મગજ ચોળતા થઈ જાઈએ એવા પુસ્તકસંપુટ સાથે હરુભરુ’
આમ તો રોજ રાતે ધ હિન્દુ, ટાઈમ્સ ઓફ ઈન્ડિયા, ન્યૂયોર્ક ટાઈમ્સ, ફર્સ્ટ પોસ્ટ, ઈન્ટિયન એક્સપ્રેસ અને અકિલાની વેબ પર આટો મારી લઉં છું દિવસભરના સમાચાર માટે... આમ તો ફેસબુક અને વોટ્સએપ બધું જણાવી જ દે છે છતાં..... તે બધું મળીને ખબર પડે છે કે સિરિયામાં યુદ્ધ શરુ છે, પેરિસ પર આતંકી હુમલો અને તેના વળતા જવાબમાં દે ધનાધન થઈ રહ્યું છે... તુર્કીને અચાનક જ રશિયાના જેટ સાથે વાંધો પડે છે. ભારતના માનનીય પ્રધાન મંત્રી બધી જગ્યાએ ફરી રહ્યા છે.... પાટીદારો થાળી વેલણને ઉગામે છે... પક્ષ-વિપક્ષ એનું કામ કરે છે. બપોરે બારી બહારથી અચાનક જ પ્રચારની રીક્ષાઓના કાન ફાડી નાખતા અવાજો આવે છે... ડુંગળી, બટેટા, ટમેટા, પેટ્રોલ, ડિઝલ આ બધા જીવિત થઈને જાણે સ્પર્ધામાં ઉતર્યા હોય એવું લાગે છે...! કોઈ અસહિષ્ણુતા જેવો અઘરો શબ્દ લોકભોગ્ય બનાવે છે, કોઈ સહિષ્ણુતા માટે મારી કે મરીફીટવા તૈયાર થાય છે... કોઈને એમ લાગે છે કે હવે વિશ્વ ત્રીજા વિશ્વયુદ્ધની નજીક પહોંચી ગયું છે. બજારમાં જાઓ તો કોઈ લગ્નમાં ડીજે પર બિંદાસ્ત નાચી રહ્યું છે. એમ્યુલન્સના સાયરન દવાખાને પહોંચવા રસ્તાઓ કરે છે. કોઈ બાચકા ઊંચકે છે... કોઈ કંઈક ‘બોધરેસન’ના કારણે ગાળાગાળી કરે છે..... આ બધું તો જાણે એક પ્રવાહ હોય એમ લાગે છે.... પણ..... પણ,... પણ... આજે હું તમને જે વાત કરવા જઈ રહ્યો છું તે વાત કરતા મને એમ લાગે છે કે આ બધા વચ્ચે જાણે ટેન્ક પર માથુઢાળીને સૂવાને બદલે વાંચ્યું હોય અને તમને જણાવતો હોય એવું મને લાગે છે... આઠ બુક્સ આપણને આંખો ચોળતા જ નહીં પણ જે સાહિત્ય, સમાજ અને શિક્ષણ સાથે નિસ્બત ધરાવે છે; મને કમને પણ તે મગજ ચોળતા થઈ જાય છે. એ સમયના તે મૂલ્યનિષ્ઠ લોકોના વિચારો-ચિંતન જાણીને એમ થાય કે ઓહ...આ લોકો પોતાનું અંગત જીવન ક્યારે જીવ્યા હશે?! ત્યારે ભાવનગર સાઈડથી એક મંદપવનની લહેરખી આવે છે અને ધીમે રહીને તમારા કાનમાં કહી જાય છે કે આ બધા ‘સંસારી સાધુ’ઓ હતા. પ્રજાલક્ષી, નિડર અને નિષ્પક્ષ સામાયિક કોને કહેવાય તે મિલાપ પાસેથી શીખવું રહ્યું. 1950 થી 1957ના આઠ વર્ષના ચયનની પુસ્તિકાઓ હું ભાવનગર ગયેલો ત્યારે લોકમિલાપ માંથી જ લાવેલો. દેશપ્રેમ અને દેશદાઝ કોને કહેવાય તે પણ મહેન્દ્રભાઈના ચયનમાંથી ખબર પડે. કોઈ પણ કાર્ય કાળજયી બની શકે બસ આપણું પેશન તેની સાથે જોડાયેલું હોવું જોઈએ. એ સમયે મિલાપ માટે પસંદ કરેલી કૃતિઓમાંથી કેટલીક કૃતિઓનો ભાવાર્થ તો આજે અને આજના સમય માટે પણ હજુ જુની નથી થઈ એવું લાગે. બધું તો અહીં ઉતારી શકું એમ પણ નથી અને દરેકની વાત કરું તેવી આ સ્પેસ પણ નથી. પણ રસિક અને ભાવકજનની પાસે એ પુસ્તિકાઓ શોધતી શોધતી પહોંચી જશે તેવો વિશ્વાસ મને છે. આ પુસ્તક સંપુટ, જેની અંદરથી એક બહુ નાજુક વાત જાણવા મળે છે. (હું તમને જરા પણ લાંબું વાંચવા મજબુર નહીં કરું બસ હવે ત્રણ નાના ફકરામાં મારી વાત પૂરી....) વાત છે મિલાપ સામયિક જે હવે મહેન્દ્ર મેઘાણી સાહેબે તેમાંથી ચૂંટેલા લેખોનો સંપુટ બનાવ્યો છે....તેની. મેં તે વાંચ્યો. મહેન્દ્રભાઈ એમાં જે લાવી શક્યા છે તેના ઋણમાંથી ક્યારેય મૂક્ત ન થવાય એવું હું કહેવા નથી માંગતો.., કારણ કે આપણને આ સંપુટ આપીને તેમાં જ તેમણે ઉત્તરો આપ્યા છે કે તેમનું ઋણ, ગુજરાતી ભાષાનું અને આ સમાજનું ઋણ કઈ રીતે અદા કરી શકાય. મહેન્દ્રભાઈની સાહિત્ય, શિક્ષણ અને સમાજ પ્રત્યેની જે સિદ્દત છે તે તેમાં જોવા મળે છે. તેમની ચોક્કસાઈ અને બડાફી વગરની જે શુદ્ધતા છે એ આપણને મહેન્દ્રભાઈના ચરણોમાં શીશ ઝૂકાવવા મજબૂર કરે. અમે બાળકો માટે કંઈક કરી શકવા કમરકસીએ અને જો પરિણામ ન મળે તો હતાશ થઈએ, વળી પાછા મંડી પડીએ..., આ બધા વચ્ચે કેટકેટલા વિચારો, હિતેચ્છુઓ અને હિતશત્રુઓ સાથેનું બેલેન્સ, સહકાર અને અસહકારની વ્યથાઓ મળે ત્યારે લાગે છોડી દઈએ.... પણ જ્યારે મિલાપમાં નાનાભાઈ ભટ્ટ, ગીજુભાઈ, દર્શક અને પ્ર.ત્રિવેદી આ બધાની જે શિક્ષણ પ્રત્યેની ખેવનાઓ અને તેમના પર પડનારી મુશ્કેલીઓનો ચિતાર, તેઓના જ શબ્દોમાં મેં જ્યારે મિલાપમાં વાંચ્યો ત્યારે થયું કે હજુ અમારી તો શરુઆત છે. મેં જે વિચારી રાખેલા અસહકાર અને તીરસ્કારો હતા એવા જ અનુભવો એમને સમાજ સામેથી મળેલા. અમે પણ એવી તૈયારી સાથે જ આગળ વધતા હોઈએ છીએ, ત્યારે આ વાંચીને થયું કે અમને જ નહીં પણ આજે જેને શિક્ષણ જગતમાં મોટા માથા કહીએ છીએ તેમને તો અમારાથી પણ વધારે સંઘર્ષ રહ્યો છે. મહેન્દ્રભાઈ એક સંસ્થાથી પણ મોટું કાર્ય કર્યું. તેના કાર્યનો પડઘો પણ તેમના જીવનમાંથી પડે છે અને આવા બહુ ઓછા માણસો હોય છે. ભાવનગર પર મને આવા જ કેટલાક વ્યક્તિઓને કારણે ઈર્ષા આવે છે અને હું આકાશમાં તાકીને કહું છું કે શા માટે મને 200 કિ.મી. છેટ્ટો રાખ્યો?! (જો કે આકાશમાંથી મને આકાશવાણી સંભળાય છે કે તને છેટ્ટો ન રાખ્યો હોત તો એ બીચારાઓને તું જીવવા ન દેત....હાહાહાહા) અને આખરે..... આઠેઆઠ પુસ્તિકાઓ પૂરી કરીને હું જ્યારે પથારીમાં સૂતો સૂતો જ વિચારતો હતો ત્યારે એક પ્રશ્ન થયો જે મારે કોઈ લાયક વ્યક્તિને ક્યારેક પૂછવો છે... જો આ લોકોએ પોતાના જીવનની ક્ષણેક્ષણ સમાજને અને શિક્ષણને સંવારવા માટે આપી દીધી હતી તો પણ હજી આટલી બદીઓ... આટલો કચવાટથી સમાજ હજુ કેમ ખદબદે છે....? ક્યાં શું થયું...? ક્યાં ખૂટ્યું? એક અબુધ બાળકની જેમ મને આ બધા પ્રશ્ન થાય છે.... ક્યારેક કોઈ નલિન સાહેબ કે અજય સાહેબ જેવા આવે છે જીવનમાં અને થોડો સમય મને એનો જવાબ મળે છે પણ ફરી પાછો એનો એજ નિરુત્તર પ્રદેશે નિરુદ્દેશે મગજ શુન્ન થઈ જાય છે, ડર લાગે છે કે આગળ જે પેરેગ્રાફ લખ્યો છે એવા કોઈ પ્રવાહમાં તો હું ભળી નથી જતોને.... ??!!