કઠ ઉપનિષદ

UPANISHAD-kathopanishadનચિકેતા આજે પણ એટલો પ્રસ્તુત શા માટે લાગે છે, કારણ કે તે કાળજયી સિદ્ધાંતો સ્થાપે છે. તે કરી બતાવે છે, કૃષ્ણ જેમ કે વિવેકાનંદની જેમ માત્ર વાતો નથી કરતો. તે કરી બતાવે છે કે સફળતા ત્યારે જ પ્રાપ્ત થાય છે કે મૃત્યુનો ભેટો થાય તો પણ તેને ન મૂકવામાં આવે. સફળતાની બે ચાવી છે જ્ઞાન અને
શક્તિ.

‘ઉપનિષદ’ के संग…

।। પાંચમું પુસ્તક પત્રમ્ ।।
શ્રાવણ વદ દશમ, વિ.સં.- 2070
તા. 19/8/2014

પુસ્તક —- કઠ ઉપનિષદ

અનેક ભાષ્યકારો, વિવેચકો, સમિક્ષકો, કથાકારો, પટકથાકારોને ખેંચી શકેલું આ ઉપનિષદ છે. બંગાળમાં તો આના પરથી શોર્ટફિલ્મ પણ બની છે. શા માટે? એક માત્ર નચિકેતા માટે. ઉપનિષદોમાંનું ધારદાર પાત્ર…!

તમારે જીવન જીવવું છે તો મૃત્યુને જાણો. જ્યારે ‘જીવન’ની અર્થ છાંયાઓ પણ  ઉપસી ન હતી તે જમાનામાં નચિકેતાએ આજે મોટિવેટરો અને સફળતાગુરુઓ કહે છે તેનાથી પણ વિદ્વતા સભર અને સરળ રીતે લોકોને યમ અને નચિકેતા દ્વારા સમજાવી છે આ વાત.

આદર્શોના ઘંટારવ કરનાર અને નવી પેઢીને વંઠી ગયેલ કહેનાર ‘આદર્શ જુનીપેઢી’(જે મનથી જુની થઈ ગઈ છે માત્ર તેને જ લાગુ પડે છે) તેને નચિકેતા પરથી ધડો લેવાનો છે. નચિકેતા તેન પિતાને સમજાવે છે –
अनुपश्य यथा पूर्वे प्रतिपश्य तथापरे।। (વ.1શ્લો.6)

અર્થાત્ જુઓ જુઓ તમારા પૂર્વજો કઈ રીતે આચરણ કરતા અને તે સમયના શ્રેષ્ઠ લોકો કઈ રીતે આચરણ કરતા તે રીતે કરો.

અને બાપાનો મગજ જાય છે – કજાત, બાપ સામે બોલે છે, તું મરી ગયો હોત તો સારું હતું. આજે હોત તો કદાચ એમ બોલત પણ તેણે સંસ્કૃતમાં કહ્યું કે તને યમને આપી દઉં.

કઠોપનિષદની કથા તો સૌ જાણે છે કે નચિકેતા યમ પાસે જાય છે. યમ પાછા ક્યાંક કોઈ આત્માની ડિલેવરી લેવા ગયા હશે, તેથી ત્રણ દિવસ મોડું થાય છે. આ ત્રણ દિવસના બદલામાં ત્રણ વરદાન વ્યાજ સહિત આપે છે. જો કે નચિકેતા ખરેખર નચિકેતા છે તે અનન્વય એટલા માટે જ છે કે તેના જેવું માંગી નથી શક્યું કોઈ અને તેના જેવું જીવન જીવી નથી શક્યું. તે ચક્રવૃદ્ધિ વ્યાજ પ્રમાણે વરદાન માંગે છે.

ત્રણ વરદાનમાં પહેલું પિતા તેને સ્વીકારી લે. બીજું અજરઅમર અગ્નિ વિશેનું જ્ઞાન અને ત્રીજું આત્મ તત્વનું જ્ઞાન. પાછો આવે છે ત્યારે તેને રાજપાટ બધું જ પ્રાપ્ત થાય છે. એટલે તે સત્તા અને શાનપણ બન્ને પ્રાપ્ત કરીને યમ પાસે આવે છે.

નચિકેતા આજે પણ એટલો પ્રસ્તુત શા માટે લાગે છે, કારણ કે તે કાળજયી સિદ્ધાંતો સ્થાપે છે. તે કરી બતાવે છે, કૃષ્ણ જેમ કે વિવેકાનંદની જેમ માત્ર વાતો નથી કરતો. તે કરી બતાવે છે કે સફળતા ત્યારે જ પ્રાપ્ત થાય છે કે મૃત્યુનો ભેટો થાય તો પણ તેને ન મૂકવામાં આવે. સફળતાની બે ચાવી છે જ્ઞાન અને
શક્તિ. નચિકેતાની કંઈક પ્રાપ્ત કરવાની ઘેલછા માટે તે મા-બાપને છોડીને જાય છે. કદાચ એ કહેવું બળવાનો સ્વર હોઈ શકે પણ કહીશ કે જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમામ લાગણી અને સંબંધોને તિલાંજલી આપી દો એકવાર પછી પાછા ભલે તે સંબંધો અને લાગણીના ખોળામાં બેસી જાઓ.
આવા જ ઉદાહરણો છે દુનિયામાં પણ અત્યારે તે વાત કહેવાની – વિસ્તારવાની જગ્યા નથી અને સમય પણ નથી.

માંગતા પણ આવડવું જોઈએને! નચિકેતાએ સીધું ફળ નથી માંગ્યું તેને રસ્તાઓ માંગ્યા. અમર અગ્નિ અને જેના વિશે આખી દુનિયા હજી સંશોધન કરે છે તે આત્મતત્વ વિશે! આનાથી વિશેષ વિચક્ષણ, વિશેષ વિદ્વાન, વિશેષ બુદ્ધિશાળી, વિશેષ સર્જનાત્મક માણસ કોને કહી શકો તમે?

યમ તેને કેટરીના કૈફ અને એન્જોલીના જોલી જેવી અનેક અપ્સરા આપવા માંગતા હતા, તે અમેરિકા અને લંડન જેવા મહાસત્તાના પ્રમુખ બનાવવા માંગતા હતા, તે નચિકેતાને બિલ ગેટ્સ કે ધીરુભાઈ બનાવવા માંગતા હતા. પણ નહીં. નચિકેતા સાચો શિક્ષક પણ છે અને સાચો વિદ્યાર્થી પણ! તે માંગે છે ખરા અર્થનું ‘વિજ્ઞાન’.

આ ઉપનિષદના થોડાંક શબ્દો અને વાક્યો સમજવા જેવા છે… જોઈએ…

प्रियमाणः – આ શબ્દ યમ નચિકેતા માટે વાપરે છે તેનો અર્થ થાય છે પ્રસન્ન થયો. જેને જોઈને યમ – મૃત્યુનો દેવતા પ્રસન્ન થાય તે વ્યક્તિ કેટલો આનંદમય હશે?!

धर्मः अणुः – આ શબ્દ અહીં આત્મતત્વ માટે વપરાયો છે. યમ કહે છે કે આત્મતત્વ તો ધર્મનો અણું છે.

એક સરસ શ્લોક અહીં ટાંકવા જેવો છે જેને બધા ભાષ્યકારોએ ખૂબ લડાવ્યો છે –
श्रेयश्र्च पेयश्र्च मनुष्यमेतस्तौ समप्रीत्य विविनक्ति धीरः।
श्रेयो हि धीरो अभि प्रेयसो वृणीते प्रेयो मन्दो योगक्षेमाद् वृणीते ।। (વ.2શ્લો.2)

અર્થાત્ શ્રેય અને પ્રેય એ બન્ને મનુષ્યની સામે આવે છે. ધીર (જ્ઞાની) માણસ તેને બરાબર જાણી ને સમજી લે છે. જ્ઞાની કલ્યાણને અપનાવે છે અને મંદબુદ્ધિવાળા (મુર્ખ) જ યોગક્ષેમની ઈચ્છાથી પ્રેયને અપનાવે છે. આ શ્લોક એટલે બધાનું ધ્યાન દોરી ગયો, કારણ કે આ શ્લોકનો એક પણ શબ્દ છોડી શકાય તેમ નથી. કંઈ પણ મેળવવા માટેના પથ પર આગળ વધો એટલે બે વિકલ્પ સામે આવે. એક કલ્યાણકારી હોય અને એક લાભકારી હોય. તમે કહેશો આમાં શું ફેર? સાંભળો જવાબ… એક જ અણુંશક્તિ માંથી વિજળી પણ ઉત્પન્ન થાય જે અનેક માણસોના ઘર અને જીવનમાં ઉજાસ લાવે અને એજ શક્તિ સંહાર માટે વપરાય તો અનેક જીવ તબાહ થાય. આ શ્રેય અને પ્રેય.

પ્રેય જીવન આપે છે મૃત્યુ માટે, નિશ્ચિત હેતુના લાભ માટે. શ્રેય જીવન આપે છે, મૃત્યુને જીવવા માટે. નચિકેતા આ જાણે છે માટે તેને મૃત્યુ પાસે શ્રેય માંગ્યું. કારણ કે મૃત્યુ જ સાચું જીવન આપી શકે છે. આજનું મોટિવેટર મનોવિજ્ઞાનનું મૂળ – ‘પ્રેરણાના ઝરણા’ઓ અને ‘સિક્રેટો’ જ્યાંથી ‘પ્રેરણા’ પામ્યા છે તે મનોવિજ્ઞાનની વાત કરે છે કે –

एतद्ध्येवाक्षरं ब्रह्म एतद्ध्येवाक्षरं परम।
एतद्ध्येवाक्षरं ज्ञात्वा यो यदिच्छति तस्य तत्।। (વ.2શ્લો.16)

અર્થાત્ આ અક્ષર જ બ્રહ્મ છે, આ અક્ષર જ પરમતત્વ છે, જે તેને જાણે છે તેને તે ચાહે છે તે મળે છે.

આ શ્લોકથી પણ ઉપનિષદનો માસ્ટર શોટ તો આગળ છે કે –

यमेवैष वृणते तेन लभ्य। અર્થાત્ જેને તે સ્વીરાકરી લે છે તેને જ તે મળે છે. આ ઉપનિષદ અમસ્તું થોડું પ્રચાર પામે. લોકોનો લાભ છે આમાં. મને શું? કહેવાવાળી પ્રજા અમથી પાગલ ન થાય. તમે સફળતા પાછળ ગમે તેટલા દોડો પણ એક સમય આવે છે કે તમારે જેમાં સફળતા પ્રાપ્ત કરવી છે તે ક્ષેત્ર પણ મળી જાય, પણ તે ક્ષેત્રમાં પ્રસિદ્ધ થવું તે કામ તો કોઈ એવી શક્તિ છે તેના પર છોડવું પડે છે. એ શક્તિ જો તમને અપનાવી લે તો તમે ઈચ્છો એમ થાય. મુન્નવર સાહેબની નાત અહીં પ્રસ્તુત થાય છે કે – તું ચાહેગા વો હોગા, પહલે વો ચાહે વો તું હો જા.

છેલ્લે ત્રીજી વલ્લીના પ્રથમ શ્લોકમાં યમ છે તે આત્મ તત્વનું રહસ્ય ખોલી નાખે છે કે –

सुकृतस्य लोके गुहां प्रविष्टौ। અર્થાત્ શુભકર્મોના ફળ સ્વરૂપ મનુષ્ય શરીરના હૃદય રૂપી ગુહા (ગુફામાં) રહેલા છે.

બે અધ્યાય અને દરેક અધ્યાયમાં ત્રણ વલ્લીઓમાં વિસ્તરેલું આ કઠોપનિષદ છેલ્લે મનને એકાગ્ર કરવાના નિયમો અને તેના માટે ઉપયોગી ઓમની મહત્તા, અધ્યાત્મમાં સાધનાપથ અને તેના અનુભવો અને આત્મતત્વના જ્ઞાનનું મહાત્મ્ય વિસ્તરેલું છે.

માણસમાં રહેલું ચેતનતત્વ અને તે ચેતનતત્વ માટે માણસમાં ઉભી કરાતી જીજીવિષા અને તે જીજીવિષાના અંતે આવતી આત્મતત્વની જિજ્ઞાષા અને તે જીજ્ઞાષાની મૃત્યુ પાસેથી પરિતૃપ્તિ અને તેના અનુભવોનું કથન જોવા મળે છે.

ટૂંકામાં ટૂંકી રીતે અને ‘યે જવાની હૈ દિવાની’ ફિલ્મના ‘બન્ની'(રણવીર કપુરનુંપાત્ર)ના શબ્દોમાં કહેવું હોય તો કહી શકાય કે તમે ધમાકેદાર જીવવા માંગો છો? તો પહેલા મૃત્યુને સમજી લો. તે જ્ઞાન અને શક્તિ બન્ને આપશે લટકામાં જીવનની સફળતા.

કઠોપનિષદ વિશે લગભગ ત્રણસો પાનાનું શંકરભાષ્ય છે. આઠ ભાગનું કલાક કલાકનું ઓશોનું ‘લેક્ચર’ છે. રાધાકૃષ્ણન્ થી લઈને પાંડુરંગ શાસ્ત્રી સુધી બધા તેના પર વિચારો વ્યક્ત કરી ચૂક્યા છે. સામગ્રી મળે તો વાંચાવા સાંભળવા જેવું ખરું.

ઋણસ્વીકાર – એક સમયના ગુજરાત યુનિ.ના સંસ્કૃત પ્રાધ્યાપક લક્ષ્મેશ જોશી સાહેબે કઠોપનિષદ પર જે રીતે લખ્યું છે તેવું રસાળ અને સરળ મને ક્યાંયથી નથી મળ્યું. રાજેન્દ્ર શુક્લ સાહેબને લીધે લક્ષ્મેશ સાહેબ સાથે બેસવાનું થયું ત્યારે તે પણ એટલા રસાળ અને સરળ વ્યક્તિ. આ બન્ને માંધાતાઓ પાસે બેસીને કઠોપનિષદનું આકંઠપાન કર્યું છે. બન્ને પ્રજ્ઞાવાનનોને મારા પ્રણામ.

આગળ હવે કોઈ નવા ઉપનિષદ સાથે મળીશું…

About aKshArAnANd

સામાય ધસી જઈએ, આઘાય ખસી જઈએ... હોવું ય હવે ઉત્સવ આકંઠ શ્વસી લઈએ....રેતાળ કીનારા પર હેતાળ હસી લઈએ..... મૃત્યુ, જીવન, ઉત્સવ, પ્રેમ, કોમ્પ્યુટર, દોસ્તી પુસ્તક આ બધાને મળવા માટે ધરતી પર ફરવાનું બહાનું મળે તો તે ખરેખર લિજ્જતની વાત છે.....
This entry was posted in આંખના ઈશારે..... Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s