મારા સમકાલીનોઃ રામ અને અજયની વાર્તા વિશે...
ઘણો સમય થઈ ગયો હશે. આશરે ત્રણ ચાર મહિના તો ખરાં જ. રામ અને અજયે મને એમની વાર્તાઓ આપી રાખેલી અને મેં એમને મારી વાર્તા આપી રાખેલી. (મારી વાર્તાનું એ લોકોએ જે કર્યું હોય તે) આપણે અત્યારે એની વાર્તાની સળી કરીએ અને ધીરેધીરે તે વાર્તાની ચમકને પણ જાણીએ.
રામ મોરીઃ નામ તો સૂના હી હોગા... એવી રીતે ચાર્લી ચોકલેટી હીરો જેવો છે. તે ભાવનગરમાં ભણ્યો છે, ગણ્યો છે મોટો થયો છે. સોરઠી પાણી પીને મોટો થયેલો તે ગુજરાતી સાહિત્યનો આવતી પેઢીનો રેસનો ઘોડો છે. અને આજે જે ચમકદમક છે તેની પાછળ કંઈક અંશે ભાવનગર ગદ્ય સભા અને તેના સભાસદોનો ફાળો છે. (રામ માને ન માને પણ એમણે એ સ્વીકારવું રહ્યું. જો કે આ દુનિયામાં કોઈ કોઈને આગળ નથી લાવતું પણ ટેકો તો આપે જ છે.)
તો
અજય સોનીઃ હમ દિલ મેં આતે હૈ પર દિમાંગ મેં નહીં... જેવો થોડો પીઢ અને ગંભીર માણસ છે. જો કે રામ મોરી ગંભીર નથી તે બાબતે અમે એવું માનીએ છીએ કે તેની હજી માત્ર સગાઈ થઈ છે અને લગ્ન નથી થયા અને એ એટલો ભાગ્યશાળી છે કે તેને કોઈનો ભાર ઉપાડવાનો નથી. અજય ઘરની જવાબદારી સંભાળી શકે, અલબત્ત સંભાળે છે તેવો વ્યક્તિ છે. તે કચ્છમાં અંજાર મોટા શેર છે હો જી તેમાં રહેતા રે અમારા અજય ભાઈ જો... હો રાજ.... એવો ધીંગી ધરાનો કચ્છનો કાળોનાગ જેસલ જાડેજાના વતનનો છે. અમારાથી ઉંમરેય મોટો પણ હવે તુંકારાનો મીઠો સંબંધ છે.
શ્વાસને જરા ઊંચો કરીને અમે નીચે મૂકીએ છીએ, કારણ કે બે મિત્રો વિશે લખવાનું છે. જો કે એ પણ એટલું જ સાચું છે કે એ અમારે લખવું છે એટલે લખીએ છીએ કોઈને વંચાવવા કે કોઈની સામે શેખી મારવા માટે નહીં કે પછી ગુજરાતી સાહિત્યમાં જેમ ચાલે છે તેમ હું તારી પીઠ ખંજવાળું, તું મારી પીઠ ખંજવાળ અને બેયની પીઠ ખંજવાળી લીધા પછી ઠંડી લાગે તો બન્ને એક બીજાની માથે એવોર્ડની સાલ ઓઢાડીએ એવા માટે હરગીઝ નહીં.
બન્નેનું અંગત બેક્ગ્રાઉન્ડ એટલે જણાવ્યું કારણ કે બન્નેની વાર્તામાં તે અનાયાસે પ્રગટે છે. ઈશ્વર પેટલીકર કહે છેને કે – લેખકને સમાજ જીવનનો જે અનુભવ છે, તેના આધારે એની કલ્પનાસૃષ્ટિ રચાય છે. એ અનુભવનું સંવેદન જેટલું ઊંડું, પ્રેરણાનો પ્રવાહ જેટલો પ્રબળ અને કલાની સૂઝ જેટલી વિશદ તેટલી કલાકૃતિની સુંદરતા.
અને હા. આ બન્નેની સામાજિક નિસ્બત પણ એટલી જોરદાર છે. તે બન્નેનું વાંચન પણ વિશાળ અને સતત ચાલતી પ્રક્રિયા જેવું છે. રામનું વાંચન મેં જોયું છે એટલે કહું કે એ ટિપિકલ વાચક છે. જે આવે તે વાંચી શકે છે. રામ એક છેડે કાજલને પણ વાંચી શકે અને કાફકાને પણ વાંચી શકે. બન્નેની(અજય - રામની) કલાસૂઝ પણ સારી. પોતાના ખપ પૂરતું તે મેળવી લે છે. બન્નેની મહત્તા એ છે કે તે બન્ને પોતાના ક્ષેત્રથી બહાર નથી ભટક્યા. નહીં તો એવું બને કે એક અભણ છોકરી ટોપ-જિન્સ પહેરે અને પછી બસમાં જ્યારે લોલી પોપ કકડાવે એવી દશા વાર્તાની થાય!
આ બન્નેની વાર્તા નિમિત્તે મારે કેટલીક વાર્તા કલા વિષયક અને ગુજરાતી સાહિત્યમાં આવનારા આંદોલન તરફ અંગૂલીનિર્દેશ કરવો છે (એ આંગળી કઈ છે એ ખબર નહીં!).... સામાન્ય રીતે ચાલીસ – પચ્ચાસ વર્ષ ખૂટે બધા બૂઢા થઈ ગયા હોય ત્યારે વાંચી ન શકીએ પછી અમારા વિશે કોઈક અમારી વાત કરે એના કરતા અમે નક્કી કર્યું કે અમારા વિશે અમે જીવીએ અને જીતીએ ત્યારે જ લખી નાખવું.
પહેલા અજયની વાર્તા વિશે વાત કરું....
અજયની ચાર વાર્તા વાંચી અગ્નિ, કંધોતર, રેતનદી અને જંગલ, હું કબીર અને મીરા...
અજય મૂળ રણનો માણસ એટલે એની વાર્તા પણ રેતી જેવી છે મૂઠીમાંથી રેત સરે એમ તમારી પાસેથી સરી જાય છે. તેની અગ્નિ ને રેતનદી અને જંગલ આ બન્ને વાર્તામાં મને જે વ્યાખ્યા વાર્તાની પસંદ છે તેવી વાર્તા છે કે કેટલીક ઈમેજીસના લસરકા મૂકીને લેખકે વાંચકને રખડતો કરી દેવાનો છે. અને વાંચક ખોવાતો જાય છે.... આવું થાય છે અજયની આ બન્ને વાર્તામાં. બીજા બેમાં ન જામ્યું. જો કે કંધોત્તર તેની ક્યાંક પ્રથમ નંબર લાવી છે. કંધોત્તરમાં જો આંખે આવતું હોય તો તે ટેક્નિકનો ક્યાંક લસરકો છે એ જ.
અજયના ભાષા કર્મમાં રણ જેવી શુષ્કતા ખરી પણ શૈલીમાં એક્કો છે. એટલી શલૂકાઈથી એ તમને એના વાર્તાના પાત્રો પાસે લઈ જશે કે તમને કેથાર્સિસ થવા લાગશે...! ખરી રીતે જુઓ તો આ જ તો જીત છે વાર્તાકારની. સુરેશ જોશીની વાર્તા સાથે મૂકી શકાય એવી છે રેતનદી અને જંગલ. (માય લોર્ડ, આ વાત હું મારા પૂરા હોશોહવાશથી કરી રહ્યો છું.)
રેતનદી અને જંગલના વાતાવરણને વાર્તા કહેવા દીધી છે અજયે. આખરે ટિપિકલ ગુજરાતી સાહિત્યકારો નવોદિતોના વાર્તાસંગ્રહના પ્રસ્તાવનામાં જેમ લખે તેમ લખીને કહું તો કહી શકાય કે અજય આવી સ્વરૂપવાન વાર્તા આપી અને ગુજરાતી સાહિત્યને રળિયાત કરે તેવી શુભેચ્છા.
રામની વાર્તા વિશે...
રામની વાર્તા એટલે કાઠિયાવાડી રોટલો અને રીંગણાં બટેટાનું શાક અને એમાં ચોળીને ખાતા હોઈએને બાજુમાં છાસની તાંહળી હોય ને જે મજ્જા પડે તે એની વાર્તાની મજ્જા છે...
રામ ગુજરાતી સાહિત્યનો સંજય લીલા ભણસાલી છે. એ કલાત્મક વાર્તા પણ આપી શકશે અને રામલીલા પણ બનાવી શકશે. રામની વાર્તામાં તેની ફિલ્મ અને નાટકની સૂઝ છતી થાય છે.
રામની કેટલીક વાર્તા વાંચી છે જેમ કે – ઠેસ, થડકાર, સારા દિ, બળતરા, ગરમાળો ગુલમ્હોર અને ખખડેલું બસસ્ટોપ, બાજુ, એકવીસમું ટિફિન, મહોતું....
મહોતું અને બળતારા પર મેં એને સાત સમંદર લખી દીધા સે. ઝેદી મન થાહે તે દિ ઈ એના...
શું કામ? છે....ક... ઝવેરચંદ મેઘાણી પછી રામભાઈ ગુજરાતી વાર્તામાં મરશિયા લઈને આવે છે અને એ પણ વાર્તાકલાના સંવિધાન સાથે... વાર્તાને ક્ષતિ પહોંચાડ્યા વગર. નહીં તો સૌરાષ્ટ્રીયન લહેજામાં વાર્તાને લઈને મેઘાણીભાઈ પછી વરસાદમાં જેમ ગોકળગાય ફૂટી નિકળે એમ વાર્તાકારો ફૂટી નીકળેલા એમાં રામજીએ વાહ..વાહ.. રામજી... કહેવું પડે તેવું કામ કર્યું છે. તેની વાર્તા બનવી જોઈએ એવી પૂર્વ શરત સાથે ગામડું આવે છે – ગામડું આવે છે એટલે વાર્તા નથી બનતી.
પણ તેની આ અપ્રગટ વાર્તાઓ વિશે લખ્યું છે એમ થઈને તેમની એ વાર્તા વિશે અંગુલિનિર્દેશ કરનાર હું પહેલો છું અને આશા રાખું ગુજરાતી વિવેચક્સો પાસેથી કે હું જ છેલ્લો કહેનારો ન રહી જાઉં. (રામ... અજય... આવું પણ કદાચ પહેલીવાર બનતું હશે કે અપ્રગટ વિશે પ્રગટમાં કોઈ પ્રથમ વખત લખતું હોય.)
મેં કહ્યું તેમ કે સંજય ભણસાલી રામલીલા અને રાઉડી રાઠોડ જેવી સ્ટિરિયો ટાઈપ ફિલ્મ આપે તે રીતે રામ ગરમાળો ગુલમ્હોર અને ખખડેલું બસસ્ટોપ, એકવીસમું ટિફિન પણ આપે. જો કે એકવીસમું ટિફિન નવનીતમાં આવી છે. (કાજલ બેનનો હાથ તેની માથે હોવાથી આવું થોડું ઘણું લખી નાખે એમાં ખોટું નહીં...હાહાહાહા...) બાજુ અને ઠેસ પ્રમાણમાં સુગઠિત વાર્તા છે.
અજીત ઠાકોરનું ગામડું અને કિરીટ દુધાતનું ગામડું કંઈક તખુ અને બાપાની પીંપરમાં નવું લઈને આવે છે પણ તેમાં ગામડું ચોંટાડેલું લાગે છે! તે લોકોનો તે તળ સાથેનો નાતો હવે છૂટી ગયો છે. ત્યાંથી ઝાડવું ઊખડી ગ્યું છે. પછી પાછું ચોંટાડો તો એ ઉગે પણ ખીલે નય. એવું જ તેમાં થયું છે. જ્યારે રામ એક નોખી ભાત પાડે છે. એનું ગામડું સોળેકળાએ ખીલે છે.
(અરણ્ય ફૂલોની જેમ મહેકી શકે તે વાર્તા.. સહજ, સુગંધીત અને નવપલ્લવિત. કોઈને દેખાડી દેવાનો ઢઢો નહીં, કોના માટેનો વસવસો નહીં... સાવ નિરાલંબ..નિશ્ચલ ધારા જેવી ભાષા લઈને આવે તે વાર્તા – આ.ઠા.)
ટેક્નિકની બાબતમાં રામજી પાસે કાજલજીના આદર્શ છે. મૌનરાગનો ટેક્નિક બાબતે સીધો પડઘો એક બે વાર્તામાં પડે. કાજલજી પણ વાર્તાશૈલીને કારણે લોકપ્રિય છે. પણ રામ પાસે નીરક્ષીરની દ્રષ્ટિ છે અને તેથી જ તેને જે ખૂબ નજીકથી જાણે છે એ જ આ વાતને પકડી શકે. તેના પ્રિય સરોજબેનની લઢણ પણ ક્યાંક ઝળકે અને શા માટે આવું ન થાય? અરે જ્યારે એમ જ કહેવાયું હોય કે ઉછિષ્ઠિતો વ્યાસઃ। ત્યારે પછી આવું કેમ ન થાય અને જો એક આત્મા નવીન વાઘા પહેરીને આવે તો એમાં નવાઈ પણ શા માટે નહીં અને આદર્શની આંગળી ઝાલીને જ તો આગળ ચાલી શકાય છે. લેખનમાં જ ગુરુશિષ્ય પરંપરા નથી, નહીં તો સંગીતમાં જબરી ગુરુશિષ્ય પરંપરા છે. ભલે પછી ગુરુ શિષ્ય સામસામે હોય કે ન હોય.
ચાલો રામ વિશે પૂરું કરું અને હવે બન્નેની પેરેલલ વાત કરું....
બન્ને આવતા સમયમાં દમદાર વાર્તા સંગ્રહ લઈને આવશે જેને ગુજરાતનો યુવાવર્ગ વાંચી શકે એવો દમદાર. રામની ગામડાની વાર્તા કદાચ શહેરીઓને ગળે ઉતરે ન ઉતરે પણ ગુજરાતી સાહિત્યએ એની વિકાસ યાત્રામાં નોંધ લેવી જ પડશે એના ભાષાકર્મને લઈને. મને તો આજ સુધી કાઠિયાવાડી ઓરિજનલ લહેજાને આ રીતે મૂકનારો અને શબ્દ દ્વારા સજીવન કરનારો આ એક જ સામે આવ્યો છે તેનું એક જ કારણ કે તેમાં સહજતા છે. વાર્તા અને ભાષાની પ્રથમ શરત છે સહજતા.
મારી વાર્તા વિશે પણ આટલી જ સહજતાથી તેઓ બોલી શકે છે અને હું એમની વાર્તા વિશે જાહેરમાં એટલે મૂકું છું કે મારે ગુજરાતીના ઊંઘી ગયેલા સાહિત્યને હળી કરીને જગાડવો છે. જાગો, જૂઓ તમારી ભાષામાં આવું કામ થાય છે. માત્ર પદ-પ્રતિષ્ઠા અને પ્રોફેસર(મહેન્દ્ર પરમાર જેવા બીજા ઘણાં આમાંથી બાદ) બની જવાથી કંઈ નથી થવાનું. રાજ્યકક્ષાએ કે રાષ્ટ્રીય કક્ષાએ ઈનામો લેવાથી પણ નથી કંઈ થવાનું પણ સજ્જડ કામ થશે જો આવા કાર્યને સ્પેશ આપશો.
પ્રકાશકો જાગો...., સાલ્લું એય કેવા દુર્ભાગ્ય છે કે સામયિકો પણ વેંચાઈ ગયા છે કોઈ રુપિયામાં કોઈ સંબંધોમાં.... કોઈ એવું નક્કર સામયિક નથી કે તેમાં તમારી વાર્તા આવે અને એક ઉત્સવ મનાવવાનું મન થાય. રા.રા. રામજીમાં મને અને અજયને (અજય, તારી પૂર્વસંમતિ માની લખું છું...) એવા ગુણ દેખાય છે કે ભવિષ્યમાં તે પરિષદ કે અકાદમીમાં સારા હોદ્દા પર હશે અને હોય તો આ મારો પત્ર સાચવીને તેમાં થોડું ડખોળે એવું પણ અમારું કહેવું છે.
બાકી આવું જ્યારે હું બાફુ એટલે મને રજનિશની જેમ પૂર્ણાહૂતિ કરવાનું મન થાય કે આપ સૌમાં રહેલા પરમાત્માને મારા વંદન...
- આનંદ ઠાકર
-thakaranand88@gmail.com
********
Like this:
Like Loading...
Related
About aKshArAnANd
સામાય ધસી જઈએ, આઘાય ખસી જઈએ... હોવું ય હવે ઉત્સવ આકંઠ શ્વસી લઈએ....રેતાળ કીનારા પર હેતાળ હસી લઈએ..... મૃત્યુ, જીવન, ઉત્સવ, પ્રેમ, કોમ્પ્યુટર, દોસ્તી પુસ્તક આ બધાને મળવા માટે ધરતી પર ફરવાનું બહાનું મળે તો તે ખરેખર લિજ્જતની વાત છે.....
રામ અને અજયની વાર્તાઓ વિષે ભવિષ્યે થનારી વાતો વર્તમાને કરી તેનો આનંદ.બંને આપડી ગુજરાતી ભાષાના રાણી છાપ સિક્કા છે .
Aabhar mahendrabhai