બક્ષી, કેરી અને સુ.જો. ના. આ મારી કોઈ વાર્તાનું નામ નથી. અલબત્ત આ ગુજરાતી વાર્તાકાર્સ અને નિબંધકાર્સ એવા અમારા લાડીલા એક સ્વર્ગના અને વર્ગના લાડકા સુ.જો. કહેતા સુરેશ જોશી અને બક્ષી કહેતા ચંદ્રકાન્ત કેશવલાલ બક્ષી (ના.ડિટેક્ટિવ વ્યોમકેશબક્ષીને અને આને કાંઈ લાગે વળગે નહીં છતાં પોતાના અને બીજાના કેસ વગર વકિલાતે લડે ખરાં.)
આ મૌસમ જાણે કે કેરીની અને એમાંય અમે સૌરાષ્ટ્રીયનો કેરીની આગળ વિશેષણ લગાડ્યા વગર ન રહીએ કે કેસર કેરીનો આ સમય. જાજો સમય મારે તમારો લેવો નથી, સીધી જ વાત પર આવું છું, કારણ કે અહીં તમારી સામે ત્રણ વક્તા છે. સોરી, બે વક્તા છે અને એક ફળ છે (કોઈને કહેતા નહીઃ કેરી પણ અંતમાં પોતે કંઈક બોલશે).
હું આ મૌસમમાં કેરી ખાઉં છું. ખબર નહીં હમણાં હમણાં શું થાય છે? જ્યારે જ્યારે કેરી ખાવા બેસું ત્યારે કેરી સુધારું ત્યારે અને છાલ ઉતારું ત્યારે સુ.જોનો કરુણાભર્યો ચહેરો મારી નજર સામે તરવરી ઉઠે છે. અને જ્યારે છાલ ઉતારી લીધા પછી તેનો રસ લેવા આરોગુ છું ત્યારે બરછટ વ્યક્તિત્વના બેફામ સર્જક બક્ષી યાદ આવે છે.
આજે તો મેં કેરી સાથે વાત કરતા કહ્યું કે કેરી તારા ભાગ્ય એ સદ્ભાગ્ય છે કે દુઃભાગ્ય એ નક્કી કરવું રહ્યું! કારણ કે જો હું થોડો વહેલો જન્મ્યો હોતે તો બક્ષી અને સુ.જો.ને સ્પેશિયલ આમંત્રણ આપત કેસર કેરી ખાવા માટે. (ભલે પછી બન્નેને મારે કેરીના ભાવ કરતા પણ ઊંચા ધોરણે પુરષ્કાર કેમ ન આપવો પડે!) અને પછી ખીમાણંદભાઈ જેવા સાહિત્યિકમિત્રની વાડીએ લઈ જઈને બન્નેને બેસાડત કેરી ખાવા માટે પણ કેરી ખાધા પછી એક શરત રાખત કે બન્નેએ કેરી પર એક નિબંધ લખવાનો……!
અને આ બધું કેમ થાત… બેઉં બળિયા જ્યારે કેરી માટે બાથે અને કલમને હાથે વળગત ત્યારે શું થાત તેનું એક ‘રસદર્શન’ આપની સામે કરાવવાનો મારો લોભ જતો નથી કરતો….
બક્ષી, કેરી અને સુ.જો.નું મનોગમ્ય કલ્પન શરુ થાય એ પહેલા લઈએ નાનકડો બ્રેક….
કહીં ભી જાયેં ગા મત ક્યુંકી યે તીનોં કી કમાલ કહીં નહીં દેખ પાઓંગે સીર્ફ ઓર સીર્ફ અક્ષરઆનંદ.કોમ પર ….
હમ જલ્દ લોટ રહે હૈ એક કેરીનો ગટલો ખાઈને….
***
હાં તો સજ્જનો ઔર દેવીયોં દિલ થામ કે બેઠીયેં હમ ઔર આપ દેખને જા રહે હૈ ન ભૂતો ન ભવિષ્યતિ…
અમે વાટ જોઈને સવારથી બેઠા હતા. લભગભ છ વાગાના. સવાર થયું બક્ષી અને સુ.જો. બન્ને દૈનિક ક્રિયા કર્મથી પરવાર્યા છે તેવો કૉલ આવ્યા પછી બન્ને ને અલગ અલગ હોટેલથી અલગ અલગ વ્યક્તિ રવાના થયા, કારણ કે અમને થયું કે બન્નેને ત્યારે જ ખબર પડવી જોઈએ કે જ્યારે બન્ને અમે બનાવેલા રંગમંચ પર આવે….
આખરે પહેલા સુ.જો. વાડીએ પહોંચ્યા. રુની સફેદ રજાઈઓ અને ગાદલાઓથી સજ્જ ખાટલા પર સુ.જો.ને બેસાડ્યા. એ ગાડીમાંથી ઉતરતાં જ જાણે માટીની સુગંધ અને આકાશનું અત્તર લેતા હોય તેમ બોલી ઉઠ્યાઃ અહીં કેટલું નિરવ વાતાવરણ છે. માટી જાણે કે આપણને પંપાળી રહી હોય એવું અનુભવાય છે. સુમન, આ મારું અનુભૂત વિશ્વ છે.
અને અમે બધા અમારા પગતળે રગદોળાયેલી અને રમાયેલી જમીનને એક અનોખા પૂજ્ય ભાવે જોઈ રહ્યા હતા.
સુ.જો. હજુ ઢોલિયા પર બેસે ત્યાં જ બીજી ગાડી આવી અને તેમાંથી સાઉથના ફિલ્મના હિરોની જેમ સુટબુટમાં સજ્જ, આંખો પર ગોગલ્સ ચડાવેલા. કરકરીયા વાળ ઉડે નહીં છતાં પણ જાણે શાહરુખ ખાનની જેમ વાળ ઉડતા હોય તેમ હાથ ફેરવીને નીચે ઉતર્યા. પોતાના ગોગલ્સ નીકાળ્યા. કોટમાં મૂક્યા અને બારણું બંધ કરતાં જ એક શિકારની શોધમાં નીકળેલો શિકારી જેમ આંખ ફેરવે તેમ વાડીમાં નજર કરી અને કોટ કાઢતા જ તેણે ફરી બારણું ખોલી અંદર મૂક્યો. અને ત્યાં તેને બીજી બાજું આવવા મેં વિનંતી કરી ત્યારે તે ઢોલિયાની દિશામાં ફર્યા અને તેની આંખ ઝીણીં થઈ ગઈ.
બહોત ખૂબ… બહોત ખૂબ. કેમ છો સુરેશ ભાઈઈઈઈ (ભાઈ કહેતા કહેતા બક્ષી દાંતભીડી ગ્યા ’તા એમ અમારો રામલો કે ’તો ’તો)
સુ.જોએ એમના તરફ જાજરમાન ગાલમાંથી સ્મિત વેરીને ફૂલથી જાણે સ્વાગત કર્યું.
ત્યાં બક્ષી કોલયનો રવ સાંભળીને બોલ્યાઃ સુ.જો. સંસ્કૃતનું કંઈ યાદ આવે છે કે અહીં પણ બોદલેર ને કાફકા?
સુ.જો. કહેઃ બક્ષી, આવા જ કોઈ અરણ્ય સ્થાને કણ્વએ શકુન્તલાને વિદાય આપી હશે.
અમે બન્નેને પાણી ધર્યું. બન્નેએ ગ્લાસ લીધો અને બક્ષી બોલ્યા, ના. મને તો યાદ આવે છે કે આવા કોઈ વનરાજીમાં જ કોઈ ઝાડના થડની પાછળ દુષ્યંતે શકુન્તલા સાથે પ્રથમ મિલનની લિજ્જત માણી હશે.
અમે વિસ્ફારિત નેત્રે બન્નેના નિરિક્ષણ અને પરિક્ષણને જોઈ રહેલા. રામલાના કેવા પ્રમાણે આ અમારું સાહસ જ હતું.
અમારા માટે તો લુઈસ કેરોલ કહે છે તેમ દરેક વાત મજાક હતી, જો હસતા આવડે તો કારણ કે આપણે તો પોથી પઢ પઢ આપ મૂવાં હતાં.
પછી મેં અને રામલાયે બીજા બધાને ખુરશીઓ આપી એ સમયે બક્ષીએ અમને બાજુમાં બોલાવીને કહે, આ તો જયબાબુ હતા એટલે હોં. નહીં તો હું આ રીતે ક્યારેય ન આવું.
અમે બન્ને તરફ આભારની નજર નાખી અને બીજા બધા ‘મહાનુભાવો’ અને અમારા ગામના તથા આવો ન ભૂતો ન ભવિષ્યતિ કાર્યક્રમ જોવા સાંભળવા માંગતા ખાસ આમંત્રિતો ખુરશી પર બીરાજમાન થયા.
રામલાએ અને મેં કેરીના બેય થાળ મૂક્યા બીજા બધાને પણ સૌ સૌની રીતે ખાવાનું કહ્યું અને આ બન્નેને અમે સુધારીને આપવા માટે એમની પાસે બેઠ્યા.
સુ.જો. હાથમાં કેરીનું એક ફળ લઈને તેને ધારીને જોઈ રહ્યા અને બોલ્યા, કેરી, ત્રણ ચીરનું હાઈકુ. (!!!)
બક્ષી પલાંઠીવાળી હતી તેમાંથી એક પગ ઊંચો કરી અને તેના ઘૂંટણ પર હાથ રાખીને કેરીના ફળને ઊછાળતા ઊછાળતા બોલ્યા. કેરી ચીરમાં ખાવાની ચીજ નથી. એ તો બસ તેને ઘોળીએ એટલે જે રસાળતાનો અનુભવ થાય તે ઈરોટિક હોય છે! અને જ્યારે તે રસ બરાબર ઘોળાય જાય ત્યારે તેના મુખ પાસેની ડીંટડી તોડીને તેમાંથી ઝરતો રસ ચૂંસીએ ત્યારે તેનો અનુભવ….
સુ.જોએ વચ્ચે રોકીને જ કહ્યુઃ તેનો અનુભવ…., અભિજ્ઞાનમાં દુષ્યન્તને થયો હતો. વિક્રમોર્વશિયમ્ માં વિક્રમને થયો હતો. છીન્નપત્રમાં એ અનુભવ લખ્યો છે.
બક્ષી ઉવાચઃ એ અનુભવવાની વાત છે.
એમ કરી તે કેરી ઘોળવા લાગ્યા. બન્ને એક બીજા સામે જોઈ નહોંતા રહ્યા, છતાં બન્ને એક બીજાની વાતને પોતાની રીતે જાણે નિબંધ લખવા બેઠા હોય તેમ વધારી રહ્યા હતા. મેં રામલા સામે જોઈ સ્મિત કર્યું તો રામલો કે આ બન્ને કેરી પૂરી કરે એવું નથી લાગતું કેરી પોતે પૂરી થઈ જશે!
સુ.જો બોલ્યાઃ આ આમ્રફળની સુવાસ તો જાણે ગેટેના નાટક જેવી એબ્સર્ડ છે. ક્યારે ક્યાંથી ગોદો આવશે એ તેના નાયકને જેમ ખબર ન હતી તેમ આ આમ્રફળના ભારથી લચેલ વૃક્ષ ક્યારે ક્યાંથી આપણને સુગંધથી તરબોળ હવાની આછ્છી લહેરખી આપણી તરફ મોકલી દે અને આપણને પંપાળી દે તે કંઈ કહેવાય નહીં! મને લાગે છે કે આ કેસર કેરીની જાત કેસરી રંગની હોવાથી નામકરણ થયું હશે? પણ તે કેસર કરતા રસાળ કેરી એવું નામ પડવું જોઈતું હતું.
ત્યાં બક્ષી ઉભા થયા અને ગાડીમાંથી બંદૂક લીધી. ઘડીભર બધાના શ્વાસ ઊંચા ચડી ગયા અને તેણે આંબા સામે બંદૂક તાકી ત્યારે શ્વાસ હેઠા બેઠા. થોડીવારમાં ભડામમમ કરતોકને ધડાકો થયો. એક કેરી નીચે પડી. તે લેવા બક્ષી જાતે ગયા.
કેરી લઈને પાછા ખાટલે બેઠા બંદુક ગાડીમાં જ મૂકતા આવેલા એટલું સારું થયું. પછી બોલ્યાઃ કેસર શબ્દએ તળદી ભાષામાંથી ઉતરી આવેલો શબ્દ છે સર પ્રમાણે ઉતરતી કેરી હોવાથી કેસર એવી કહેવાય છે. કેસર કેરી તો કેરીઓમાં રાણી છે. જુઓ તેનાં વળાંક કેટલા કામણગાર હોય છે. એને તો મર્દની જેમ ઝાડવા પરથી બંદૂકના નાળચે પાડીને જ ખવાય. કારણ કે કેસર એ તારુણ્યમાં આવેલી કોઈ મૂગ્ધ કન્યા જેવી છે જે મર્દના કૌવતભર્યા હાથે ઝાડપરથી ઉતરવાનું પસંદ કરે જેમ કોઈ અપ્સરા વિક્રમ જેવા જવાંમર્દ માટે સ્વર્ગ છોડીને આવે તેમ. (!)
મેં રામલાને કાનમાં કહ્યું, એલ્યા આ બન્નેની સાથે શરત એવી હતી કે કેરી ખાયને પછી નિબંધ લખવો અને આ બન્ને તો અહીં જ શરુ થઈ ગાયા.
ત્યાં સુ.જોએ પ્રથમ કેરીની છાલ સુંઘી, ગોટલો હાથમાં લઈ બોલ્યા, મને આ ગોટલાને જોઈ અને કાફકાની નોવેલ યાદ આવે છે. કાફકાની નોવેલ પણ આ ગોટલા જેવી જ છે દેખાવે અને ભાષાકર્મે જાણે મીઠી હશે એવી લાગે પણ તેમાં થોડી શૈલીભેદની ખટાશનો પણ આપણને સંસ્પર્શ થાય ત્યારે જીભ તતરી ગયા જેવું લાગે.
અને એ સાંભળીને હોય કે ગમે તેમ પણ બક્ષીના હાથમાં ઘોળાતી કેરી વધારે ઘોળાઈ ગઈ હશે કે તેનો રસ બહાર આવી ગયો અને બક્ષીના શર્ટ પર ડાઘ પડ્યા. કોઈ પાણી લઈને દોડ્યું કોઈ રુમાલ લઈને તો કોઈ શર્ટ પરનો રસ લઈ રહ્યું હતું ત્યાં બક્ષી બધાને દૂર કરતા બોલ્યાઃ એ રસ તો લેવાઈ ગયો, હવે ડાઘ સાફ નથી કરવો કારણ કે શર્ટ પર કેરીનો ડાઘ કોઈ માશુકાના ગુલાબી હોઠોની છાપ જેવો લાગે છે! કોઈને પામી લીધાની એ નિશાની છે.
ત્યાં સુ.જો અને બક્ષી બન્ને એક સાથે કશુંક અડધું પડધું વાક્ય બોલ્યા અને બન્ને સાથે બોલ્યા એવું થયું ત્યારે બન્નેએ એકબીજા તરફ જોઈ લીધું અને પછી ક્ષણાર્ધ માટે શાંત વાતાવરણ થયું ત્યાં તો એક રૂપાની ઘંટડી જેવો અવાજ આવ્યો અને થાળમાં પડેલી એક કેરી પડી પડી બોલી અરે ઓ મહાનુભાવો આપનો અમારા પ્રત્યેનો ભાવ જોઈ અને અમે કૃતકૃતાર્થ થઈએ છીએ માટે મૌસમ-એ-ઈશ્કના આવા વાતાવરણમાં અમને ઝટ ખાઈ લો નહીં તો પાછા ઝાડવે મૂકી દ્યો….
અને બન્નેને કેરીની આવી આદ્રવાણી સહન ન થઈ કારણ કે આખરે તો બન્ને સર્જક ને…. અને આથી જ તે બન્ને પહેલા કેરીના રસમાં નિમગ્ન થઈ ગયા…
******
નોંધ – બક્ષી અને સુ.જો.ની કેટકેટલીય વાત સાંભળી છે તેમને વાંચ્યા છે. આશ્ચર્ય તો ત્યારે થયું કે મારા વાંચનમાં પહેલા સુ.જો. આવ્યા અને પછી બક્ષી. બન્ને પ્રત્યે મને અપાર સન્માન છે અને એટલે જ જ્યારે લાડકા સંબંધ હોય એની સાથે જ લાડકડાવેડા કરી શકાય. માટે આ સર્જકો મારી ભાષાના સર્જકો છે અને એની સાથે આવો લાડ કરવાનો અમારો અબાધિત અધિકાર છે. તેથી કોઈએ મનમાં લેવું નહીં. અને જેમને મનમાં લાગી જાય તેમણે કેસર કેરી ખાઈ લેવી.
HAAAAA HAAAAA HAAAA KESAR KERI KHAVA MAN TALSI PADYU…TAMARA RAMALA NE KYO K KERI AMANE Y MOKLI DE TO AMEY KAIK LAKHVI NE MOJ KARAVI ! 🙂
BUT, HONESTLY MAJA AAVI AA KALPAN VANCHAVANI PAN…JE LOKO E BAXI ANE SUJO NE THODA PAN VANCHYA HASHE ENE AAMANU KASHU ATISHYOKTIBHARYU NAHI J LAGE !
thanks raam