સ્ત્રી કે પુરુષમાં રહેલા પુરુષત્વના છેલ્લા કણ સુધી લઈ જતી ફિલ્મ

matrubhoomi
સ્ત્રી કે પુરુષમાં રહેલા પુરુષત્વના છેલ્લા કણ સુધી લઈ જતી ફિલ્મઃમાતૃભૂમિ

*******************
– ઠાકર આનંદ
*******************

કલ્પનાના  ઘોડા જ્યારે દોડે  છે ત્યારે કાં તો તે તમને  રણની  પેલે પાર રાખી દે છે, જ્યાં મીઠી વિરડી છે. એવી કલ્પના છે ‘અવતાર’ જેવી ફિલ્મ્સ. કેટલીક ફિલ્મ એવી હોય છે જે આપણી ઊંઘ ઊડાડી મૂકનાર કે પછી કાળની ગર્તામાં ધકેલી દેનાર નરી કલ્પનાઓ હોય છે. જે તમને બૂંદ-બૂંદ માટે તરસાવી દેતી વાસ્તવિકતા સામે રૂબરૂ કરાવી દે છે. આવી કલ્પનામાં બને છે ‘2012’ જેવી ફિલ્મ. ભારત પાસે બોલિવૂડ જેવો મોટો ફિલ્મ ઉદ્યોગ છે ત્યારે તેમાં ચંદ લોકો છે જે આ વાસ્તવિકતાને ફિલ્મના રૂપે અને એ ફિલ્મને  કલાના રૂપે  રજૂ કરે છે. ખરેખર કલા ત્યારે બને  છે કે જ્યારે વાસ્તવિકતાને ભવિષ્યના પરિણામની પરાકાષ્ઠા સુધી ખેંચી શકાય, આવી પરાકાષ્ઠાને કચકડે કંડારી છે મનિષ જહાએ. નામ છેઃ માતૃભૂમિ.

ગાયને પણ માતાના દરજ્જે પૂજનારી અને દેશને પણ માતાનું સન્માન આપતી પ્રજા, જ્યારે કાળના ભિનિષ્ક્રમણમાં છોકરીને દૂધ પીતી કરી દેતી હતી, આ ફિલ્મ માટે ત્યાંથી વાતનો પ્રરંભ થાય છે.

કદાચ જો જગતમાં એક જ સ્ત્રી રહે તો શું થાય?  આગળ વાંચતાં  પહેલા તમે જ જાતે વિચારી લો…. કલ્પના દોડાવો….તમે સ્ત્રી હો તો પણ એક પુરુષ તરીકે કલ્પના દોડાવો….હં…, હવે બરોબર… તમે વિચારી ન શકો તેવી સ્થિતિ સર્જાય, પણ તેનો સણસણતો  સવાલ કર્યો છે આ ફિલ્મમાં. આ ફિલ્મનું સબટાઈટલ છે, ‘ધ લાસ્ટ સર્વાવિંગ વુમન’.

જો કે ઘણાંએ  આ  ફિલ્મ જોયું હશે પણ ‘ માતૃભૂમિ’થી વાત ક્લિયર થઈ નહીં હોય ત્યારે તેને  સબટાઈટલથી યાદ આવવા લાગશે. દીકરીને  દૂધપીતી કરતી પ્રથાના પ્રથમ દ્રશ્યથી શરૂ થતી  આ ફિલ્મ યુ.પી. બિહારની પશ્ચાદ્ભૂમાં કુંવારા દિકરાઓ માટે હાંફળાંફાંફળાં થતાં બાપો અને કુટુંબ પરિવાર તો નહીં પણ આસપાસ પણ ક્યાંય લાયક તો ઠીક ગેરલાયક છોકરી પણ  નથી મળતી ત્યારે પુરુષનું  પૌરુષત્વ વાંઢત્વ બનીને કઈ રીતે વંઠાવે છે પ્રજાને, તેના ખરા નર્કનું વર્ણન છે.

એમાં વળી ગામ આખાની ખબર રાખનાર ગોરને રસ્તામાં કોઈ કન્યા જંગલમાં ગીત ગાતી સંભળાઈ છે અને તે છોકરીની પાછળ પાછળ તેના ઘર સુધી જાય છે. સાપની જેમ સંઘરીને ઉછેરેલી  છોકરીના બાપને મળે છે અને બાપ સોનાનો સૂંડલો મુકતો હોય તેમ એક લાખમાં દિકરીને  વેંચવા તૈયાર થાય છે. પાંચ કુંવારા છોકરા અને વિધુર બાપને આ વાત ગોર કરે છે અને જાણી  હિરો મળી આવ્યો હોય તેમ દોડે છે. એક જ છોકરા માટે  કન્યા પરણાવવી મુશ્કેલ બનતા પાંચ છોકરાનો  બાપ, પાંચ છોકરા માટે પાંચ લાખ રૂપીયા  આપી  એક દ્રૌપદી લઈ આવે છે. પણ બાપેય ધૃતરાષ્ટ્ર નીકળે છે! છોકરીની હાલત માટે કોઈ શબ્દો આપી  શકાય તેમ નથી. છ  પુરુષની ભૂખભાંગતી સ્ત્રી સૃષ્ટિની જાણે છેલ્લી સ્ત્રી હોય તેવો  સલૂક કરવામાં આવે છે. એક જ છોકરો તેને  ખરા અર્થમાં પ્રેમ કરતો હોય છે અને તેને પેલા ચાર મળીને મારી નાખે છે. કલ્કિ નામની આ સ્ત્રી, ભાગવાની કોશિશ કરે છે તો તેને ગમાણમાં  સાકળથી બાંધી રાખે છે અને ત્યાં તે ગર્ભાવસ્થા ધારણ કરે છે. તેને છોકરો આવવાનો છે તેવું  પંડિત કહે છે, તેથી તેને સારી હાલતમાં ઘરમાં પહેરાવી ઓઢાડીને રાખવામાં આવે છે. ગામમાં તે સ્ત્રીના સંતાનના પિતા વિશે સવાલો ઉઠે છે. ગામના શુદ્ર જાતિના લોકો  તે સંતાનનો બાપ ગાંડા જેવા એક ભલાભોળા છોકરાને ખપાવે છે, તેમાં આ પાંચ ભાઈઓ અને  શુદ્રો વચ્ચે વિવાદ થાય છે અને અલગ-અલગ દુષ્કર્મ પ્રમાણે તે લોકો મૃત્યુ પામે છે. બીજી બાજુ કલ્કિ એક છોકરીને જન્મ આપે છે. આ  પ્લોટ છે આ   ફિલ્મનો.  ફિલ્મમાં સેક્સની ભૂખ જ્યારે જાગે અને જો સ્ત્રી નામનું તત્વ ન મળે  તો   શી હાલત થાય છે તેની કલાકીય રજૂઆત ખાસ જોવા જેવી છે. જોઈએ ઊંઘઉડાડી મુકનાર મનિષ જહાની આવડત અને દ્રશ્ય રજૂઆતની  શક્તિને. માણસના અર્ધજાગૃત મનનો ફિલ્મના દ્રશ્યો દ્વારા કેમ ઉપયોગ કરવો તે સમજી શકાય છે.

શરૂઆતમાં એક દ્રશ્ય આવે છે. ગામમાં રાત પડી છે, સ્ત્રી તો નથી,  તો મનના સંતોષ માટે ગામમાં એક ટી.વી. વાળો બ્લૂ ફિલ્મ દસ રૂપીયાની ટિકિટે દેખાડે છે. પુરુષ સમાજ ભેગો થઈ જોઈ  રહ્યો છે. તેમાં વૃદ્ધો છે, પ્રાકટ છે, યુવાનો છે. ડિરેક્ટરે કેમેરા સાથે સાઉંડનું કામ લીધું છે, તે સમયના રિએક્શનમાં થોડીવાર કેમેરો વૃદ્ધની આંખ પર અટકે છે અને તે વૃદ્ધ રામાયણનું કોઈ દ્રશ્ય જોતો હોય કે દ્રોપદી ચીરહરણ જોવાતું હોય તેમ રડી રહ્યો છે, ત્યારે તમને હસવું આવે  પણ  એક યુવાન  પોતાનો  સંયમ  ખોઈ  બેસે છે, તે આસપાસ જોઈ છે બધા સ્ક્રિન પર મસગૂલ છે, અહીં સુધી જળવાયેલો શૃંગાર રસ કેમારાની કમાલથી બિભત્સ રસમાં સરી પડે છે. તે યુવાન નજરચોરી અને બાજુની ગમાણમાં ચાલી જાય છે અને બારણું દઈ દે છે અને  બંધ બારણે ગાયનો એક ભાંભરડો. બસ, એનિમલ સેક્સની ભયંકરતાને માત્ર આટલા દ્વારા જતાવી અને ફિલ્મ જોનારને તેના અર્ધમાનસની સમજ પર વસ્તુ છોડી દે છે.

ગામના એક છોકરાને ઢળતી યુવાનીએ તેના બાપા 14 વર્ષની પરી શોધી લાવ્યાનો ગર્વ થાય છે. લગ્નનો  વખત છે, ગોરદાદને કોઈ કાનમાં કહી જાય છે કે આ 14 વર્ષની પરી નહીં પણ છોકરો છે તે જાહેરમાં તેનો  ઘાઘરો ઉતારી નગ્ન કરે છે અને સ્ક્રિન  પર તેને  છોકરો  બતાવાય છે અને તે છોકરો રડતો-રડતો અર્ધનગ્ન હાલતમાં અંધારી ગલીમાં વિલીન થઈ જાય છે! આ દ્રશ્ય પણ અનેક સ્તર સર્જે છે. ફિલ્મ સર્જકે કોઈ તક છોડી નથી.  ફિલ્મ પૂરું થઈ ગયાં પછી તમને એમ થાય કે શું  થયું હશે આ છોકરાનું કારણ કે  ખૂદ ફિલ્મ જ તે છોકરાનું  શું  થઈ  શકે તેમ છે તેવી શક્યતાઓ અથથી ઈતિ  સુધી દર્શાવે છે.

એક છોકરી મળે છે તેને ગામનો ‘મોભાદાર’ વ્યક્તિ તેના પાંચ પુત્રની પત્ની બનાવે છે. પાંચ પુત્રો કેલેન્ડર લઈને  નક્કી કરે છે કે ક્યારે કોણ જાશે, ત્યારે બાપ કહે છે કે તમને મોટા કર્યાં, પાલન-પોષણ કર્યું અને તમે મારો જ વિચાર ન કર્યો. શુહાગ રાત કોણ મનાવશે તે  નક્કી કરવાનો છેદ ઉડી જાય છે. પોતાના  પિતા  સિવાય કોઈ પુરુષ તત્વને ન જોનાર કલ્કિની મનોદશા અને દેહદશા ઢોરથી બદતર તો ત્યારે  થાય છે કે કામવાળા છોકરા સાથે આ નર્કમાંથી ભાગવા ઈચ્છે છે તો તેના  પતિઓ પેલા  છોકરાને મારી નાખે છે અને કલ્કિને  પગમાં બેડી બાંધી ગમાણમાં બાંધી રાખે છે. એક તરફ ગાય પોદળો કરે છે, માખીઓ બણબણે છે અને કલ્કિ ગર્ભમાં બાળકને લઈને બેભાન જેવી  પડી છે, ત્યારે તેના પતિઓ આવીને પગ પર લાત મારે  છે અને  કલ્કિ તેના કપડા ઊંચાં કરી દે  છે. ગંદી જગ્યામાં કલ્કીના ફિક્કા પડેલા પગના ખૂલ્લા તળીયા દ્વારા દેખાડેલું આ દ્રશ્ય તમે સ્ત્રી હો કે  પુરુષ તમારામાં રહેલા પુરુષત્વના છેલ્લા કણ સુધી તમને લઈ જશે!

છત્તાં કલ્કી છેલ્લે છોકરીને જન્મ આપે છે, તેનો તેને આનંદ છે, તે આનંદ શું એ  માટે  થાય છે કે તેની છોકરીને જોઈને થાય છે કે તે હવે દુનિયામાં એકલી નથી કે પછી એ માટે તેને ખુશી છે કે તે હવે એકલી ‘સ્ત્રી’ નથી. સાચું તો એ છે કે હવે સ્ત્રીને દુધપીતી નહીં કરાય. પણ  સ્ત્રીને દૂધપીતી ન કર્યાં છતાં શું આવી સમસ્યાઓ આપણી સામે આવતી નથી? શક્ય છે કે એમ કહેવાય કે આ તો સામાન્ય દ્રશ્યો છે શું છે તેમાં વાતનું વતંગડ બનાવવાની? વાત એ નથી કે છેલ્લી સ્ત્રી બચે કારણ કે એવું સાવ તો  શક્ય નથી. પણ સમાજનાં ચૈતસિક અધઃપતનનો જે ચિતાર રજુ  થયો છે તે ભારત માટે  શક્ય છે, સ્ત્રી હોવા છતાં. સામાજિકપ્રાણી ગણાતો માણસ જ્યારે એ ભૂલી જાય છે કે તે પ્રાણી તો છે પણ સામાજિક છે ત્યારે ઘણી સમસ્યાનું સર્જન થતું  હોય છે.  ટ્યૂલિપ જોશીનો કલ્કિ તરીકેનો મૌન અભિનય કળીયુગને પણ  શરમમાં નાખી દે તેવો છે. આવી ફિલ્મો બહુ ઓછા બજેટમાં બને છે, આવી ફિલ્મને એક  હેતુ હોય છે અને  તે માત્ર મનોરંજનનો નથી હોતો પણ તેનો  જે હેતું હોય છે, તેનાથી પણ પર થઈને કંઈ વાત  કહી જાય તો ફિલ્મ એક કલા બની જાય છે. આ ફિલ્મ એક કલા બને છે. સલમાન, શાહરુખ, આમિર,રિતિક, અમિતાભ, મલ્લિકા, બિપાશા, ઐશ્વર્યા, પ્રિયંકા, દિપિકાની બહાર પણ એક ફિલ્મિ દુનિયા છે, એવા એહેસાસ  માટે ય જોઈ લેવા જેવી ફિલ્મ છે.

આ ફિલ્મ જોતાં કેટલીક ગુજરાતી કૃતિ યાદ આવે છે તેમાં છે જયંતખત્રીની ‘ખિચડી’, ‘લોહિનું ટીપું’, બક્ષીની ‘કુત્તી’ અને રમેશ ર. દવેની ‘શબવત’.

સ્ક્રિન  શૉટ –

‘‘કોઈપણ સમસ્યાનો અંત સેક્સનો  સંતોષ છે.’’ – સિગ્મન ફ્રોઈડ.

*******************

About aKshArAnANd

સામાય ધસી જઈએ, આઘાય ખસી જઈએ... હોવું ય હવે ઉત્સવ આકંઠ શ્વસી લઈએ....રેતાળ કીનારા પર હેતાળ હસી લઈએ..... મૃત્યુ, જીવન, ઉત્સવ, પ્રેમ, કોમ્પ્યુટર, દોસ્તી પુસ્તક આ બધાને મળવા માટે ધરતી પર ફરવાનું બહાનું મળે તો તે ખરેખર લિજ્જતની વાત છે.....
This entry was posted in આંખના ઈશારે..... Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s