।। ખુશવંતનો ખરખરો, શબ્દોની ખુશ્બૂથી ।।

।। ખુશવંતનો ખરખરો, શબ્દોની ખુશ્બૂથી ।।

Khushvantશબ્દોની ચડ્ડી પહેરીને ભગતવેડા કરતા ચેતન ભગતનું જ્યારે ચેતન ભગત નામે અસ્તિત્વ પણ નહીં હોય ત્યારે ‘ભારતીય અંગ્રેજી સાહિત્ય’ના આકાશની કાંખમાં ગલગલીયા કરનારો એક ખુશખુશાલ જણ જન્મ્યો હતો. લોકો તેને ખુશવંત સિંહ કહેતા હતા, કદાચ તમે ઓળખતા હોય તો…ન ઓળખતા હોય તો વાંધો નહીં, કારણ કે તે કાંઈ બોલિવુડનો હીરો ન હતો કે તમે તેના વિશે નહીં જાણો તો કાલે તમારા ભાઈબંઘો કે બહેનબંધો તમને ‘સફેદ હાથી’ કહેશે! પણ એક જમાનો હતો ખુશવંતને વાંચનારાઓનો….ખુશવંતની સામે ખોંખારો ખાનારાઓનો…ખુશવંતના પુસ્તકોને ટેકે રાત પાડનારાઓનો…આ એના સ્ટારડમની વાતો છે…

આ એ જમાનો હતો જ્યારે સાહિત્યમાં ‘પિંક લિટરેચર’ કે ‘મિડીયોકર લિટરેચર’ જેવા વિવિધ ભાગો પાડનારાઓ ભારતમાં જન્મ્યા ન હતા! અને જનમ્યા હોય તો પણ તેને આવા ભાગ પાડવા ન હતા કારણ કે તેઓ એક ગીત ખાસ યાદ રાખતા હતા કે – સાહિત્ય કો સાહિત્ય રહેને દો ઔર કોઈ નામ ન દો…(યાદ કરોઃ પ્યાર કો પ્યાર હી રહેને દો…)

ખૈર આજે ‘ભારતીય અંગ્રેજી સાહિત્ય’નો એક ખજાનચી ચાલ્યો ગયો છે તેનો ખરખરો કરીએ….

ખુશવંત ખરખરી ગયો કે ખરી ગયો પણ ખુશવંતની ખૂશ્બુ સદાબહાર રહેશે, એને યાદ કર્યો છે અમે બક્ષીને વાંચતા વાંચતા કે પછી જયંત ખત્રીની વાર્તાઓને નાણતાં પ્રમાણતાં…., માણસના માંસને સૂંઘીને શ્વાસને ભરીને તેના ઉચ્છવાસમાંથી એક વાત ફેંકે તે ખુશવંતની વાર્તા!

એ રેલવે સ્ટેશને બેઠો હોય તો ત્યાં બેઠાબેઠા જ પોતાની સામેના બે પાત્રોના મનને વાંચીને વટથી લખી નાખે એક વાર્તા…અને વળી આપણા વાચાળ વિવેચકો એની એવી વાર્તાને મનોઈમેઈજ જેવું ભારેખમ નામ આપે ત્યારે તે દાઢીમાં હાથ પસરાવતો પસરાવતો હસતો હોય તે અદા જોવા જેવી લાગે. એ એમ થઈને જ કહેતો કે હું તો આમ જ લખીશ કારણ કે મારી રગોમાંથી દોડતું ખૂન એ જ મારી વાર્તા!
આજે જ્યારે વાર્તામાંથી કંઈક પ્રાપ્ત થાય… ‘કંઈક મળે’ એવા ઉદ્દેશ્યથી અમે વાર્તામાં જ તત્વજ્ઞાન વણી લઈએ છીએ ત્યારે અમારી ભાષાના વિદ્વાનો નાકનું ટેરવું ઊંચે ચઢાવે છે…પણ એમને કહો કે ખુશવંત પોતાની ‘નાસ્તિક’ જેવી વાર્તામાં ખલિલ જીબ્રાનને લઈ આવે અને એ પણ એક બાળક, પિતા અને ઓછું ભણેલી મમ્મીને માધ્યમ બનાવીને…

‘બિંદોની આંખોમાં એક શૂન્યતા હતી, જે ન નફરત કહી શકાય ન પ્યાર’ આવું એક વાક્ય મૂકીને ‘રેપ’ વાર્તાને વાંચકો પર રેપ થતો બચાવી લેતો ખુશવંત ન માત્ર મિડિયોકર રહી જાય છે, બલકે તેને એક કક્ષા પ્રાપ્ત થાય છે…તેની વાર્તાને પણ…

તેની વાર્તાઓ વિશે વાત કરવી હોય તો તેમાં… – રેપ, દંગા, કુસુમ, એલિસ નામનું શહેર, તિતલી, મરણોપરાંત વગેરે હું ગણાવી શકું જે મેં વાંચી છે તેમાંથી મને આ ગમી છે. તેની વાર્તામાં તત્કાલીનતા છે. આજે બનેલી ઘટનાને આકાર આપવાની વાત જે આપણે ત્યાં મડિયા કરી ગયા અને એક મૂલાકાતમાં આપણાં મૂર્ધન્ય હાસ્યલેખક વિનોદ ભટ્ટ કહે છે કે – છાપામાં લખવું ને અમર બની જવું તે બન્ને સાથે ન થાય. પણ ખુશવંત તેમાં બાદ રહે છે…ઘણાં બાદ રહે છે ખૂદ વિનોદ ભટ્ટ પણ. ઘણાં મને કહે છે કે તત્કાલીનતા વાર્તામાં આવે તે સામાન્ય વાત છે. એટલે શું બધું અસામાન્ય કરે તે જ વાર્તાકાર? જેમ કવિ માટે કહેવાય છે કે જ્યાં અનુભવી ને રવિ ન પહોંચે ત્યાં કવિ પહોંચે…પણ વાર્તાકાર તેનાથી પણ બે ડગલા આગળ છેઃ વાર્તાકારે તો સમયના સરી જતા પ્રવાહમાં પોતાના દ્રષ્ટિકોણનું એક પાંદડું તરતું મૂકવાનું છે, આ પાંદડાને પાછું તે પ્રવાહમાંથી ખેંચી લેવાનું છે અને તેમાં જેટલા જળના બુંદ વળગી રહે તે વાર્તાકારની સંપત્તિ છે તત્કાલીન પ્રવાહોમાંથી. વાર્તાકાર ઈતિહાસકાર નથી કે તે પ્રવાહો સાથે તણાઈ જાય, ખુશવંતે તેવું નથી કર્યું. ખુશવંત ભાગ્યશાળી લેખક હતો કે તે છેક સુધી પોતાનું પાંદડું ભીનું રાખી શક્યો, બદલતા સમય સાથે તે વાર્તાઓ આપતો ગયો, વાતો કરતો ગયો. તેણે પંજાબના ખેડૂતની વાત પણ કરી અને નાઈડ્સ ક્લબની વાત પણ કરી. આને દ્રષ્ટિકોણનું પાંદડું લીલું રાખ્યું કહેવાય. ઘણાં વાર્તાકારો સડી જાય છે કારણ કે તેને સમયના પ્રવાહમાંથી પાંદડાને ખેંચતા આવડતું નથી અને પછી આખરે તે પાંદડા સાથે પોતે પણ સડી જાય છે.

‘જ્યારે શીખ એક બીજા મળે છે’ એવી એક વાર્તામાં વાર્તાનો પ્રારંભ ખુશવંત એવી રીતે કરે જાણે તે આરામથી ખૂરશી પર બેસીને તમારી સાથે મળીને વાત કરે છે! ઘણી વાર્તાઓમાં તે ખૂલ્લો પડી જાય છેઃ જો વિવેચકોના શબ્દો ઊછીના લઈને કહેવું હોય તો કહી શકાય કે – ઘણીવાર્તાઓમાં ખુશવંત સિંહ બોલાકા બને છે અને તેનો પોંઈન્ટ ઓફ વ્યૂ ગુમાવી બેસે છે….પણ ચાલ્યા કરવાનું, એ તો મોપાસા હોય કે ઓ હેનરી કે મન્ટો કે મુખ્તાર સિંહ કે મોહન રાકેશ કે અજ્ઞેય કે નિર્મલ વર્મા કે બક્ષી કે સુરેશ જોશી કે મધુ રાય કે કોઈ પણ વાર્તાકાર લઈ લો ને!

ખુશવંતની એક વાત ખાસ હતી કે તે કંઈક કહેવા માટે કંઈક પોતાની પાસેથી આપવા માટે વાર્તા લખતો, તે સોક્રેટિસનો પાક્કો ફેન હતો કારણ કે સોક્રેટિસ કહેતા કે જો નકરો કલ્પના વ્યાપાર કરનારાઓ માટે મારા નગરમાં કોઈ સ્થાન નથી. ખુશવંત તે માટીનો હતો. પ્રેમની વાત હોય કે ભારત-પાકિસ્તાનના ભાગલાની દુખદ ઘટના હોય કે રેલવે સ્ટેશનની ઘટના હોય કે જુહુ બીચે ફરતા ચણા ખાવાની ચવાઈગયેલી ઘટના હોય…તેનામાં આવડ હતી પાત્રોને પેશ કરવાની, પાત્રોને પોતીકા કરવાની, પાત્રોને રમતા કરવાની…
આ કંઈ ખુશવંતની ખુશામદ નથી ખુશવંતનો ખુશવંત સાથે ખરખરો છે….પણ ખુશવંત ખુશ છે…ખુશ જ હોઈને હવે 98 વર્ષે તેને શું કરવાનું બાકી હતું? ખુશવંત ખુશ રહો…

– આનંદ ઠાકર

About aKshArAnANd

સામાય ધસી જઈએ, આઘાય ખસી જઈએ... હોવું ય હવે ઉત્સવ આકંઠ શ્વસી લઈએ....રેતાળ કીનારા પર હેતાળ હસી લઈએ..... મૃત્યુ, જીવન, ઉત્સવ, પ્રેમ, કોમ્પ્યુટર, દોસ્તી પુસ્તક આ બધાને મળવા માટે ધરતી પર ફરવાનું બહાનું મળે તો તે ખરેખર લિજ્જતની વાત છે.....
This entry was posted in આંખના ઈશારે..... Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s