સંવેદનાનું ભાર વગરનું ભણતર આપતી કથા

સંવેદનાનું ભાર વગરનું ભણતર આપતી કથા


‘સમુદ્રાન્તિકે’ – ધૃવ ભટ્ટ

img_20170221_205452
આ બ્લોગમાં આપણે છેલ્લે ‘પરિક્રમા નર્મદા
મૈયાની’ પુસ્તક વિશે વાત કરી હતી. તેનું જ
એક વાક્ય લઈને અહીં ‘સમુદ્રાન્તિકે’ ની વાત 
કરવા જઈ રહ્યો છું. 


‘પરિક્રમા નર્મદા મૈયાની’ પુસ્તકમાં અમૃતલાલ 
વેગડ લખે છેઃ સક્રીય સર્જનાત્મક આનંદ જ 
સાચો આનંદ છે. ભાસના ‘કાવ્યવિચાર’ ને 
આ વાક્ય સુપેરે ઈંગિત કરે છે. ‘સમુદ્રાન્તિકે’ની 
રસનિષ્પત્તિ પણ કંઈક આવી જ છે. 


‘સમુદ્રાન્તિકે’નો આસ્વાદ નહીં રસાસ્વાદ હોય. 
પ્રકારો અને શૈલી ગત માથાકૂટમાં પડવા કરતા, 
સાહિત્યના નિયમોની એરણે ચડાવવા કરતા, 
તેને માણવી એક માનવીય સુખદ અનુભૂતિમાંથી 
પસાર થવા જેવું છે.

હું માણસ માણસ થાઉં તો ઘણું ... એવું 
એટલે બોલવું પડ્યું કે શહેરીય સંસ્કૃતિએ દાટવાળી 
દીધો છે. ‘સમુદ્રાન્તિકે’નો કથાનાયક જ્યાં 
જાય છે ત્યાં પ્રારંભે તો તેના મનમાં એ જ 
કમ્પેરિટિવ સ્ટડીસ્ ચાલ્યા કરે છે. એક ભારતમાં 
બે સંસ્કૃતિનીઃ ગ્રામ અને શહેરી.

તાળા વગરના ઘર, ભરોસો, બોલેલું પાળવાનો 
હઠાગ્રહ, એકત્વભાવ, સમભાવ, રોટલાને મીઠા
-મરચામાં પણ લાગણીનો ગોળ ઉમેરાય જાય 
તેવો ખવરાવનારનો ભાવ! આ કંઈ કોઈ મૂલે 
મૂલવી શકાય એવી વાત ન હતી?  એ કથાનાયક 
મૂળે તો આ જ માનવીય સંસ્કૃતિનો એક ભાગ 
હતો. કાળ કર્મે આપણે  ‘વિકાસ’ના નામે 
કેટલું હણી નાખ્યું. સભ્યતા, સંસ્કૃતિ અને 
માનવીય લાગણી – સંવેદના !  


ખારા પાટમાં ભલે કંઈ ઉગતું ન હોય એટલે શું 
ત્યાં કંપનીઓ નાખીને એ ધરતીને કુદરતી વેરાનને 
કૃત્રિમ વેરાન બનાવી દેવી?  બસ આ જ ગડભાંજલ 
માંથી જન્મે છે ‘સમુદ્રાન્તિકે’.

આખી કથામાંથી પસાર થાઓ તો તેમાં ઘણાં 
પ્રસંગો તમને ઝકઝોરી દે. તમારી રહીસહી 
અને અંદર ઊંડે ઉતરેલી મૂળ માનવીય પ્રકૃતિને 
ઈશ્વરીય પ્રકૃતિ સાથે એકાત્મ સાધાવી દે. 
આ જ તો છે ખરું કૃતિનું કર્તુત્વ. 
આ જ તો છે રસનિષ્પત્તિ.


અવલ હોય કે વિદેશીની સાધવી કે બેલી સૌ 
મહિલા પાત્રોમાં માતૃકાભાવના દર્શન થાય છે. 
ક્રિષ્ના હોય, સરવણ, સબુર કે નુરાભાઈ, 
બંગાળી બાવો કે શામજી મુખી દરેકના હૃદયનો 
તંતુ તો તેની ખારાપાટના ઢેખાળ જેવી જમીન 
સાથે માતૃભાવે સંકળાયેલ છે. દરિયા સાથે આ 
બધાને વાતો કરવાનો સંબંધ છે. વિશિષ્ટ યોગ 
સાધના પછી પ્રાપ્ત થતી સ્થિતિ આ લોકોને કુદરતે
એમ જ આપી દીધી છે, કારણ... કારણ 
એક જ કે તે કુદરતના નિયમોનું ઉલંઘન નથી 
કરતા.


અહીં દરિયો પાત્ર છે, ભેંસલો પાત્ર છે, ફકરીની 
મઢી કે સબુરનું ખેતર પાત્ર બનીને તમારી સામે 
ઉગી નીકળે છે. હાદા ભટ્ટની હવેલી અને ખુદ 
હાદો ભટ્ટ પણ હિડન કેરેક્ટર હોવા છતાં આપણાં
માનસપટ્ટ પર કબજો કરી લે છે.

તોફાન અને  એ સમય દરમ્યાન હવેલીમાં બેસી 
રહેલી અવલ અને બાળકો અને આ બધામાં 
નવલકથાના કથા પ્રવાહમાં છેક સુધી અનટોલ્ડ 
રાખેલા સિક્રેક્ટ્સ ખોલવાનો તરીકો લેખકની 
કથનશૈલી અને કથાલેખનના આયોજન માટે દાદ 
માંગી લે એમ છે. 

મારે ઘણાં સમયથી કહેવું હતું અને આજે કહું છું.
(મને ખબર છે કે મારા શબ્દનું વજન ક્યાંય 
વાગવાનું નથી અને મારા કહેવાથી જ કંઈ ધૃવ 
ભટ્ટ જેવા લેખક મહાન નથી બનવાના, 
તે છે જ. અને જાડીચામડીના વિવેચકોને શું 
ફેર પડવાનો?! છતાં કહીશ.) ધૃવ ભટ્ટ એ 
પન્નાલાલ પટેલ પછી ગુજરાતી ભાષાને સાંપડેલો
પ્રકૃત્તિદત્ત લેખક છે. દરેક ભાષાને પોતાનું 
પોત જાળવવા ‘પ્રકૃત્તિદત્ત’ લેખકોની જરૂર 
હોય છે. જે વિશ્વાત્માના સનાતન સત્યોને 
સંવેદનાની સરવાણીએ લાવીને આપણને 
રસપાન કરાવે.

સાહિત્યની મને તો આજ  નિષ્પત્તિ સાચી 
લાગી છે કે માનવીય મૂળગત સંવેદના અને 
પ્રકૃત્તિ સાથેનો નાતો ફરીથી જે જોડી આપે 
અને એમ કરતા પણ ગુપ્ત અને નવ્ય કુદરતને 
વાચકની સામે ખોલી આપે. 

આખરે આખી નવલકથામાં મને ગમેલા શબ્દો 
અહીં ઉદ્ધૃત્ કરું ....

નહીં હોય માત્ર આ ધૂળ ઉડાડતો ખારો પાટ, 
એનો ખાલીપો, આ નિર્જન રમ્ય સાગરતટ, 
પરીઓ અને કિન્નરો ને રમવા આવવાનાં છૂપાં 
સ્થાનો અને આકાશની પરમ પારદર્શકતા. 
ભલા! જે માનવી વિકાસ અને સમૃદ્ધિની
ઈચ્છા કરે, તેણે આટલી નાનકડી કિંમત તો 
ચૂકવવી જ પડે ને! 

આ શબ્દો વિકાસ માટેની આપણી ઘેલછાને 
કેવી ઝાટકી નાખે છે ઠંડે કલેજે?
‘સમુદ્રાન્તિકે’માં બીજા પાને મૂકાયેલા ગીતની 
પંક્તિ મુકવાનું મન પણ થાય...

ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી 
પૂછે કે કેમ છે 
આપણે તો કહીએ કે દરિયા-શી મોજમાં ને 
ઉપરથી કુદરતની રહેમ છે.


અને આ રીતે જીવનારા ધૃવ ભટ્ટ હજું એમની 
મોજથી આપણને મોજ કરાવે અને જેવી 
ગુજરાતી એમને ફળી એવી આપણને સૌને 
ફળજો...


જય દરિયાલાલ....


*************************

About aKshArAnANd

સામાય ધસી જઈએ, આઘાય ખસી જઈએ... હોવું ય હવે ઉત્સવ આકંઠ શ્વસી લઈએ....રેતાળ કીનારા પર હેતાળ હસી લઈએ..... મૃત્યુ, જીવન, ઉત્સવ, પ્રેમ, કોમ્પ્યુટર, દોસ્તી પુસ્તક આ બધાને મળવા માટે ધરતી પર ફરવાનું બહાનું મળે તો તે ખરેખર લિજ્જતની વાત છે.....
This entry was posted in આંખના ઈશારે..... Bookmark the permalink.

2 Responses to સંવેદનાનું ભાર વગરનું ભણતર આપતી કથા

  1. ખુબ જ સરસ….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s