પ્રશ્ન ઉપનિષદ

Prashnopanishad1…ખરેખર ઉપનિષદો કોઈ એક વાક્ય કહેવા માટે વિસ્તૃત કરાયેલું છે. છે ને બાકી જગતભરના લખનારા આ વાક્ય આગળ નીચી મૂંડીએ ઉભા રહે તેવું વાક્ય છે. કોઈ જાજી લપ નહીં, કોઈ જાજી ફિલોસોફી હાંકી નહીં અને સીધો અને સટ જવાબ. જુઓ…

।। वाड़मय पूजा ।।

।। છઠ્ઠું પુસ્તક પત્રમ્ ।।

પુસ્તક —- પ્રશ્ન ઉપનિષદ

‘પરિપ્રશ્ન’ આ શબ્દ માત્ર સંસ્કૃત, હિન્દી અને ગુજરાતી ભાષા પાસે જ છે. (મૂળ સંસ્કૃત ભાષાનો આ શબ્દ છે.) અંગ્રેજીમાં શોધ જો. આ શબ્દનો ક્વેશ્ચન સિવાયનો અર્થ મળે તો મોકલજો! અહીં પ્રશ્નોપનિષદમાં આ વાત છે. જે પ્રશ્ન છે તે જ જવાબ છે અને જવાબ છે તે તેનું વિશ્લેષણ છે! પિપ્લાદ ઋષિએ સુકેશા વગેરે છ ઋષિઓના છ પ્રશ્નોના જે જવાબ આપ્યા તે ‘પ્રશ્નોપનિષદ’ તરીકે ઓળખાય છે.

સુકેશા, સત્યકામ, સૌર્યાયણી, આશ્વાલાયન, ભાર્ગવ અને કબન્ધી આ છ ઋષિઓ વિદ્વાન હતા. ઉપનિષદ કહે છે કે તે વેદોમાં પારંગત હતા, પણ પરબ્રહ્મના વિષયમાં જાણવા માટે તેઓ પિપ્લાદ પાસે જાય છે. મહાન મહાન ઋષિઓના આ પુત્રો કે પૌત્રો હતા, છતાં તે પિપ્લાદ પાસે જાય છે, કારણ કે જો આપણને ન આવડતું હોય તો બીજાને પૂછી લેવામાં નાના થઈ જવાના નથી. જે વધુ પ્રશ્ન કરે છે તે વધુ સ્પષ્ટ થાય છે, વધુ ઊંડું જ્ઞાન પ્રાપ્ત કરે છે.

શિક્ષકો, પ્રોફેસર્સ અને ટ્રેનર્સનો જો કોઈ દુખાવો હોય તો તે પ્રશ્ન કરતા વિદ્યાર્થીઓનો. મારા જીવનમાં આવું બન્યું છે. હું જે શાળામાં ભણવા જતો ત્યાંના અમુક સાહેબો કે મેડમોનો હું અળખામણો થઈ જતો કારણ કે હું ગમે તેટલી ઈચ્છા દબાવી રાખું તો પણ મને પ્રશ્નો થતાં અને જ્યાં સુધી એનો ઉકેલ ન મળે ત્યાં સુધી હું જંપતો ન હતો. જો કે મારા જીવનમાં પિપ્લાદ જેવા ઘણાં એવા શિક્ષક સાહેબો અને બહેનો છે જેણે મારી આ વાતને સ્વીકારીને યોગ્ય રસ્તો આપ્યો. તેમાં પ્રાથમિક શાળામાં મને એવું કોઈ ન મળ્યું. માધ્યમિકમાં રાજુસાહેબ મળ્યા, તે વ્યાકરણ ચલાવતા ત્યારે મારા અનેક પ્રશ્નો હોય અને તે શાંતિથી એનો ઉકેલ આપતા. ઉચ્ચત્તરમાં તેવું વલણ દલપતસાહેબે દાખવ્યું. કોલેજમાં બહાઉદ્દીનમાં બિહાગ સાહેબ, બાકુસાહેબ, દવે સાહેબ, પાંણેરી મેડમ(પાંણેરી મેડમ શબ્દ માટે અમને ભગવદ્ગોમંડલ ખોલાવતા અને આખરે અથ થી ઈતિ વ્યુત્પત્તિ સમજાવતા), જોશી સાહેબ વગેરે. ઉના કોલેજમાં ભણ્યો તો ત્યાં પ્રશ્ન પૂછવાની સજા એ મળી કે ટી.વાય.માં કંઈપણ વાંકગુના વગર મારું ફિઝિકલ ચેકિંગ કરવામાં આવ્યું.

‘પ્રશ્ન’ની વાત નિકળી છે, ત્યારે આ બધું યાદ આવી ગયું તેથી લખાઈ ગયું, કારણ કે હું આઠમા ધોરણમાં હતો ત્યારે કૃષ્ણનો એક ઉપદેશ સારી રીતે સમજી ગયો હતો કે – तद्विधि प्रणिपातेन परिप्रश्नेन सेवया| उपदेक्ष्यन्ति ते ज्ञानं ज्ञानिनस्तत्त्वदर्शिनः|| – આ કારણે પણ મને આ ઉપનિષદ ગમે છે કે જે પ્રશ્નોના ઉત્તરો આપે.

ખૈર આપણે પ્રશ્નોપનિષદ તરફ વળીએ…

પ્રશ્ન પૂછવા એ પણ એક કલા હોવી જોઈએ અને ઉત્તર આપવા એ પણ એક કલા હોવી જોઈએ. અહીં દરેક પ્રશ્ન માટે ખંડ છે તેના નામ પણ – પ્રશ્ન – એવું જ આપવામાં આવ્યું છે. અહીં પ્રથમ પ્રશ્નના વિભાગમાં બીજા શ્લોકમાં પિપ્લાદ સરસ વાત કરે છે કે તમે બધા અહીં નિરાંતે એક વર્ષ સુધી રહો અને ઈચ્છા અનુસાર પ્રશ્ન પૂછજો. પછી સરસ વાત કરે છે – यदि विज्ञास्यामः सर्वं ह वो वक्ष्याम ईति – અર્થાત્ જો હું જાણતો હોઈશ તો તે બધું આપને જણાવીશ. આ વિદ્વતા, આ વિનમ્રતા. રાજુસાહેબ પરમાર પણ હંમેશા અમને કહેતા કે તમને કંઈ પ્રશ્ન હોય તો કહે જો હું જાણતો હોઈશ તો તમને જણાવીશ અને નહીં જાણતો હોઈશ તો તમને ગમે ત્યાંથી જાણીને કહીશ. આજે હું જ્યારે શાળામાં શિક્ષક બન્યો ત્યારે મેં પણ તેમનું જ અનુકરણ કર્યું છે. બાળકોને છૂટથી બધું પૂછવા દીધું છે અને નથી ખ્યાલ તે બીજા પાસે કે પુસ્તકો પાસેથી કે ઈન્ટરનેટ પાસેથી જાણીને તેને કહ્યું છે. ગુરુ અને શિષ્યનો સાચો માર્ગ તે છે.

મારું માનવું છે કે અધિનિયમો બનાવવાથી તો માત્ર તેનું સંવહન થાય પણ સંવાદ કરવાથી સંબંધ સ્થપાય છે. પ્રશ્નોપનિષદ આપણને સંવાદથી સંબંધ સુધી જવાની સમજ આપે છે.

પહેલો પ્રશ્ન કબન્ધી પૂછે છે કે – કયા સુનિશ્ચિત કારણ વિશેષથી આ સંપૂર્ણ પ્રજા વિવિધ રૂપે ઉત્પન્ન થાય છે?

આ પ્રશ્નના જવાબમાં પિપ્લાદ બ્રહ્માંડની ઉત્પત્તિથી લઈને માણસમાં ઉત્પન્ન થતાં શુક્રકણોની વાતથી લઈને માણસના મૃત્યુપર્યંતની કથા કરવામાં આવી છે. આ પ્રશ્નના અંતે તે એ નતિજા પર આવે છે કે અન્ન પ્રજાપતિ છે, તેના કારણે આ બધું ઉત્પન્ન થાય છે.

બીજો પ્રશ્ન ભાર્ગવ કરે છે કે – કુલ કેટલા દેવતા છે, પ્રજાને કોણ ધારણ કરે છે અને તેમાંથી કોણ પ્રજાને પ્રકાશિત કરે છે તથા આ બધામાં શ્રેષ્ઠ કોણ છે?

આ પ્રશ્નના જવાબમાં પિપ્લાદ કર્મેન્દ્રીય, જ્ઞાનેન્દ્રીય, મન અને આત્માનું વિવેચન કરે છે. આ બધી ઈન્દ્રીયોમાં રહેલા જુદાં જુદાં તત્વોને દેવતા બનાવી દેવાયા છે તેનું સમજપૂર્વકનું ઋષિવિજ્ઞાન આપણને અહીં જાણવા મળે છે. આ પ્રશ્નના સંશોધનમાં આખરે પ્રાણ કર્તા-હર્તા ને સમાહર્તા છે તેવું તારણ નીકળે છે.

ત્રીજો પ્રશ્ન આશ્વલાયન પૂછે છે – આ પ્રાણ કોના દ્વારા ઉત્પન્ન થાય છે, એ શરીરમાં કેવી રીતે આવે છે તથા આપણને વિભાજિત કરી કઈ રીતે સ્થિર થાય છે, કઈ રીતે શરીરની બહાર નીકળે છે, કેવી રીતે બાહ્યજગતને ધારણ કરે છે અને કઈ રીતે મન અને શરીરને ધારણ કરે છે?

આ પ્રશ્નના જવાબમાં પિપ્લાદ પણ કહી ઊઠે છે કે તારા પ્રશ્ન મૂશ્કેલીભર્યા છે. તે પહેલો સંદર્ભ વેદોનો તાકે છે. શરીરના કયા કયા અંગમાં પ્રાણ શું કામ કરી રહ્યો છે, તેની વિગત જ્યારે પિપ્લાદ કરે છે ત્યારે આપણને બેઘડી તે ઋષિ નહીં પણ મેડિકલ કોલેજનું લેક્ચર ચાલતું હોય તેવું લાગવા લાગે તે હદે વિજ્ઞાનમય જ્ઞાન આપે છે. ગૌણ પ્રાણનું સંચાલન કરતા મુખ્યપ્રાણને સૌનો આધાર ગણાવી આ જવાબ પૂર્ણ કરે છે.

ચોથો પ્રશ્ન સૌર્યાયણી પૂછે છે – આ શરીરમાં કોણ સૂવે છે, કોણ જાગે છે, કોણ સ્વપ્ન જુએ છે, આ બધું સુખ કોને થાય છે, આ બધા કોનામાં સ્થિત રહે છે?

આ પ્રશ્નના જવાબમાં પિપ્લાદ કહે છે કે – સુતા સમયે શરીરના અને મગજના કયા અંગો જાગે છે, સ્વપ્નમાં અર્ધજાગ્રત મનમાં શું ચાલી રહ્યું હોય છે, શ્વાસ અને લોહીપરિભ્રમણની સ્થિતિ શું હોય છે, પિપ્લાદની આ ચર્ચા સાંભળતા આપણને ન્યૂરોસાયન્સ યાદ આવી જાય તે રીતે વાતો કરી છે. આખરે વિજ્ઞાન સ્વરૂપ આત્મા આ બધાનો કર્તા-ધર્તા છે તેવા નિર્ણય પર આવી આ જવાબ પૂર્ણ કરે છે.

પાંચમો પ્રશ્ન સત્યકામ પૂછે છે – જે ઓમકારનું જીવનપર્યંત, બરાબર ધ્યાન કરે છે તે નિઃસંદેહ કયા લોકને જીતી લે છે?

આ પ્રશ્નના જવાબમાં પિપ્લાદ કહે છે કે – ઓમ તે પરમબ્રહ્મનું પ્રતિક છે તેનું ચિંતન કરનાર બ્રહ્મને જ પામે છે. આમ કરીને પિપ્લાદ સમગ્ર ઓમના ઉચ્ચાર અને તેની ધ્યાન પદ્ધતિ વિશે વિસ્તૃત જાણકારી આપે છે. તેના ફળ અને સાધના વિશે પણ ખ્યાલ આપે છે. આ પ્રશ્ન અને જવાબ જોતાં એવું લાગે છે કે છ પ્રશ્નના પેપરમાં એક ફરજિયાત હશે. કારણ કે દરેક ઉપનિષદનો પ્રતિપાદિત વિષય તે ‘ઓમ’ છે અને તે રહી ન જાય માટે આ ઉપનિષદમાં તેના વિશે લખવા આ પ્રશ્નને ઉભો કરાયો હોય તેવું લાગે છે.

છઠ્ઠો પ્રશ્ન સુકેશા ઋષિ પૂછે છે – સોળ કળા વાળો પુરૂષ કોણ છે અને ક્યાં છે?

અને પિપ્લાદ જે ઉત્તર આપે છે તે તમામ ધર્મ, તમામ ફિલોસોફી, તમામ ધર્મવેત્તા અને વિદ્વાનોના વિચારોનો સાર રજૂ કરે છે… તે કહે છે કે –
तस्मै स होवाच। इहैवान्तः शरीरे सोम्य स पुरूषो यस्मिन्नेताः षोडश कलाः प्रभवन्तीति।। (षष्ठ प्रश्न, श्लोक-2)
અર્થાત્ – આ શરીરની અંદર જ તે પુરુષ છે, જેમાંથી એ સોળ કળા પ્રગટ થાય છે.

ખરેખર ઉપનિષદો કોઈ એક વાક્ય કહેવા માટે વિસ્તૃત કરાયેલું છે. છે ને બાકી જગતભરના લખનારા આ વાક્ય આગળ નીચી મૂંડીએ ઉભા રહે તેવું વાક્ય છે. કોઈ જાજી લપ નહીં, કોઈ જાજી ફિલોસોફી હાંકી નહીં અને સીધો અને સટ જવાબ. જુઓ ।।આપો દિપો ભવ।। કહેનારા બુદ્ધ પણ ડોકાય છે તો આત્મવિશ્વાસ માટે રાડો પાડનારા કન્ફ્યુસિયસ અને ।। અનલહક ।। કહેનારા ફકીરો પણ ડોકાય છે અને ।।પ્રેમ તત્વ પ્રગટશે તો સમગ્ર દુનિયા તમારી થશે. ।। કહેનારા ઈશુ અને સૂફીઓ પણ નજરે પડે છે. ।।ઉત્તમો આત્મના ગતિઃ।। જેવો સૂર કાઢનાર કૃષ્ણ પણ કળાય છે અને ।।દરેક મનુષ્યની શ્રેષ્ઠતા તેની અંદર પડેલી છે, તે પૂર્ણતાને પ્રગટાવવાની છે।। એવું વદનાર વિવેકાનંદ પણ દૃષ્ટિગોચર થાય છે. કેટકેટલા ઉદાહરણ આપું. બાકી તો બધા વ્યાસનું ઓકેલું જ બોલે છે, તો તેને ટાંકવાનો કોઈ અર્થ નથી.

બસ આટલું જે જાણી જાય છે તેના માટે જીવન જીવન નથી રહેતું ઉત્સવ બની જાય છે. અશક્ય શબ્દ તેના જોડણી કોશમાં રહેતો નથી. મૃત્યુ તેને મારી શકતું નથી. કોણ કહે છે કે હિન્દુઈઝમમાં માત્ર જીવનને વર્તમાનમાં ન જીવવાની કે ઓશોના શબ્દોમાં ‘મનોરીગ્નતા કી હી બાત’ કરી છે? એક વાક્ય જીવન અને મૃત્યુ બન્નેથી પર કરીને મહાન સત્યના પ્રદેશમાં તમને મૂકી આપે છે. જ્યાં ક્ષણેક્ષણ ઉત્સવ છે. ઝાંખ લે ઝાંખ લે તું દિલ કે અંદર…

ફરી મળીશું આવા જ કોઈ રસપ્રદ ઉપનિષદની વાત સાથે…

About aKshArAnANd

સામાય ધસી જઈએ, આઘાય ખસી જઈએ... હોવું ય હવે ઉત્સવ આકંઠ શ્વસી લઈએ....રેતાળ કીનારા પર હેતાળ હસી લઈએ..... મૃત્યુ, જીવન, ઉત્સવ, પ્રેમ, કોમ્પ્યુટર, દોસ્તી પુસ્તક આ બધાને મળવા માટે ધરતી પર ફરવાનું બહાનું મળે તો તે ખરેખર લિજ્જતની વાત છે.....
This entry was posted in આંખના ઈશારે..... Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s