લો… થોડાં સંદર્ભો સાથે પણ વાત કરું…

 

લો... થોડાં સંદર્ભો સાથે પણ વાત કરું...

થોડા સમય પહેલા મેં ફેસબુક પર લખેલું કે ગુજરાતી સાહિત્યમાં કંઈક નવું લાવો. એક જ પ્રકારની અને એક જ નિરુપણરીતિની કથાઓ હવે બહુ થઈ ગઈ. 

ત્યારે મારા સહૃદયો શ્રી રાજેન્દ્ર જોશી અને મહેશ મકવાણા બન્ને ગીન્નાયેલા મારા પર કે સંદર્ભ વગર વાત ન કર. એનો ગુસ્સો વાજબી હતો. પણ ફેસબુક તો જસ્ટ તમારા વિચારો માટે હોય છે પણ જ્યારે તેમાંથી માંગ ઉઠી જ છે અને ઘણાં વખતથી કંઈક સૂચવવા ઈચ્છતો હતો ત્યારે એ કહેવું મને વધુ સારું લાગશે. 

છેલ્લા બક્ષી, ખત્રી, સુરેશ જોશી... ગયાં પછી કોઈ પર છાપો નથી લગાડી શક્યા કે આ આની જ વાર્તા હોઈ શકે. સ્વતંત્ર શૈલીગત વાર્તા લેખક ગુજરાતી સાહિત્યને મળ્યો નથી. જેની વાર્તા વાંચતા જ ખ્યાલ આવે કે આ વાર્તા આની જ હોઈ.

કવિતાઓમાં એવા ઘણાં આવ્યા કે જેમાં પોતાની નીજીબાનીનું પોત હોય જેમ કે રાજેન્દ્ર શાહની કવિતાનો લય અલગ હોય તો રમેશ પારેખ અલગ જ પડે કે રાજેન્દ્ર શુક્લ કે મનોજ ખંડેરીયા વાંચીએ ત્યાં ઓળખી જવાઈ એના શબ્દોના મીજાજ વડે તો વળી કાવ્યની નવી પેઢીમાં કૃષ્ણ દવે કે મુકેશ જોશીની એક અલગ જ છાપ છે. કે અનિલ ચાવડા કે ઉદ્દયન ઠક્કર.

નોંધ. – અહીં હું મારી વાતના કેન્દ્રવર્તી વિચારને સ્પષ્ટ કરું છું. મારે કોઈ વાર્તાકાર સાથે વ્યક્તિગત  મતભેદ ન હોય અને એક વાર્તા લેખક તરીકે મેં એ સૌને ધ્યાનથી અને આદરથી વાંચ્યા છે. પણ મને જે લાગ્યું તે અહીં સંદર્ભ સાથે સ્પષ્ટ કરવાનો નજીવો પ્રયત્ન કર્યો છે. આથી કોઈ વાર્તાકારનું નામ ન લેતા જરૂર જણાય ત્યાં વાર્તાના અંશો દ્વારા હું વાતનો નિર્દેશ આપીશ. 

ગુજરાતી વાર્તાઓમાં આવું ન બન્યું. તેની પાછળ ઉપરના ત્રણ વાર્તાકારો જ જવાબદાર છે. એ લોકોનો એટલો પ્રભાવ હતો કે વાર્તાના ત્યાર પછી મુખ્ય ત્રણ ફાંટા જોવા મળે છે એક બક્ષીનુમા વાર્તા કારો. જેમાં ઘટનાની પ્રચુરતા અને ઘટનાને પ્રાધાન્ય આપતા હોય તેવા લેખકો જનમ્યા. પણ કમનસીબે નવી પદ્ધતિ ન મળતા અને બક્ષી જેવી સહજતા પણ ન મળતા બન્ને બાજુના ન રહેતા વાર્તાકારોએ મિડિયોકર અને પલ્પ લિટરેચરને જન્મ આપ્યો. એ વાર્તાકારો બક્ષીની જેમ છાપામાં લખવા ગયાં પણ વાંચન અને સુદૂરદૃષ્ટિ ન હોવાથી છાપાળવા થઈ ગયા.

એવું જ બીજા કિનારે થયું સુરેશ જોશીનું સુદૂરદૃષ્ટિના જ્ઞાતા હોવાથી સુ.જો.નું વાર્તાવિશ્વ સહજતાનો સુંવાળો વિનિયોગ જોવા મળે છે. વાર્તાની પ્રથમ શરત છે લેખનબાની અને નિરુપણરીતિની સહજતા. દુર્બોધતા કે જેને વિવેચક્સો હ્રાસ કે વ્યંજનાવિભાવના કહેતા એમાં પણ સહજતા હતી સુ.જોની. એની પાસે એક નર્યો વાર્તા પ્રવાહ હતો. તેને જે કહેવું હતું તે ઘટનાથી વેગળા થઈને નહીં પણ ઘટનાનેએ પ્રેયસીની જેમ પોતાના હાથમાં રાખીને નદીકિનારે ફરતા ત્યારે આપણને સુ.જો.ની વાર્તામાં એની સાથે રહેલી ઘટના પણ દેખાતી પણ વધુ તો નદીનું સૌંદર્ય દેખાતું જે એમની શૈલીમાં હતું. હવે તેમના અનુગામી વાર્તાકારોમાં ઘણાંઘણાંએ પ્રયત્ન કર્યો એમ ચાલવાનો પણ ઘુંટણીયે પડી ગયાં. ઘટના 21મી સદીની પ્રેયસી બની જઈને એની હાથવગી ન રહી અને નદીના પ્રવાહ પર તો બંધ બંધાઈ ગયો. એટલે એ લોકો ન તો વાર્તામાં સહજતાનો પ્રવાહ લાવી શક્યા ન શૈલીની ભિન્નતા. 

એ પછી જયંત ખત્રી. ખત્રીએ બક્ષીની જેમ ઘટનાના ઘાટે પણ નાવ ન લાંગરી અને નર્યા પ્રવાહમાં પણ ન તણાંઈ ગયા. એમણે તો રચ્યો એક નવો વિનિયોગ જે એના શબ્દોની તાકાત હતી તેના વિષયોની તાકાત હતી. સાચું તો વાર્તામાં આ હતું તે આધુનિક યુગમાં ખત્રીએ મૌન રહીને બતાવ્યું. બક્ષી અને સુ.જો. ખુબ ખેંચાયા પણ એના અનુગામીઓના વાડાઓ થઈ ગયાં અને લીમિટેડ પાક ઉતર્યો જ્યારે ખત્રી મૂળે કચ્છના અને તેથી કચ્છને તો જમીન જોઈ જાણીને વાવવી  પડે અને તેણે વાવી. ખત્રીની વાર્તાઓ છેલ્લી ખરાઅર્તની ગુજરાતી વાર્તાઓ કહું. હરેશ નાગ્રેચાને કંઈક અંશે એમાં સામેલ કરી શકાય. ખત્રીની વાર્તાઓમાં વિષયનું વૈવિધ્ય અને શબ્દ અને વાક્યોની મરામ્મત એ એની વાર્તાને લીલીછમ્મ કરી છે. 

વાર્તા આખરે તો મારે કશું નવું કહેવું છે એટલે વાર્તા માંડું છું. તો પછી પેમલાપેમલીના આલાપો ‘એ હતો... એ આમ કરતો ...મને થયું એ આમ વિચારશે તો અને તેણે આમ કર્યું’ એવો ખોખલો મનોવ્યાપાર વાર્તામાં લાવીને ગુજરાતી વાર્તાને લોકશાહી ઢબે સમરસ કરી નાખી છે. 
એક સરખા પાત્ર અને એક સરખી બયાંનબાજી લાગે એવા કેટલાંક લેટેસ્ટ ઉદાહરણો સાથે કેટલાંક જુનાં ઉદાહરણો પણ.

।। કદી ન અનુભવ્યો હોય એવો થનગનાટ તમે તમારા પગમાં જ નહિ, સમગ્ર દેહમાં અનુભવશો. અજબ ચેતનાના અદૃશ્ય ઝાંઝર તમારા પગે ચૂપકીદીથૂ કી પહેરાવી ગયું હોય એવો થનગનાટ. ।। આવા મનો વ્યાપારો જ આવ્યા કરે. 
।।।।।।।।।।।।।।।।।।।।।।
।। એકદમ એને ભાન થયું. આ જંતરના મામલામાં પોતે લેવાદેવા વગર સંડોવાયો હતો, કારમ વગર જફા વહોરી લીધી હતી. એને હવે ખરેખર હાંફ ચડી. શોષ પડવા લાગ્યો. ।। આવા ‘ એને ‘ આપણી પર હાવી થઈ જાય. ।।
।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।
।। જમના ખાટલા પર ચત્તીપાટ સુતેલી ખિન્ને મને સફેદ ભીંત તરફ તાકી રહી હતી. એને અસુખ હતું. એણે ઘરનું ધ્યાન ખંતથી રાખેલું. જમનાદાસ અને પોતે બે  જણ ઘરમાં હોવાથી ।। 
।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।

।। ઝાંપે આવીને જોઉં છું. ખડકીએ બેસી ઈસુકાકી લસણ ફોલે છે. સામેના ખાંચાની કાણી નાકા પાસે ઉભી છે. હું ઝાંપેથી પાછી ફરું છું. ...... ।। જેવાં લાંબાં વર્ણનો.
।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।
।। આ વ્રાત છે બે, સત્તાવીશ અને એકત્રીશની, અને એક વાંસળીવાળાની. પણ એમની વાર્તા કહેતાં પહેલાં મને એમ થાય છે કે..... ।। લંબપ્રલંબિત છંદમાં પ્રવાહ ચાલે એને આ લોકો ‘વાર્તા’ કહે છે. 
।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।
।। ઓટલા પર એકલો બેઠેલો વેલજી આ ગીત સાંભળી જરા ટટ્ટાર થયો. કૃષ્ણ અને ગોપીની છેડછાડ વર્ણવતું ગીત વેલજીના ચિત્તમાં ચકરડી લેવા માંડ્યું....।। અને પછી વાર્તામાં વેલજી સાઈડ પર અને નીરુપણરીતિને બાને લેખક હાવી થઈ જાય...
।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।
।। પેશાબ લાગતાં એ જાગી ગયો. પછી એણે ટેબલ લેમ્પનું અજવાળું કર્યું. ઘડિયાળમાં ત્રણ વાગ્યા હતા. આંખો મસળતો એ ઊભો થયો. બાથરૂમમાં ગયો. કમોડ સામે ઊભો રહ્યો..... ।। સો વ્હોટ યાર.... આ વાર્તાની ગતિને મારી નાખતી પાત્રની કઢંગીયત... નવી પેઢી સ્માર્ટફોનની છે અને ત્યાં તમે ધીમેઢાળે ચલાવો તો ક્યારેય નવી પેઢીને ગુજરાતી વાંચતાં નહીં કરી શકો.
।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।
।। સડક પરથી પસાર થાવ ત્યારે તળાવ કિનારે જૂના જમાનામાં બંધાયેલા ગરગડીવાળા કૂવા પર પાણી ભરતી પનિહારીઓ નજરે પડે. થોડે દૂરનો ગરમાળો  પીળાં ફૂલ ખોબામાં લઈ તમને આવકારે.... ।। નિબંધ લખો છો કે વાર્તા? વર્ણન એટલું કે કહાનીમાં ક્ષેપક લાગે.
।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।
।। એ પછી મને વડોદરામાં શિક્ષકની નોકરી મળી. હું કામમાં વ્યસ્ત થઈ ગયો. પરિણામે બોર્હેસને મળવા જવાનું શક્ય બન્યું નહિ. પણ હું અવારનવાર એમને પત્ર લખતો હતો... ।। અરે ભાઈ, બોર્હેસ વિશે લખવું હોય તો વાર્તા નહીં વિવેચન લખોને.... વાર્તા કો વાર્તા રહેને દો ઔર કોઈ નામ ન દો.
।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।
।। હમણાં હમણઆં સાંજ પડે એને થાક લાગતો હતો. એકાદ વાર ફેમિલી ડોક્ટરને બતાવી જરૂરી બ્લડટેસ્ટ કરાવી લીધેલા. બધું નોર્મલ હતું પણ ઊંડ ઊંડે ચેન પડતું ન હતું. ।। વાર્તાકારે શા માટે કહેવું પડે બધું?
।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।
।। અમારું અંતરિયાળ ગામ. નીચાં છાપરાંનાં ઘરોમાં વધુ તો મજૂરીયા વસ્તીનો વાસ. થોડાં ડેલાબંધ મકાનોય ખરાં. લાંબી લાંબી પરસાળો....।। ચાલ્યા જ કરે આમ બધું...
।।।।।।।।।।।।।।।।।।।।।।।।।
 આ સંદર્ભો તો મારી પાસે અવેલેબલ છેલ્લા ચાર દાયકાના વાર્તાકારોના સંગ્રહોના સંપાદનોમાંથી લીધા છે. આ સંપાદન પણ વિદ્વાન વ્યક્તિઓએ કરેલું છે અને એમાંથી પ્રતિષ્ઠિત લેખકોની વાર્તાઓમાંથી જ ઉદાહરણો મૂક્યા છે, તો પછી હજું એક એક તપાસવા બેસીએ તો ડિ.લિટ્નો થિસિસ પણ  ટૂંકો પડે..,  આવું તો કંઈ કેટલું.  વાર્તાએ વાર્તાએ વાત સરખી લાગે. એક જેવાં વર્ણનો અને એક જેવાં પાત્રો. એક જેવો મનોવ્યાપાર. એક જેવી જ પાત્ર વર્ણી. ઉબી જશે વાંચકો પણ. ત્યારે.... શૈલીની શોધ બહુ થઈ ગઈ. શબ્દરમત અને વિવિધ પ્રતિક્રિયા રૂપના રૂપકોના આવિષ્કારો પણ બહુ થઈ ગયાં. આધુનિક – અનુઆધુનિક, ઘટના અને ઘટના હ્રાસ જેવું ઘણું બધું થઈ ગયું. બહુ થઈ ગયું પશ્ચિમી વાર્તાઓ અને વાર્તાકારોનું અનુકરણ અને અનુશીલન. 


દુઃખદ આશ્ચર્ય તો એ છે કે હવે તો એવા વિવેચક્સો પણ નથી રહ્યાં જે વિવિધ સંદર્ભો દ્વારા પૂર્વ અને પાશ્ચાત્યમાં તટસ્થ રહીને સ્વપ્રતિભાવાન વિદ્વાન જે મહિને પ્રસિદ્ધ થતી વાર્તાઓમાંથી બે કે ત્રણનું વિવેચન કરી નવી પેઢીને રાહ ચીંધાડે. 

અને લેખાંતે....
આવી રહી છે નવી પેઢી નવા વિચારો અને નવી તરેહો અને નવા વિષયો લઈને... હવે જરૂર છે આપણાં અતીતને કે ઘટનાને સાથે રાખીને વાર્તાપ્રવાહને આંતરીને ભવિષ્ય તરફ જોવાની. વર્તમાનમાં ડોકીયું કરવાની, આપણે ત્યાં રિયલ આવતા પહેલાં જ સરરિયલ આવી ગયું. રિયલ – વર્તમાન આવવાનું બાકી જ હતું. ભવિષ્યનું પણ આપણી પાસે કોઈ અસ્તિત્વ નથી. છેલ્લા દાયકાનો ક્યો વાર્તાકાર છે મને આંગળી તો ચીંધાડી બતાવો જેને તમારી પાછળની પેઢીને વાંચવાનું સૂચન કરીને જઈ શકો. કારણ કે આપણાં વાર્તાકારો પુસ્તકિયા છે. નથી એની પાસે રવિન્દ્ર ઠાકુર કહે છે તેવી । સુદૂર પિયાસી । બનીને સર્જક બનવાની ખેવના નથી તેની પાસે કોઈ અનુભવની એરણ. 

જોકે ગયા બે દાયકામાંથી  જળબીંદું જેવા પરેશ નાયક, મધુરાય, સુમન શાહ, કિરીટ દૂધાત, હિમાંશી શેલત. બસ આ લો, બે આંગળીના વેઢા પણ ટૂંકા પડ્યા. એમ તો છમકલા તો ઘણાં છે પણ ધોધમાર વાર્તાકારો આ જેની પાસે દરેક વાર્તાએ કશું નવ્ય તમને મળી આવે. જો કે સુમન શાહ અને પરેશ નાયક સુ.જો.ની ઊંઘમાં હતા તે વાર્તાઓ પણ એક જેવી છે, પણ નવી વાર્તાઓ આશા પ્રેરે છે. 

પણ હવે પછીના દશકામાં જે ધોધમાર આવવાના છે તેની કંઈક ચર્ચા આવનારા લેખમાં....About aKshArAnANd

સામાય ધસી જઈએ, આઘાય ખસી જઈએ... હોવું ય હવે ઉત્સવ આકંઠ શ્વસી લઈએ....રેતાળ કીનારા પર હેતાળ હસી લઈએ..... મૃત્યુ, જીવન, ઉત્સવ, પ્રેમ, કોમ્પ્યુટર, દોસ્તી પુસ્તક આ બધાને મળવા માટે ધરતી પર ફરવાનું બહાનું મળે તો તે ખરેખર લિજ્જતની વાત છે.....
This entry was posted in આંખના ઈશારે..... Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s