાળનો શોક કરવાની આવશ્યકતા નથી.

- માણસનો સૌથી ભયાનક શત્રુ એ જ બની શકે જે ક્યારેક તેનો શ્રેષ્ઠ મિત્ર રહી ચૂક્યો હોય.

- પરિવર્તનથી અસંતોષતો જન્મે જ.

- અશ્રુઓ છુપાવવા માટે જ હોય છે.

- મહાનતા બહુ મોટી અંગત પીડાના ભોગે જ આવે છે.

- સૌ પ્રથમ તો, તે એક આવશ્યકતા નથી. લગ્ન કરવા કોઈ માટે ફરજિયાત ન હોવાં જોઈએ. અયોગ્ય માણસ સાથે પરણી જવાથી મોટી દુર્ઘટના અંગત જીવનમાં બની શકે નહિ. તમારે તો જ પરણવું જોઈએ કે જો તમને કોઈ એવું પાત્ર મળે કે જેને તમે ખરેખર પ્રશંસતા હોવ તથા જે તમારા જીવનનું ધ્યેય સમજવામાં અને સિદ્ધ કરવામાં મદદરૂપ બને. અને તમે પણ તે પાત્રના જીવનમાં એ જ ભાગ ભજવી શકો. જો તમે એવું એક પાત્ર મળે, તો તમારે પરણવું જોઈએ.

- માત્ર નેતૃત્વ પૂરું પાડે તે જ આગેવાન ન કહેવાય, તે આદર્શ પણ હોવો જોઈએ. તેણે પોતાના પ્રચાર મુજબ આચરણ પણ રાખવું જ પડે.

- આગેવાન એટલે માત્ર એ વ્યક્તિ નહિ કે જે લોકોને તેમની ઈચ્છા મુજબ જીવન આપે. લોકોએ કલ્પ્યું હોય, તેનાથી પણ વધારે સારા બનવાનું તેમને શીખવે તેને આગેવાન કહેવાય.

- ભારતનો ઉદ્દય થશે, પરંતુ સ્વાર્થી કારણોને લીધે નહીં. તેનો ઉદય ધર્મ માટે થશે...સર્વના ભલા માટે તેનો ઉદ્દય થશે.

- પરિસ્થિતિ એવી છે કે યુવાનો અને યુવતીઓ અંતિમવાદી વિચારધારા ધરાવતા થઈ ગયા છે. બુદ્ધિ છે પરંતુ ચાતુર્ય નથી. નિર્ધનતા છે. હિંસા માટે પ્રેમ છે. એ લો એમ નથી સમજતા કે તેમના સમાજમાં જે સમતોલન ખોરવાયું છે, એ જ બધી સમસ્યાઓનું મૂળ છે. એ લોકો સરળ અને ત્વરિત ઉપાય શોધી રહ્યા છે. અને જે લોકો એમની જેમ નથી વિચારતા એમને તે લોકો ધિક્કારે છે.

- આ અંતિમવાદી વિચારધારાવાળા, શક્તિહીન, હિંસાપ્રેમી યુવાનોને સરળ ઉપાય જોઈએ છે અને તે લોકો નબળા ઉપર આક્રમણ કરે છે. તેના કારણે તેમને મજબૂત અને શક્તિશાળી હોવાનો અનુભવ થાય છે. પુરુષપ્રધાન જીવન શૈલીના વિચારો તેમને વિશેષતઃ આકર્ષક લાગતા હોય છે અને એ વિચારો તેમને દિશાહીન બનાવી દે છે. આમ સમાજમાં અંધાધૂંધી ફેલાય છે.

- નિયમો શક્ય તેટલા ઓછા હોવા જોઈએ, માત્ર એટલા જ કે જેના માળખામાં રહીને માનવજાતની સૃજનાત્મકતા શ્રેષ્ઠરીતે અભિવ્યક્ત થઈ શકે. સ્વાતંત્ર્ય એ જ જીવન જીવવાનો પ્રાકૃતિક માર્ગ છે.

- જીવન એટલે માત્ર આપણી ઈચ્છાઓ જ નહીં, આપણું ઉત્તરદાયિત્વ પણ ખરું. આપણને માત્ર અધિકારો જ નથી મળેલા, આપણે આપણાં કર્તવ્યો પણ પૂરાં કરવાનાં છે.

- ક્યારેય પ્રેમ પામવો જ નહીં એ કરતાં પ્રેમને પામીને ગુમાવી દેવો વધારે સારો.

- આ એવો દેશ છે જ્યાં લોકોને નિયમો અને આયોજનો ગમતાં જ નથી.
Posted in આંખના ઈશારે.... | Tagged | Leave a comment

પોલિટેકનિકઃ પ્રશાસન અને સમાજની આંખ ખોલવાનું સર્જકીય કર્મ

પોલિટેકનિક - વાર્તાસંગ્રહ 


- મહેન્દ્રસિંહ પરમાર

‘કરસનદાસ પે એન્ડ યુઝ’ ફિલ્મ ગુજરાતીમાં આવ્યું. ‘ટોઈલેટ એક પ્રેમકથા’ એ હિન્દીમાં આવનાર છે. આ વચ્ચે શૌચક્રિયાના વિષયને લઈને કોઈ આવું સરસ લખી શકે – આવું કલાત્મક કામ કરી શકે એવી વાતો થવા લાગી છે ત્યારે ગર્વથી કહેવાનું મન થાય કે આ બધા પહેલા અમારા વાર્તાકાર મહેન્દ્રસિંહ પરમાર આ વિષય પર કલાત્મક કામ કરી ગયા છે.

એક તરફ બીજા ગ્રહો પર માનવ વસાહત કરવાની વેતરણમાં પડેલું વિશ્વ છે અને બીજી બાજુ બે નંબર જવા માટેની જગ્યાની વેતરણમાં જિંદગી કાઢી નાખવી પડે તેવી વિટંબણાઓ છે. 

પોલિટેકનિક વાર્તાસંગ્રહમાં કુલ દસ વાર્તાઓ છે. નવી ટેકનિક અને શબ્દોની પોલિસીએ આ વાર્તાસંગ્રહનું અને વાર્તાકારનું નામ ઊંચા સ્થાને મૂકી આપ્યું છે. એક પછી એક વાર્તા વિશે વાત કરીએ...

1. પોલિટેકનિક –

વાર્તા એક કોલેજના પાછલા મેદાનને મળત્યાગ માટે વાપરવામાં આવે છે. તે સમયની આખો દિવસ કામ કરીને કંટાળેલી નાયિકાઓ અને પોલિટેકનિકનું મોકળું મેદાન. એ કોલેજ પછી દિવાલ ચણી લે છે અને પછી પડતી મુશ્કેલીઓ. અલગ અલગ જગ્યાઓ શોધતી ‘બાયું’ અને તેના ઉપાયો – ચુંટણીના પ્રચાર માટે આવેલા નેતાઓ પાસે કરાયેલી માંગણી એક બાજુથી તમને હસાવે અને એક બાજુ સમાજનું વરવું ચિત્ર મૂકીને પ્રશાસન અને સમાજની આંખ ખોલવાનું સર્જકીય કર્મ મહેન્દ્રબાબુની ભાષા કરી રહી છે. 

2. હવે કઈ પોલિટેકનિક?

પોલિટેકનિક કોલેજની દિવાલ ચણી લેવામાં આવે છે પછી પછી તેમાં બાકોરાં પાડીને પણ સમુહશૌચ માટેની ક્રિયા ત્યાં શરૂ રહે છે ત્યાંથી આ વાર્તાનો પ્રારંભ થાય છે. આખરે ત્યાં કલેક્ટર કચેરી બને છે છતાં સ્ત્રીઓની લાચારી કે જાહેર રસ્તામાં શરમને નેવે મૂકીને પણ જાહેર રસ્તા પર બેસવું પડે છે. અને પછી કલેક્ટર સુધી ગયેલી આ સમસ્યા. આખરે શૌચાલયરથ મૂકાઈ છે. પણ એ ઉકેલ તો માત્ર કલેક્ટર કચેરીના ઉદ્દઘાટનમાં પધારતા પદાધિકારી સામે સમસ્યા ન આવે તે માટે હતો. પછી પાછી એની એ દશા. 
બન્ને વાર્તાઓ આપણી સામાજિક વિટંબણાં પ્રસ્તુત કરે છે અને એ સાથે જ પ્રશાસન સામે ભારે કટાક્ષ રજૂ કરે છે. 

3. ઊડણચરકલડી

જીવી નામની નાયિકા એક નાયકને એટલે પરણવા તૈયાર થઈ છે કે વરના ઘરે શૌચાલય છે. પછી એના પિયર આંટો મારવા પણ તૈયાર નથી થતી કે નથી કો લગ્ન-પ્રસંગે આવતી સૌને તેના પતિ પ્રત્યે પ્રેમ લાગે છે પણ આ પ્રેમ તો છે ટોઈલેટ સાથેનો. આવા નાજુક વિષયને પ્રાદેશિક બોલી અને પ્રાદેશિક રિવાજો સાથે વણી લઈને કલાત્મકતા બક્ષી છે. 

4. ઈન્ટેલેક્ચુઅલ ઈન્દુભાઈ

મને ગમેલી અદ્દભૂત વાર્તા. ગમી એટલે કે તેમાં ઈન્દુભાઈ ખૂબ વિદ્વાન – જ્ઞાની વ્યક્તિ છે. પ્રોફેસર છે. કોમી રમખાણો એની નજર સામે જૂએ છે તો તેને એમ થાય કે ગાંધી, સાર્ત્ર, રિલ્કે, લૂઈ પાશ્વર આ બધાની ફિલસૂફી ભણાવેલી એ ક્યાં જાય છે? કેમ આટલી માનવતા નેવે મૂકાઈ જાય છે. ગોધરાનો હત્યાકાંડ આ રીતે પણ કહેવાતા ‘બુદ્ધિશાળી’ ઓ પર ભારે પાડી શકાય તેવી દૃષ્ટિ સમાજને સતર્ક કરતા સર્જકમાં જ હોય. આખરે ઈન્દુભાઈના સ્મૃતિભ્રમના વિલાપો આપણને પણ કહેવડાવે છે કે કેમ કશું થઈ શકતું નથી. કાયમી ઉકેલ કોની પાસે?

5. ઈસ કી મા કા સુંદરજી

આર્મીની ભરતી અને અંદરના અરમાનો વચ્ચે વલવલતો એક બેકાર યુવાનની વાત પણ એટલી જ સિફતાઈથી આલેખવામાં આવી છે. આર્મીની ભરતીમાં આચરાતી અમુક પરંપરાઓ જેમને તેના સંદર્ભનો ખ્યાલ હોય તેમને પેટપકડીને હસાવે છે અને એટલો જ સામો કટાક્ષ પણ જોવા મળે છે. 

6. આઈ.એસ.આઈ.નો હાથ

ધર્મના નામે ઉભા થતાં ધંધાને આડેહાથ ઉપાડ્યા છે આ સર્જકે. કોઈ લાચારની રોજીરોટી પર એક ધાર્મિક સંસ્થા આડકતરો પ્રહાર કરે છે એ ક્યારેય જોવાતું નથી. મંદિરમાં સહાયના નામે પસ્તીઓ ભેગી કરવાથી પસ્તીભેગી કરીને વેચીને પૂરું કરનારાની રોજીરોટી સામે સમસ્યા સર્જાઈ છે. સસ્તા ભોજનના રસોડા ચાલે છે તેથી ટીફિન પર ઘરનું ગુજરાન ચલાવનારા પર આર્થિક તવાઈ આવે છે. એક પ્રોફેસર જે જગ્યાએ મંદિર છે ત્યાં કોલેજની જગ્યા ફાળવાયેલી તેથી ઘૂંઘવાઈ ઊઠે છે. ધરમ જે રીતે ગમે તેવા રોજકારણી, ગૂંડા કે કર્મચારીઓની પૂંછડી પટપટાવા મજબૂર કરે છે તેના પર જબરો કટાક્ષ ફેલાયેલો છે. આ વાર્તા તો વાંચે જ છૂટકો. 

7. સાહેબની શોકસભા 

આ વાર્તામાં અખિલેશ નામે પાત્રના મનોભાવો વર્ણવાયા છે. રચનારીતિ જાણીતી છે અને સાહેબના બે વિદ્યાર્થીને એકમેક પ્રત્યે ચડસાચડસી હોય એવી સામાન્ય ઘટનાને મનોભાવો દ્વારા વાર્તાનું સ્વરૂપ વપરાયું છે. 

8. શીર્ષકઃ હજી નક્કી નથી.

નવી જ રીતભાત લઈને આ વાર્તા આવે છે. એક સભામાં થતી વાર્તારીતિની વાતો દ્વારા જ આખી વાર્તા કહેવાઈ જાય? સો ક્યુટ... મહેન્દ્રબાબુની આવી છલના જ આકર્ષી લે છે અમને. એમાં કહેવાતી વાર્તા પણ કેટલી રોચક અને નવા વિષય સાથે. કથાનાયક કરતા વધુ તો આપણેને રમ્યગુંચ ઊભી કરે એવી વાર્તા... કદાચ આને જ બ્રહ્માનંદ સહોદર આનંદ પ્રાપ્ત થાય એવું કહેતા હશે. પિતાની ડેડબોડી પુત્રના મેડિકલ એક્સામ્પલ તરીકે આવે અને જે મનોભાવો રચાય તે કદાચ આઉટસાઈડરને પણ બાજુ પર મૂકી દે. અરે આવનારા સમાજમાં ઊભી થનારી આઉટસાઈડરનેસ ક્યાં જઈને ઊભી રહેશે... એમાંય જે નાયકની પ્રેયસી મજાકમાં ને મજાકમાં જે કૃત્ય કરી બેસે છે ત્યારે વાર્તાકારે નક્કી કરેલી આ રીત જ શ્રેયકર રહેત, નહીં તો આ વર્ણનોમાંથી કલાત્મક રીતે પસાર થવું કદાચ લેખકના હાથમાંથી પણ દોર સરકાવી જાત. શું કહેવું? કોઈ કથાકાર આવો પણ ગુજરાતીમાં લખી શકે અને કથનરીતિ અને કથાનક બને સલામ માગી લે. 

9. એમ. પી. અજમેરા

મારા જીવનમાં જોયેલી કેટલીક ઘટનાઓનેવાર્તામાં આ રીતે ઉચ્ચાઈ પર મૂકી શકાય તે મહેન્દ્રબાબુ જ આપણને સમજાવી શકે એ પણ થોકબંધ થિસિસ લખીને નહીં પણ વાર્તાના સચોટ ઊંડાણ દ્વારા. એક શિક્ષક તેને ખરેખર તો ભણાવવામાં જ રસ હોય છે, પણ ચુંટણીનો ઓર્ડર નીકળે ને એ પ્રિસાઈન્ડિંગ હોય ને પછી કાગળિયાં રેઢા ન મૂકી શકવાના કારણે જે વલોવાય છે. શૌચક્રિયા પણ વ્યવસ્થિત કરી શકતો નથી આવી દશા સર્જાય છે અને બીજી વખત ચુંટણીના કર્મચારી બનવામાંથી છટકવા માટે પોતે જ ઉમેદવારનું ફોર્મ ભરે છે. આ વાર્તા સાથે મારું કેથાર્સિસ જોડાયેલું છે. અનુભવનું નહીં પણ જોયેલાનું ખરું મારા પિતા પણ શિક્ષક અને હું પણ શિક્ષક. હું જોતો આવું છું કે આઝાદીના આટલા વર્ષે પણ ચુંટણી વખતે શિક્ષકોની દશા શેરીના કૂતરા કરતા પણ બદતર કરી નાખે છે તમામ સરકારો. આને તો પાઠભણાવવા માટે બધાએ અજમેરાની જેમ એક સાથે દસહજાર ડિપોઝીટના જાતા કરી ઉમેદવાર તરીકે ઉભું રહેવાય પછી પ્રશાસન શું કરે? જાગૃત કરે તે જ સર્જક.

10. પોસ્ટકાર્ડ જેટલી (જ) વાર્તા?...

પોસ્કાર્ડની પેઢી અને ઈ-મેઈલ – બ્લોગની પેઢીને સાથે કરીને રચનારીતિ પણ એના જેવી આલેખી છે. પણ રચનારીતિમાં જમાવટ થતી નથી. વળી પોસ્ટકાર્ડને સ્કેન કરીને જ સીધા મૂકવામાં આવ્યા છે એટલે વાર્તાપ્રસ્તુતિમાં નાવિન્ય ચોક્કસ છે. પણ અદ્દભૂત ન લાગી. 


વાર્તાઓ વાંચીને મહેન્દ્રસિંહજીને પત્ર – ફોન કે કોઈપણ કોમ્યુનિકેશનના સાધન દ્વારા વાત કરવાની જે ઈચ્છા થઈ તે અહીં પત્ર દ્વારા જ કહેવાનું મન થાય છે. 

પ્રિય, મહેન્દ્રબાબુ,

(માફ કરશો. મહેન્દ્રસિંહ પરમાર જેવું જાજરમાન નામની સામે મહેન્દ્રબાબુ કહું છું તે આપને ખુંચતું હશે પણ લાડ કરવા ખાતર લખ્યું છે.)

યારરરર. આપની વાર્તા પણ બાકી ગુજરાતી વાર્તાનું તળ ભેદી નાખે છે અને અમારું હૈયું. ઘણીવાર મેં ચર્ચામાં મારા દોસ્તોને કહ્યું છે કે ખત્રી પછી બધી જ વાર્તા વાંચવાનું મન થાય એવો વાર્તાકાર મને નથી મળ્યો. પણ મળ્યા, નામે મહેન્દ્રસિંહ પરમાર. મિત્ર અજય સોની સાથે જ્યારે જ્યારે ચર્ચા થાય ત્યારે એ વાત આવે જ કે ભાવનગરનું પાણી વાર્તાકલામાં નોખીભાતનું જ છે. તમે અમને જાણે નિરાંતે બેઠીને વાર્તા કહેતા કેમ હોવ! એવી રચના થતી જોવા મળે છે. અજમેરાવાળી, શીર્ષક નક્કી નથી વાળી અને ઈન્ટેલએક્ચ્યુઅલ ઈન્દુભાઈ આ ત્રણ વાર્તાઓએ તો મોહીલીધો છે. મને હંમેશા એમ લાગ્યું છે કે ટેક્નિક મહત્વની નથી, નોખો-અનોખો વાર્તાપ્લોટ આપને મળે પછી એ વાર્તા જ તમને નવી ટેક્નિક આપશે. આ વાત સાથે મહેન્દ્રબાબુ આપ સહમત ખરા? 

મારા બ્લોગ પર હમણાં હું સતત ધ્રુવ ભટ્ટની સિરિઝ વાંચું છું તો એમના વિશે લખું છું અને મને ધ્રુવ ભટ્ટનું સર્જન જે કારણે ગમ્યું છે એ જ કારણ આપના સર્જન માટે છે કે મને એવો સર્જક ગમે જે જીવાતા જીવનની વિટંબણા અને સંવેદનાને સ્થાન આપે અને સામાજિક રીતે આપણને જાગૃત કરે – સતર્ક કરે. 

આપે પ્રસ્તાવનામાં લખ્યું છે કે - ... પછી પ્રગટ થતી વાર્તાઓ વિશે લખનારને મળવો ઘટતો ભાવક-પ્રતિભાવ આટલો વિલંબિત કે નિલંબિત કેમ? ‘ફેસબુક’ કે અન્ય માધ્યમોમાં નવલેખકોને મળતા તત્કાળ પ્રતિભાવને જોઈને ઈર્ષ્યા થાય – પણ એમાં કૃતિ તરતી કરવાનું મન ન થાય! - આ સ્વરમાં મારો અવાજ પણ ભેળવું. એક એક વસ્તુને તાગીતાગીને જોનારા આપ અને ધ્રુવદાદાને આમ નાણું પ્રમાણું ત્યારે સાલ્લું થાય કે આ શું કરું છું? પણ હું તો પરિચય માત્ર લખું છું. મારા મનનો ઉત્સાહ વ્યક્ત કરું છું – ગમતાનો ગુલાલ કરું છું. આપે અઢાર અક્ષૌહિણી મારી વાર્તા સુ.જો.સા.ફો.માં મે અનૌપચારિક બેઠકમાં રજૂ કરી અને આપ પોસ્ટકાર્ડ પર વાર્તા લખી રહ્યા હતા ત્યારે વાર્તા લખતા લખતા આપ અન્યો સાથે વાત પણ કરતા હતા અને એમાંથી મારી વાર્તા પૂરી થતાં આપે બે વાક્યો જ કહેલા પણ એ ગમેલા અને મારી સ્મૃતિમાં આજ સુધી ધરબાયેલાં છે. આપની વાર્તા કલા માટે તો હું કાયલ રહ્યો જ છું. ક્યારેક અંદરથી ઈચ્છા પણ થાય કે ચાલો ને બંડલ ભરીને મોકલું મારી વાર્તા ને એ મને એમાંથી વાર્તાકલાના પથપર લઈ જાય. ક્યારેક એવું ય થાય કે હું રજૂ કરું વાર્તા આપની સામે અને મને કહેતા જાવો આ બરાબર છે આ બરાબર નથી... ક્યારેક એવું પણ થાય કે આપ અહીં આવો ને ફળિયામાં આપ આપની વાર્તા કહો અને પછી તેની ચર્ચા થાય... પણ નથી થતું આવું કાંઈ... લગભગ આપની વ્યસ્તતા હોય એવું સમજીને પણ દૂર રહું છું. ક્યારેક કોઈ કિનારે આપણે મળીશું ત્યારે વાત... આ વાંચતો હતો ત્યારે જ ધ્યાને આવ્યું કે આપનો બીજો વાર્તા સંગ્રહ પણ બહાર પડ્યો છે, એ પણ વાંચીશું અને આમ જ બ્લોગ પર બબડીને શાંત થઈ જઈશું. એકલવ્યતા મને રાસ આવી ગઈ છે. આપની વાર્તાઓમાંથી શીખ્યો છું. એ માટે પણ વંદન. ચાલો મળીએ ત્યારે...

(સામાન્ય રીતે હું પ્રકાશક નથી લખતો કારણ કે આ જાહેરાત નથી પરંતુ આ વાર્તા સંગ્રહ તો કોઈને મન થાય તો ખાસ ભાવનગર - લટૂર પ્રકાશનમાંથી મંગાવીને વાંચજો. હવે લટૂરના નામ નંબર મેળવી લેજો.)
Posted in આંખના ઈશારે.... | 3 Comments

પ્રતિશ્રુતિ વાંચીને… બીજા જન્મે ભીષ્મ થવા ઈચ્છું.

પ્રતિશ્રુતિ

- ધ્રુવ ભટ્ટ

બીજો જન્મ લેવાનું મારી ઈચ્છા પર ઈશ્વર છોડે તો હું ભીષ્મ બનવાનું પસંદ કરું. ધ્રુવ ભટ્ટની – પ્રતિશ્રુતિ – સાંભળ્યા પછી થયું કાશ હું ભીષ્મ હોત... 
એકંદરે બધા જ ભીષ્મ જેવી પ્રતિજ્ઞા નૂંમા રૂઢિઓ અને સામાજિક બંધનોના ગુલામ હોય છે. પણ ભીષ્મની વાત અલગ છે. ભીષ્મએ પ્રતિજ્ઞા નહોંતી પાળી પણ પીડા પાળી હતી. 

સાત વસુઓના અંશને એક કરીને શાંતનુ અને ગંગાનું આઠમું સંતાન એટલે દેવવ્રત. અહીં લેખકે તેના બાળપણનું આલેખન કરીને આ કથા એક ઊંચાઈ પકડે છે. ભીષ્મની એક વયોવૃદ્ધ તરીકેની જ કલ્પના આપણને જોવા મળે છે. પણ તેનું સામાન્ય જન જેવું બાળપણ પણ હોય તેની કલ્પના જ રોચક હોય. આર્યાવર્તના અજેય, અજોડ એવા શસ્ત્ર અને શાસ્ત્રના જ્ઞાતા તરીકે પ્રખ્યાત બનેલાનું બાળપણ કલ્પવું જ ચમત્કૃતિ છે. 


બાળપણની કલ્પના અને ભીષ્ણની પીડાના અંગત મનોભાવો અને વચ્ચે વચ્ચે ઝળકતી જતી સર્જકીય ઉક્તિઓ આ ત્રણ બાબત ન હોત તો આ ‘અગ્નિકન્યા’ જેવી જ બની જાત. પણ પુરાકલ્પનની દૃષ્ટિએ તો એ જ મહાભારતની ઘટનાઓ ધડાધડ ઉતરતી જાય છે. એક સિરિયલની જેમ જ. પણ ઉપરોક્ત સંદર્ભની વાત કરી એમ કે તેમાં ભીષ્મના મનોભાવોનું વર્ણન, તેના બાળપણનું વર્ણન મેદાન મારી જાય છે. 


બ્રાઝીલિયન લેખક પોલો કોએલો જે કારણે મને ગમે છે એ જ કારણ ધ્રુવ ભટ્ટ ગમવાનું છે. વચ્ચે વચ્ચે કોઈપણ પાત્ર કે પરિસ્થિતિને મુખે એવા જિવનરહસ્યનું કે જિવનરસનું ઉદ્દઘાટન કરે કે આપણે ત્યાં ઘડીબેઘડી ઠહેરવું જ રહ્યું. 


એવા જ કેટલાક જિવનરસ અને રહસ્યને ઉદ્દઘાટિત કરવી વાતોને માણીએ...


એ પહેલા થોડું કે... અહીં ભીષ્મ, વસુઓને આપેલા વશિષ્ઠ ઋષિના શાપનું નિવારણ કરવા માટે જન્મે છે અને તેને આ સંસારના, પૃથ્વીના, માનવલોકના કોઈ પણ નીયમો કે લાગણીઓમાં બંધાયા વગર રહીને ફરીથી સ્વર્ગે પધારવાનું છે અને તેથી તે નિર્લેપ રહેવાનો પ્રયત્ન કરે છે. સફળ પણ જાય છે. પરંતુ તેની કેવડી મોટી કિંમત ચૂકવે છે ભીષ્મ અને ગંગા તેનું અહીં આલેખન છે. 


- પૃથ્વી પર જીવન ભલે ચોક્કસ સમય માટે, પરંતુ જીવવા માટે મળે છે, તેને નકારવાનો અધિકાર કોઈ જીવને નથી. 

- માત્ર મનુષ્યો જ, પોતે ઈચ્છે તે કરી શકે તેવી મનની શક્તિ લઈને પૃથ્વી પર આવ્યા છે. 

- નક્કી કરેલા ધ્યેય અને રીતિથી અલગ જીવવું મારા માટે શક્ય નથી. 
 
- અહીં મૃત્યુ મનુષ્યને મારી શકે છે, તેનો નાશ નથી કરી શકતું. ગયેલા દરેકનું કશુંક ને કશુંક, ક્યાંક ને ક્યાંક રહી જાય છે. 

- રાજત્યાગ, સંસારનો નકાર, સંબંધોનો તિરસ્કાર, જીવનનો સ્વીકાર અને ભીષ્ણ પ્રતિજ્ઞાઓ કરવાથી જ જો જન્માંતરો, ઋણો, અનુબંધોથી રહિત થઈ શકાતું હોત તો બધા તેમ કરત. 

- મનુષ્યો વ્યક્તિને જોવા-મૂલવવાની ચોક્કસ દૃષ્ટિ કેળવી લે છે. પછી તે વ્યક્તિનું અન્ય કોઈ સ્વરૂપ તેમની આંખને દેખાતું નથી. 

- પ્રકૃતિનું સર્જન જીવવા કાજે કરાયું છે, મૃત્યુ તો નવસર્જન અર્થે પ્રકૃતિએ મૂકવું પડ્યું છે..

- ગમે તેવા સમર્થ ગુરુ પણ પોતાની ઈચ્છા પ્રમાણેનું બધું શીખવી દઈ શકતા નથી. પોતે શું અને કેટલું શીખવું એ તો શિષ્ય જ નક્કી કરે છે. એમ ન હોત તો સારા ગુરુ પાસે રહેલા તમામ શિષ્યો સમર્થ નીવડતા હોત.

- માણસને આયુષ્ય જીવવા માટે મળે છે, જીવનને નકારીને સંભાવનાઓને અટકાવવાની ન હોય.

- માનવજીવન અતિ રમ્ય અને એટલું જ કઠિન છે. માણસ દેવતાઓની જેમ માત્ર પોતાને માટે અને પોતે એકલો નથી જીવતો. તે અનેકોને માટે અને અનેકોને સાથે લઈને જીવે છે. 

- માનવ માતા પિતાના મનમાં, તેમની આંખમાં, તેમની દરેક વાતમાં મને તેમનો સંતાન પ્રત્યેનાં પ્રેમ અને ચિંતા જોવા મળ્યાં છે.

- મનુષ્યો માટે સ્વાધિકાર તે અત્યંત મહત્વની ચીજ છે. 

- ભૂતકાળ જ ભાવીને ઘડે છે. 

- ધીરજ ખોઈ દે છે તે બુદ્ધિનો ઉપયોગ કરીને બચી શકતો નથી. 

- ત્રણે લોકને અને તેમના નિવાસીઓને હું પૂર્ણ રૂપે જાણું છું. મનુષ્યલોકમાં મને જે આકર્ષે છે તે છે માનવીનો એકબીજા પરનો અડગ વિશ્વાસ અને સંબંધો પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા.

- એક સ્ત્રીએ બીજી સ્ત્રીને સમજવા માટે સાથે રહેવું જરૂરી નથી. તે શા નિર્ણયો કરે છે તે જાણો એટલું પૂરતું છે.

- અચાનક મને લાગેછે કે ઘરની જેમ જ રાજ્યો ચલાવવાનું કામ પણ સ્ત્રીઓને સોંપવું જોઈએ. સૈન્યોના અધિપતિ ભલે પુરુષો બને. 

- આપણે પ્રભાવ અને મહત્તા શું છે તે જાણી લઈએ તો તે હોતાં જ નથી.

- બોલવું જ્યારે અત્યંત જરૂરી હોય ત્યારે મૌન સેવીને બેસી રહેનાર વ્યક્તિ ઈતિહાસને ઉત્તરદાયી રહે છે.

- લડી ગમે ત્યારે લેવાય, યુદ્ધ માટે તો તૈયાર થવું પડે.

- ડરી ગયેલા, નમાલા મનુષ્યના શબ્દોનો કોઈ અર્થ હોતો નથી. 

- મુક્તિ માટેની લીલામાંથી પસાર થતાં રહીને, જીવનને લીલા સમજીને જવું તે જ તો વાસ્તવમાં સ્વર્ગ છે. 

આ અને આવા ઘણાં વાક્યો આપણને વિચારતાં કરી મૂકે છે. 

પ્રતિશ્રુતિ કેટલાક નવા અધ્યાસો ખોલે છે. મહાભારતનો એક નવો અર્થ ભીષ્મની દૃષ્ટિએ ખૂલે છે. અહીં ભાષાકર્મ પણ સુંદર છે. ધ્રુવ ભટ્ટની આ કથાનું નવું નજરાણું એ છે કે આ વખતે વિશ્વમાં જે ટ્રેન્ડ અત્યારે ચાલે છે તેવો ટ્રેન્ડ ધ્રુવ સાહેબે જાહેરમાં શરુ કર્યો છે. આ પુસ્તકના એડિટર છે મહેન્દ્ર ચોટલિયા. આ ખુલ્લેને લખી આપ્યું છે તેથી એક નવી ભાત પાડી છે. બાકી ઘણાં ગુજરાતીના પસ્તીછાપ લેખકો માટે ઘણાંયે એડીટિંગ કર્યું જ હશે. પણ આનંદ દાયક રહ્યું. 

હે ધ્રુવદાદા ! જે રીતે આપે દ્રૌપદીની દૃષ્ટિએ મહાભારતને જોયું, ભીષ્મની દૃષ્ટિએ પણ મહાભારતને જોયું એમ આપે અહીં છેલ્લો ભીષ્મનો સંવાદ મૂક્યો છે અને કૃષ્ણને પણ તેનું પાછલું જીવન જોઈ લેવા અનુરોધ કર્યો જ છે તો આપની દૃષ્ટિએ કૃષ્ણની નજરે પણ મહાભારત ફરી કહો....
Posted in આંખના ઈશારે.... | Tagged | Leave a comment

ગાય તેનાં ગીત :શરત માત્ર વહેતા રહોની

ગાય તેનાં ગીત 

- ધ્રુવ ભટ્ટ

IMG_20170523_165424
ગીત પ્રકારને લઈને સુંદર પ્રવાહિતાથી આપણને તરબતર કરી 
દેતો સંગ્રહ છે. બાળકો સાથે ગાય શકાય તેવા પણ ઘણાં 
ગીતો છે. વિલંબિત લયમાં આકાર પામતાં ગીતો એક 
લાંબો નદીપ્રવાહ ચાલ્યો જતો હોય તેવી ભ્રાંતિ કરાવે 
તેવી શબ્દસરિતા અહીં ઉપસ્થિત કરી છે. 

શ્રીયુત્ કેતન મોદી સાહેબના ફોટોનું આવરણ જ 
પંખીના કલરવની દુનિયામાં આપણને લઈ જાય છે. 

ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે
આપણે તો કહીએ કે દરિયા-શી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે. 


ધ્રુવ ભટ્ટની આ પ્રથિતયશદાયી રચના ઉત્સાહપ્રેરક ઉન્મેષ 
આપી જાય છે. લય અને શબ્દની એવી તો જમાવટ છે 
કે દુનિયાની મોજ આવી જાય. 

તાળું વસાય નહીં એવડી પટારીમાં આપણો ખજાનો હમખેમ છે 

– આ પંક્તિએ તો કાવ્યની સુંદરતામાં ઔર વધારો કર્યો છે.
એક જ સરખા લયઢાળ લાગતા ગીતો ક્યારેક મોનોટોનસ 
જેવા લાગે. વળી દરિયો, તારા, પંખી, પ્રકૃતિનું ગાન વૈદિક 
પરંપરામાંથી ઉતરે છે. એનો નવ્યચિતાર પણ વિચારણીય કરે છે. 

કિરણ માત્ર નક્ષત્ર લોકો વસ્યું છે અવર તો તિમિરનું જ શાસન રહ્યું છે,
છતાં પણ આ રંગે પ્રકાશિત તરંગે કડી સાંકળી છે અને એક પીંછી
આમાં જ આગળ કે –


સદા સર્જનો રક્તમાંથી વહે છે અને રક્ત ક્યાંથી કહો કોણ જાણે,
શરત માત્ર વહેતા રહોની પ્રથમ છે અને આખરી છે અને એક પીંછી


બન્ને પંક્તિઓમાં પ્રથમમાં રહસ્યમય વૃત્તાંતને પડછે રહીને લીલયાને 
આલેખવાનો ચાર્મ છે તો બીજામાં ખૂદમાં જ એને ઉકેલવાની હામ છે. 
પીંછી સાધન અને કિરણો સાધ્ય તરીકે શરીર અને શરીરીનું વૈચારિક 
શરસંધાન આપણને સ્પર્શે એવું છે.

આ તો ફરવાના સર્જક... પ્રકૃતિના ખોળે વિહરવાના અને એટલે જ 
લખે છે...


પવન રંગને ફૂલની મહકને વરસતી વાદળીને અને પંખને
ક્યાં પડી હોય છે મંજિલોની ફિકર એમ ખુલ્લી દિશે સફરને દોરશું. 


આપણે ક્યાં કોઈકના કામ કરવા આવ્યા છે. આ દુનિયાને 
જીરવવા નહીં જીવવા આવ્યા છે અને તે તેમના દરેક સર્જનનો 
મૂળ સ્વર છે તે આ પંક્તિ બરાબર બયાં કરે છે. 
અને એથી જ જિંદગીને કેમ મૂકવાની વાત કરે છે....


ચાલ સખી પાંદડીમાં ઝાકળનાં ટીપાંની જેમ ફરી જિંદગીને મૂકીએ
ટેરવાંનો સ્પર્શ એક ઘટના કહેવાય છે કે લાગણી ગણાય એમ પૂછીએ.


ફરી – શબ્દ મૂકીને ઈંગિત કરે છે કે જિંદગી છે ભૂલ થાય પણ 
ખ્યાલ પડે કે હર્ષ બ્રહ્મભટ્ટ કહે છે એમ કે એક નવી શરૂઆતની 
શરુઆત કરવાની. 
જો એક સાથે તમે સંગ્રહ વાંચો તો પ્રકૃતિ અને પરમાત્માનું વર્ણન 
અભિધાને અડકીને મૂકી દીધેલું લાગે. પણ કવિ સદ્યાનંદના છે. 
તેણે ગીત શબ્દ મૂકીને જ વાત કરી છે. ગીત તો એનાં જ 
ને જે સરળ માણસો છે જે ગાતાં ગાતાં આપણને કંઈક 
નવું આપી જાય. લોકસાહિત્યની સરસોસરસ ચાલતી એમની 
નેમને અહીં માણી શકાય છે. 


તો વળી ક્યાંક ભોજાભગત કે અખાની જેમ કહી પણ બેસે છે કે –
ન રેશમ ખાદી ન ભગવું ન ધોળું ન કંથા સમું કંઈ સ્વીકારી શક્યો હું


મને વસ્ત્રમાં કોઈ ઓળખ જડી નહીં બેસીને રંગ્યે જશું જિંદગીભર
મૂળે આપણી આદ્ય કવિતાની ધરાતલના કવિ છે. લોકમાનસના 
મરમને ખુલ્લો પાડવાનો પ્રયાસ અનાયાસ છે. 


વરસાદ વિશે ઘણાં કાવ્યો છે. રાનમાં કાવ્ય મારે ભણાવવાનું 
આવ્યું ત્યારે જ તો આ સંગ્રહ વસાવાનું આવ્યું. અને તેમાં 
વરસાદને અલગ રીતે છતો કરતા કવિ ગાય છે કે –


ધોધમાર, ગાંડો કે સાંબેલાધાર, બધો અક્ષરનો ઠાલો અસબાબ છે
સૌને વરસાદ એનાં ખાનગી ઉખાણાનો સાગમટે જડતો જવાબ છે


વાહ કવિ વાહ... વરસાદ ખરેખર ખાનગી ઉખાણું જ હોય છે. 
દરેકનો પોતાનો વરસાદ હોય છે ને દરેક માટે અલગ સંદેશો 
લઈને આવે છે. 
જ્ઞાનનો ભાર હોવો ન જોઈએ... ભણતરનો ભાર હોવો 
ન જોઈએ... આ વાત તે સતત કહેતા રહે છે પછી 
એ કર્ણલોક હોય, અતરાપી હોય કે તત્વમસી કે અકૂપાર... 
એવું જ અહીં આખું ગીત ઉતારવું તો મુશ્કેલ છે પણ

આખો અવતાર અમે શોધતા રહ્યા ને એક સંસ્કારી ઝાડવું ભળાયું નહીં...

આ ગીતમાં કહેવાતા સંસ્કારી લોકોની અખાછાપ ઝાટકણી 
કાઢીનાખી છે. જબરું ગીત બન્યું છે. 

પંચતત્વથી જ આ બધું એકસ્યમ્ બહુસ્યામઃ। થયું પરંતુ 
પંચતત્વને અનોખા રૂપક દ્વારા લાવ્યા છે...


નભ હવા જળ સૂર્યજ્વાળા ને ધરા
સાથમાં હું આપને પણ માંગવાનો


તુલસીદાસ યાદ આવે કિષ્કીંધા કાંડમાં કહે છે કે -
ક્ષિતિ જલ પાવક ગગન સમીરા પંચજનિત આ અધમ શરીરા।। 
પણ અહીં તુલસીના અધમ શરીરાનો વિચાર કવિ નવી 
રીતે આપે છે કે હું આપને આ આપ એટલે ઈશ્વરને 
માંગવાની વાત અને જો ઈશ્વર મળી જાય તો શરીર 
અધમ રહેતું નથી પછી એ પંચપ્રાણ નવી દિશા 
ગ્રહણ કરે છે.
રવિન્દ્રનાથ કહે છે કે મારું અઘરું સર્જન બધુંયે 
લુપ્ત થશે જે ટકશે તે સરળ અને નિર્દોષ 
ગીતો હશે જે ગાય શકાશે. આ વાતને 
પંક્તિ દ્વારા વ્યક્ત થાય છે કે –


ચાલો આપણે ગીત લખીએ,
સીધી સાદી રીત લખીએ... 


આ સાદી રીતે લખવું જ અઘરું હોય છે. 
અને તેથી જ એ સર્જકનો ઉજાસ લાંબો ટકે છે જે સરળ અને સમષ્ટીને સાથે લઈને ચાલે છે.
અને આગળનું ગમેલું કાવ્ય...


કોઈ સાચ વાંચે કોઈ કાચ વાંચે
ભલા એ બધા તો લખી વાત વાંચે
સ્વયં વાંચવા ક્યાં સમય છે નજૂમી
અને તું બીજાના ઘણા હાથ વાંચે


આખી ગઝલ સુપર્બ છે તેમાં પ્રથમ પંક્તિએ જ 
ક્યારેક કાચ સામે ક્યારેક સાચ સામે થાકી જવાનું 
કાયમ તલવાર તાણી તાણી વાળા ચીનુ મોદી યાદ આવે. 


આપણને આપણામાં ઝાંખવાનો સમય નથી પણ 
માણસ બીજાનું જોવા માટે ગમે તે રીતે ટપકી પડે છે... 
માટે આગળની ગઝલમાં સતેજ કરે છે કે –


આ ઉમ્મર પદવી નામ ઘૂંટ્યા તે ભૂંસી દઈને
અંદર અનરાધાર વસ્યા બાળકને ઝીલો


બહુ અઘરું છે. છોડ છટકણાં કાળની કંદર ચેત મછંદર... 
રાજેન્દ્ર શુક્લ યાદ આવે પણ કેમ એ શક્ય બને... 
કઈ રીતે છૂટે... બસ શબ્દ છોડાવે આ બધું 
શબ્દ થઈને વિલસી રહો તો બધા વલયોની પાર 
એક અક્ષર મળી જાય છે. 
આ કવિ તોરલને કંઈક અલગ રૂપમાં જ 
ગઝલમાં લઈ આવ્યા છે. તોરલ વાળી આખી 
ગઝલ આસ્વાદ યોગ્ય છે. વળી કેટલાક પ્રયોગો 
પણ ધ્યાનાકર્ષક છે જેમ કે હિન્દી મિશ્રિત ગઝલ, 
કુકણા-ગુજરાતી ગીત, ઉર્દુ ગઝલો, એક જ આવેલું અછાંદસ... બધું જ ભાષાકર્મ બાબતે કાનપકડાવે એવું છે. ચિંતન-મનન કરનારા કવિ છે. 


શિક્ષણ પ્રથા વિશે તો આ કવિઓને જો શિક્ષણ ખાતામાં 
લેવામાં આવે તો આપણી શિક્ષણ કેળવણીના સ્તરે જઈ શકે. 
ભોજો યાદ આવે એવો ચાબખો વાંચો –


આપણી નિશાળ હવે નદીઓથી દૂર અને ભણવામાં કેટલાંયે થોથાં,
આપણે એ દંતકથા જાણવી શું કામ જેમાં ઝાડવું મરે તો ગામ રોતાં


આપણે કેટલા દૂર નીકળી ગયાં છે એના કેટલાંય 
સ્તર આ પંક્તિઓ ખોલી આપે છે. વાણી હરીને 
મુંગા કરી દે એવી સ્થિતિની હરૂભરૂ કરાવી આપતી બાની છે.

ધ્રુવ ભટ્ટ, રાજેન્દ્ર શુક્લ, કૃષ્ણ દવે, કુન્દનિકા કાપડિયા, 
મકરંદ દવે, મહેન્દ્રસિંહ પરમાર, રામ મોરી, 
બધાં મને એટલે જ ગમ્યા છે કે તેમનું જીવન અને 
કવન અલગ નથી. જીવાતા જીવન અને લોકોની 
સંવેદનાને શબ્દદેહ આપી શક્યા છે. માત્ર એટલું 
જ કરવું જો સર્જકત્વ હોય તો હું હરગીઝ એ 
સર્જકત્વમાં શ્રદ્ધા ન રાખત પણ સર્જકોનું કામ 
છે સતર્ક કરવાનું અને એ ધ્રુવ ભટ્ટ એમના 
શબ્દોથી કરે છે. સમાજ એનું ઋણી રહેશે.

અહીંના સંગ્રહમાં અધ્યાત્મિક વાતો કરતા કાવ્યોમાં 
શક્ય છે કે મારી ચાંચ ન ડૂબી હોય પણ ઘણાં 
અભિધ્ય બન્યા છે. સીધી જ વાત કહેવાઈ છે. 
પણ તેમાં પણ પેલા ધીરા ભગત જેવી 
સભાનતા છે - ભજન ગાઈને પણ લોકોને 
માયલાને જગાડવાની ધુણી ધખાવી છે. 
આવું સર્જકત્વ શિવકર છે.
Posted in આંખના ઈશારે.... | Leave a comment

તત્વમસિઃ તું હૈ તો દુનિયા કિતની હંસી હૈ..

તત્વમસિઃ તું હૈ તો દુનિયા કિતની હંસી હૈ..
IMG_20170513_132637.jpg
એક વૃદ્ધ જેવો હું દેખાઉં છું. મેં એક પોતડી પેરી છે 
અને એક ઝબ્બો. ખૂલ્લા ફળીયામાં બેસીને વાંચું છું. 
કિશોરવયના છોકરાછોકરીઓ આવીને કહે છે..., 
આટલા વર્ષે, આ યુગમાં આવા સ્થાને બેસીને 
આપ શું કરો છો...? તમે કેમ ગામડામાં જ રહ્યા? 
થોડીવાર એમ જ બધા બેસી રહ્યા મારું હસતું 
મોં જોઈને... મને પણ કંઈક વાંચવા જેવું આપો... 
એક કિશોર એમાંથી બોલે છે. હું 
તેનો હાથ પકડીને મારા રૂમમાં લઈ જાઉં છું 
અને ધીરે રહીને તેને એક પુસ્તક આપું છું 
જેના પૂઠાં પર હળવેકથી હાથ ફેરવું છું. 
ધીરે રહીને મનમાં ગણગણું છું ‘તત્વમસિ’ 
તારો પંથ પણ ઉજાળે.


એલાર્મ વાગે છે અને હું સળવળી ઊઠું છું ત્યારે 
ગ્રીષ્મ સવારના પહોરમાં પણ ક્રોંકરેટના વનમાં 
દઝાડે છે. 

*****


લ્યુસી તરફ ઢળેલી લાગણી, સુપરિયા પાસેથી 
બાયપાસ થઈને નર્મદાને જ નહીં પણ આ 
કુદરતના પ્રેમમાં પડે છે અને જે રીતે કથામાંથી 
આપણને મળે છે એ રીતે કહેવાનું કુદરતને 
– પ્રકૃતિને કહેવાનું મન થાય કે તું હૈ તો 
દુનિયા કિતની હંસી હૈ... 


મૂળ ભારતીય પણ વિદેશ અભ્યાસ કરતો છોકરો, 
પ્રકલ્પના કામ સબબ નર્મદાના કિનારે વસતા 
આદિવાસીઓ પર રિસર્ચ માટે આવે છે અને તેના 
મનનું એનાલિસિસ થઈ જાય છે અને તે મૂળ અને 
કૂળને પામીને કુદરતના ખોળે જઈ પડે છે. 


નર્મદા કિનારાના વર્ણનો. આદિવાસી લોકોની બોલી, 
તેના રિતરિવાજો. માનવીયતા, પ્રકૃતિ સાથેનો સંબંધ, 
વચ્ચે વચ્ચે ઝરમર વરસીને વહી જતી કથાનાયક અને 
બે કથાનાયિકા વચ્ચેના સ્નેહની વાદળીઓ. એ બધું 
જ કથાને એટલું તો રસભર બનાવે છે કે તમે નર્મદાના 
પ્રવાહની જેમ તેમાં વહેતા જ રહો....


કથાનાયકના મનોભાવો સાથે વાચક ચાલી શકે અને 
તેને જજ કરી શકે તેટલો સર્જકીય ચમત્કાર જ આ 
કૃતિને સાહિત્યિક ઓપ આપવા પૂરતી છે. તમે 
કથાનાયક સાથે હોવ તેવો કેથારસિસ અનુભવ થાય 
પણ તમને એમ લાગે કે તમે તેનાથી થોડાં દૂર છો 
અને આ બધું જુઓ છો. બસ એ કર્તાના 
ભાવવિરેચનમાંથી વાચકને બચાવીને દૃષ્ટાના સંવેદનમાં 
કથાને મૂકી દેવી તે જ સાહિત્યિક સર્જકત્વની ચમત્કૃતિ છે. 


તમે એટલે દૃષ્ટાના ભાવવિરેચનમાં હોવ કે તમે પેલા 
કથાનાયકની જેમ રખડપટ્ટી નથી કરી શકતા, તમે 
ભયાવહ સ્થિતિમાં એની જેમ વર્તી નથી શકતા. 
તમે એ રસ્તે નથી જતાં જ્યાં ખબર છે કે કાબા છે... 
તમે તેની જેમ અનાવૃત્ત થઈને નથી રહી શકતા... 
છતાં બધું જ નિહાળવામાં હૃદય પેલા કથાનાયક સાથે છે. 
કંઈક છંછેડીને ચાલ્યું જાય છે. અમારા પરેશભાઈ કોટેચા 
આ વાંચીને કહે છે માણસ આ હદે વિચારોથી પણ 
અનાવૃત્ત થઈ શકે ત્યારે અહીં જે ઈંગિત છેને એને પામી 
શકાય.


ખરી વાત છે, માનવીની ભવાઈમાં જેમ અંતિમ દૃશ્ય 
ચમત્કૃતિ સર્જે છે માનવીના માનવી હોવાપણા વિશે એવી 
જ ચમત્કૃતિ સર્જાય છે અહીં અંતિમ તબક્કે. 


કશું લઈને આવ્યા નથી અને કશું લઈને જવાના નથી પણ 
આ બે અંતિમો વચ્ચે કશું ન હોવાની અવસ્થા આવી પડે તેને 
જીરવવી અઘરી હોય છે એનું ભાન સભાન પણે અહીં કથાનાયક 
કેળવે છે પેલા કૂળ અને મૂળને પામવા માટે. આપણી ગતિ તો 
એ હોવી જોઈએ...


સાહિત્યિક કૃતિ અને પસ્તીછાપ સાહિત્ય વચ્ચે આ જ 
તો તફાવત છે કે એકની શોધ ખજાનો હોય છે, જે 
બધાને જો તો હોય છે પણ અહીં સાહિત્ય પાસે 
શબ્દનો ખજાનો છે જે શોધતા શોધતા તમે મૂળ અને 
કૂળને શોધવા તરફની ગતિને આરંભો છો. 


તત્વમસિ પછી બે દિવસ મેં આ નથી લખ્યું. 
માત્ર વિચાર્યું છે. તત્વમસિથી હટી જઈને વિચાર્યું છે 
અને ત્યારે પણ મારા મને એ જ પામ્યું કે ખરે 
અહીં લખી રહ્યો છું તે યોગ્ય જ છે આ કૃતિ માટે. 


જંગલોના વર્ણનો વિભૂતિભૂષણ બંદોપાધ્યાયની ‘આરણ્યક’ 
નવલકથાના વર્ણનોના પેગડામાં પગ ન જ મૂકી શકે તેવું 
મારાથી કહેવા સિવાય રહેવાતું નથી. આરણ્યક સતત યાદ 
આવી આ વાંચતા. દીપનિર્વાણ પણ અને અકૂપાર પણ... 
અકૂપાર વિશે વાત કરવાની બાકી છે તે હવે પછી. પણ 
ભારતીય તત્વદર્શનનું મૂળ પ્રકૃતિમાંથી જ સાંપડશે. પ્રકૃતિ 
સાથે જ તો આ ધરાતલની સંસ્કૃતિ જોડાયેલી છે. 


અમારા વિસ્તારના વૈદ્ય દમણિયા સાહેબ સાથે આરોગ્ય વિષયક 
ચર્ચા થઈ ત્યારે તમણે સરસ વાત કરી કે આજે પંચતત્વો 
જ બગડી ચૂક્યા છે એટલે સંસ્કૃતિ બગડી છે જો પ્રકૃતિના 
પંચતત્વો શુદ્ધ રાખ્યા હોત તો એવું કદી ન બનતે. 


આ જ વાત કથાના પાત્ર શાસ્ત્રીજીની ભાષામાં જાણો તો...


- આપણું તો જીવન જ પ્રકૃતિ પર નિર્ભર છે. 
એને છેહ દીધે આપણે ચાલવાનું નથી.


કે પછી...


- ધર્મની નથી એટલી ચિંતા મને સંસ્કૃતિની છે, આપણી જીવનરીતિ 
અને પરંપરાઓની છે. આપણી શ્રદ્ધાની, જીવન પ્રત્યે જોવાની 
આપણી લઢણની જેટલી ચિંતા મને છે તેટલી બીજા કોઈ વાતની નથી. 
આ દેશની પ્રજા વિદેશી શાસકોને જીરવી ગયાં. પરધર્મોને પણ તેમણે 
આવકાર્યા. પણ હવે જે સાંભળું છું. જોઉં છું એનાથી ડર લાગે છે. 
હવે આપણી જીવન દૃષ્ટિ બદલવાના પ્રયત્નો થાય છે. આપણી 
પરંપરા આપણી સંસ્કૃતિ... આ જશે તો આ દેશ નહીં ટકે. 
મારી ખરી ચિંતા એ છે, ધર્મ નથી. 


ધર્મને આ દેશ જ અધ્યાત્મની એરણ પર તપાસી શકે 
કારણ કે તે સચરાચરમાં વ્યાપ્ત તત્વ પોતાનામાં પણ છે 
તેવું શોધી રહ્યો છે. માનવીયતાના મૂળને સાબૂત રાખવા 
માટે ખૂબ સરસ વાત અહીં થઈ છે...


- એકાદ પ્રાણી કે પક્ષીની નસલનું અસ્તિત્વ જોખમમાં પડે તો 
આખી દુનિયા તેને બચાવી લેવા તૈયાર થઈ જાય. કહેવાતા બુદ્ધિજીવીઓ 
હાંફળા-ફાંફળા બનીને બોલવા – લખવા બેસી જાય છે. પૈસા ખર્ચે 
અને વિરોધ પણ કરે. પણ માણસની આખી સંસ્કૃતિ, તેની પરંપરા, 
તેના જીવનની ધરોહર સમૂળગી નાશ પામે, આખેઆખી વ્યવસ્થા 
જ ભાંગી પડે તેને પરિવર્તન ગણીને વધાવે – આ મને યોગ્ય નથી 
લાગતું, તમને લાગે છે?


અહીંથી આપણે પણ આપણી આસપાસ બનતી આ દેશની ઘટના 
તરફ વિચારતા થઈ જઈએ છીએ. તો વળી બીજે છેડે એ જાત 
પ્રત્યે અધ્યાત્મિકતાની વાત કરે છે... લક્ષ્મણ અને કથાનાયક વચ્ચે 
પુનર્જન્મની વાતો થાય છે અને એમાં લક્ષ્મણ કહે છે તમે આ જન્મમાં 
માનો છો? અને પછીના મનોભાવો એમના જ શબ્દોમાં વાંચો...


- અચાનક મને કંઈક નવો જ અનુભવ થયો. ઝરણાં જાણે થંભી ગયાં છે, 
હવા જાણે સ્થિર થઈ ગઈ છે, પર્ણોનો ફરફરાટ જાણે ખોવાઈ ગયો છે. 
આ પંખી નથી, અહીં પર્વતો નથી આ અરણ્યો નથી. તો આ શું છે? અને 
તરત મનમાં જ બીજો પ્રશ્ન ઊઠી આવ્યો, ‘હું કોણ છું?’ 


તરત મને સાંભરી ‘ગઝલ સંહિતા’ – રાજેન્દ્ર શુક્લ ...


“ગઈ ક્યાં તળેટી, શીખર ક્યાં ગયા સૌ, 
ન પંખી, નવાદળ, ન શબ્દો, ન કાગળ;
હવા જેમ ફરકે હવે માત્ર હોવું, 
અમસ્તું અમસ્તું જ આછું પટંતર.”


કેવડી ઊંચાઈ, એક કથા સાહિત્ય આપણને પીરસી જાય કા
રણ કે કથા સાહિત્ય જ ભારતીય મૂળને સાચવવાના શબ્દનો 
પટારો છે. આપણો સમાજ જ્યારે જ્યારે માણસાઈ ભૂલી 
બેસે છે ત્યારે ત્યારે આવા કથાલેખકોએ જાગૃત રહીને સમાજને 
સતર્ક કરવાનું કાર્ય કર્યું છે. આપણે કથાનાયકની જેમ ભૂલી 
જઈએ છીએ ત્યારે સુપરિયા જેવી નાયિકાના શબ્દો યાદ કરાવે છે કે –


- માણસ સંસાધન નથી તે હવે સમજાયું હશે. 
એ અસ્તિત્વ છે. 


સંસ્કૃતિ અને શિક્ષક એક બીજાના પર્યાય રહ્યા છે આપણી જ 
ધરાતલ માટે નહીં જગતના ઈતિહાસ તપાસો શિક્ષકે સમાજને 
સંસ્કૃતિના રસ્તે વાળ્યા છે કે નવી સંસ્કૃતિના કિનારે મૂકીને 
પરિવર્તનના પ્રાગટ્યની ઉષાને વધાવવા શિક્ષકે જ સમાજને 
ઉજાગર કર્યો છે શિક્ષક વિશે પણ સરસ વાત મળે છે કે 

– હું સ્વીકારું છું કે શિક્ષક બનવું સહેલું નથી. તમારા શબ્દો 
પર માણસો વિશ્વાસ મૂકે છે.


આપણી સંસ્કૃતિમાં શિક્ષકનું આ સ્થાન છે આજે આપણે 
‘સહાયક’ કે ‘બી.એલ.ઓ.’ બનાવી દીધો એવો તો 
હતો જ નહીં અને એટલે જ આપણે સૌએ શાસ્ત્રજી જેવી 
ચિંતા દાખવવી જ પડશે કે કોઈ પણ ભોગે સંસ્કૃતિને 
ટકાવી લેવામાં આવે. પણ આપણે એટલા આગળ 
નીકળી ગયા છીએ કે આપણા સમાજને એ પણ સમજાવું 
પડે એમ છે કે સંસ્કૃતિ એટલે શું? એ રગતપિત કરી 
નાખતી રૂઢી નથી, એ બોરિંગ કરતી બોરડી નથી કે 
તમને પરાણે ફસાવે, સંસ્કૃતિ એ એવો પીપળો નથી કે 
પાળવા મજબૂર કરે. સંસ્કૃતિ એ એક આર્ટ ઓફ 
લિવિંગ છે. આ સમજાવે છે આપણો ખરો શબ્દ 
સાધક એ કહેવાતો ‘બુદ્ધિજીવી’ ક્યારેય ન હોઈ શકે. 


આખરે...


આ કૃતિમાં કહેવાયું છે એમ આ લેખકને પણ લાગું પડે કે 
તમારું કોઈ કામ વ્યર્થ નથી. સ્થૂળ દેખાતાં કામો જ સૂક્ષ્મ 
વિકાસ તરફ દોરી જાય છે. માત્ર ધન કે યશ મેળવવામાં 
જીવન સમાપ્ત કરનારા તો અનેક છે. લાખોમાં એકાદ 
માનવી જ તું જે માર્ગે ચાલ્યો છે તે માર્ગે ચાલે છે. 
ખરું જ કહેવાયું છે ગીતાના સાતમા અધ્યાયના 
ત્રીજા શ્લોકમાં પણ...


मनुष्याणां सहस्त्रेषु कश्चिश्चतति सिद्धये। 

यततमपि सिद्धानां कश्चिन्मां वेत्ति तत्वतः।। 


(હજારો મનુષ્યોમાં કોઈ એક મને પામવા માટે 
પ્રયત્ન કરે છે અને પ્રયત્ન કરનાર યોગીઓમાંથી 
પણ કોઈ એક મારે પરાયણ થઈ મને તત્વથી 
એટલે કે યથાર્થ રૂપે જાણે છે.)
Posted in આંખના ઈશારે.... | Leave a comment