– અમિશ ત્રિપાઠી
વ્હોટ્સ એપ… ફેસબુક… હાઈક…ગુગલ… આ બધાને મન મૂકીને વાપરવા માટે વેકેશન પડ્યું. દિવાળીનો માહોલ… મિઠાઈ અને મહેમાનો, જલસો અને જલેબી, રાત અને દિવસ…. આ બધી એન્ડલેસ ગેમમાંથી સમયને આસ્ક્રિમની જેમ ચાટવાની મજા તો પુસ્તકો સાથે વિતાવીએ ત્યારે જ આવે.
Dhoomkharidi.com માંથી આવ્યું ત્યારે હું નિશાળે હતો. કાળીચૌદસનો દિવસ. શાળાએથી બપોરે 1.30 વાગે આવીને જોયું તો ઈક્ષ્વાકુના વંશજ પુસ્તક આવી ગયું હતું. ભોજન કરીને તરત એ પુસ્તકને હાથમાં લીધું અને દિવાળીની રાતે બધા કામની વચ્ચે ટાઈમ મળતો ગયો તેમ મમળાવતા મમળાવતા મેં એ પુસ્તક પૂરું કર્યું.
એક વાચક તરીકે અમિશ મને હંમેશા આકર્ષે છે. પણ એથી વધુ આકર્ષે છે મિથને તેની આગવી દૃષ્ટિથી જોવાની તેની રીત અને પુરાણના સત્યોને આજના તથ્યમાં ઢાળી દેવાની તેની રીતને કારણે.
મેલુહા, નાગવંશ અને વાયુપુત્ર આ ત્રણમાંથી પસાર થયો પછી મેં તેમનો ઈન્ટર્વ્યુ કરેલો. એ વાતચિત વખતે તેમણે પ્રશ્નોના જવાબ આપી દીધા પછી મેં કહ્યું કે ઈન્ટર્વ્યું તો પૂરો થયો છે, પણ થોડીવાર આપની સાથે એક વાચક તરીકે વાત કરવા ઈચ્છું છું… અને અમે લગભર 35-40 મિનિટ વાત કરી, અરે! વચ્ચે ફોન કટ થઈ ગયો તો તેમણે મને સામેથી કોલ કર્યો અને અમારી વાતનો સિલસિલો શરુ રહ્યો હતો. તેને મારી અમુક વાત જે મેં મારી રીતે પુસ્તકોમાંથી તારવી હતી તે ગમી. ત્યારે જ તેમણે રામાયણ પર આજના એક ખાસ તથ્ય પર પ્રકાશ પાડવા આગળની શ્રેણી કરી રહ્યા છે તેવું કહેલું.
આ બધી વાત એટલા માટે કરી, કારણ કે અમિશ એટલે 70-80 હજાર રુપિયાની બેંકમેનેજરની પગારદાર નોકરી છોડીને માત્ર લખવા માટે નવરો થયો એ પ્રશ્નનો જવાબ પણ તેમણે આપેલો કે તેને દર વર્ષે પગાર મળતો તેના કરતા ચેકના રુપિયા વધારે મળે છે એટલે છોડી દીધી નોકરી. આવી ધનવર્ષા થાય છે તેના પર. એવો માણસ કે જેની બુક દેશદેશાવર જાય છે, તેણે એટલી સહજતાથી મારી સાથે સંબંધ કેળવ્યો કે જાણે હું મારી જ ભાષાના કોઈ લેખક સાથે વાત કરી રહ્યો છું. અને મારી ભાષાના લેખકો? જેની ભૂલભૂલમાં એક-બે બુક ખૂબ આવકાર પ્રાપ્ત કરી હોય તો હવામાં ઉડવા લાગે. અરે આપણે અહીં તો કેટલાક કોલમ લેખકો પણ હવામાં ઊડે… ફોન કરીએ એમ કહેવા કે ભઈ, આપનો આ લેખ ખૂબ ગમ્યો… સામે જવાબ આવે… અત્યારે ખૂબ કામમાં છું આપણે નિરાંતે વાત કરીએ… છટ્ કહેવાનું મન થાય તું કઈ વાડીનો મૂળો…. આજે પણ અમિષ મેસેજ પર મળે છે એટલી જ સહજતાથી ત્યારે આનંદ થાય છે. આ ગુણ પણ શીખવા જેવો. બે કાવ્યો કે વાર્તાઓ શું છપાઈ જાય કે રોકેટ બનીને આકાશને આંબવા દોડે જાય ત્યારે દલપતરામનું મિથ્યાભિમાન યાદ આવે.!!!!
ચલો છોડો… જાને ભી દો યારો… વાત કરવી છે બૂકની…. પણ લેખક પણ કેન્દ્ર સ્થાને જ છે. કારણ કે પુસ્તક એ લેખકનું માનસ સંતાન હોય છે.
ઈક્ષ્વાકુના વંશજ
વાત રામાયણની જ છે તે સર્વવિદિત અને સ્પષ્ટ થઈ જાય છે. આપણને એમ કે કોઈ ખજાનો ખુલશે પણ એવું કશું થતું નથી. જેવી રીતે શિવાટ્રાયોલોજીમાં એક ટ્વિસ્ટ હતું તે અહીં નથી.
શા માટે?
કારણ કે, રામાયણ એ સર્વવિદિત કથા છે. શિવની કથા તો વર્ષોથી એક રહસ્ય રહ્યું છે. જ્યારે રામાયણ એ હર હિન્દુસ્તાનવાસી જાણે છે.
તો શા માટે લખ્યું?
તેનો જવાબ બુકમાંથી જ મળે છે. જો ધ્યાન જાય તો અમિશે એક બહુ મોટું કામ કર્યું છે જે મારા વિચારમાં હતું જ્યારે હું સન 11-12માં પુરાણો-વેદો-ઉપનિષદોમાંથી પસાર થતો હતો ત્યારે મને થયું કે આજે જેને આપણે જુની ફિલોસોફી ગણીએ છીએ તે આજે એટલી જ પ્રસ્તુત અને માર્ગ સુઝાડનારી છે પણ એ કોરી ફિલોસોફી છે એટલે તેના તરફ લોકો બેધ્યાન છે, તેને કોઈ રસાળ વાર્તા સાથે માંડો તો કંઈક નવું ચોક્કસ થાય એમ છે. અને શિવાટ્રાયોલોજી હોય કે રામચંદ્રશ્રેણી એમાં એ જ દેખાય છે. અમિશને ખરેખર તો કરવી છે લાઈફસ્ટાઈલ, મેનેજમેન્ટ અને લિડરશિપની વાતો… પણ કોરી નહીં રસાળ વાર્તા સાથે… !! એવી વાર્તા કે જે અનેકો વર્ષોથી ભારત સાંભળતું આવે છે.
પણ વચ્ચે તેમણે બે વાત મહત્વની છદ્મસંદેશ રૂપે મૂકી છે તે છે નક્સલવાદ અને આતંકવાદ સામે કેવી રીતે વ્યવહાર કરી શકાય તેની સૂઝ અને સૂચન ભરી વાર્તાના ટર્નિંગ પોઈંન્ટ્સ.
ઈક્ષ્વાકુવંશજ સીતાના હરણથી શરુ થતી કથા ફ્લેશબેકમાં ચાલીને સીતાહરણ સુધી પહોંચે છે… આગળનું ક્રમિક પુસ્તકોમાં આવશે… પણ બ્રાઝિલિયન લેખક પોલો કોએલોની જેમ કેટલા અવતરણો આપણું દિલ જીતી લે છે. વાર્તામાં આ અવતરણો અમિશ એવી રીતે મૂકે છે કે તે આપણને કોરી ફિલોસોફી રુપે ખૂંચતા નથી.
અહીં ગુરુકૂળના પ્રસંગોએ અમિશ શિક્ષણ પદ્ધતિની આપણી પૌરાણિક અને પોતાની માન્યતાઓને શબ્દોમાં ઢાળે છે. તાડકાના પ્રસંગમાં નક્સલવાદ વિશે પ્રકાશ પાડે છે. રામ-સિતાના લગ્ન વખતે લગ્ન અને પ્રેમ વિશે વાતો કરે છે. મંથરાની પુત્રી અને રામની ધર્મની બહેન રોશનીના સામુહિક બળાત્કારના પ્રસંગના આલેખનમાં પ્રશાસને આજે કેવા ફેરફાર કરવા જોઈએ તેનો વ્યૂ રજૂ કર્યો છે. રાજ્ય વ્યવસ્થા વિશે, લિડરશીપ વિશે ઘણાં મૂલ્યવાન સત્યો આપણા શાસ્ત્રોમાંથી પકડીને પોતાના શબ્દોથી સાફસૂફ કરીને ફરીથી આપણી સામે મૂક્યા છે.
અમિશ ખરેખર ભાગ્યશાળી છે કે આપણા ધર્મશાસ્ત્રોએ પોતાની વાત નવા યુગમાં વહેવડાવવા માટે એમને પસંદ કર્યો છે અને માત્ર આટલા જ કારણથી અમિશના પુસ્તકો મને આકર્ષે છે.
છેલ્લે કેટલાક ક્વોટ્સ મૂકીને પૂર્ણ કરું…
– અમારે જીવન જીવવાના નવા માર્ગની જરૂર છે, પ્રભુ પરશુરામ. દેશભક્તોના લોહી અને પરસેવાથી મારા દેશના પુનરુદ્ધારની જરૂર છે. મારે ક્રાંતિવીરોની જરુર છે, અને ઘણીવાર તો ઈતિહાસ પોતાનો અંતિમ ચૂકાદો આપે એ પહેલાં જ, દેશભક્તોએ જેમની સેવા કરી હોય છે એ સામાન્ય જનતા જ દેશભક્તોને દેશદ્રોહી કહી દેવામાં આવતા હોય છે.
– આ ધરતીનું મૂલ્ય મારે મન મારા જીવ કરતાં પણ વધારે છે. હું મારા દેશને ખૂબજ પ્રેમ કરું છું. હું મારા ભારતને ખૂબ જ પ્રેમ કરું છું. હું પ્રતિજ્ઞા લઉં છું કે મારે જે પણ કરવું પડશે એ હું અવશ્ય કરીશ. મને હિંમત આપો, મારો પ્રભુ. – સ્વાતંત્ર્યથી જીવો અથવા મૃત્યુને વરો. – સત્ય છુપાવવું અને અસત્ય ઉચ્ચારવું એ બે અલગ બાબતો છે. – આ ધરતી અમારામાંથી કોઈની કઈ રીતે હોઈ શકે? અમે જ આ ધરતીના છીએ.
– ઘણીવાર સારા માણસો પણ ખરાબ આગેવાનો પુરવાર થતા હોય છે. અને એ જ તર્કને આગળ વધારતા એમ પણ કહી શકાય કે ઘણી વાર જેના ચરિત્ર પર આંગળી ઉઠાવવામાં આવી હોય, એવા લોકોમાં પણ રાષ્ટ્રની આગેવાનીના આવશ્યક ગુણો હોય છે.
– જન્મથી જ બળવાખોર હોય તેની નીડરતા પર વિશ્વાસ કરો. (વશિષ્ઠના મુખે બોલાવાયેલા આ વાક્યએ મારા તોફાની વિદ્યાર્થીઓ પ્રત્યેની મારી દૃષ્ટિ બદલી છે અને મારી માન્યતાને વધારે પોષી છે.)
– આપણે બધા મહાનતાને વરીશકીએ એમ છીએ, જો આપણને કશાની જરૂર હોય તો તે છે પ્રેરક આગેવાનીની.
– જો ગમે તે થાય તેમ છતાં નિષ્ઠાપૂર્વક નિયમો પાળવામાં આવે, તો સમય જતાં એક વધારે સારા સમાજનું નિર્માણ થાય જ.
– આપણે લોકો પૃથ્વીના સૌથી દંભી લોકો છીએ. આપણે અન્ય લોકો દ્વારા થતા ભ્રષ્ટાચારને વખોડીએ છીએ, પરંતુ આપણી પોતાની અપ્રામાણિકતા પ્રત્યે અંધની જેમ વર્તીએ છીએ. ખોટું કરતા અને અપરાધ કરતા લોકોને આપણે ઘૃણા કરીએ છીએ પરંતુ આપણા પોતાના નાનાં અને મોટાં તમામ દુષ્કૃત્યોની આપણે તદ્દન અવગણના કરીએ છીએ. આપણી ખરા સ્થિતિ માટે આપણે ઝનૂનથી રાવણને ભાંડીએ છીએ પરંતુ એ વાતનો સ્વીકાર નથી કરી શકતા કે અત્યારે આપણે જે સ્થિતિમાં છીએ તેનું નિર્માણ તો આપણે પોતે જ કર્યું છે.
– જીવન જીવવાનો આદર્શ માર્ગ એ છે, કે દરેક વ્યક્તિ સ્વસ્થ, સંપત્તિવાન અને આનંદમાં હોય તેમજ પોતાના જીવનના લક્ષ્યને અનુરૂપ કાર્ય કરતો હોય.
– લોકોને પોતાનો જીવનનો માર્ગ બનાવવાનું સ્વાતંત્ર્ય આપો. તેઓ જા તે યોગ્ય માર્ગ બનાવી લેશે. (આ માટે જ અમે અમારો Be…Nachiketa કાર્યક્રમ કરીએ છીએ.)
– પ્રશાસન જો એટલું બધું પ્રભાવી બની જાય કે તેના આધારે નબળાની સંખ્યા વધવા માંડે અને સબળાને દબાઈને રહેવું પડે, તો લાંબા ગાળે એ સમાજનું જ પતન થઈ જશે.
– જન્મ તદ્દન બિનમહત્વની વાત છે. જન્મ એટલે કર્મભૂમિમાં તમારા પ્રવેશની ઘટના. સૌથી મહત્વની વાત છે કર્મ.
– માત્ર નેતૃત્વ પૂરી પાડે તેને જ આગેવાની ન કહાય, તે આદર્શ પણ હોવો જોઈએ. તેણે પોતાના પ્રચાર મુજબ આચરણ પણ રાખવું જ પડે.
– આગેવાન એટલે માત્ર એ વ્યક્તિ નહી કે જે લોકોને તેમની ઈચ્છા મુજબ જીવન આપે. લોકોએ કલ્પ્યું હોય, તેનાથી પણ વધારે સારા બનવાનું શીખવે, તેને આગેવાન કહેવાય.
– લોકોની પણ મર્યાદાઓ હોય છે. તેમની જે ક્ષમતા હોય, તેનાથી વધારે અપેક્ષા આગેવાને રાખવી જોઈએ નહીં. જો લોકો પાસે તમે તેની ક્ષમતાથી વધારે માંગશો તો તે તૂટી જશે.
– રામ એવી આશા રાખતા કે લોકો તેમની મર્યાદાઓમાંથી બહાર આવી પોતાની ક્ષિતિજો વિસ્તારે કારણ કે આદર્શ સમાજનું નિર્માણ તો જ શક્ય બને તેમ છે. (ફરી એક વાર Be..Nachiketa પ્રકલ્પની વિચારધારાને આધાર મળે છે.)
– સમાજ તો જ પરિપૂર્ણ બને કે જો દરેક વ્યક્તિને પોતાની પસંદગીનું કામ કરવા મળે.
– આપણે જન્મ આધારિત વર્ણ વ્યવસ્થાનો નાશ કરવા માટે ક્રુર પણ બનવું પડેય તેના કારણે આપણો ધર્મ અને આપનો દેશ નબળો પડ્યો છે. ભારતની ભલાઈ માટે તેમનો નાશ થવો જ જોઈએ. જો આજની વર્ણ વ્યવસ્થાનો આપણે નાશ નહિ કરીએ, તો વિદેશી લોકો આપણી પર આમ જ આક્રમણ કરતા રહેશે. આપણા વિભાજનનો ઉપયોગ કરીને તેઓ આપણી પર વિજય મેળવતા રહેશે.
– બાળકમાં જન્મથી જ કૌશલ્યો રહેલાં છે, તે કૌશલ્યોને વધારે ધારદાર બનાવી આપે. પંદર વર્ષની ઉમરે તેમનું શારીરિક માનસિક અને મનોવૈજ્ઞાનિક પરીક્ષણ થાય. વધારાની તાલીમ દ્વારા તેની જન્મજાત પ્રતિભાને નિખારવામાં આવે. (શિક્ષણ વિશે રામના વિચારો.)
– જ્યારથી માનવજાતે વસ્ત્રો ધારણ કરવાં શરુ કર્યાં, આહાર રાંધવો શરુ કર્યો અને અંતઃસ્ફૂરિત ઈચ્છાઓ દબાવીને સાંસ્કૃતિક રૂઢિઓને માનવા લાગ્યો ત્યારથી તે પ્રાકૃતિક માર્ગથી ઘણો જ દૂર પહોંચી ગયો છે. – નિયમો શક્ય તેટલા ઓછા હોવા જોઈએ, માત્ર એટલા જ કે જેના માળખામાં રહીને માનવજાતની સૃજનાત્મકતા શ્રેષ્ઠ રીતે અભિવ્યક્ત થઈ શકે. સ્વાતંત્ર્ય એ જ જીવન જીવવાનો પ્રાકૃતિક માર્ગ છે.
ઓકે…. બાય… ચલો ત્યારે મળીએ કોઈ બીજા પુસ્તક અને બીજી વાતો સાથે… ત્યાં સુધી જોડાયેલા રહો મારા આ નાનકડા પ્રયત્ન રૂપ બ્લોગ સાથે. આપના પ્રતિભાવો અને સૂચનો આવકાર્ય છે.