‘આ શિવ-વિજ્ઞાન ભગવાન શંકરને અત્યંત પ્રિય છે.’ આવું વાક્ય તો મહર્ષિ વેદ
વ્યાસ – કૃષ્ણદ્વૈપાયન જ લખી શકે. અર્થાત્ વિજ્ઞાન કંઈ માનવતાના પરિપેક્ષ્યમાં
સારું પરિણામ આપે તો તેમાં શિવજીની પણ ખુશ જ છે. આવા ઘણાં સુંદર વાક્યો
આ સંહિતામાં વ્યાસ આપે છે…
।। દ્વિતીય પુસ્તક પત્રમ્ ।।
શ્રાવણ સુદ પાંચમ, વિ.સં.- 2070
તા. 31/7/2014
પુસ્તક —- શિવપુરાણ – મહર્ષિ વેદવ્યાસ
શ્રાવણ… સત્સંગ…
(સંહિતા – કોટિરુદ્ર સંહિતા)
આ સંહિતા વિશે લખતા પહેલા મને તર્કિશ લેખક ઓરહાન પામુક (Orhan
Pamuk)ની નોવેલ ‘માય નેમ ઈઝ રેડ’(My Name is Red)નું એક
વાક્ય અહીં ટાંકવાનું મન થાય છે, જે આપણા શાસ્ત્રોને આજની આધુનિકતામાં
સમજવામાં ઘણું ઉપયોગી થાય એમ છે, એ વાક્ય છે કે – “I don’t want to
be a tree; I want to be its meaning.” હું વૃક્ષ નથી ઈચ્છતો પણ
તેનો અર્થ (વૃક્ષ હોવાનો મતલબ) માંગુ છું.
હું પણ અહીં પુરાણોને નથી જણાવી રહ્યો, પણ પુરાણો હોવાના અર્થ વિશે આપણે
વાત કરી રહ્યા છીએ… કારણ કે રવિન્દ્રનાથ ઠાકુર ખૂબ સરસ વાત કરે છે કે – હું
મારા ભગવાનને ચાહી શકું છું, કારણ કે તેના અસ્વીકારનું તેણે મને સ્વાતંત્ર્ય
આપ્યું છે. – આથી જ કદાચ હું પણ નવી રીતે જોવાની હિંમત કરી રહ્યો છું! મારું
માનવું છે કે આપણા વાડા આપણે તોડવા પડશે અને એક અનંત આકાશની
તલાશમાં નીકળવું પડશે જે આપણને ઉડવાની જગ્યા અને પાંખને ફેલાવાની
હિંમત આપી શકે. ‘आनो भद्रा क्रतवो यन्तु विश्वतः।’ એમ કહીને વેદોએ જે
છલાંગ મારવાની આપણને છૂટ આપી છે તે આપણે પાછી યાદ કરવી પડશે.
કોટિરુદ્રસંહિતામાં 42 અધ્યાય છે. ધર્મની જાણકારી રાખનાર માટે આ સંહિતા
એટલે મહત્વની બની જાય છે કે જ્યોતિર્લિંગો કુલ બાર છે. આ બાર
જ્યોતિર્લિંગોના ફોટા ઘરમાં રાખીએ છીએ કે ગલઢા થઈને કે ગલઢાઓને આપણે
બાર જ્યોતિર્લિંગની યાત્રા કરીએ કે કરાવીએ છીએ, પણ બાર જ્યોતિર્લિંગ શું છે
અને તેનો ઉદ્ભવ કેવી રીતે થયો તેની એથિક અને ઓથેન્ટિક માહિતી પ્રાપ્ત થાય
છે શિવપુરાણના આ ભાગમાં. અધ્યાય 33 સુધી જ્યોતિર્લિંગની વિગતે સમજુતી
અને માહિતી છે.
આ બધી વિગતો વિસ્તૃત છે માટે તમારે વાંચવી જ રહી તેથી અહીં તેનો ઉલ્લેખ
નથી કરતો પણ જ્યોતિર્લિંગ રૂપે શિવજીની શી ફિલોસોફી છે તે જાણવામાં મને
રસ હતો…, તેના માટે વ્યાસે સરસ શબ્દો સૂતજીના મુખે બોલાવ્યા છેઃ અલગ
અલગ શ્લોકમાં સરસ વાત કરી છે….
– સર્વકાંઈ લિંગમાં જ પ્રતિષ્ઠિત છે.
– ભગવાન શંભુએ સર્વ લોકો પર અનુગ્રહ કરવાને માટે જ દેવતા, અસુર અ
મનુષ્યો સહિત ત્રણે લોકોને લિંગ રૂપે વ્યાપ્ત કરી દિધા, ભૂમંડલ અને બ્રહ્માંડ પણ
લિંગ રૂપ જ છે.
– લોકો પર ઉપકાર કરવા પોતાના સ્વરૂપગત લિંગની કલ્પના કરી અને જે
ઉપકાર માટે જ્યાં ઉપસ્થિત થયાં ત્યાં એવા લિંગ રૂપે પ્રતિષ્ઠિત થઈ ગયા.
આ ત્રણેય વાક્યમાં ખૂબ ઉચ્ચભાવના વ્યક્ત થઈ છે. પ્રથમ વાક્ય જણાવે છે કે
બધું શૂન્ય છે. બીજું વાક્ય જણાવે છે કે બ્રહ્માંડ જો શિવલિંગ રૂપ લંબગોળ
આકાશગંગામાં છે તો દરેક વ્યક્તિની આત્માની કલ્પના પણ આવા જ આકારની
કરવામાં આવી છે, લંબગોળ જ્યોતિરૂપ. અને ત્રીજા વાક્યમાં ઉપકારની ભાવનાની
વાત છે, ભગવાન છે તો તે અહીં હતા તેની નિશાની તો છોડવી માટે તેને ફૂલપ્રૂફ
સાથે ઉપકારો કર્યા. (!) ખૂબ સુંદર વૈચારિક વ્યવસ્થા સાથે વ્યાસજીએ શિવલિંગના
હોવા વિશે વિવેચન કર્યું છે.
જે લોકોએ વ્યુત્પત્તિ શાસ્ત્રનો અભ્યાસ કરવો હોય અને શબ્દના અર્થો વિશે જાણવું
હોય તે વિષ્ણુસહસ્ત્રનામ અને શિવસહસ્ત્રનામ જાણી લે એટલે ઘણા શબ્દોનું જ્ઞાન
થઈ જાય છે. આવું જ જ્ઞાન છે આ સંહિતામાં જેમાં 35માં અધ્યાયમાં વિષ્ણુજી દ્વારા
શિવજીના સહસ્ત્ર નામ બોલવામાં આવે છે. મારી પાસે જે ગીતાપ્રેસ ગોરખપુરની
એડિશન છે તેમાં આ બધા નામના અર્થો સાથે વર્ણન છે, માટે તેમાં માત્ર હજાર
નામ નહીં પણ તે હજાર નામના અર્થો પણ જાણવા મળે છે.
શિવજીને અનેક નામે આપણે બોલાવીએ છીએ પણ શા માટે તે જાણવા માટે સરસ
માહિતી છે.. દા.ત. હરઃ નો અર્થ થાય છે – ભક્તોના પાપને હરી લેનાર. શંભુ
એટલે કલ્યાણ કરનાર. કેટલાક અજાણ્યા નામ જોઈએ કે – જ્ઞાનગમ્ય એટલે જ્ઞાન
થવાથી જ જાણમાં આવનાર. એક નામ છે અપરિચ્છેદ્ય એટલે કે દેશ, કાળ અ
વસ્તુની સીમાથી અવિભાજ્ય. આવા તો ઘણાં નામો અને તેના રોચક અર્થો છે.
આ સહસ્ત્ર નામ 37 અધ્યાય સુધી ચાલે છે, તે પછી બાકીના અધ્યાય શિવજીની
વિવિધ રીતે પૂજા અને તેના ફળો પર છે અને આખરે 43મો અધ્યાય છે, તેમાં
વ્યાસ પાછા મૂળ સ્વરૂપે આવે છે અને શિવજીનું તત્વજ્ઞાન રજૂ કરે છે તેમાં કેટલાક
વાક્યો મને ગમ્યા જે તમારી સાથે શેર કરું છું…
– ‘જ્ઞાન સદા અનુશીલનને યોગ્ય છે.’ વ્યાસનુ શબ્દચયન તો અફલાતૂન હોય છે.
જેમ કે અહીં અનુશીલન શબ્દ મૂકીને પાંચપાના લખી શકાય એવો અર્થ મૂકીને
જ્ઞાન માટેની પદ્ધતિ આપી દીધી. અનુ એટલે વારંવાર અને શીલન એટલે ચાલુ
અભ્યાસ. જ્ઞાન તમારે જાળવી રાખવું હોય તો તમારો અભ્યાસ સતત – વારંવાર
ચાલુ રાખવો જોઈએ.
– ‘બ્રહ્માથી લઈને તણખલા પર્યંત જે કાંઈ જગત દેખાય છે એ બધા શિવ જ છે.’
આમ કહીને સૌને જાતસંશોધનમાં મૂકી દેવાનો વ્યાસનો ઉદ્દેશ્ય છે અને એક
સર્જકનું તે કર્મ હોવું જ જોઈએ. કાર્લ યુંગ પણ કહે છે કે – પોતાના અંદરના તત્વને
જાણવું પારસ્પારિક સંબંધો અને આત્માના વિકાસની દ્રષ્ટિએ ખૂબ જરૂરી બની રહે
છે. – આથી આપણાંમાં (જીવમાં) રહેલા શિવને (આપણી અંદરનું તત્વ –
આત્માને) જાણવા માટે પ્રેરણા આપે છે.
– ‘એ જ સર્વને જાણે છે, એમને કોઈ જાણતું નથી. તે જગતની રચના કરીને તેની
અંદર રહીને પણ પોતે તો એનાથી દૂર જ રહે છે.’ આ વાક્યનો અર્થ તો મારે નથી
કરવો પણ મને આ વાક્ય વાંચીને નાત લખનાર મુન્નવર સાહેબનો એક અંતરો
યાદ આવે છે કે –
જીસ કે સાંયેં મેં દેખી યે દુનિયા,દુનિયાને ઉસકા સાંયા ન દેખા!
દેખ લે ‘મુન્નવર’ ફીર ન કહેના, દેખને કા સાંયા ન દેખા ન દેખા।।
– ‘આ શિવ-વિજ્ઞાન ભગવાન શંકરને અત્યંત પ્રિય છે.’ આવું વાક્ય તો મહર્ષિ વેદ
વ્યાસ – કૃષ્ણદ્વૈપાયન જ લખી શકે, કારણ કે આ વાક્યના બે શબ્દો એ જ લખી
શકે જેનામાં શબ્દના અર્થોની ખબર હોય એક શબ્દ છે ‘શિવ’ એટલે કલ્યાણ અને
બીજો શબ્દ છે ‘વિજ્ઞાન’ એટલે વિશિષ્ટ જ્ઞાન પણ અહીં આપણે અભિધા અર્થ
લઈએ તો પણ ખોટું નથી એટલે કે સાયન્સ… તેનો એક શબ્દ બનાવ્યો કે
કલ્યાણમય વિજ્ઞાનને શિવ પણ પસંદ કરે છે. અર્થાત્ વિજ્ઞાન કંઈ માનવતાના
પરિપેક્ષ્યમાં સારું પરિણામ આપે તો તેમાં શિવજીની પણ ખુશી જ છે. તો આજે
આવા ભલાવિજ્ઞાનને ઈચ્છતા ભોળાનાથના ચરણોમાં વંદન કરી ‘કોટિસંહિતા’ની
ચર્ચા પૂર્ણ કરીએ.
આ પછી આવે છે ‘ઉમાસંહિતા’ એ પણ આવી જ રોચક જાણકારી અને માણવાની
માહિતી લઈને આવે છે, અમારા બ્લોગ સાથે જોડાયેલા રહેશો…