ઈનોવેશન ફેર – 2017 – સાપુતારાઈનોવેશ ફેર – નવાચાર – નવતર પ્રયોગ – સંશોધન – શોધ – બધું જે ગણો તે.. .. તેનો રસાસ્વાદ લેવા અમને જિલ્લામાંથી પસંદગી મળી તેનો આનંદ તો હતો જ પણ હવે રાજ્ય લેવલે ઈનોવેશ પ્રસ્તુત કરવા જવાનું છે તેનો આનંદ ખૂબ જ હતો. બે બાબતનો લાભ હતો... 1. ત્યાં નવું ઘણું જોવા મળશે, આપણે નથી કરતા એવા આઈડિયા સમજવા મળશે ને આપણે ક્યાં છીએ એ ખબર પડશે. 2. અનિલ ગુપ્તાને મળવાનું થશે. તેની સ્પિચ સાંભળવાની મજા પડશે. 23 તારીખના રોજ 3 વાગે નીકળ્યા. મારી સાથે પારસ હિરપરા (બી...નચિકેતા પ્રકલ્પ લઈને આવેલા, શ્રી જરગલી પ્રા. શાળાના એચટાટ આચાર્ય), જયદીપભાઈ બાબરિયા (આઈ.સી.ટી. નવતર પ્રયોગ લઈને આવેલા, શ્રી રામપરા પ્રા. શાળાના વિજ્ઞાન શિક્ષક), નિતિનભાઈ ઓઝા (ધો.10માં ગુણવૃદ્ધિ નવતર પ્રયોગ લઈને આવેલા, શ્રી અમોદ્રા વિનય મંદીર માધ્યમિક શાળાના પ્રાચાર્યશ્રી.) 24 તારીખે સવારે 7 વાગે સુરત પહોંચ્યા અને 9 વાગે અમને સાપુતારા જવા માટે બસ મળી. અમે સાપુતારા 2 વાગે પહોંચ્યા. રહેવાની વ્યવસ્થા થયા બાદ અમે જમ્યા અને સાંજે સાત વાગે અમે સ્ટોલ ગોઠવ્યો. ભોજન લીધું અને સાંજની બેઠકમાં ગયા. બીજે દિવસે સવારે 7.30 વાગે અમારા સ્ટોલને શણગારી દીધો. ત્યારબાદ માનનીય નાનુભાઈ વાનાણી પધાર્યા અને ઈનોવેશ ફેરને ખૂલ્લો મૂક્યો. તેમણે પ્રારંભિક સ્ટોલ નિહાળ્યા અને પછી કાર્યક્રમનો પ્રારંભ થતાં સૌ સભા મંડપમાં ગયા. ત્યાં ડાંગના નૃત્યએ કાર્યક્રમમાં જાનપદી રંગ પૂર્યો, અને એક અલગ જ મકાંએ કાર્યક્રમની રંગતને પહોંચાડી દીધી. માન. નાનુભાઈએ આશાવાદ વ્યક્ત કરીને કહ્યું કે અહીં ઉપસ્થિત નવતર પ્રયોગ કરનારા શિક્ષકો જેવો ઉત્સાહ જો બધા જ શિક્ષકો દાખવે તો આવનારો સમય ગુજરાત શિક્ષણક્ષેત્રે અગ્રેસર સાબિત થાય.
ત્રીજે દિવસે ફરી સવારે સૌ ગોઠવાયા. ઈનોવેશન નિહાળવા માટે અનિલ ગુપ્તા સાહેબ પધાર્યા. તેમની સાથે આર.સી. રાવલ સાહેબ અને ટી.એસ. જોશી સાહેબ જોડાયા અને એક એક સ્ટોલની મુલાકાત તેઓએ લીધી. અગીયાર વાગ્યાની આસપાસ સન્માન-શુભેચ્છા સમારંભનું આયોજન કરવામાં આવ્યું. અમને એમ હતું કે અનિલ ગુપ્તા સાહેબ હવે રવાના થઈ જશે. માટે વચ્ચે જ એમને અટકાવીને રસ્તામાં જ બાળકોએ સર્જેલી બાળવાર્તાના પુસ્તકનું નિર્માણ કર્યું તેની વાત કરી ત્યારે એ ખૂબ જ ખુશ થયા. ત્યાર બાદ કાર્યક્રમનો પ્રારંભ થયો. જેમાં માન. ટી.એસ. જોશી સાહેબે જી.સી.ઈ.આર.ટી.ની વેબસાઈટમાં નવીન ફિચર્સ જે પ્રવર્તમાન છે તેની વિગતે વાત કરી અને કાર્ય જે રીતે આગળ ધપી રહ્યું છે તેની ચર્ચા કરી. ત્યાર બાદ અનિલ ગુપ્તા સાહેબે વિગતે પોતાની પ્રેરણાત્મક વાત પ્રસ્તુત કરી. આખરે મહાનુભાવોના હસ્તે સૌને સ્મૃતિચિહ્ન અર્પણ કરી અને શુભેચ્છા આપવામાં આવી. સૌએ ફોટોગ્રાફ્સ લીધા.
અનિલ ગુપ્તા સાહેબે વળી બપોર પછી પણ બાકી રહેલા બધા સ્ટોલની મુલાકાત લીધી. ખૂબ નિરાંતે. જે તે નવતર પ્રયોગના લાભાલાભની ચર્ચા વિચારણા કરીને એમની નજર આરપાર જઈ રહી હતી. તે જ્યારે 45 નંબરના સ્ટોલ પર આવ્યા જે શ્રી વડવિયાળા પે સેન્ટર શાળાનો સ્ટોલ હતો. ત્યારે મેં એમને મારા નવતર પ્રયોગ વિશે વાત કરી કે જૂથ ચર્ચા દ્વારા ‘ગાઈડલેસ એજ્યુકેશન થ્રુઆઉટ ધ ગૃપ ડિસ્કશન’ અને તેને સાનંદ આશ્ચર્ય સાથે સાથી મિત્રોને જણાવ્યું કે આ તો અમારા આઈ.આઈ.એમ. જેવું. હું જે વર્ષોથી વિચાર્યું હતું તે તેમના મુખે સાંભળીને આનંદ થયો. હું વિદ્યાર્થીને પણ ઘણીવાર કહું કે આગળ જશો ત્યારે માર્ગદર્શિકા નહીં હોય ત્યારે પોતાનો માર્ગ પોતે કેળવવા જાતે પ્રશ્નના જવાબ શોધવા લાગો. (મારા નવતર પ્રયોગ વિશે જાણવા માટે ક્લિક કરો - વ્યક્તિગત અને જૂથ ચર્ચા દ્વારા વિદ્યાર્થીઓમાં મૌલિકતાનો વિકાસ.http://www.inshodh.org/innovation/6-7-8/11274?lang=2) આ જાણીને તેમણે તરત મારી સાથે મોબાઈલ પર વાતો કરતા કરતા જ ટ્વિટ્ કર્યું એ આપ નીચેના ફોટોમાં જોઈ શકો છો.
![]()
પછી સ્ટોલ નં. 44 પર ગયા જે જયદિપસિંહ બાબરિયાનો સ્ટોલ હતો તેમનો નવતર પ્રયોગ હતો આઈ.સી.ટી. દ્વારા શિક્ષણ. તેમણે એવા વિસ્તારમાં આધુનિક ઉપકરણો અવેલેબલ બનાવ્યા છે કે જે સાવ અંતરિયાળ ગામ છે. એક તો ઉના તાલુકો જ ગુજરાતનો છેવાડાનો તાલુકો અને તેમાં દરિયાઈ પટ્ટીની નજીક આવેલું રામપરા ગામ. તેમણે વિજ્ઞાનને પ્રાયોગિક ધોરણે મૂકીને નવીન કાર્યો કર્યા છે. તેની શાળા ફૂંગ્શુક વાંગડુની શાળાની યાદ અપાવી દે તેવી છે. (જયદીપસિંહ બાબરિયાના નવતર પ્રયોગ માટે વધુ માહિતી મેળવવા ક્લિક કરો - https://jiscience.wordpress.com)
અનિલ ગુપ્તા સર થોડા આગળ ચાલ્યા તો 43માં ક્રમે ||Be…Nachiketa|| પ્રકલ્પનો નવતર પ્રયોગ લઈને શ્રી જરગલી શાળાના એચટાટ આચાર્યશ્રી પારસભાઈ હિરપરા ઉભા હતા. બાળકોએ બનાવેલું ક્વિલિંગ વર્ક, પુસ્તકો જોઈને તો સાહેબ ખુશી થયા જ થયા પણ વિદ્યાર્થીઓના ચિત્રો જોઈને તે ખૂબ ખુશ થયા. તેમણે ત્યાં તરત એ ચિત્રોના ફોટોસ્ લઈને પોતાના ટ્વિટર પર ટ્વિટ્ કર્યું. ત્યાં રહેલી પોતાની ટીમમાંના ચેતનભાઈને બોલાવીને કહ્યું કે આપણે આ બાળકોના ચિત્રોનું પ્રદર્શન યોજીશું. પછી માહિતી મેળવી કે 17 શાળાના 27 શિક્ષકો દર શનિવારે શાળા સમય બાદ આ પ્રકલ્પમાં દર વર્ષે 65 ઉપરાંત બાળકોને ચિત્ર, સંગીત, ક્રાફ્ટ અને સર્જનાત્મક લેખનમાં સર્જનાત્મક વિકાસ સાધવામાં મદદરૂપ થાય છે તો તેમને વિશેષ આનંદ થયો. (||Be…Nachiketa|| પ્રકલ્પ વિશે વિશેષ માહિતી માટે ક્લિક કરો - benachiketa.com)
આ ઉપરાંત અમારા સ્ટોલની મુલાકાત લઈને પ્રોત્સાહન આપનારા સર્વશ્રી માન. ટી.એસ.જોશી સાહેબ, આર.સી. રાવલ સાહેબ, આદરણીય અવિનાશભાઈ, ઈગ્નાઈટ ગૃપના સભ્યો વગેરેએ મુલાકાત લીધી. તેમની મુલાકાત અમારા માટે આનંદદાયી રહી.
હવે વાત કરીએ કેટલાક માને આચરણમાં મૂકવા જેવા કેટલાક ઈનોવેટર્સ ટીચર્સના ઈનોવેશનની....
બહેડિયા પ્રાથમિક શાળા, ખેડબ્રહ્માના વર્ષાબેન દ્વારા ક્વિલિંગ આર્ટ અને વિવિધ વેસ્ટ માંથી બેસ્ટની પ્રવૃત્તિઓ ખૂબ સરસ હતી. આમ તો ક્રાફ્ટવર્કની પ્રવૃત્તિ નવાચાર તરીકે લઈને ઘણાં બધા આવેલા પરંતું તેમાં આ શાળાની પ્રસ્તુતિકરણની રીત પ્રેરણા લેવા જેવી લાગી. ખેડબ્રહ્માના જ રક્ષાબેનને આદિવાસી વિસ્તારમાં શિક્ષિકા તરીકે ફરજ મળી એટલે એની ભાષા તે ન સમજે આ બેનની ભાષા એ લોકો ન સમજે એટલે એ છોકરાઓની ભાષા સમજી અને પછી પોતે એમની સાથે કોમ્યુનિકેટ થયા. આદિવાસી શબ્દોને શિષ્ટભાષામાં કઈ રીતે બોલાય તે બાળકોને શિખવ્યું. લોકબોલીમાંથી માન્યભાષામાં આજે મોટા મોટા ગુજરાતી ભાષામાં પી.એચ.ડી. થનારા પ્રાધ્યાપકો પણ નથી બોલી શકતા ત્યારે બાળકોની ભાષાસજ્જતા કરાવવી તે સહેલી વાત નથી.
સીતાપુર કુમાર શાળાના રોહિતભાઈએ પણ સંસ્કૃત ભાષાને વ્યવહારુ બનાવવાના પ્રયાસ પાયામાંથી કર્યા છે તેના માટે સલામ કરવી પડે. આહેરડી શાળાના ભરતભાઈએ ઈનોવેશન તો રજૂ કર્યું જ હતું પરંતુ તે મૂળ ભાવનગરના વતની છે અને હાલ તે ડાંગમાં કામ કરી રહ્યા છે, તે વાત કરી રહ્યા હતા કે શાળામાં જ રહેવું પડે છે ડબાઓ પર પાટીયું રાખીને સૂઈ જવાનું. એક જવાન સરહદ પર અને એક શિક્ષક વર્ગખંડ માટે સરખું ભોગવે છે. એક રાષ્ટ્ર રક્ષા માટે અને એક રાષ્ટ્ર વિકાસ માટે અને ભારતને વિશ્વસત્તા તરફ પગરણ માંડવા માટે રક્ષા ને વિકાસ બન્ને ડગલા જરૂરી છે. બોટાદના તમામ ઈનોવેશન ધ્યાનપાત્ર અને પ્રેરણાત્મક રહ્યા.
ભાવનગર તો ગુજરાતી શાળા શિક્ષણનું હૈયું છે, ત્યાં તો ગુજરાત હજુ ઈનોવેશ શબ્દ આવ્યો નહીં હોય ત્યારથી નાનાભાઈને એ સૌ નવતર કરતા રહ્યા છે ત્યારે ભાવનગરના દરેક ઈનોવેશન સલામને લાયક. તેમાંય તરસમિયા શાળાએ તો પ્રાઈવેટ સામે જે ઝીંક ઝીલી છે એ તો વંદનને પાત્ર છે.
પંચમહાલમાં રિંકુબેનનું કાર્ય પ્રેણાત્મક છે. ગુજરાતી ભાષાનું અને ઈતર વિષયોનું જ્ઞાન શાળામાં દિવાલ પર જ છે જે મને નવો વિચાર આપી ગયેલો નવતર પ્રયોગ છે.
બાવાનો મઠ નામની શાળાના નવનીતભાઈની હરતીફરતી શાળા સાવ નવો જ કન્સેપ્ટ લઈને આવે છે. જો કે એ તો 1 થી 4 માટે અમલી બની શકે પણ જૂથ ચર્ચામાં ધો. 6 થી 8 માં પણ મને એ અપનાવા જેવો લાગ્યો. કાસોર કુમાર શાળાના હર્ષદભાઈએ તો દિલ જીતી લીધું. તેની પ્રસ્તુતિ આજીવન યાદ રહેશે. તેમણે શેરી શિક્ષણ દ્વારા શિક્ષણને નવા આયામે મૂકી દીધું છે. તેમના અમુક શૈક્ષણિક સાધનો ધ્યાનપાત્ર રહ્યા.
અમરેલીનું પ્રેરણાપાથેય માટે પણ પ્રેરણાત્મક કાર્ય જ લખવું પડે.
ખાસ ખાસ મને તરત જાગૃત કરી દેતું એવું ઈનોવેશન હોય તો તે પાટણની એક શાળાના વિવેકભાઈનું – કોયડા રમતો દ્વારા તર્કશક્તિનો વિકાસ – આ ઈનોવેશ મને એટલે સજાગ કરી ગયું કે એમાંનું ઘણું નેટ પર અવેલેબલ હતું, મને કેમ ધ્યાને ન આવ્યું તેનું આશ્ચર્ય હતું. પણ બસ એ પ્રેરણાત્મક રહ્યું નવું કરવા માટે.
નવા મકનસર, મોરબીના શિક્ષકમિત્ર જિતેન્દ્રભાઈની વાચન-લેખન-ગણન માટેની
મહેનત પણ ખૂબ ગમી ને અનુકરણીય કાર્ય લાગ્યું.
શિક્ષકમિત્ર મનન માસ્ટરનું કાર્ય તો વિચારણીય અને અનુકરણીય છે જ હવે બસ એ કઈ રીતે નવા એંગલથી હું મારી રીતે એપ્લાય કરું તેનો વિચાર ક્યારોનો ચાલી રહ્યો છે. ખાસ તો શબ્દભંડોળ અને નવા જ્ઞાનના પરિણામની ફલશ્રુતિ આપણને તે કાર્ય કરવા પ્રેરે છે.
ખેડા સૌરભભાઈનું કાર્ય પણ સુંદર છે. વઘઈનું વર્લિપેઈન્ટિંગે આર્ટ એન્ડ ક્રાફ્ટમાં અમને કશુંક નવું કરવા દોડવાની પ્રેરણા આપી છે.
આ બધું જોયું બીજા ઘણાં નવતર પ્રયોગ અહીં ઉલ્લેખ કરવા માટે યાદ નથી રહ્યા પણ પ્રેરણા આપી ગયા છે એ સર્વ શિક્ષણપ્રેમીઓને મારા વંદન...
અમે જ્યારે રાતે પહોંચ્યા ત્યારે અમને જાણ ન હતી એવું ઘણું કરવાનું બાકી હતું. એ સમય ટૂકો હતો... જો અમારી સાથે મુલાકાતી જિલ્લા ઈનોવેટર મીરાબેન અને ઈન્દુબેન ન હોત તો સમયસર કાર્ડશિટમાં નિર્માણ કાર્ય કરી શક્યા ન હોત. એ જ રીતે મારી જીવનની હમસફર અને દરેક સફરની જેમ આ સફરમાં પણ જો ધારા સાથે ન હોત તો મારી તબિયતની કેર હું જ લઈ શકું એવો ત્યાં સમય ન હતો અને કદાચ ત્રણ દિવસ પથારીવશ થઈ ગયો હોત. પણ તેની સતત કાળજી ને ગ્લુકોઝના ડોઝે આ કાર્યક્રમને હેમખેમ પાર ઉતાર્યો છે.
આ ટુરનો પ્લસપોંઈન્ટ એ રહ્યો કે અમારી સાથે અમોદ્રા વિનય મંદીરના પ્રાચાર્ય શ્રી નિતિનભાઈ ઓઝા સાહેબ સાથે હતા. અહીંના વિસ્તારમાં તેઓ શિક્ષણના માઈલસ્ટોન છે. હું જ્યાં અત્યારે નોકરી કરી રહ્યો છું તેવા શ્રી વડવિયાળા ગામમાં તેમણે ખાસ્સાવર્ષો નોકરી કરી અને મેં તેમના વિદ્યાર્થીઓમાં એવા લોકો પણ જોયા છે જે એમનો ફોટો રાખીને પૂજતા હોય. ખ્યાલ છે કે જાહેરમાં મારે તેમના વિશે આમ લખવું કદાચ તેમને પણ ન જ ગમે પણ અમને ગમે છે. તેમના કેટલાય વિદ્યાર્થીઓ મારી સાથે નોકરી કરે છે. આટલી પ્રચંડ લોકચાહના વચ્ચે તે નિર્લેપ છે તે જ તેમની સ્થિતિ અમને તેમના આદર્શોને ઝીલવા પ્રેરે છે. એમની સાથે આ પ્રવાસ કર્યો. કદાચ સાપુતારામાંથી જે મળ્યું છે તેનાથી કેટલાય ગણું રાતની મુસાફરીમાં અમે ત્રણેય હું, પારસ, જયદીપસિંહ, નિતિનસાહેબ સાથે વાતો કરીને મેળવ્યું છે. તેમના આટલા વર્ષોના શૈક્ષણિક અનુભવો. ક્લાસ રૂમ કે શાળામાં ગ્રાઉન્ડ વર્ક સમયે રિયાલિટી અલગ હોય છે તેની કેટલીક અનુભવજન્ય વાતો સાહેબે કરીને જાણે અમારા આગળના એકેડમિક વર્ષોનું પથદર્શન કરાવ્યું છે. માધ્યમિકનો વિભાગ થોડો દૂર હતો એટલે સાહેબ પાસે કોણ કોણ વ્યક્તિએ કઈ રીતે મુલાકાત લીધી આ ફેર દરમ્યાન એ ખબર નથી પણ તેમનો નવતર પ્રયોગ માધ્યમિક ધો. 10માં ગુણોત્તરવૃદ્ધિનો છે. એક ખંડેર શાળા જે આજે પણ અમોદ્રા હાઈસ્કુલ નળિયાવાળી શાળા છે તેને પ્રોજેક્ટરથી સજ્જ કરીને ત્યાં સંખ્યા ખેંચી લાવ્યા. ઉનાથી દૂર નથી માટે ધો. 10માં તો બાળકો ઉનાની પ્રાઈવેટ્સમાં આવે પણ તેમના કાર્યોનું પરિણામ અમોદ્રા ભોગવી રહ્યું છે કે ઘણી મોટી સંખ્યામાં બાળકો હવે ત્યાં આવે છે. સ્પેશિયલ પુસ્તકાલય માટેનો તાસ આવે એવી જુજ શાળાઓમાં આ શાળા છે. શાળા પુસ્તકાલય કેમ મેન્ટેન કરાય તેનું કાર્ય પણ તેમની પાસેથી શીખવા જેવું કાર્ય છે. માત્ર જ્ઞાનાત્મક નહીં સર્જનાત્મક વિકાસ થાય તે માટે બાળકોની કૃતિઓ લઈને વાર્ષિક અંક તૈયાર થાય છે. ઘણું લખી શકાય નિતિનસાહેબ ઓઝા વિશે. વિરમું. (બરાબરને સાહેબ?) ખૂબ મજાક મસ્તી સાથે સાંજે 5 વાગે સાપુતારાથી નીકળ્યા. સુરત પહોંચ્યા. આ અહેવાલ માટે મારે થોડા દિવસ થયા કારણ કે ઘણું યાદ કરવાનું, થાક ઉતારવાનું, શરીરને વાતાવરણને અનુકૂળ કરવાનું બાકી હતું. જેમ સ્મશાન સંન્યાસ ઘણાને આવે એમ મને ઈનોવેશન ઉત્સાહ આવી ગયો છે. રાજ્ય કક્ષાના મિત્રો તમે સૌ યાદ છો હવે ફરી આવતા વર્ષે જો જુનાગઢ ડાયટ અમને પસંદ કરશે નવા નાકે નવી દિવાળીમાં તો ચોક્કસ મળીશું.
ફરીથી ડાંગના ડાયટ પ્રાચાર્ય રાઉતસાહેબ, ધારાસભ્ય ગામીત સાહેબ કે જેમણે બાળકોએ લખેલી બાળ વાર્તામાં રસ લીધો., માન. ટી.એસ જોશી સાહેબ, આર.સી. રાવલ સાહેબ, અનિલ ગુપ્તા સાહેબ, અવિનાશ સાહેબ, ચેતનભાઈ વગેરેનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સૌથી પહેલો આભાર જુનાગઢ ડાયટના ઈનોવેશન સેલના પંપાણિયા સાહેબનો. ભરતભાઈ, માનનીય કરકર સાહેબ, તરુણભાઈ, રાજુભાઈ,નિલેશભાઈ, આ સૌ અમારા પ્રેરણાસ્રોત રહ્યા છે. આભાર....આભાર...આભાર...
નોંધ- અહીં જે ફોટોસ્ મુક્યા છે તે જે તે વ્યક્તિના સન્માન માટે છે. આમ છતા અહીં આપનો ફોટો હોઈ અને આપને યોગ્ય ન જણાઈ તો કોમેન્ટમાં જણાવશો તો તે દૂર કરવામાં આવશે.