નવી નવાઈના વાર્તાકારો….

IMG_20160825_134005


નવી નવાઈના વાર્તાકારો....

નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા ‘નવલેખન ગુજરાતી વાર્તાઓ’ એ શીર્ષક હેઠળ યોગેશ જોશી દ્વારા સંપાદન પામેલો વાર્તાનો સંગ્રહ આવ્યો છે. જેમાં ગુજરાતમાં નવાસવા વાર્તાકારોની વાર્તાઓ લેવામાં આવી છે. આ પ્રકારનું પ્રથમ આયોજન છે અને પ્રોત્સાહક આયોજન છે કે જે નવી નવાઈના લેખકોને પણ ક્યાંક કોઈક ધ્યાનમાં રાખનાર તો છે જે છેલ્લા એક દાયકાથી વર્તાક્ષેત્રે સંઘર્ષ કરી રહ્યા છે. 

મારે આ સંગ્રહના સંપાદનની કે વાર્તાઓના ચયનની વાત નથી કરવી પણ આ નિમિત્તે કેટલાક મારા મિત્ર વાર્તાકારો અને ભવિષ્યમાં મિત્ર બનનારા વાર્તાકારોની કેટલીક વાતો કરવી છે અને આડેહાથે આવનારી પેઢીની વિશેષતા બતાવવી છે. કારણ કે બનીબેઠેલા વિવેચક્સોને તો હજુ પ્રોફેસરીઝમમાંથી ટાઈમ મળતો નથી કે વર્તમાનમાં રચાતા સાહિત્ય તરફની કંઈક વાત કરે એટલે અહીં ખુદ વાર્તાકાર જ મેદાનમાં આવે છે. 

ડોન્ટવરી, વરને કોણ વખાણે વરની મા – ની જેમ હું અહીં મારી વાર્તા કે મારા મિત્રની વાર્તાની સારી બાજુઓ જ રજૂ કરવા નથી આવ્યો પણ ખરેખર કંઈક ધ્યાન દોરવા આવ્યો છું – વાર્તાક્ષેત્રે થઈ રહેલી ધીમી ક્રાન્તિની. 

આમ તો મેં અગાઉ આ બ્લોગ પર જ લખેલું છે મારા સમકાલીન વાર્તાકારો રામ મોરી અને અજય સોની વિશે. પણ આજે અહીં બધાની સાથે પણ થોડી એમની નવી વાતો પણ થશે અને બીજાની પણ થશે. 

---- અજય સરવૈયા ---- 
એમની વાર્તાઓ ક્યારેક વાર્તાઓ ન રહેતા વિવેચન લેખો કે લલિત નિબંધની પાસે જઈને ઉભી રહે છે. વાર્તાને વાર્તા રહેવા દેવાની કળા કરવામાં ક્યાંક ક્યારેક કાચું કપાય છે પણ તેની વાર્તામાં એક દર્શન હોય છે. ફિલોસોફિકલ વાર્તા. ઉપદેશ નહીં હું અહીં દર્શન શબ્દ વાપરું છું. ઘટનાથી દૂર રહીને પણ નવું નવું લઈ આવે છે. સહજતા છે એમાં. વાર્તાની પ્રથમ શરત સહજતા છે. એ આવે છે. અમુક વાર્તાઓ કંટાળાજનક પ્રલંબિત વ્યય કરે છે. 


---- અજય સોની ---

કોઈએ સાચું કહ્યું છે સોનીજી માટે કે તે ખત્રી પછી કચ્છનું ગૌરવ છે. વિનેશ અંતાણીના પ્રભાવમાંથી બહાર નીકળી જાય તો સારું. તેની બીજી ઘણી વાર્તાઓમાં કચ્છનું જે અનાદ્રપણું છે તેને વાર્તાકાર શબ્દોથી આદ્ર કરે છે. ‘રેતનદી’ અને ‘સાંકળ’ અદ્દભૂત રચનાઓ છે. રેતનદી તો હું જ્યારે સાવ નિરાંતમાં હોઉં ત્યારે બ્રહ્માનંદસહોદર પ્રાપ્ત કરવા તેની આ કલાને વાંચી વાંચીને માણું છું. 

---- અભિમન્યું આચાર્ય ---

એની વાર્તા વિભાવના સ્વતંત્ર છે. વિદેશી લેખકોની કલમનો પિયાસી અને તરાસી છે. તેથી પ્રયોગો તરફ  વધુ દોડે છે. મનોવલણો હાથમાંથી છટકી જાય એ પહેલા વાર્તાને સાચવવાનો કસબ એ જાણે છે. એની આ વાર્તામાં મનોવલણો લપસણાં છે અને અંતે વાર્તા કેનવાસની બહાર ફેંકાઈ જાય છે. પણ તેની અભિનેત્રી નામની વાર્તા મેં સાંભળેલી તેનો અંત ખૂબ સુંદર છે અને માત્ર દૃશ્યો દ્વારા તેમાં કામ લીધું છે તે ખૂબ આનંદ આપે એવું છે. --- ચિંતન શેલત ---

ક્યારેય મળ્યા નથી પરંતુ રામ મોરી ઘણીવાર એમની વાતો કરતો હતો. તેની વાર્તા વાંચવાની ઈચ્છા પણ થતી પણ... રહી ગયેલું. આજે આ સંગ્રહમાં વાંચવા મળી. વાર્તા વિભાવનાની ઊંચી સમજ સ્વાભાવિક છે. તેની વાર્તાનો મિજાજ અલગ છે. વાર્તા વાંચવાની શરૂઆત કરી તો કંટાળો આવ્યો કે આ ઘીસીપીટી પદ્ધતિથી જ આગળ વધતી વાર્તા છે અને ત્યાં લગભગ ચોથા ફકરાથી શરૂ થાય છે, નવી તરાહ..., નવી નવાઈના વાર્તાકારોની સાચી છાપ ઉપસી આવે છે. નવા શબ્દો અને નવો પ્રવાહ. 

--- જિજ્ઞેશ જાની ---

ગદ્યસભા ભાવનગર ગુજરાતી વાર્તાકલાનું ભાવી ઘડવામાં મોટું નામ બનશે આવનારા દિવસોમાં. રામ મોરી, જિજ્ઞેશ જાની, અજય ઓઝા, નીતિન ત્રિવેદી, કદાચ શક્તિસિંહ પરમાર પણ  આ બધા નવ્ય અવાજો અહીંથી ઊભા થયા છે. જિજ્ઞેશ જાની વાર્તા એટલે પરફેક્ટ. એક જ શબ્દ કાફી છે. તમે તેની વાર્તામાં શબ્દો કે વાક્યો આમથી તેમ ન કરી શકો અને એ જ તાકાત તેને આવનારા સમયમાં એક ક્લાસિક વાર્તાકાર તરીકે આપણી સામે લાવશે. આવા ઘડતરમાં તેના વિશાળ વાંચનનો રસ અને ચાવીચાવીને ખાવાની જેમ ચીપીચીપીને લખવાની આદત અને જયંત મેઘાણી જેવા ચૂસ્ત ભાષાપ્રેમીનો સંગ તેમને પરફેક્ટ વાર્તા આપનાર બનાવે છે. જિજ્ઞેશ જાની એક નવલકથા લખે છે એના બેક પ્રકરણ મેં વાંચ્યા તો હું બ્રહ્માનંદસહોદર જેવા શબ્દોમાં આળોટવા લાગું છું, એવું લાગે છે. તમને તરબતર કરી દે એવી શબ્દયોજના. જે સામાન્ય રીતે હિમાંશી શેલત કે મનુભાઈ પંચોળીમાં જોવા મળે. 

--- રામ મોરી ---

ગુજરાતી સાહિત્યમાં પન્નાલાલ પછીનો ઝબકાર એને કહેવા લાગ્યા છે પણ એની પન્નાલાલ સાથે સરખામણી યોગ્ય નથી. એ જુદાં મીજાજની વાર્તાઓ આપનાર છે. એ ગ્રામિણભાવને પકડી રહીને વર્ષો પરિયંત એક જ વિભાવના પર કામ કરે એવો વ્યક્તિ નથી. એ વિકસશે અને એની સાથે ગુજરાતી વાર્તા પણ વિસ્તરશે. પણ 21મું ટિફિન જે વાર્તા અહીં લીધી છે એ રામની મને ન ગમેલી એવી વાર્તામાંની એક છે. કાજલ ઓઝા-વૈદ્યની રચનારીતિનો ઓછાયો ત્યાં અડી જાય છે. અરે યાર એમની ઠેસ, બળતરા, આઈ.એમ. ચોરી, આ વાર્તા જુઓ. આપણું આધુનિક ગુજરાતનું ગામડું આવ્યું જ નહોંતું વાર્તામાં માય ડીયર જયું લઈ આવેલા પણ એ વાર્તામાં લટકતું  રહેતું, રસળતું નહીં.  રામ મોરી અને શક્તિસિંહ પરમાર સૌરાષ્ટ્રના નવા ગામડાને આપણી સામે લઈ આવ્યા છે. જ્યાં સમસ્યા, સંઘર્ષો અને ઘટનાઓથી દૂર મનોવલણો પણ છે. 

--- શક્તિસિંહ પરમાર --- 

રામ મોરી પાસેથી જ એમની વિશે સાંભળ્યું છે એમની અગાઉની વાર્તા મેં વાંચી નથી અને નથી તેના વાર્તા મિજાજની પહેચાન પણ અહીં આપેલ એક વાર્તા પરથી અગાઉં કહ્યું તેમ રામ અને શક્તિસિંહ એક નવું ગામડું વાર્તાકલાની શરત સાથે લઈને આવે છે. આ બન્ને એ ઘટનાઓને એ મનોવલણોને નજિકથી જોયેલા છે એટલે એનું નિરૂપણ સુંદર રીતે થાય છે. તરાહ, પાત્રો, લઢણ, સંવાદ બધું સુખડી જેવું ભળીને ચપોચપ ચોંટી જાય છે આપણા હૈયાને. 

---- સાગર શાહ ---

સુમન શાહે અભિમન્યુ આચાર્ય અને સાગર શાહ સાથે મુલાકાત કરાવેલી. બન્નેની રૂચિ વિદેશી વાર્તા અને ગદ્યકારોમાં સારી એવી છે અને સમજ પણ. આપણે ત્યાં સામાન્ય રીતે એવું થાય છે કે વિદેશી વાર્તાઓ વાંચીને અપનાવી લે છે  પણ સમજનું ઊંડાણ નથી હોતું. ત્યારે આ બન્ને ઊંડાણ તરફ ગતિ કરે છે. સાગરની વાર્તાઓમાં સુમન શાહ ડોકાયા કરે મને. રચનારીતિમાં નવા પ્રયોગો અને વિષય પણ નવા લઈને આવે છે. આમાં જે વાર્તા પસંદ કરવામાં આવી છે તે પણ સામાજિક નિસ્બત સાથે નવિનતા લઈને આવ્યો છે. 

બધાયના તો એક વાંકાં આપના અઢાર છે એ ન્યાયે હું મારી વાર્તા (વાર્તા?) વિશે વાત કરતો નથી.... નહીં તો એમાંથી તો ઘણું.... ખીખીખીખીખીખીખી...

ખૈર..., મારે વાત તો એ કરવી છે કે નવી પેઢી આવનારા દાયકાની વાર્તા વિશે. આ અને આવા હજી અનટોલ્ડ વાર્તાકારો હશે. જેને સ્પેશ આપવી પડશે. ગુજરાતી વાર્તા સો વર્ષની થઈ ગઈ એમ કોઈક કહેતું હતું તો હજું તો સો વર્ષમાં આપણે કેટલીબધી ખોટ પૂરવાની છે.  ગુજરાતી વાર્તા પાસે ભવિષ્યવાદી વાર્તાકાર નથી કે નથી વિજ્ઞાનકથા કહેનારો - વાર્તાકલાને જાળવીને કહેનારો – વાર્તાકાર. સ્માર્ટફોન અને લેપટોપથી રમીને મોટી થનારી પેઢી માટે હજું - કલાની બધી વિભાગવના સાચવીને – વાર્તાઓ રચવાની બાકી છે. પણ આ બધી આપણી આશા અપેક્ષાઓ વચ્ચે આ વાર્તાકારો અને આવા અન્ય વાર્તાકારોની પ્રતિબદ્ધતા છે અને હશે કે સમય પહેલા આપણને કશુંક નવું આપી શકે. આ મારા મિત્રો કે મિત્રોના મિત્રો છે તેથી મિત્રભાવે લખ્યું છે એવું નથી પણ અમે એવા મિત્રો છીએ કે એકબીજાની સામે ખૂલ્લી બાયટે ગેમ રમી નાખીએ છીએ. ક્યાંય છપાઈ એ પહેલા અમે ક્યારેક ક્યારેક ક્યાંક ચર્ચા કરીએ છીએ એટલે સ્પર્ધા કરતાં પણ સૌને પોતપોતાની નબળાઈ અને પોતપોતાની સિદ્ધિઓની ખબર છે. બધાએ વાર્તામાં પોતાની રીતિ શોધી લીધી છે. સૌએ પોતાના પાત્રો જડી ગયાં છે. એક સક્ષમ વાર્તાકાર તરીકેની સહજતા પણ કેળવી છે એટલે આશા અમર છે આ વાર્તાકારો પાસેથી. 
ચાલો..., ગુજરાતી વાર્તાનો જય હો... ત્યારે....
 

 

About aKshArAnANd

સામાય ધસી જઈએ, આઘાય ખસી જઈએ... હોવું ય હવે ઉત્સવ આકંઠ શ્વસી લઈએ....રેતાળ કીનારા પર હેતાળ હસી લઈએ..... મૃત્યુ, જીવન, ઉત્સવ, પ્રેમ, કોમ્પ્યુટર, દોસ્તી પુસ્તક આ બધાને મળવા માટે ધરતી પર ફરવાનું બહાનું મળે તો તે ખરેખર લિજ્જતની વાત છે.....
This entry was posted in આંખના ઈશારે..... Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s