…ફક્ત શિક્ષકો માટે જાણવા જેવું…

… ફક્ત શિક્ષકો માટે જાણવા જેવું …

p3શિક્ષણઃ પદ્ધતિના પાયા પર ચાલતી એક વ્યવસ્થા. શિક્ષકો મોટેભાગે બી.એડ્. પી.ટી.સી.માં પદ્ધતિનું આખું શાસ્ત્ર ભણે છે, કહો કે ભણવું પડે છે. પણ મને અહીં સૂઝેલી વ્યાખ્યાનો અહેસાસ ત્યારે થયો કે જ્યારે હું દોઢ દિવસની શૈક્ષણિક યાત્રા કરીને આવ્યો.

‘Be…Nachiketa’  નામે પ્રોગ્રામ અંતર્ગત શ્રી વડવિયાળા પે.સે.ના અમારા વિદ્યાર્થીઓએ મારી અપેક્ષાથી પણ વધારે સારો પ્રતિસાદ આપ્યો ત્યારે તેમાં હજુ કશુંક થઈ શકે અને બાળકોમાં રહેલી સર્જનાત્મકતા વધુ વિકાસ પામે તે માટે મેં પંડિત સાહેબને તે પ્રોજેક્ટ વિશે વાત કરી. તેઓ ફોન દ્વારા તેમણે મને માર્ગદર્શન આપીને છૂટી ન ગયા પરંતુ મને રાજપુરની શાળાની મૂલાકાતે જવાનું કહ્યું હતું, અને યોગાનુયોગ રાજપુર અને હળવદ તાલુકાના BRC & CRC  સહિત તેરેક જણ અહીં ભાવનગર અને સૌરાષ્ટ્રની બીજી કેટલીક શૈક્ષણિક સંસ્થાના પ્રવાસે નીકળેલા. મને પંડિત સાહેબે તેઓને મળવા બોલાવ્યો કારણ કે તેની સાથે દેશ-વિદેશના શૈક્ષણિક સંસ્થા સાથે સંકળાયેલ પાર્થેશભાઈ પંડ્યા અને રાજપુરની શાળામાં પાયાનો વિકાસ બાળકોમાં કરી રહેલા બિન્દુબેન પણ હતા.
ઉપરના પેરેગ્રાફમાં પંડિત સાહેબ, પાર્થેશભાઈ, બિન્દુબેન, હળવદ તાલુકાના BRC & CRC – નો શૈક્ષણીક પ્રવાસ…..આટલી વાત આપના માટે નવી હશે. તો અહીં હું જે દોઢ દિવસમાં મેળવી શક્યો તેની આપની સાથે ‘વહેંચવા’ના ઉદ્દેશ્યથી વાત કરતા જઈએ અને આ બધાનો પરિચય મેળવતા જઈએ…

પંડિત સાહેબ, શૈક્ષણિક ક્ષેત્ર સાથે સંકળાયેલા કોઈ પણ વ્યક્તિને તેનો પરિચય આપવાની જરૂર નથી. જી.સી.આર.ટી.-ગાંધીનગરના નિયામક હતા, હાલ તેઓ ભાવનગરમાં છે અને શિક્ષણના માર્ગદર્શક તરીકે સેવારત છે. ભાવનગરની કેટલીય સંસ્થાઓને તેઓ પોતાના ખંભે લઈને ચાલી રહ્યા છે. શિક્ષણમાંથી નીકળી ગયા પછી પણ શિક્ષણની ચિંતા કરવી અને માત્ર ચિંતા કરીને કે ચર્ચા કરીને કામ પૂરું કરી દેવું તેવું નહીં પરંતુ તે સમસ્યાને દૂર કરવા માટેના તમામ પ્રયત્નો તેઓ હાથ ધરે છે અને મને આપને એ જણાવીને આનંદ થશે કે એ એવા એક વ્યક્તિ છે કે જે ભાવનગરમાં એવા યુવાનોને શિક્ષણ માટે કામ કરતા પ્રેરે છે કે આવનારી પેઢીનું ભાવનગર પંડિત સાહેબનું ઋણી રહેશે. માત્ર ભાવનગર પૂરતી તેમની ચિંતા નથી. તે સમગ્ર ગુજરાતની ચિંતા કરે છે અને તેથી જ તો મારા જેવા ‘તાજા વિદ્યાસહાયક’ને મળવા માટે અને મારા કામમાં ક્યાંય ઉપયોગી થઈ શકે તો તે ઉત્સાહિત બન્યા. તેમનો આ ઉત્સાહ જેમણે લાઈવ જોયો છે તે શિક્ષક કામ ન કરે તો અંતરઆત્મામાં દુભાય છે. આવનારા ભારતને કેવું શિક્ષણ જોઈએ છે તેની દીર્ઘદ્રષ્ટિથી તે યુવાશિક્ષકોને તૈયાર કરી રહ્યા છે અને રાહ આપી રહ્યા છે.  ગુજરાત સરકારના શિક્ષણલક્ષી પ્રોજેક્ટમાં તેમનો અનન્યફાળો હોય છે સાથે સાથે જરૂર પડે ત્યારે સરકાર સામે અને સંઘસામે લાલ આંખ પણ કરે છે…પણ બધામાં શિક્ષણનું હિત જોડાયેલું હોય છે.

ઉભા રહેજો…જતા નહીં…હજું ઘણું છે અને તેમાં પણ જો તમે શિક્ષક હોય તો તો પૂરું વાંચજો… ને જુનાગઢજીલ્લાના હોય તો ખાસ….

પંડિત સાહેબ સાથે દક્ષિણામૂર્તિ સંસ્થા ગયા. દક્ષિણામૂર્તિ ગીજુભાઈ બધેકા દ્વારા સ્થપાયેલી સંસ્થા છે. આ વિશે તો મારે વિશેષ કશું પણ કહેવું નથી. દક્ષિણામૂર્તિ ચાલુ શાળાએ એકવાર મૂલાકાત લેવી જોઈએ. ત્યાં થયેલા અનુભવો અને ત્યાં થયેલી વાતચીત માટે લાઈવ કોન્ફરન્સ જરૂરી છે. (મારા ઉનાના શિક્ષક દોસ્તો સાથે…. અધિકારી સાહેબો અને સંઘના સાહેબો સાંભળો છો?)

ગુજરાતભરના બી.આર.સી અને સી.આર.સી.ઓએ ખાસ વાંચવા જેવું આગળ છે.

મને પંડિત સાહેબે જેમની સાથેની મૂલાકાત માટે બોલાવ્યો હતો તે લોકો પધાર્યા. તે હળવદથી હતા. હળવદ તાલુકાના બી.આર.સી. તેના તાલુકાના સી.આર.સી.ઓને સાથે લઈને ‘વેકેશન’માં શૈક્ષણિક પ્રવાસે નીકળ્યા હતા. બી.આર.સી.માં માત્ર રાજકારણ જ નથી હોતું…પરંતુ બી.આર.સી.નું દાયિત્વ શું હોય છે તે હળવદના બી.આર.સી. જલારામભાઈ પાસેથી જાણવા જેવું છે. ઘીસીપીટી મિટિંગ્સ કે તાલિમથી કશું પરિવર્તન આવવાનું નથી. તેઓ માને છે કે આ રીતે સી.આર.સી. સાથે શૈક્ષણિક પ્રવાસ કરવાથી, શૈક્ષણિક સંસ્થાઓમાં જઈએ તો ત્યાંથી પદ્ધતિઓ પ્રાપ્ત થાય છે અને જુદીજુદી સંસ્થામાં જઈએ તો ત્યાંની વ્યવસ્થા અને શિક્ષણને લગતા, જ્ઞાનને લગતા વિચારો જાણી શકાય છે. આ તેર જેટલા વ્યક્તિ કે જેમને ખરે જ શિક્ષણની પડી છે તેમને મળ્યો.

પાર્થેશ પંડ્યા જેઓ સીઈઈમાં કામ કરી રહ્યા છે. તેઓ આ ટીમના લીડર હતા. એનજીઓની કોઈ યોજના હેઠળ આ કામ હળવદમાં થઈ રહ્યું છે. પછી હું એ લોકો સાથે છેક અમદાવાદ સુધી રહ્યો, પણ જ્યારે જ્યાં કશું શિક્ષણ કે જ્ઞાનને લગતું જાણવા યોગ્ય હોય તો અથથી ઈતિ સુધીની ચર્ચા કરે. પ્રશ્નો અને પરિપ્રશ્નો થાય. પાર્થેશભાઈને મેં કહ્યું કે સામાન્ય રીતે એનજીઓ દક્ષિણ કે ઉત્તર કે મધ્યગુજરાત માટે જ કામ કરતી રહી છે, ક્યારેક સૌરાષ્ટ્ર માટે પણ વિચારો. આ રીતે સીધી શિક્ષકોને ઉપયોગી થાય અને તેની અસર બાળકોના વિકાસમાં પડે તેવી કોઈ યોજનાઓ ઉના તાલુકા સુધી તો પહોંચી જ નથી. અહીં પણ સમસ્યાઓ છે દરિયાકિનારાના બાળકોને, અહીં પણ સમસ્યા છે શિક્ષકોમાં વિવિધ અભ્યાસ પદ્ધતિના વિકાસની….પણ આ તો જરૂરિયાતની વાત છે…આપણા તાલુકામાંથી ક્યારેય એવી માંગ ઉભી જ નથી થતી તો એનજીઓ પણ શું કરે?!!!

આ દરમ્યાન પંડિત સાહેબની વાડીએ ઉપાધ્યાય સાહેબ જે ઉનામાં ટીપીઓ બનીને આવેલા તેમની સાથે મુલાકાત થઈ અને તેમને જ્યારે પંડિત સાહેબે ઓળખાણ કરાવી એટલે તેમણે પોઝિટીવ વાત કરી કે ઉનામાં આવા યુવાનો ઘણાં છે…..આનંદ થયો કે ચાલો કોઈ તો ઉનાને સારું કહે છે…કે પછી ક્યાંક તો આપણા તાલુકાના કામની કદર થાય છે.

મેં જોયું છે કે આપણા તાલુકામાં કામ ઘણું સારું થાય છે…થતું રહે છે….આપણી પાસે ટેલેન્ટેડ શિક્ષકમિત્રો છે છતાં કેમ આપણા રિપોર્ટ સારા નથી જતાં??? હું એવા પચાસેક ઉપરાંત શિક્ષકમિત્રો શોધી આપું જેઓ ફ્લોર પર રહીને ખૂબ જ સારું કામ કરી રહ્યા છે. તેમના કામને આપણે પ્રમોટ કેમ કરતા નથી??? જે પોતાનું કામ પોતાની શિક્ષણ પદ્ધતિને પ્રમોટ કરવા ઈચ્છે છે તો તેને ‘દોઢા’ તરીકે કેમ ખપાવી દેવામાં આવે છે…ટાંટીયા ખેંચની રમત આપણે બંધ નહીં કરીએ તો આપણી આવનારી પેઢી પણ ક્યારેય આગળ નહીં આવી શકે. (આ બધું હું આ દોઢદિવસમાં આ લોકો સાથે ફરીને જ સમજી શક્યો છું…અને મને આશ્ચર્ય તો એ વાતનું થાય છે કે આપણા તાલુકાના ઘણાં શિક્ષકો આ લોકો સાથે ફરે છે તેમ છતાં તેમની પાસે સારું છે તે કેમ નથી લેતા…અપનાવતા..આપતા…)

ખાસ યાદ રાખવા જેવી પંડિત સાહેબની વાત…

પંડિત સાહેબે ખાસ ભાર આપ્યો કે જો આપણે શિક્ષણના પ્રાઈવેટી કરણને અટકાવવું હશે, મોંઘાદાટ શિક્ષણ આપીને શિક્ષણનો સદંતર દાટ વાળતી સંસ્થાઓની સામે ઉભું રહેવું હશે, અંગ્રેજી માધ્યમ સામે આપણી ગુજરાતી માધ્યમની સરકારી શાળાઓએ ટકી રહેવું હશે તો આપણે આપણું માર્કેટિંગ કરવું પડશે…આપણા કામને, આપણી નવીન ઉપલબ્ધીઓને, સારું કામ કરતા શિક્ષકોને, આ બધાને પ્રોત્સાહિત કરીને લોકો સામે મૂકવું પડશે…કે જો આ અમે કરી રહ્યા છે….

પંડિત સાહેબના ફાર્મહાઉસ પર અલગ-અલગ જાતના કેટલા બધા વૃક્ષો છે. આ વૃક્ષો વિશે  ત્યાંના કિશોરભાઈ ભટ્ટ સાહેબે અમને સમજાવ્યું. તેઓ આયુર્વેદ નિષ્ણાંત છે અને કંઈ કેટલીય ઔષધીઓની પેટર્ન ક્રિએટ કરીને મોટી કંપનિઓ સાથે જોડાયેલા છે. આ સમયે તેમની સાથે અમને બિન્દુબેન પણ વૃક્ષો વિશે નવી-નવી માહિતી આપતા ગયા. બિન્દુબેન લોકભારતી સણોસરાનું ફરજંદ…લોકભારતી સણોસરામાં જે ખરાશિક્ષણવિદો હતા તેમની પાસે રહીને તેમણે પાયાનો વિકાસ સમજ્યો છે અને તેમાં પોતાની ક્રિએટિવિટી અને નોલેજ દ્વારા અત્યારે રાજપુર ગામમાં સુંદરમજાની શાળા ચલાવી રહ્યા છે. તેમની પાસેથી પણ ઘણું બધું જાણવા મળ્યું. મારા શિક્ષણલક્ષી અને બાળકો તરફી પ્રોજેક્ટ્સ વિશે મેં વાત કરી તો તે પ્રોજેક્ટ્સમાં મને ઉપયોગી એવી ઘણી બધી પ્રવૃત્તિઓ અને પદ્ધતિઓનો ક્યાસ ચાલુ બસે આપતા ગયા.

બિન્દુબેને જ્યારે પોતાના અનુભવો પણ કહ્યા તો મને થયું કે સરકારી તંત્ર આટઆટલું કામ કરનારાઓને પણ નડે છે તો પછી અમારે કશો અફસોસ કરવા જેવો નથી. તેમની સરકારી તંત્ર તરફની કડપ પણ મને સ્પર્શી ગઈ. પણ હા. મને તેમાંથી એક મોટો બોધપાઠ મળ્યો… જેમને કામ કરવું છે તે કશાની પણ પરવા કર્યા વગર પોતાનું કામ કરતો જશે….

લોથલ આવ્યા. ત્યાં લોથલની ઐતિહાસિક, સામાજિક, તત્કાલિન, ભૌગોલિક, ચર્ચાઓ થઈ. આ ઉપરાંત શૈક્ષણિક મૂદ્દાઓની ચર્ચા કરતા-કરતા અમે પહોંચ્યા અમદાવાદ સીઈઈમાં.

સીઈઈ એક એનજીઓ છે. ત્યાં શિક્ષણ વિભાગ એક અલગ ભાગ છે અને બાળકોના શિક્ષણ વિશે તેઓ ચિંતા કરે છે અને ફંડ કરીને આવા કેટલાક કામો એવા કરે છે કે જે બાળકોના સર્વાંગીણ વિકાસમાં ઉપયોગી થાય.

હળવદની આ ટીમ તો ચાર દિવસથી પ્રવાસમાં હતી. હું જો દોઢ દિવસમાં આટલું જાણી-માણી શક્યો હોઉં તો તેઓ કેટલું બધું જાણી શક્યા હશે, તેનો અંદાજ તો મને જ્યારે સીઈઈમાં પાર્થેશભાઈ દ્વારા પ્લાનિંગ બેઠક થઈ ત્યારે આવ્યો. એક પ્રવાસ ‘શિક્ષકો’ને કાયમી માટે ટી.વી.થી દૂર અને પુસ્તકની નજીક લાવી દે! એક એક્સપ્લોર ટૂર શિક્ષકોમાં નવું વિચારતા કરી મૂકવાની ક્ષમતાને વિકસાવે….! એક યાત્રા શિક્ષકોને છોકરા પાસેથી માવા મગાવતા બંધ કરી દે! આ બધું તે લોકોએ છેલ્લે કહ્યું…મારી પાસે રેકોર્ડિંગ છે. છેલ્લી બેઠકની વિગતે ચર્ચા થઈ તે અહીં લખવા કરતા ક્યારેક કોઈ એવા જરૂરીયાત વાળા વ્યક્તિ સાથે શેર કરીશ તો તેનો આનંદ સવિશેષ રહેશે.

આપણે પણ આવું વિચારવું જોઈએ….એવું થાય તો છે…પણ એવું થશે જ ક્યારે…તે કલ્પના પણ કરી શકતો નથી…ખૈર મને તો મળી ગયું, મારે જે મેળવવું હતું તે. કેટલીય પદ્ધતિ, કેટલીય પ્રવૃત્તિ, કેટલાય આઈડિયા… હું અમદાવાદથી ઉના સુધી આવ્યો ત્યાં સુધી વિચારતો રહ્યો કે મારે મને મળેલી વાત બધાને શેર કરવી જોઈએ…તો થયું કે ના આ લોકો મને ખોટી રીતે વિચારશે…પણ થયું જેમને જેમ વિચારવું હોય તેમ વિચારવા દે….આ લોકો સાથે અગાઉ પણ ઉનાના ઘણાં શિક્ષકો કામ કરી ચુક્યા છે છતાં કોઈએ આવી સરસ વાતો બીજા શિક્ષકોને ઉપયોગી થાય માટે મૂકી નથી…જો હું ન મૂકું તો હું પણ તે જ કેટેગરીમાં આવી જાઉં…પણ હા…પંડિત સાહેબે મારા પર વિશ્વાસ મૂક્યો છે અને આખરે  એ સંબંધના વિશ્વાસને અકબંધ રાખવા પણ મારે આ વાત મારા તાલુકાના  શિક્ષકો સુધી પહોંચાડવી જોઈએ…ચાલો કશું નક્કર કરીએ…ધીરેધીરે…ભલેને કાચબાભાઈની જેમ ચાલી શકાય, પણ ચાલીએ…એક પાણીમાં પડ્યા રહીશું તો ક્યારે એ પાણી કાદવવાળું થઈ જશે અને ક્યારે તેની સાથે આપણે પણ ગંધાવા માંડીશું તેની ખબર નહીં પડે અને થશે એવું કે ત્યાં રિટાયર્ડ થઈ ચૂક્યા હશું…. શું શિક્ષકોને પણ ‘બી…ચાણક્ય’ પ્રોજેક્ટની જરૂર છે!!! એ તો શિક્ષકો અને તાલુકાના ‘સાક્ષરો’ નક્કી કરશે. મને લાગે છે કે મારે આપના સુધી જે પહોંચાડવું હતું તે હું પહોંચાડી શક્યો છું. વિશેષ વિગત માટે મને મળી શકો છો… આપણી આસપાસ ચારેકોર રહેલી કુદરતે આપેલી શક્તિ દ્વારા મને જે સૂઝશે કે મારાથી જે થઈ શકશે તે કરવા હું ચોક્કસ પ્રયત્ન કરીશ (આપણા હાથમાં કેવળ પ્રયત્ન જ છે) તમે પણ જોડાઈ શકો છો.

।। Be…Chanakya ।।

About aKshArAnANd

સામાય ધસી જઈએ, આઘાય ખસી જઈએ... હોવું ય હવે ઉત્સવ આકંઠ શ્વસી લઈએ....રેતાળ કીનારા પર હેતાળ હસી લઈએ..... મૃત્યુ, જીવન, ઉત્સવ, પ્રેમ, કોમ્પ્યુટર, દોસ્તી પુસ્તક આ બધાને મળવા માટે ધરતી પર ફરવાનું બહાનું મળે તો તે ખરેખર લિજ્જતની વાત છે.....
This entry was posted in આંખના ઈશારે..... Bookmark the permalink.

1 Response to …ફક્ત શિક્ષકો માટે જાણવા જેવું…

  1. Raam mori says:

    Vaahhh..good experiance

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s