શ્રાવણ… સત્સંગ…
।। દ્વિતીય પુસ્તક પત્રમ્ ।।
શ્રાવણ સુદ બીજ, વિ.સં.- 2070
તા. 28/7/2014
પુસ્તક —- શિવમહાપુરાણ – મહર્ષિ વ્યાસ
(સંહિતા – વિશ્વેશ્વર સંહિતા)
શ્રાવણ માસ નિમિત્તે મેં મંદિરને બદલે બ્લોગ પર અને બિલ્વપત્રને બદલે ‘પુસ્તકપત્ર’ ચઢાવવાનું વિચાર્યું છે. એ વિચારના ક્રમમાં કાલે આપણે ઓશોના ‘શિવસૂત્ર’ પર વાત કરી. આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર આજથી શરૂ કરું છું શિવજીનો પરમ પાવન ગ્રંથ શિવપુરાણ વિશે….
શિવપુરાણમાં સાત સંહિતા આવે છે. અહીં દરરોજ એક સંહિતા વિશે વાત કરીશું. જ્યાં સુધી આ સંહિતાઓ વિશે વાત કરીશું ત્યાં સુધી આપણે શિવમહાપુરાણ એક જ પુસ્તકની ચર્ચામાં રહીશું. મારા માટે આ પુરાણ પછી, પુસ્તક પહેલા છે. પુરાણ કહી દઈએ છીએ તો આપણે તેને માત્ર પૂજા જ કરી શકીએ, જ્યારે અહીં તો આ પુસ્તકમાં આજે જે હિગ્ઝબોઝોન નામનું વિશ્વનું આખરી તત્વ જિનીવામાં શોધાયું તેનું મૂળ અને કૂળ પણ રહેલું છે. જ્યારે આવી વિદ્વત્તા સભર વાતો આમાં હોય ત્યારે હું માત્ર મારો ધાર્મિક ગ્રંથ કહીને કેમ બેસી રહું.
વિજ્ઞાન, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ઈતિહાસ અને ભૂગોળ આટલા વિષયોના વિચારો આ પુસ્તકમાં સમાવિષ્ટ છે ત્યારે આ પુસ્તકના પ્રથમ ભાગ સમી વિશ્વેશ્વર સંહિતા વિશે વાત કરીએ.
‘વિશ્વેશ્વર’ શબ્દ જ બતાવે છે કે વિશ્વના ઈશ્વર. વિશ્વના જે તત્પુરુષ છે તેની કથા છે. શિવજીને આ સંહિતામાં રહસ્યમયી દેવ તરીકે બહાર લાવવામાં આવ્યા છે. આ સંહિતામાં એટલી મજા એટલે નથી આવતી કે શિવજીની વિવિધ પ્રકારે પૂજાની જ માહિતી છે. પણ ખરેખર આ મજાનો વિષય એટલે છે કે આ ખંડમાં કેવી મુશ્કેલીમાં શિવજીની કેવી પૂજા કરવાથી શું લાભ થાય છે તેનું વર્ણન છે. આવું ભારતના પુરાણો અને ભગવાનો સાથે એટલે જોડાયું છે કે તેની સાથે સાયકોલોજીને સીધો સંબંધ છે. કોઈ મનોવિજ્ઞાનીને પૂછશો તો તે કહેશે કે કોઈ પણ મુશ્કેલી મનથી ઉભી થયેલી હોય છે. મારું માનવું છે કે આજે જેને અર્ધજાગ્રત મનને ટ્રિટ કરીને મનોરોગો સામે ઝઝૂમવાના ઉપચારો કરવામાં આવે છે, તેથી મને એવું લાગે છે કે એક સમયે આમ ભગવાનોને વચ્ચે લાવીને આપણા મનોવિજ્ઞાની જેવા ઋષિઓએ ધર્મ સાથે વિજ્ઞાન જોડીને એક નવી સાયકોલોજી ટ્રિટમેન્ટ આપી હશે જે ધીરેધીરે સાયન્સ માંથી સરીને શ્રદ્ધા અને તેમાંથી અંધશ્રદ્ધામાં ઉતરી આવી છે.
આ સંહિતા મહત્વની એટલે છે કે આમાં શિવજી સાથે જોડાયેલી બાબતોનું વિવેચન કરવામાં આવ્યું છે. જેમ કે રુદ્રાક્ષ, ભસ્મ, સર્પ, લિંગ, ઓમકાર, ઓમ નમઃશિવાયના જાપ મંત્રનો પ્રભાવ વગેરે શિવજી સાથે સંકળાયેલી વસ્તુઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ બધું વિશ્લેષણ એટલું વિષદ્ છે કે તે બધા માટે એક અલગ રીતે વાત કરવી રહી. તે એક વિચારપ્રક્રિયાનો મુદ્દો છે, જેને નિરાંતે વાત કરી શકાય. અહીં માત્ર તેનો ઉલ્લેખ કરી આપણે આગળ વધીએ…
શિવજીને આપણે લિંગ રૂપે શા માટે પૂજીએ છીએ? આ પ્રશ્નનો જવાબ ખૂબ સારી રીતે આ સંહિતાના સોળમાં અધ્યાયમાં આપવામાં આવ્યો છે. (જો કે આપણે જ્યારે લિંગપુરાણ વિશે વાત કરીશું ત્યારે વિગતે જોઈશું પણ અહીં થોડી જીજ્ઞાષાને વેગ આપી દઈએ….કારણ કે જાણ્યા વગર પૂજા કરવી એ તો ઘેંટા પ્રવૃત્તિ છે!) અહીં એમ કહેવામાં આવ્યું છે કે શિવલિંગ તે આદિ ગર્ભ છે. અહીં ભર્ગ શબ્દ પ્રયોજ્યો છે. ભર્ગ એટલે શિવ અને ભર્ગા એટલે પાર્વતી. કહ્યું છે કે સૃષ્ટિ બિંદુ રૂપ છે અને બિંદુ તે શક્તિ રૂપ છે અને સૃષ્ટિમાં એક માત્ર બધે ફેલાયેલો છે નાદ અને નાદ શિવરૂપ છે આમ શિવલિંગ તે બિંદુ અને નાદનું સંયુક્ત રૂપ શક્તિ અને શિવનું સ્વરૂપ મા અને પિતાનું સ્વરૂપ છે.
વિશેષ તો ધ્યાન આપવા જેવું એ છે કે લિંગના પણ પ્રકાર છે, આપણામાંથી ખૂબ ઓછા જાણે છે કે શિવપુરાણના મતે ‘ઓરૂમ્’ નો સંપૂર્ણ ઉચ્ચાર પણ લિંગરૂપ છે. (કારણ કે ‘પતંજલિયોગદર્શન’ અને ‘છાંદોગ્યઉપનિષદ’ પ્રમાણે તે કંઠમાંથી ઉચ્ચારાય, ત્રિકાસ્થિ સૂધી પહોંચી ફરી તાળવે અથડાયને કંઠ સુધી પહોંચે છે તેથી એક આવર્તન પૂરું કરે છે.) જ્યાં સ્વયંભૂ લિંગ હોય તેને નાદલિંગ કહે છે. જેની પ્રતિષ્ઠા કરવામાં આવી છે તેવા શિવલિંગને મકારલિંગ કે અચલલિંગ કહે છે. જે લિંગની શોભાયાત્રા કાઢી શકાય (દા.ત. મહાકાલેશ્વર ઉજ્જેન્નમાં દર વર્ષે શિવરાત્રીના દિવસે લિંગની શોભાયાત્રા નીકાળવામાં આવે છે.) તેને ઉકારલિંગ એટલે કે ચલલિંગ કહે છે. આમ લિંગના છ અલગ અલગ પ્રકારો છે. જેમ કે – અકારલિંગ, ઉકારલિંગ, મકારલિંગ, બિંદુલિંગ, નાદલિંગ, ધ્વનિલિંગ.
પુરાણો એ આરણ્યકો અને ઉપનિષદોનો વિસ્તાર છે તે આપણે સાંભળ્યું હોય છે પણ આ ખંડમાં જ્યારે 17માં અધ્યાયમાં તમે પ્રણવ-ઓમકાર વિશે વાંચો ત્યારે એમ થાય કે આ તો છાંદોગ્ય કે મંડૂક્યોપનિષદમાં થયેલી ચર્ચાનો જ વિસ્તાર છે! 19-20 અધ્યાયમાં પાર્થિવલિંગની સ્થાપના, પૂજા અને તેનું મહાત્મ્ય વર્ણવાયું છે.
પચ્ચીસમા અને છેલ્લા અધ્યાયમાં રૂદ્રાક્ષ ધારણ કરવાનો મહિમા અને રીતો અને રૂદ્રાક્ષના પ્રકારોનું વર્ણન છે. મને આમાં સૌથી વધુ સારી વાત એ લાગી કે તેમાં એક વાક્ય છે કે – રૂદ્રાક્ષ ધારણ કરનાર કૃતિમઅભિચારથી નિવૃત્ત થઈ શિવ બને છે – ઋષિઓ માનવતાની કેટલી ખેવના કરતા હશે….કૃતિમઅભિચાર એટલે અવિવેક- અસભ્યતા-દુર્જનતા. સાહિત્યકારના ઉદ્દેશ્ય શું હોય તે તો કોઈ વ્યાસ પાસેથી શીખે. તે હરેક વખતે એ સમયે માણસમાં ફેલાયેલી અમાનવીયતાને દૂર કરવાની જ વાત કરે છે, આજે પણ આ પ્રયત્ન વિશ્વમાં થઈ રહ્યો છે કે માણસ માણસ બને…
આપણા ઋષિઓએ આપણા જ્ઞાનીઓએ આ કામ ધર્મને સાથે રાખીને કર્યું એટલે તે ધર્મ એટલે ધારણ કરવાને બદલે ધાર્મિકતા એટલે કે ક્રિયાકાંડમાં સરી પડ્યું… હવે એ યુગ આવી ગયો છે કે આપણે આપણા ધર્મગ્રંથોને જીવાડવા હશે તો ધાર્મિકતાનું પુનરુદ્ધાર કરવો રહ્યો! આપણે આપણા ધર્મની અંધશ્રદ્ધાઓને અલવિદા કરવી પડશે, ધર્મગ્રંથોમાં પડેલા લેભાગુ ક્ષેપકોને કાઢી તો ન શકીએ પણ તેમાંથી જે શ્રેષ્ઠ છે તેને લોકો સામે રજૂ કરીએ.., જ્યાં સુધી આપણામાં માનવીયતા નહીં પ્રગટાવીએ ત્યાં સુધી ગાઝાપટ્ટી જેવા બનાવો વિશ્વની અંદર વધતા જ જશે! શા માટે માણસો માણસોને રહેંસી નાખે છે? આ જ તો આપણું ‘અંધકત્વ’ છે. આપણા જ ચહેરા અને મોહરા સામે આવી ગયા છે, તેમાંથી આપણા ચહેરાને ઓળખી અને આપણે આપણી તરફ ગતિ કરવાની છે અને આપણી તરફ ગતિ એટલે જ જીવમાંથી શિવ તરફનું પ્રયાણ…! વિશ્વશાંતિની વાતો મારા શાસ્ત્રોએ કરી એ પહેલા તેણે સ્વશાંતિની ખેવના કરી છે,મારું ચોક્કસ પણે માનવું છે કે – એક માણસની માણસ બનવાની શરૂઆત તે વિશ્વને મંદિર બનાવવાની સીડી તરફનું પ્રયાણ જ છે!
(હવે પછી, કાલે વાંચશો શિવપુરાણની બીજી સંહિતા- રૂદ્રસંહિતામાં આવતી આવી રોચક વાતો વિશે…)
(આપના પ્રતિભાવ નીચેે કોમેન્ટ બોક્ષમાં આપી શકો છો…)