પ્રેરણા રૂપ સીતા આવી જ જોઈએ…

સીતાઃ મિથિલાની વીરાંગના 

– અમીશ ત્રિપાઠી

સીતાઃ મિથિલાની વીરાંગના એ રામચંદ્રશ્રેણીનો બીજો ભાગ છે પ્રથમ ભાગ ઈક્ષવાકુના વંશજ હતો.

અમીશ શિવની શ્રેણીમાં ગણરાજ્યોની વાત કરી અને તેને શિવજી સાથે જોડી. અહીં એ ગણરાજ્યોના વેપાર અને વ્યવહારની વાતને તેણે રામ અને સીતા સાથે જોડી છે.
dhoomkharidi.com માંથી મારી બુક આવી એ પછી અઠવાડિયું માત્ર પડી રહી અને પછી વેકેશનમાં હાથમાં લીધી તો ચાર દીવસે કટકે કટકે પૂરી થઈ. પણ રસપ્રદ રહી. તેનો ભાવાનુવાદ ચિરાગ ઠક્કરે કર્યો છે. મૂળ અંગ્રેજીમાં હું કૃતિનો રસાસ્વાદ નથી લઈ શકતો તેથી હું મારી માતૃભાષામાં અનુવાદિત કૃતિ વધારે લેવાનું પસંદ કરું છું. ચાલો, તો થોડીવાતો આ પુસ્તક બાબતે...
અમીશનું સર્જન મને ગમવાનું એક માત્ર કારણ હોય તો એ છે કે પુરાણ અને ઈતિહાસને જોડીને હાલની સમસ્યાને વાચા આપી દે છે. સીતાની આગળનો ભાગ ઈક્ષવાકુના વંશજમાં તેમણે નકસલવાદ અને આતંકવાદ અને બળાત્કાર અને નેતૃત્વની વાતો કરી હતી. એ કથા છેલ્લે નેતૃત્વની વાતે આવીને અટકે છે અને તે પુરુષ નેતૃત્વની વાતે આવીને ઉભેલી કથા સ્ત્રી નેતૃત્વથી સીતાઃ મિથિલાની વિરાંગનામાં શરૂ થાય છે.

આ નવલકથાનું સાહિત્યિક કે વિવેચન મૂલ્ય કદાચ ન પણ હોય. પણ આને સર્જન તો કહેવું જ રહ્યું. આજના સંદર્ભે ભારત વિશે જે વાતો યુવાનોમાં મૂકવી જોઈએ એ કામ અમીશ કરી રહ્યો છે. અમીશ એ પેઢી માટેનો લેખક છે કે જેને દાદા-દાદીની વાર્તાઓ સાંભળવાનો સમય કે તક નથી મળી.

આપણા ભગવાનોને આપણે એક શક્તિના રૂપમાં જોવા જ પડશે. તેને કરેલા ફેરફારો કે તે કરવા ધારતા ફેરફારોને નવી પેઢીમાં રોપવા પડશે. વિચારો જ ક્રાંતિ કરી શકે છે.

સીતાના જન્મથી લઈને રામ અને સીતાના લગ્ન અને વનવાસ સુધીની વાત છે. વાયુપુત્રો અને મલયપુત્રોનો ગજગ્રાહ અને બીજી બાજુ રાવણ ધીમે ધીમે વધારતો જતો પોતાનો વેપાર, એ સિંધુસંસ્કૃતિ પર તોળાતું સંકટ બને છે. તેની સામે મોટા નેતૃત્વને મૂકવાની વાત થઈ રહી છે. ત્યારે ફરી ભારતમાં એ જ કડાકુટ કે મલયપુત્રો પોતાના નેતાને મૂકવા માંગે છે ને વાયુપુત્રો પોતાને, કોઈ સમન્વય કરવા નથી ઈચ્છતા. સીતા રામને પરણીને એ સમન્વય સાધવાનો રસ્તો બનાવે છે અને એ એકતા જ કદાચ ભારતને રાવણથી બચાવી શકે.


કથા જાનીપહેચાની નથી. માત્ર પાત્રોના નામ જ જાણ્યામાણ્યા લાગે એવા છે. ઘણું ઈતિહાસનું સંશોધન, થોડો માયથિકલ ટેસ્ટ અને તેમાં કલ્પનાનો કિમામ ઉમેરીને જક્કાસ બનાવ્યું છે આખું ચિત્ર...

ઘણાં કારણો, ઘણાં પ્રશ્નો ઘણી વાતોના ઉત્તર આપણને મળી જાય છે. આવી સંશોધનાત્મક અને વિચારપ્રધાન નવલકથા આપણે ત્યાં ઓછી લખાય છે. હજુ ગુજરાતી સાહિત્યકારો પ્રેમલા પ્રેમલી કે થ્રિલર રસોઈ બનાવવામાંથી ઊંચા નથી આવ્યા અને હજુ ગુજરાતી વાચકોને એવી જ રસોઈ ભાવે છે. જો કે નવી પેઢીમાં કેટલાક આશાસ્પદ છે જેની ચર્ચા પછી ક્યારેક અત્યારે તો 
સીતા વીશે વાત કરીએ...

સીતાઃ મિથિલાની વીરાંગના... એ વાંચતા વાંચતા મને વિચાર આવ્યો કે આપણી સીતા તો કેવી છે, લવિંગ કેરી લાકડીએ રામ સીતાને મારે તો પણ તે મૂર્જાઈ જાઈ એવી. જ્યારે આ સીતા વીરાંગના છે. આજની સ્ત્રીની પ્રેરણા રૂપ તો આવી સીતા હોવી જોઈએ. જેને લાકડી ચલાવતા આવડે છે, જેને તલવારબાજી આવડે છે. જેને ઘોડા ખેલવતા આવડે છે, જેને રાજ્ય ચલાવતા આવડે છે અને એકલે હાથે રાવણના ગુંડાઓ સાથે લડી પડે એવી વીરાંગના સીતા. મારા ભારતની ધાર્મિક પ્રજાનો આદર્શ આવી જ સીતા હશે. કદાચ આવી જ સીતા હશે પણ આપણા સૌંદર્યપ્રેમી સાહિત્યકારોએ જ સીતાને કોમળ બનાવી દીધી અને તેના આદર્શે ભારતની બધી સ્ત્રીને કોમળ બનાવી દીધી. એ પતિવ્રતા એ અર્થમાં હતી કે તે પતિ સાથે લડાઈમાં પણ ખંભે ખંભા મેળવીને ધરતી ધ્રુજાવી શકે ખરા અર્થમાં સહધર્મચારીણી નહીં કે ઘરમાં પડીને પતિની માથે પડે...

આજે પણ એવો સમાજ છે જે પોતાના દીકરાની વહુ કે ઘરની દીકરી કમાવવા જાય તો જીભ કાઢે ને નાકનું ટેરવું ઊંચું કરી જાય કે સ્ત્રીઓની પ્રગતિ જોઈને અસહકારી સમાજ ઉભો થાય... એવા ઓએ આ વીરાંગના સીતાના જીવનમાંથી ધડો લેવા જેવો છે.

વિશેષ તો તમને આ પુસ્તક કહેશે... અહીં તેમાંથી ગમેલા કેટલાક વાક્યોના દાણા વેરું છું...

- ઘણાં લોકો એટલા ચતુર નથી હોતા કે જીવનના આશીર્વાદ ઓળખી શકે. તેના બદલે તેમનું ધ્યાન આ દુનિયામાં તેમને જે નથી મળ્યું તેની પર જ કેન્દ્રિત હોય છે.

- આપણે ન ટાળી શકીએ એવી વસ્તુઓ માટે તૈયાર રહેવું સારું.

- જીવનમાં અમુક વસ્તુઓ જાણવા માટે અમુક આયુ હોય છે. તમારે તેના માટે સજ્જ થવું પડે છે.

- પેટ ખાલી હોય ત્યારે પણ પોતાનું ચારિત્ર્ય મક્કમ રાખવાની ક્ષમતા બધામાં નથી હોતી.

- ઘણીવાર નિર્ધનોમાં ધનવાન કરતાં વધારે ઉમદા ગુણો હોય છે.

- ધ્યેય નક્કી કરવા માટે તમારે તમારું હૃદય વાપરવાનું, પણ એ ધ્યેય સુધી જવાનું આયોજન કરવા માટે તારે તારા મસ્તિષ્કનો ઉપયોગ કરવો પડશે.

- તમારે મુક્ત વિચારધારા તો અવશ્ય અપનાવવી પડશે. કારણ કે એ વિચારધારા જ ભારતીય છે. પણ આંધળા અને મૂર્ખ બનીને મુક્ત વિચારધારા અપનાવાની આવશ્યકતા નથી.

-  મોટાભાગના લોકો સમાજ અને કુટુંબના દબાણ સામે નમી જાય છે. જોકે તેના કારણે તેમનામાં ભયંકર નિરાશા ઉત્પન્ન થાય છે. એવા લોકો સુખી નથી રહી શકતા, ક્રોધમાં જ રહે છે, અને અસમતુલિત અને અસંતુષ્ટ જીવન જીવતા જાય છે. ઉપરાંત સમાજને પણ તેના કારણે સહન કરવું પડે છે. સમાજને એવો ક્ષત્રિય મળે છે જેનામાં શૌર્ય નથી અને જે સમાજનું રક્ષણ કરી શકે એમ નથી. એ સમાજને એવો બ્રાહ્મણ મળે છે જેનામાં વૈદ્ય કે મૂર્તિકાર સ્વરૂપે કૌશલ્યપૂર્ણ શૂદ્ર બનાવાની અભિરૂચિ છે. માટે એવો બ્રાહ્મણ બહુ ખરાબ શિક્ષક બની રહેશે. છેવટે, એ સમાજને અધોગતિની દિશામાં લઈ જશે.

- પીડાકારક સ્મૃતિઓને વળગી રહેવું નિરર્થક છે.

- સમસ્યાઓ અને પડકારોનો કદી અંત આવવાનો નથી, તે તો આ જીવનનો હિસ્સો છે.

- ભાગી છૂટવાથી  કદી ઉકેલ મળતો નથી. તમારી સમસ્યાઓનો સામનો કરો. તેના ઉકેલ શોધો. એ જ છે એક યોદ્ધાની રીત.

- પાછળ જોઈશ નહીં. ભવિષ્ય સામે જો. તારા ભવિષ્યનું ઘડતર કર. ભૂતકાળનો શોક કરવાની આવશ્યકતા નથી.

- માણસનો સૌથી ભયાનક શત્રુ એ જ બની શકે જે ક્યારેક તેનો શ્રેષ્ઠ મિત્ર રહી ચૂક્યો હોય.

- પરિવર્તનથી અસંતોષતો જન્મે જ.

- અશ્રુઓ છુપાવવા માટે જ હોય છે.

- મહાનતા બહુ મોટી અંગત પીડાના ભોગે જ આવે છે.

- સૌ પ્રથમ તો, તે એક આવશ્યકતા નથી. લગ્ન કરવા કોઈ માટે ફરજિયાત ન હોવાં જોઈએ. અયોગ્ય માણસ સાથે પરણી જવાથી મોટી દુર્ઘટના અંગત જીવનમાં બની શકે નહિ. તમારે તો જ પરણવું જોઈએ કે જો તમને કોઈ એવું પાત્ર મળે કે જેને તમે ખરેખર પ્રશંસતા હોવ તથા જે તમારા જીવનનું ધ્યેય સમજવામાં અને સિદ્ધ કરવામાં મદદરૂપ બને. અને તમે પણ તે પાત્રના જીવનમાં એ જ ભાગ ભજવી શકો. જો તમે એવું એક પાત્ર મળે, તો તમારે પરણવું જોઈએ.

- માત્ર નેતૃત્વ પૂરું પાડે તે જ આગેવાન ન કહેવાય, તે આદર્શ પણ હોવો જોઈએ. તેણે પોતાના પ્રચાર મુજબ આચરણ પણ રાખવું જ પડે.

- આગેવાન એટલે માત્ર એ વ્યક્તિ નહિ કે જે લોકોને તેમની ઈચ્છા મુજબ જીવન આપે. લોકોએ કલ્પ્યું હોય, તેનાથી પણ વધારે સારા બનવાનું તેમને શીખવે તેને આગેવાન કહેવાય.

- ભારતનો ઉદ્દય થશે, પરંતુ સ્વાર્થી કારણોને લીધે નહીં. તેનો ઉદય ધર્મ માટે થશે...સર્વના ભલા માટે તેનો ઉદ્દય થશે.

- પરિસ્થિતિ એવી છે કે યુવાનો અને યુવતીઓ અંતિમવાદી વિચારધારા ધરાવતા થઈ ગયા છે. બુદ્ધિ છે પરંતુ ચાતુર્ય નથી. નિર્ધનતા છે. હિંસા માટે પ્રેમ છે. એ લો એમ નથી સમજતા કે તેમના સમાજમાં જે સમતોલન ખોરવાયું છે, એ જ બધી સમસ્યાઓનું મૂળ છે. એ લોકો સરળ અને ત્વરિત ઉપાય શોધી રહ્યા છે. અને જે લોકો એમની જેમ નથી વિચારતા એમને તે લોકો ધિક્કારે છે.

- આ અંતિમવાદી વિચારધારાવાળા, શક્તિહીન, હિંસાપ્રેમી યુવાનોને સરળ ઉપાય જોઈએ છે અને તે લોકો નબળા ઉપર આક્રમણ કરે છે. તેના કારણે તેમને મજબૂત અને શક્તિશાળી હોવાનો અનુભવ થાય છે. પુરુષપ્રધાન જીવન શૈલીના વિચારો તેમને વિશેષતઃ આકર્ષક લાગતા હોય છે અને એ વિચારો તેમને દિશાહીન બનાવી દે છે. આમ સમાજમાં અંધાધૂંધી ફેલાય છે.

- નિયમો શક્ય તેટલા ઓછા હોવા જોઈએ, માત્ર એટલા જ કે જેના માળખામાં રહીને માનવજાતની સૃજનાત્મકતા શ્રેષ્ઠરીતે અભિવ્યક્ત થઈ શકે. સ્વાતંત્ર્ય એ જ જીવન જીવવાનો પ્રાકૃતિક માર્ગ છે.

- જીવન એટલે માત્ર આપણી ઈચ્છાઓ જ નહીં, આપણું ઉત્તરદાયિત્વ પણ ખરું. આપણને માત્ર અધિકારો જ નથી મળેલા, આપણે આપણાં કર્તવ્યો પણ પૂરાં કરવાનાં છે.

- ક્યારેય પ્રેમ પામવો જ નહીં એ કરતાં પ્રેમને પામીને ગુમાવી દેવો વધારે સારો.

- આ એવો દેશ છે જ્યાં લોકોને નિયમો અને આયોજનો ગમતાં જ નથી.

About aKshArAnANd

સામાય ધસી જઈએ, આઘાય ખસી જઈએ... હોવું ય હવે ઉત્સવ આકંઠ શ્વસી લઈએ....રેતાળ કીનારા પર હેતાળ હસી લઈએ..... મૃત્યુ, જીવન, ઉત્સવ, પ્રેમ, કોમ્પ્યુટર, દોસ્તી પુસ્તક આ બધાને મળવા માટે ધરતી પર ફરવાનું બહાનું મળે તો તે ખરેખર લિજ્જતની વાત છે.....
This entry was posted in આંખના ઈશારે.... and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s