ઉત્તરાયણ હતી. સૂર્ય સાથે મારું પણ ઉત્તરમાં અયન હતું કારણ કે ઉના એક રીતે તો દક્ષિણમાં ગણાય ને અમદાવાદ ઉત્તરમાં..(અમદાવાદ ઈસ્કોનથી ઉના જાઓ તો…હાહાહા). પિયુની વાટ જોઈ, રાતે થાકીને સૂઈ ગયેલી નાયિકા જેવી લાગી રહી હતી, જ્યારે શિવરંજની ચાર રસ્તાએ મેં મારા સામાન સાથે અમદાવાદમાં પગ મુક્યો.
ખબર નહીં કેમ પણ તેને પહેલીજ વારમાં સાંગોપાંગ દર્શન કરાવવા હશે એટલે અમારી ઉનાની બસ સાત વાગે પહોંચે તેને બદલે સવારે સાડાચારે પહોંચી. મૌલિક ભાઈ મણિનગર હતા, હું રિક્ષા કરીને ગયો. એક છેડાથી બીજા છેડા સુધીની યાત્રા બ્રાહ્મમુહૂર્તમાં કરી. આ નખટ નગરી મારી સામે આછું મલકી હતી. પ્રથમ સ્મિત જેવું.
ત્યારે પણ સાંગોપાંગ નહોતો જાણી શક્યો અને આજે પણ નહીં. કદાચ એવો કોઈ દાવો અમદાવાદ નગરી વિશે કરે તો ખોટો છે, કારણ કે નાયિકા જેવી નગરી છે. નારીને પૂરી ક્યારેય સમજી કે ચાહી નથી શકાતી તો આ તો નગરી છે. ખૈર….
હું કોઈ પુલ પરથી પસાર થયો રીક્ષામાંથી ડોકીયું કર્યું તો નીચે સાબરમતીનું પાણી પાંપણ નીચે સાચવેલા સમદર જેવું ‘જળ-થળ’ હતું! ઠંડીના આછા પગરવની રમ્યતા, નિરવ રસ્તા પર જણાતી હતી. મણિનગર પહોંચતા રસ્તામાં એક વળાંક પર હાઈવે અને તેની બન્ને તરફ ઘટાદાર વૃક્ષો આવ્યા હતા…મને કોઈ પશ્ચિમી શહેર ભાસ્યું હતું.. પણ અફસોસ એ દ્રશ્ય લાંબું ન હોતું ચાલ્યું.
બપોરે મણિનગરથી થલતેજ આવવાનું થયું તો બીઆરટીએસમાં આવ્યા. તેમાં માનવીય શ્વાસો અને પ્રશ્વેદોની પચપચતી યાંત્રિક બદબુનો અહેસાસ થયો. પરુથી ખદબદતા સૂર્યની કલ્પના આધુનિક સાહિત્યકારોએ શા માટે કરી તેનો એ સંસ્પર્શ હતો. ત્યારે પહેલી વખત થયું કે નમણી માનેલી આ નગરી તો નગરવધુ છે, જેનું દિવસનું રૂપ કદાચ કોઈ જોવા માંગતું નથી હોતું!
wah, aanand bahot khub dost! teto maja karavi didhi……hu aagalni shreni vachva ichchukk chhu……..
thanks my friend