આજ દિવાળી…કાલ દિવાળી..!!!

આજ દિવાળી…કાલ દિવાળી..!!!

divali
આ દિવસોમાં બસ બધાના મુખે એક જ વાત સંભળાય છે કે પ્રકાશનું પર્વ એટલે દિવાળી, વળી દિવાળી વિશે ઘણાંએ ઘણું લખ્યું છે, લખશે…ઉજવશે…જ્યાં વસશે એક ભારતીય ત્યાં ત્યાં પ્રકાશના પર્વની વાત થશે જ પણ આપણે એ જાણવું રહ્યું કે શા માટે પ્રકાશના પર્વની ઉજવણી કરીએ છીએ….

પ્રકાશ…ઉજાશ…અંજવાશ…જ્યોતિર્મય..તેજોમય આ વાત એટલી મહાન છે કે તેને બધા ધર્મોએ કરી છે પણ ભારતીય પ્રજા તો મૂળે વાતને ઉત્સવ કરવાના મૂડ વાળી પ્રજા એટલે તેને પરમ પ્રકાશના મહાત્મ્યનું પેઢી-દર-પેઢીમાં સિંચન થાય તે માટે તેનો ઉત્સવ જ બનાવી નાખ્યો છે. આપણે ત્યાં સુધી કહ્યું કે –

– દિપજ્યોતિ પરબ્રહ્મ

પરબ્રહ્મની વ્યાખ્યા જ જ્યોતિર્મય થઈ છે ત્યારે સૂફીસંત રૂમી યાદ આવે અને તે ‘शम्स-ए-तरबीज’ માં લખે છે કે – તારો પ્રકાશ બધી વસ્તુઓની સાથે ને સાથે જ મળીને ચાલે છે અને બધાથી અલગ પણ છે. મીરાંને મોહનના પ્રકાશની ખબર પડી જાય અને દ્વારકાના દરબારમાં તે વિલિન શેમાં થઈ જાય છે તે અનુભવિશકાય તો રૂમીની આ કવિતાના શબ્દોને પ્રકાશના પર્વે સમજી શકાય!

તો વળી,

‘થ્રી પ્રિન્સિપલ્સ’માં બોએહમીએ કહ્યું છે કે – અંધકારનો ગંભીર સમુદ્ર એટલો જ વિશાળ છે, જેટલો પ્રકાશનું નિવાસ સ્થાન; અને તે એક બીજાથી જરા પણ દૂર નથી. પણ એક બીજાથી મળેલા, સાથે-સાથે વિદ્યમાન છે અને તેનામાંથી કોઈનો પણ આદિ કે અન્ત નથી.

ઉપનિષદનો ઋષિ આજ કરતો હતો એ એક એક તત્વ પાસે ગયો અને તે તત્વનું અંતિમ શોધવાનો પ્રયાસ કરતો રહ્યો આખરે મળ્યું તેમાં ઋષિઓ બોલી ઉઠ્યા – તમસોમા જ્યોતિર્ગમયનમ્।।

આપણે આ તહેવારને ઉજવીએ છીએ ત્યારે વિશ્વસાથેનું આપણું અનુસંધાન ‘બહુનામ જન્મનામન્તે’નું ફરીથી પુનઃસ્મરણ થાય છે. સ્ટિફન હોકિંગ્સને જો આ વાત કહેવી હોય તો તે ‘બ્રીફ હિસ્ટ્રિ ઓફ ટાઈમ’માં એવી રીતે કહે છે કે – પ્રકાશ જ છે જે વિશ્વના વિનાશ અને અંતનો કારક બનીને સમગ્ર અવકાશમાં વિભિન્નરૂપે વ્યાપ્ત છે. જેનાથી ક્યા ગ્રહોમાં કેવું જીવન હશે તેની શક્યાશક્યતાઓનો ક્યાસ કાઢી શકાય છે. અવકાશના સમયને સમજવો હોય તો પ્રકાશનું વિશ્લેષણ કરવું પડે.

આપણે પ્રકાશ સુધી પહોંચી શકીએ કે ન પહોંચી શકીએ તે તો સમય જાણે પણ આજે જ્યારે સવારે અચાનક જ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણ દ્વારા ભાષ્ય કરાયેલી ભગવદગીતા વાંચી રહ્યો હતો ત્યારે થયું કે મારી સંસ્કૃતિએ કેટલી વિરાટ જગ્યા આપી છે મને કે જેમાં હું જ્યાંથી મળે ત્યાંથી શુભ લઈ શકું છું. આ પણ એક રીતે તો પ્રકાશ તરફની જ ગતિ છે ને!

ખરે જ સેન્ટ પોલે કહ્યું છે ને કે – For the good that I would I do not but the evil which I would not that I do now if I do that I would not it is no more I that do it but sin that dwelleth in me – અર્થાત્ જે શુભ કર્મ હું કરવા ઈછું છું તેને કરી નથી શકતો પણ જે દુષ્કર્મ હું કરવા નથી ઈચ્છતો તે કરી બેસું છું. હવે જો કોઈ ઈચ્છા ન હોવા છતાં હું દુષ્કર્મ કરું છું તો તેનો અર્થ એ છે કે હું સ્વયં એ નથી કરતો પણ મારી અંદર બેસેલું પાપ તે કરાવે છે.

આપણે શું કરવું કે શું ન કરવું તે આપણાં હાથની વાત નથી પરંતુ આપણી આસપાસ જે થઈ રહ્યું છે તેને એક પરમ પ્રકાશમય અંશરૂપ જોવું તે તો આપણાં હાથમાં છે જ ત્યારે આસપાસનું જોતાં જોતાં જ આપણાં એક ઋષિ નામે અંગીરા ઋષિ એક ટિકામાં લખે છે કે સૃષ્ટિનું અતિતેજોમય અને અતિસૂક્ષ્મમાં સૂક્ષ્મ કોઈ તત્વ હોય તો તે પરમાણું છે અને તે એ સિદ્ધ કરે છે કે તે સૃષ્ટિનું મૂળ કારણ પ્રકાશ યા તો તેજોમય સ્વરૂપ છે – જ્યાતિર્મય સ્વરૂપ છે….

આમ સૃષ્ટિને પરમ તત્વના પ્રકાશનો અંશ જાણીને જોતાં જોતાં જેના હૈયામાં પોતે જ જ્યોતિ પ્રગટાવી શક્યા તેનું સ્મરણ થાય છે  જેઓ આજે આ પ્રકાશના પાવન પર્વના દિવસે જ પરમ પ્રકાશમાં ભળી ગયા હતા તેવા મહાવીર સ્વામી, સ્વામી રામતીર્થ, દયાનંદ સરસ્વતી, પાડુંરંગશાસ્ત્રી આઠવલે…વગેરે…

આખરે રાજેન્દ્ર શુક્લ સાહેબના શબ્દો આ પાવન પર્વ નિમિત્તે બધાને સપ્રેમ….

ક્યાંકથી
રૂનું પૂંમડું
હાથ લાધી ગયું
ને એની વાટ
વણતાંય આવડી ગયું!

એટલા માત્રથી કંઈ
દીવો ન પ્રગટે!

સ્વયં સ્નિગ્ધ થઈ
સિંચાયા કરવું પડે
ને પોતે જ પ્રગટવું પડે!

પછી પણ
સતત વાતા પવનો સામે
આડશો જેવું કશુંક
રચવું પડે,
ને સતત
સંકોરતા રહેવું પડે
સ્વને
છેક નિર્વાણ લગ…

।। આપણા બધામાં રહેલો પરમ પ્રકાશનો અંશ આપણા જીવનને ઉજ્જવળ બનાવે તેવી શુભેચ્છા।।

About aKshArAnANd

સામાય ધસી જઈએ, આઘાય ખસી જઈએ... હોવું ય હવે ઉત્સવ આકંઠ શ્વસી લઈએ....રેતાળ કીનારા પર હેતાળ હસી લઈએ..... મૃત્યુ, જીવન, ઉત્સવ, પ્રેમ, કોમ્પ્યુટર, દોસ્તી પુસ્તક આ બધાને મળવા માટે ધરતી પર ફરવાનું બહાનું મળે તો તે ખરેખર લિજ્જતની વાત છે.....
This entry was posted in આંખના ઈશારે..... Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s