શું ઉત્સવો ન હોત તો માનવ સમાજ પાગલ થઈ જાત…?!

ganeshશું ઉત્સવો ન હોત તો માનવ સમાજ પાગલ થઈ જાત…?!

આપણા સમાજે હમણાં કાનુડાને જન્માવ્યો, વર્ષોથી જન્માવતા આવે છે, તેને પારણે ઝૂલાવ્યો, વર્ષોથી ઝૂલાવતા આવે છે. પછી શ્રાવણ મહિનો આખો હર હર મહાદેવમાં કાઢ્યો, દર વખતે કાઢીએ છીએ. વળી, તેના દિકરાને માથે ચડાવીશું-ગણપતિજી આવી ગયા છે, દર વખતે આવે છે અને આ પછી માતાજી આવશે, નવરાત્રી…દર વખતે આવે છે.  દીવાળી..બેસતું વર્ષ..બધુંય આવશે, આવતું હતું અને આવી રહ્યું છે.

પ્રશ્ન ઉત્સવો આવવાનો નથી, દરવખતે આવવાનો પણ નથી…પ્રશ્ન છે કે લોકો આ દરવખતે એટલા જ ઉત્સાહથી ભાગ લઈ શકે છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે લોકોને ઘર-સંસારના પ્રશ્નો વચ્ચે પણ ઉત્સવો ઉજવવાનો સમય મળી રહે છે – ભારતીય સંસ્કૃતિમાં. ચાલો સમય તો મળી જાય છે પણ શું આમ તે પાગલ નથી બનતા જઈ રહ્યા આ ઉત્સવો પાછળ – ખોટેખોટા.(?)

પણ જ્યારે એ લોકોની વચ્ચે જઈને મારા આ જ પ્રશ્નનું મને સુઝ્યું તેવું માનસશાસ્ત્રીય અને ફિલોસોફીકલી અધ્યયન કર્યું ત્યારે ખ્યાલ આવ્યો કે ખરેખર તો આ ઉત્સવો જ તે લોકોને પાગલ બનતા અટકાવે છે. જો ઉત્સવો, શ્રદ્ધા, આસ્થા અને ધર્મ આ ચાર શબ્દો તેની પાસેથી છીનવી લેવામાં આવે તો એકાદ વર્ષમાં પાગલપણાની સંખ્યા વધી જશે.

ઘણાં એવા લોકો છે, જે પોતાની સમસ્યાને આ ઉત્સવોમાં ભૂલી જાય છે, ફ્રેશ થઈ જાય છે. સમસ્યાઓમાંથી જાણે તેને એટલી ઘડી છૂટકારો મળી ગયો હોય તેવું લાગે છે.

ઘણાં એવા લોકો મળ્યા જે ખરેખર એક યા બીજી રીતે માનસિક રોગથી પીડાતા હોય છે જેમ કે તેઓને પરિવારના અતિપ્રિય વ્યક્તિને કંઈ થશે કે થઈ જશે એવી ચિંતા રહ્યા કરતી હોય છે કે પછી નોકરીમાં એકાદ ભૂલ થશેને નોકરી છીનવાઈ જશે એવો ડર રહેતો હોય છે કે પછી ધંધાની બરકત ફલાણા દેવ કે દેવીને કારણે છે. આવી માનસિક પીડામાંથી તે પસાર થતાં હોય છે, તેને તે રોગમાંથી મુક્તિ માટેનું સાધન બની જાય છે ધર્મ, ઉત્સવો કે શ્રદ્ધા.

ઘણાં શારીરિક રોગો માટેના પેઈનકિલર જેવું કામ કરે છે ધર્મ. જેમ કે ઘણાં રોગો શરીરમાં હોય, તે જવાના ન હોય પણ બીમાર વ્યક્તિ કે તેના પરિવાર વાળા તે રોગની ચિંતામાં વધારે માંદા રહે છે. ઉત્સવોથી,  શ્રદ્ધાથી, ધર્મના આશરે જઈને તે લોકો આવી ચિંતાઓમાંથી હળવા થાય છે અને ઘણીવાર શરીરમાં મનથી થતાં પરિવર્તનો તેને સારું પણ કરી દે છે!

ધર્મએ આપેલા ઉત્સવો કોઈને કોઈ રીતે માનવજીનવમાં પરિવર્તન અને નવું સર્જન વિકસાવવા માટેનો એક રસ્તો છે. મનોવિજ્ઞાન સાથે તેને સીધો સંબંધ છે. તમે જોઈ શકશો કે માણસની જેમ પાયાની જરૂરીયાતો છે તેમ માણસની પાયાની બીમારીઓ પણ છે. જેમ કે સંકટ, દુઃખ, ધન, ધાન્ય, ખુશી, જીવવું વગેરે આ બીમારી છે. આ બીમારીનો ઉકેલ ધર્મના ઉત્સવો પાસે અને ધર્મના દેવી-દેવતાઓ પાસે છે. સંકટ દૂર કરવા માટે આપણા એ સમયના ડોક્ટરનુમા ઋષિઓએ હનુમાન કે ગણેશને સંકટમોચન બનાવ્યા. તે દેવો વિશેની વાતો પણ એવી કરવામાં આવી કે જે સંકટ દૂર કરતા હોય. તેની પ્રતિમાઓ પણ વિશિષ્ટ અને જાણે વ્યક્તિ પર ત્રાટકેલા સંકટ નામના રાક્ષસને હમણાં મારીને ભૂક્કો કરી નાખશે!!! સંકટનો ભૂકો થાય કે ન થાય પણ સંકટને સહન કરવાની હિમ્મત તો આવી જ જાય છે.

ધનની સમસ્યા માટે લક્ષ્મીમાતા બનાવ્યા, ધાન્યની સમસ્યા માટે વિષ્ણુ કે અન્નપૂર્ણા બનાવ્યા. દુઃખ દૂર કરવા માટે અને પ્રસન્નતા માટે ભોળાનાથ જેવું  વિશિષ્ટ કેરેક્ટર રચ્યું! આમ જેમ વ્યક્તિની-માનવસમુદાયની સમસ્યાઓ વધતી ચાલી તેમ ધર્મ પણ ફેલાયો અને સમસ્યાઓના પ્રકાર જેમ વધતા ગયા તેમ દેવી-દેવતાઓના સ્વરૂપો, કથાઓ, પૂજાઓ કર્મકાંડો વધતાં ચાલ્યા.

વૈદિકાળના વ્યક્તિની જરૂરીયાતો ઓછી હતી તેથી તેના પ્રશ્નો હતા કે આ બધું ચલાવનારો છે કોણ? એટલે તેણે તેને શોધવા માટે જમીન માંથી ઉગતા દર્ભથી લઈને અવકાશ સુધીના તત્વોને જોયા, જાણ્યા અને પ્રાર્થના કરી. પછી તેને ખબર પડી થોડી. કોઈએ બ્રહ્મ અને સત્ય નામ આપ્યું તો ઉપનિષદ કાળના માનવ સમુદાય દ્વારા નવી સમસ્યાઓ ઉભી કરવામાં આવી કે આ જીવન મરણ અને તેને કરનારો બ્રહ્મ કોણ છે? તેની માથા ઝીંક કરી.  પુરાણકાળના વ્યક્તિઓ પાસે શાંતિ હતી, સુખ હતું પણ બધું નવું નવું હતું, સમાજ ઘડાતો હતો, કબીલાઓ, જ્ઞાતિઓ, વંશો, પરંપરાઓ, પ્રતિષ્ઠાઓ આ બધાની સમસ્યાઓ હતી તો તે પ્રમાણે ધર્મએ આકાર લીધો. ધીરે ધીરે માનવને ટકવાની જીજીવિષાની સમસ્યા થઈ…તેમાંથી તે હાલની કગાર પર આવીને ઉભો રહ્યો. ધર્મની વિલુપ્તિ ક્યારેય શક્ય નથી, તેનું વિકૃતિકરણ કે વિસ્વરૂપીયકરણ ચોક્કસ થઈ શકે છે. (!)

પૃથ્વી પરના માનવસમુદાયની સમસ્યાઓ જેમ જેમ વધવા લાગશે, તેમ તેમ વ્યક્તિ ધર્મને એક યા બીજા સ્વરૂપે સ્વીકારતો થવા લાગશે. આખરે વ્યક્તિગત ધર્મ હજુ અસ્તિત્વમાં આવ્યો નથી, તે પણ આવશે. જેમાં કોઈ નિતિ કે નિયમ કે સિદ્ધાંત નહીં હોય, કોઈ આદેશ કે આદર્શ નહીં હોય. તેમાં હશે કેવળ ને કેવળ પોતાપણાની ભાવના અને પોતાના સુખ અને સુરક્ષાની શ્રદ્ધા. આ સ્વાર્થ ભક્તિ નહીં હોય કારણ કે ભક્તિનો આ પ્રકાર જ વ્યક્તિને એ ધર્મ પાસે લઈ જશે જે ધર્મ બ્રહ્માંડની રચના સમયે હતો; જ્યાં  શિવને જીવ થવાની ચેષ્ટા હતી અને જીવને શિવ થવાની અભિપ્સા હતી!

અર્થ એટલો જ કે દરેક માણસનું જેવું અને જેટલું મન, તેવું અને તેટલું ધર્મનું સ્વરૂપ અને અસ્તિત્વ. મારી તમારી જેવા વ્યક્તિ કંઈ આવી ફિલોસોફીમાં ન જાણીએ પણ માનવને તો એક એવો ખોળો જોઈએ છે કે જ્યાં તે આરામથી સૂઈ શકે, દુઃખ ગાય શકે અને રડી કે હસી શકે..સુખ-દુઃખ કહી શકે. ધર્મ તે ખોળો છે!

ધર્મ તે હોસ્પિટલ છે, જેમાં શ્રદ્ધાના બેડ પર સૂઈને ઉત્સવના બાટલા ચઢાવી શકાય છે અને વ્યક્તિને જીવનના આનંદની શક્તિ આપી શકાય છે, આ મારું મનોવિજ્ઞાનિક કારણ છે!

– આનંદ ઠાકર

About aKshArAnANd

સામાય ધસી જઈએ, આઘાય ખસી જઈએ... હોવું ય હવે ઉત્સવ આકંઠ શ્વસી લઈએ....રેતાળ કીનારા પર હેતાળ હસી લઈએ..... મૃત્યુ, જીવન, ઉત્સવ, પ્રેમ, કોમ્પ્યુટર, દોસ્તી પુસ્તક આ બધાને મળવા માટે ધરતી પર ફરવાનું બહાનું મળે તો તે ખરેખર લિજ્જતની વાત છે.....
This entry was posted in આંખના ઈશારે..... Bookmark the permalink.

1 Response to શું ઉત્સવો ન હોત તો માનવ સમાજ પાગલ થઈ જાત…?!

  1. Jay Makwana says:

    ઘણાં શારીરિક રોગો માટેના પેઈનકિલર જેવું કામ કરે છે ધર્મ. જેમ કે ઘણાં રોગો શરીરમાં હોય, તે જવાના ન હોય પણ બીમાર વ્યક્તિ કે તેના પરિવાર વાળા તે રોગની ચિંતામાં વધારે માંદા રહે છે. ઉત્સવોથી, શ્રદ્ધાથી, ધર્મના આશરે જઈને તે લોકો આવી ચિંતાઓમાંથી હળવા થાય છે અને ઘણીવાર શરીરમાં મનથી થતાં પરિવર્તનો તેને સારું પણ કરી દે છે!… બહુત ખુબ બરખુરદાર!!!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s