આ શબ્દોને શાળા-કોલેજોમાં મોટા અક્ષરે મૂકાવવા જોઈએ!

આ શબ્દોને શાળા-કોલેજોમાં મોટા અક્ષરે મૂકાવવા જોઈએ! 

પરિક્રમા નર્મદા મૈયાની
-	અમૃતલાલ વેગડ
img_20170221_094724
ઘણાં સમયથી અમૃતલાલ વેગડના નર્મદાપ્રવાસ વિશે જાણેલું. 
આ પુસ્તિકાઓ વાંચવાનું મન પણ થયેલું પણ ફરી હાથમાં લઉં 
અને એવું થાય કે નહીં જામે જવા દે ને!!
પણ આખરે હિંમત કરી અને મેં એ બુક હાથમાં લીધી. 
કાકા સાહેબથી લઈને ઘણાં ઘણાંએ 
આમ તો પુરાણ કાળથી સ્કંદપુરાણથી લઈને નર્મદાના વર્ણન થયાં છે. મેં સ્કંદપુરાણમાં પણ તેના વખાણ વાંચ્યા છે. પણ માનસરોવર જેવું આકર્ષણ મારા ચિત્ત પર નર્મદા ક્યારેય જમાવી શકી નથી. આથી તેને લગતી બુક પણ આકર્ષણ ન જમાવે તે સ્વાભાવિક છે. 

વંદનીય વડિલ શ્રી કેતન મોદી સાહેબે બી...નચિકેતા 
પ્રકલ્પના બાળકો માટે કેટલાક પુસ્તકો મોકલેલા 
એમાં આ બુક હતી. આખરે પહેલા મેં વાંચવાનું શરુ કર્યું. 

નર્મદાના પ્રવાહની જેમ અસ્ખલિત શૈલીમાં શબ્દપ્રવાહ જઈ રહ્યો છે. 
અમૃતલાલે લગેહાથ જે અનુભવોના શાબ્દચિત્રો ઉભા કર્યા છે 
તે આપણને નર્મદાને માણવા ખેંચે તેવા છે. ભારતીય ડિ.એન.એ. જ 
નદીના કિનારે પાંગરેલું છે અને નદી સાથે માતૃકાભાવ કેળવાયેલો છે.

હું આ પુસ્તક વિશે વિગતે વાત કરું તેના કરતા 
તેના જ કેટલાક ઉદાહરણો લઈને વાત કરીએ જેથી 
આપણને તેમાં રસ પડે. મૂળ વાત તો ‘રસ પડવા’ની છે. 

આસ્વાદમાં સ્વાદ જ ન મળે તો એ આસ્વાદ શા ખપનો! 
ચાલો તો કેટલુંક મને ગમ્યું એવું વાંચીએ....

‘જબલપુરથી છેવલિયા’ નામના પ્રકરણમાં ઉત્તમકોટીનું પ્રકૃતિવર્ણન કરાયું છે. 
એક લેખક પલંગ પર બેસીને લખે અને એક પ્રવાસી ચિત્રકાર કુદરતી 
વર્ણન કરે તેનો ભેદ પામી શકાય, ભાષા અને લય બન્નેની દૃષ્ટિએ. 

સવારે ઉઠીને જોયું તો ગાઢ ધુમ્મસ હતું.... ઘટાટોપ ધુમ્મસને કારણે 
આકાશ અને નદી એક થઈ ગયાં હતાં..... 
મેં જોયું કે વરાળ સીધી નહોતી નીકળતી. 
વર્તુળમાં લહેરાતી આવતી હતી. વરાળ જ શા માટે, 
ખુદ નર્મદાને પણ ક્યાંય સીધી વહેતી નથી જોઈ. 
એ પણ સીધી રેખાને બદલે વક્રિમ રેખામાં વહેવામાં 
વધુ સૌંદર્યનો અનુભવ કરે છે. આ જ વક્રગતિપ્રિયતા 
માણસમાં પણ છે..... 

તો વળી...

જે ઝરણાની જોડેજોડે અહીં આવ્યા હતા, 
એ જ ઝરણું અહીં સુંદર ધોધ રચે છે. 
ધોધની પાછળ એક વિશાળ ગુફા છે. 
ઉપર ઝરણું, ઝરણાની નીચે ગુફા અને 
ગુફાના દ્વાર પર ધોધ! અદ્દભૂત દૃશ્ય હતું. 
ગુફા પણ એટલી વિશાળ કે હજારો માણસો 
સમાઈ જાય. ઝરણાની નીચે આવડી વિશાળ 
ગુફા આપણા દેશમાં ભાગ્યે જ ક્યાંક હોય. 
ચોમાસામાં એ પાણીથી છલોછલ ભરાઈ જતી 
હશે. 

આમ જ ધુઆંધારના સ્થળે તેમણે આરસની 
નદીની કોતરણી જોઈને જે મુગ્ધભાવે લખ્યું છે
 એ એટલું મનભાવન છે કે આપણને ત્યાં દોડી
 જવાનું મન થાય.

એક જગ્યાએ સરસ પ્રસંગ છે કે એ એક ગામડિયા 
માણસને મળે છે અને તે કેટલાં બધાં કાવ્યો બોલી જાય છે. 
ત્યારે અમૃતલાલ કહે હું ભલે આટલું ભણ્યો પણ મને થોડાં 
કાવ્યો બોલવાના કહ્યા હોત તો ય મુશ્કેલી પડત માટે એ લખે છે કે 
ઘણું ઉદરસ્થ કરવા કરતા થોડું કંઠસ્થ કરવું સારું. 

આ વાક્ય મને ખાસ ગમ્યું. આપણે ત્યાં 
ઘણાં પુસ્તકો વાંચવાની હરિફાઈ છે, પણ 
આપણે તેમાંથી કેટલું હૈયે ને હોઠે લાવી શકીએ 
છીએ તે મહત્વનું છે. હું તેનાથી પણ આગળ 
જતાં કહું કે કંઠસ્થ કરતા પણ કેટલું હૃદયસ્થ 
થાય છે કેટલું સાહિત્ય કે વાચન તમારી ક્ષણોને 
તમારી સંવેદનાઓને ઝકઝોરી જાય છે એ મહત્વનું છે.

આ પરિક્રમા દરમ્યાન જ એક શાળામાં અમૃતલાલને 
જવાનું થાય છે ત્યારે તેમણે ટી.વી. વિશે બાળકો 
સામે સરસ વાત કહે છે. બસ, એ વાત છેલ્લે 
શેર કરું આપની સાથે અને પછી તમે જ ક્યારેક 
એ પુસ્તક પર જજો. પણ એમની એ વાત 
અહીં કહેતા રોકી નથી શકતો, કારણ કે આ 
શબ્દોની પ્રિન્ટ કાઢીને દરેક શાળા-કોલેજોમાં નોટીસબોર્ડ 
પર મોટા અક્ષરે મૂકાવવી જોઈએ...

એમના જ શબ્દોમાં...

“ પહેલાં આનંદની દરેક ચીજ બહાર હતી- 
નદી, પહાડ, જંગલ, તીર્થ, ફૂલ, પક્ષી.
 હવે બધું અંદર છે – ટીવીની અંદર! ટીવીએ
 આપણને ઘરમાં ગોંધી મૂક્યા છે, નિષ્ક્રિય કરી
 દીધા છે અને બદલામાં આપણને આનંદ પણ
 ન આપ્યો, માત્ર આનંદનું છોડિયું પકડાવી દીધું!.... 
ટીવી આપણા મગજમાં કેવડો કચરો ઠાલવે છે! 
નર્યો કાદવ, નર્યો કાંપ!.... ટીવી એ સાધુના 
વેશમાં ઘૂસી આવેલો રાવણ છે! આપણા દેશમાં 
તો એનું એક જ માથું છે પણ બીજા દેશોમાં 
તો એ દસ ચેનલવાળો દશાનન છે!”


છેલ્લી લીટી ધ્યાનથી વાંચી હશે તો ખ્યાલ આવશે 
કે આ બુક પ્રથમ આવૃત્તી થઈ ત્યારે નેવુંના દાયકામાં 
માત્ર દૂરદર્શન એક જ હતું. અહીં બીજા દેશોની 
વાત કરી છે પણ આપણે ત્યાં દશ માથાં નહીં 
પાંચસો-છસ્સો માથા વાળો રાવણ બની ગયો છે 
અને આપણે તેને નાથી નથી શકતાં એટલે દિનપ્રતિદિન તે
નું એક મસ્તક વધારતો જાય છે. આમાં સીતાઓનું હરણ 
અને પરપિડન વૃત્તિ વાળા કાંડ કરનારા કરોડો જન્મે એમાં 
નવાઈ નથી...
મૂળે આપણે પ્રકૃતિ સૌંદર્યને નિરખવાની દૃષ્ટિ ખોઈ 
બેઠેલા ધૃતરાષ્ટ્રો થવા ધપી રહ્યા છે ત્યારે આવા 
પુસ્તકો ફરી આપણને પ્રકૃતિ તરફ વાળવા નવો ઝોંક આપે છે.


*********************************************

About aKshArAnANd

સામાય ધસી જઈએ, આઘાય ખસી જઈએ... હોવું ય હવે ઉત્સવ આકંઠ શ્વસી લઈએ....રેતાળ કીનારા પર હેતાળ હસી લઈએ..... મૃત્યુ, જીવન, ઉત્સવ, પ્રેમ, કોમ્પ્યુટર, દોસ્તી પુસ્તક આ બધાને મળવા માટે ધરતી પર ફરવાનું બહાનું મળે તો તે ખરેખર લિજ્જતની વાત છે.....
This entry was posted in આંખના ઈશારે..... Bookmark the permalink.

3 Responses to આ શબ્દોને શાળા-કોલેજોમાં મોટા અક્ષરે મૂકાવવા જોઈએ!

 1. Neeraj says:

  well written my friend

 2. jiscience says:

  ખૂબ જ સુંદર લખ્યું છે ખૂબ સરસ
  -આ.ઠા.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s