તત્વમસિઃ તું હૈ તો દુનિયા કિતની હંસી હૈ..

તત્વમસિઃ તું હૈ તો દુનિયા કિતની હંસી હૈ..
IMG_20170513_132637.jpg
એક વૃદ્ધ જેવો હું દેખાઉં છું. મેં એક પોતડી પેરી છે 
અને એક ઝબ્બો. ખૂલ્લા ફળીયામાં બેસીને વાંચું છું. 
કિશોરવયના છોકરાછોકરીઓ આવીને કહે છે..., 
આટલા વર્ષે, આ યુગમાં આવા સ્થાને બેસીને 
આપ શું કરો છો...? તમે કેમ ગામડામાં જ રહ્યા? 
થોડીવાર એમ જ બધા બેસી રહ્યા મારું હસતું 
મોં જોઈને... મને પણ કંઈક વાંચવા જેવું આપો... 
એક કિશોર એમાંથી બોલે છે.  હું 
તેનો હાથ પકડીને મારા રૂમમાં લઈ જાઉં છું 
અને ધીરે રહીને તેને એક પુસ્તક આપું છું 
જેના પૂઠાં પર હળવેકથી હાથ ફેરવું છું. 
ધીરે રહીને મનમાં ગણગણું છું ‘તત્વમસિ’ 
તારો પંથ પણ ઉજાળે.


એલાર્મ વાગે છે અને હું સળવળી ઊઠું છું ત્યારે 
ગ્રીષ્મ સવારના પહોરમાં પણ ક્રોંકરેટના વનમાં 
દઝાડે છે. 

*****


લ્યુસી તરફ ઢળેલી લાગણી, સુપરિયા પાસેથી 
બાયપાસ થઈને નર્મદાને જ નહીં પણ આ 
કુદરતના પ્રેમમાં પડે છે અને જે રીતે કથામાંથી 
આપણને મળે છે એ રીતે કહેવાનું કુદરતને 
– પ્રકૃતિને કહેવાનું મન થાય કે તું હૈ તો 
દુનિયા કિતની હંસી હૈ... 


મૂળ ભારતીય પણ વિદેશ અભ્યાસ કરતો છોકરો, 
પ્રકલ્પના કામ સબબ નર્મદાના કિનારે વસતા 
આદિવાસીઓ પર રિસર્ચ માટે આવે છે અને તેના 
મનનું એનાલિસિસ થઈ જાય છે અને તે મૂળ અને 
કૂળને પામીને કુદરતના ખોળે જઈ પડે છે. 


નર્મદા કિનારાના વર્ણનો. આદિવાસી લોકોની બોલી, 
તેના રિતરિવાજો. માનવીયતા, પ્રકૃતિ સાથેનો સંબંધ, 
વચ્ચે વચ્ચે ઝરમર વરસીને વહી જતી કથાનાયક અને 
બે કથાનાયિકા વચ્ચેના સ્નેહની વાદળીઓ. એ બધું 
જ કથાને એટલું તો રસભર બનાવે છે કે તમે નર્મદાના 
પ્રવાહની જેમ તેમાં વહેતા જ રહો....


કથાનાયકના મનોભાવો સાથે વાચક ચાલી શકે અને 
તેને જજ કરી શકે તેટલો સર્જકીય ચમત્કાર જ આ 
કૃતિને સાહિત્યિક ઓપ આપવા પૂરતી છે. તમે 
કથાનાયક સાથે હોવ તેવો કેથારસિસ અનુભવ થાય 
પણ તમને એમ લાગે કે તમે તેનાથી થોડાં દૂર છો 
અને આ બધું જુઓ છો. બસ એ કર્તાના 
ભાવવિરેચનમાંથી વાચકને બચાવીને દૃષ્ટાના સંવેદનમાં 
કથાને મૂકી દેવી તે જ સાહિત્યિક સર્જકત્વની ચમત્કૃતિ છે. 


તમે એટલે દૃષ્ટાના ભાવવિરેચનમાં હોવ કે તમે પેલા 
કથાનાયકની જેમ રખડપટ્ટી નથી કરી શકતા, તમે 
ભયાવહ સ્થિતિમાં એની જેમ વર્તી નથી શકતા. 
તમે એ રસ્તે નથી જતાં જ્યાં ખબર છે કે કાબા છે... 
તમે તેની જેમ અનાવૃત્ત થઈને નથી રહી શકતા... 
છતાં બધું જ નિહાળવામાં હૃદય પેલા કથાનાયક સાથે છે. 
કંઈક છંછેડીને ચાલ્યું જાય છે. અમારા પરેશભાઈ કોટેચા 
આ વાંચીને કહે છે માણસ આ હદે વિચારોથી પણ 
અનાવૃત્ત થઈ શકે ત્યારે અહીં જે ઈંગિત છેને એને પામી 
શકાય.


ખરી વાત છે, માનવીની ભવાઈમાં જેમ અંતિમ દૃશ્ય 
ચમત્કૃતિ સર્જે છે માનવીના માનવી હોવાપણા વિશે એવી 
જ ચમત્કૃતિ સર્જાય છે અહીં અંતિમ તબક્કે. 


કશું લઈને આવ્યા નથી અને કશું લઈને જવાના નથી પણ 
આ બે અંતિમો વચ્ચે કશું ન હોવાની અવસ્થા આવી પડે તેને 
જીરવવી અઘરી હોય છે એનું ભાન સભાન પણે અહીં કથાનાયક 
કેળવે છે પેલા કૂળ અને મૂળને પામવા માટે. આપણી ગતિ તો 
એ હોવી જોઈએ...


સાહિત્યિક કૃતિ અને પસ્તીછાપ સાહિત્ય વચ્ચે આ જ 
તો તફાવત છે કે એકની શોધ ખજાનો હોય છે, જે 
બધાને જો તો હોય છે પણ અહીં સાહિત્ય પાસે 
શબ્દનો ખજાનો છે જે શોધતા શોધતા તમે મૂળ અને 
કૂળને શોધવા તરફની ગતિને આરંભો છો. 


તત્વમસિ પછી બે દિવસ મેં આ નથી લખ્યું. 
માત્ર વિચાર્યું છે. તત્વમસિથી હટી જઈને વિચાર્યું છે 
અને ત્યારે પણ મારા મને એ જ પામ્યું કે ખરે 
અહીં લખી રહ્યો છું તે યોગ્ય જ છે આ કૃતિ માટે. 


જંગલોના વર્ણનો વિભૂતિભૂષણ બંદોપાધ્યાયની ‘આરણ્યક’ 
નવલકથાના વર્ણનોના પેગડામાં પગ ન જ મૂકી શકે તેવું 
મારાથી કહેવા સિવાય રહેવાતું નથી. આરણ્યક સતત યાદ 
આવી આ વાંચતા. દીપનિર્વાણ પણ અને અકૂપાર પણ... 
અકૂપાર વિશે વાત કરવાની બાકી છે તે હવે પછી. પણ 
ભારતીય તત્વદર્શનનું મૂળ પ્રકૃતિમાંથી જ સાંપડશે. પ્રકૃતિ 
સાથે જ તો આ ધરાતલની સંસ્કૃતિ જોડાયેલી છે. 


અમારા વિસ્તારના વૈદ્ય દમણિયા સાહેબ સાથે આરોગ્ય વિષયક 
ચર્ચા થઈ ત્યારે તમણે સરસ વાત કરી કે આજે પંચતત્વો 
જ બગડી ચૂક્યા છે એટલે સંસ્કૃતિ બગડી છે જો પ્રકૃતિના 
પંચતત્વો શુદ્ધ રાખ્યા હોત તો એવું કદી ન બનતે. 


આ જ વાત કથાના પાત્ર શાસ્ત્રીજીની ભાષામાં જાણો તો...


- આપણું તો જીવન જ પ્રકૃતિ પર નિર્ભર છે. 
એને છેહ દીધે આપણે ચાલવાનું નથી.


કે પછી...


- ધર્મની નથી એટલી ચિંતા મને સંસ્કૃતિની છે, આપણી જીવનરીતિ 
અને પરંપરાઓની છે. આપણી શ્રદ્ધાની, જીવન પ્રત્યે જોવાની 
આપણી લઢણની જેટલી ચિંતા મને છે તેટલી બીજા કોઈ વાતની નથી. 
આ દેશની પ્રજા વિદેશી શાસકોને જીરવી ગયાં. પરધર્મોને પણ તેમણે 
આવકાર્યા. પણ હવે જે સાંભળું છું. જોઉં છું એનાથી ડર લાગે છે. 
હવે આપણી જીવન દૃષ્ટિ બદલવાના પ્રયત્નો થાય છે. આપણી 
પરંપરા આપણી સંસ્કૃતિ... આ જશે તો આ દેશ નહીં ટકે. 
મારી ખરી ચિંતા એ છે, ધર્મ નથી. 


ધર્મને આ દેશ જ અધ્યાત્મની એરણ પર તપાસી શકે 
કારણ કે તે સચરાચરમાં વ્યાપ્ત તત્વ પોતાનામાં પણ છે 
તેવું શોધી રહ્યો છે. માનવીયતાના મૂળને સાબૂત રાખવા 
માટે ખૂબ સરસ વાત અહીં થઈ છે...


-  એકાદ પ્રાણી કે પક્ષીની નસલનું અસ્તિત્વ જોખમમાં પડે તો 
આખી દુનિયા તેને બચાવી લેવા તૈયાર થઈ જાય. કહેવાતા બુદ્ધિજીવીઓ 
હાંફળા-ફાંફળા બનીને બોલવા – લખવા બેસી જાય છે. પૈસા ખર્ચે 
અને વિરોધ પણ કરે. પણ માણસની આખી સંસ્કૃતિ, તેની પરંપરા, 
તેના જીવનની ધરોહર સમૂળગી નાશ પામે, આખેઆખી વ્યવસ્થા 
જ ભાંગી પડે તેને પરિવર્તન ગણીને વધાવે – આ મને યોગ્ય નથી 
લાગતું, તમને લાગે છે?


અહીંથી આપણે પણ આપણી આસપાસ બનતી આ દેશની ઘટના 
તરફ વિચારતા થઈ જઈએ છીએ.  તો વળી બીજે છેડે એ જાત 
પ્રત્યે અધ્યાત્મિકતાની વાત કરે છે... લક્ષ્મણ અને કથાનાયક વચ્ચે 
પુનર્જન્મની વાતો થાય છે અને એમાં લક્ષ્મણ કહે છે તમે આ જન્મમાં 
માનો છો? અને પછીના મનોભાવો એમના જ શબ્દોમાં વાંચો...


-  અચાનક મને કંઈક નવો જ અનુભવ થયો. ઝરણાં જાણે થંભી ગયાં છે, 
હવા જાણે સ્થિર થઈ ગઈ છે, પર્ણોનો ફરફરાટ જાણે ખોવાઈ ગયો છે.  
આ પંખી નથી, અહીં પર્વતો નથી આ અરણ્યો નથી. તો આ શું છે? અને 
તરત મનમાં જ બીજો પ્રશ્ન ઊઠી આવ્યો, ‘હું કોણ છું?’ 


તરત મને સાંભરી ‘ગઝલ સંહિતા’ – રાજેન્દ્ર શુક્લ ...


“ગઈ ક્યાં તળેટી, શીખર ક્યાં ગયા સૌ, 
ન પંખી, નવાદળ, ન શબ્દો, ન કાગળ;
હવા જેમ ફરકે હવે માત્ર હોવું, 
અમસ્તું અમસ્તું જ આછું પટંતર.”


કેવડી ઊંચાઈ, એક કથા સાહિત્ય આપણને પીરસી જાય કા
રણ કે કથા સાહિત્ય જ ભારતીય મૂળને સાચવવાના શબ્દનો 
પટારો છે. આપણો સમાજ જ્યારે જ્યારે માણસાઈ ભૂલી 
બેસે છે ત્યારે ત્યારે આવા કથાલેખકોએ જાગૃત રહીને સમાજને 
સતર્ક કરવાનું કાર્ય કર્યું છે. આપણે કથાનાયકની જેમ ભૂલી 
જઈએ છીએ ત્યારે સુપરિયા જેવી નાયિકાના શબ્દો યાદ કરાવે છે કે –


-  માણસ સંસાધન નથી તે હવે સમજાયું હશે. 
એ અસ્તિત્વ છે. 


સંસ્કૃતિ અને શિક્ષક એક બીજાના પર્યાય રહ્યા છે આપણી જ 
ધરાતલ માટે નહીં જગતના ઈતિહાસ તપાસો શિક્ષકે સમાજને 
સંસ્કૃતિના રસ્તે વાળ્યા છે કે નવી સંસ્કૃતિના કિનારે મૂકીને 
પરિવર્તનના પ્રાગટ્યની ઉષાને વધાવવા શિક્ષકે જ સમાજને 
ઉજાગર કર્યો છે શિક્ષક વિશે પણ સરસ વાત મળે છે કે 

–  હું સ્વીકારું છું કે શિક્ષક બનવું સહેલું નથી. તમારા શબ્દો 
પર માણસો વિશ્વાસ મૂકે છે.


આપણી સંસ્કૃતિમાં શિક્ષકનું આ સ્થાન છે આજે આપણે 
‘સહાયક’ કે ‘બી.એલ.ઓ.’ બનાવી દીધો એવો તો 
હતો જ નહીં અને એટલે જ આપણે સૌએ શાસ્ત્રજી જેવી 
ચિંતા દાખવવી જ પડશે કે કોઈ પણ ભોગે સંસ્કૃતિને 
ટકાવી લેવામાં આવે. પણ આપણે એટલા આગળ 
નીકળી ગયા છીએ કે આપણા સમાજને એ પણ સમજાવું 
પડે એમ છે કે સંસ્કૃતિ એટલે શું? એ રગતપિત કરી 
નાખતી રૂઢી નથી, એ બોરિંગ કરતી બોરડી નથી કે 
તમને પરાણે ફસાવે, સંસ્કૃતિ એ એવો પીપળો નથી કે 
પાળવા મજબૂર કરે. સંસ્કૃતિ એ એક આર્ટ ઓફ 
લિવિંગ છે.  આ સમજાવે છે આપણો ખરો શબ્દ 
સાધક એ કહેવાતો ‘બુદ્ધિજીવી’ ક્યારેય ન હોઈ શકે. 


આખરે...


આ કૃતિમાં કહેવાયું છે એમ આ લેખકને પણ લાગું પડે કે 
તમારું કોઈ કામ વ્યર્થ નથી. સ્થૂળ દેખાતાં કામો જ સૂક્ષ્મ 
વિકાસ તરફ દોરી જાય છે. માત્ર ધન કે યશ મેળવવામાં 
જીવન સમાપ્ત કરનારા તો અનેક છે. લાખોમાં એકાદ 
માનવી જ તું જે માર્ગે ચાલ્યો છે તે માર્ગે ચાલે છે. 
ખરું જ કહેવાયું છે  ગીતાના સાતમા અધ્યાયના 
ત્રીજા શ્લોકમાં પણ...


मनुष्याणां सहस्त्रेषु कश्चिश्चतति सिद्धये। 

यततमपि सिद्धानां कश्चिन्मां वेत्ति तत्वतः।। 


(હજારો મનુષ્યોમાં કોઈ એક મને પામવા માટે 
પ્રયત્ન કરે છે અને પ્રયત્ન કરનાર યોગીઓમાંથી 
પણ કોઈ એક મારે પરાયણ થઈ મને તત્વથી 
એટલે કે યથાર્થ રૂપે જાણે છે.)

About aKshArAnANd

સામાય ધસી જઈએ, આઘાય ખસી જઈએ... હોવું ય હવે ઉત્સવ આકંઠ શ્વસી લઈએ....રેતાળ કીનારા પર હેતાળ હસી લઈએ..... મૃત્યુ, જીવન, ઉત્સવ, પ્રેમ, કોમ્પ્યુટર, દોસ્તી પુસ્તક આ બધાને મળવા માટે ધરતી પર ફરવાનું બહાનું મળે તો તે ખરેખર લિજ્જતની વાત છે.....
This entry was posted in આંખના ઈશારે..... Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s