સાયન્સ ફિકશન અને ગુજરાતી સાહિત્ય એક મુસદ્દો

 IMG_20180117_073136
સાયન્સ ફિક્શન એટલે શું?  સાયન્સ ફિક્શન એ સાહિત્યની જ એક વિધા છે કે નહીં? સાયન્સ ફિક્શન અને સાયન્સ ફેન્ટસી આ બન્ને પણ અલગ સંકલ્પના ધરાવે છે. આપણે સૌ પ્રથમ ત્રણ શબ્દની વિભાવના સમજવી પડશેઃ સાયન્સ, ફિક્શન અને ફેન્ટસી.
સાયન્સ ફિક્શન લખતા લખતા જો આ બાબતની દરકાર ન રહી તો બાળવાર્તા કે જાદુઈ પરીલોકની વાર્તામાં સરી પડવાની પૂરી સંભાવના છે. પહેલી વાત તો એ  કે વિજ્ઞાનમાં કે જીવનમાં ક્યાંય ચમત્કારને સ્થાન નથી. મારા પ્રિય લેખક પોલો કોએલો જીવન વિશે કહે છે એ સાયન્સ વિશે પણ એટલું જ લાગુ પડે કે જીવનમાં ક્યાંય ચમત્કાર નથી જે છે તે આપણને ખબર નથી એટલે ચમત્કાર લાગે છે. બસ આ જ બાબત છે સાયન્સ ફિક્શન વિશે ત્યાં ક્યાંય ચમત્કાર નથી.
આપણે તો હજુ સાયન્સ ફિક્શન વિશે શરૂઆત કરીએ છીએ ત્યારે વિદેશી – અંગ્રેજી સાહિત્યમાં તો સાયન્સફિક્શનનો અનુઆધુનિક કાળ આવી ચૂક્યો છે.
કેન લીયુ નામના સીફી રાઈટર કહે છે કે આજે આપણે વેબ પેઈજમાં લખીએ છીએ, ટ્વિટ કરીએ છીએ, સેલ્ફી લઈએ છીએ… આ બધું સાયન્સ ફિક્શનમાં આગાહી કરેલું ન હતું તો તેના પરથી મને(કેન લીયુને) ખ્યાલ આવે  કે આપણા માટે બધું અપ્રિડિક્ટેબલ છે, ત્યારે સાયન્સ ફિક્શનનું સાધન છે અનવેરિફાય થીયરી દ્વારા વાર્તાને સશક્ત કથારીતી અને રૂપરચના દ્વારા પ્રસ્તુત કરવી, આ જ રસ્તો છે સાયન્સ ફિક્શન લખવાનો.
મને આ વિભાવનામાં શ્રદ્ધા છે. આ સંકલ્પના જ સાયન્સ ફિક્શન રાઈટર્સ માટે ગુજરાતી ભાષા-સાહિત્ય સંદર્ભે યોગ્ય લાગશે.
આપણી મૂળ મુશ્કેલી ક્યાં છે, ખબર છે? આપણા ગુજરાતી સાહિત્યમાં કોઈ વાદ આવ્યો અને એ એક વ્યક્તિ લાવ્યો અને એ જતા રહેતા એ વાદ પણ ચાલ્યો ગયો. ગુજરાતી કથાસાહિત્ય સંદર્ભે ઘટના તિરોધાન એક માત્ર લાંબો ચાલેલો વાદ છે. જો કે ગુજરાતી કથા સાહિત્યમાં વાર્તાની વિભાવના ખૂબ સ્પષ્ટ થઈ અને વિકસી છે. આજે આપણે આપણી પ્રથમ ટૂંકી વાર્તાના સો વર્ષ ઉજવી રહ્યા છે. ત્યારે હવે કથાસાહિત્યનો નવો પ્રવાહ સાયન્સ ફિક્શન પણ વિકસે એવું આપણે ઈચ્છીએ તો આપણે ત્યાં સાયન્સફિક્શન બાબતે પાયાનું કામ કરવાનું બાકી છે. તેની વિભાવનાઓ અને તેની પરીકલ્પનાઓ. વિજ્ઞાનના કલ્પનો સ્પષ્ટ કરવા પડશે.
શા માટે? આપણે કોઈ ટેકનોલોજીકલ વાત લઈ આવ્યા તો તેને સમજનારો વર્ગ ક્યાં? તો વાર્તાની શરત ત્યાં કામ લાગે કે કલ્પન દ્વારા ભાવવિરેચન કરાવવું. મંગળગ્રહની વિજ્ઞાન પરક વાત કરતા કરતા આપણે આપણા લોકોમાં ચાલતી તેની કલ્પનાને લેતા જઈશું તો વાચકને વધુ સ્પષ્ટ થશે.
સાયન્સ ફિક્શન બાબતે આપણી પાસે ગુજરાતીમાં એનો સાચો શબ્દ પણ નથી. જો આપણે સાયન્સ ફિક્શનને વિજ્ઞાન કથા કહેશું તો તો આપણે સાયન્સ ફિક્શન શબ્દના સંદર્ભને મારી નાખવા બરાબર થઈ જશે. તો તમે કોઈ લિયો નાર્ડોન્ડ વિન્ચી જેવા ચિત્રો દોરનારા અને બ્રીફ હિસ્ટરી ઓફ ટાઈમ જેવું પુસ્તક લખનારાને તમે કઈ કેટેગરીમાં મૂકશો? એટલે પહેલી વાત કે સાયન્સ ફિક્શન શબ્દ માત્ર સાહિત્ય સંદર્ભે નથી એ શબ્દ એવા હરેક બાબત અને વિધાઓ માટે છે કે જ્યાં વિજ્ઞાનની પાયાકીય સિદ્ધાંત સાથેની કલ્પના સાધી શકાતી હોય.  વિન્ચીના સબમરીનના ચિત્રો એ સાયન્સ ફિક્શન જ છે. તો વળી સ્ટિફન હોકિંગ્સનું બ્રીફ હિસ્ટરી ઓફ ટાઈમ એ પુસ્તક સાયન્સ ફિક્શનલ નિબંધ છે.
વિજ્ઞાન એટલે તર્કસંગત રીતે જેને પ્રયોગ કરીને સાબીત કરી શકાય એવી  બાબત.
ફિક્શન એટલે કલ્પન દ્વારા પ્રસ્તુત કરવી એટલે ફિક્શન. ફિક્શન શબ્દ મૂળ લેટીન ભાષાના fictuds ફિક્ટ્સ શબ્દ પરથી આવ્યો છે. જેનો અર્થ થાય છે. નવું કલેવર દેવું.
ફેન્ટસી (fantasy) શબ્દનું મૂળ લેટીન ભાષામાં phantasia ફેન્ટાસીઆ જેનો અર્થ થાય છે કપોળ કલ્પન.
આમ વિજ્ઞાન કથા સંદર્ભે વાત કરીએ તો હિન્દીમાં સાયન્સ ફેન્ટસીને વિજ્ઞાન ગલ્પ કથા કહી છે. આપણે તેનો શબ્દ રચવો હોય તો વિજ્ઞાન કલ્પન કથા એવું કરી શકીએ. પણ એ તો વિદ્વાનોનો વિષય છે.
હવે પ્રશ્ન થાય કે સાયન્સ ફિક્શન અને સાયન્સ ફેન્ટસી વચ્ચે તફાવત શું?
સાયન્સ ફિક્શનમાં વિજ્ઞાનની જે શોધ પ્રસ્તુત હોય તેનો વિસ્તાર હોય છે, જ્યારે સાયન્સ ફેન્ટસીમાં જે-તે શોધ પણ એક કલ્પના જ હોઈ શકે છે આ તેનું સ્પષ્ટ અંતર છે. તેનું ઉદાહરણ આપું તો એવું થાય કે એચ.જી વેલ્સે લખેલી ‘ફૂડ ઓફ ધ ગોડ’ કથામાં જે શાકભાજી કે ફળોની સાઈઝ મોટી થતી હતી તે સાયન્સ ફિક્શન છે કારણ કે એ વિજ્ઞાનના પ્રયોગથી સાબિત થયું હતું પરંતુ તેમાં એક માનવ બાળની સાઈઝ અચનાક જ મોટી થવા લાગે છે એ સાયન્સ ફેન્ટસી છે.
આપણે ત્યાં ગુજરાતમાં લખાયેલી વાર્તાઓ કે નવલકથાઓમાં મોટાભાગે કાં તો કોઈ અનુવાદ છે અથવા ભાવાનુંવાદ અથવા તો ઉઠાંતરી છે. હા. જો કોઈ સારું કામ થયું છે તો તેમાં કથાસાહિત્યના સૌંદર્યદર્શી બાબતોને નેવે મૂકીને કામ થયું છે. તમે જે વિધામાં કામ કરો છો એ તો થવું જ જોઈએને… !!હિમાનશી શેલતે સરસ વાત કરી કે મારે સમાજદર્શી વાર્તા લખવી હતી પણ મારે વાર્તા લખવી હતી એટલે પહેલા તો મેં વાર્તાના કલાઘાટ પર ફોકસ કર્યું અને પછી મારે સમાજના જે પ્રશ્નો લાવવા હતા તે લાવી. હવે યાદ કરો કીમ લીયુની વ્યાખ્યા. કથાવસ્તુનું સૌંદર્ય તેની રૂપરચના અને કથનરીતિ તો જળવવી જ જોઈએ.
આપણે ત્યાં વિજ્ઞાન કથા સાહિત્ય સંદર્ભે મૌલિક વિચારોનો અભાવ છે. મને એવું લાગે છે કે આપણો પ્રેરણાસ્રોત  અંગ્રેજી ફિલ્મો છે. ફિલ્મ અને વાર્તા લેખન બન્ને અલગ બાબત છે. અહીં વાર્તા લેખનમાં ટૂંકી વાર્તાથી લઈને  નવલકથા સહિતની વાત છે. ફિલ્મથી જ જો આપણે સાયન્સ ફિક્શનને સરખાવવાના હોય તો પછી આ ગુજરાતી કથાસાહિત્યમાં સાયન્સ ફિક્શનની ચર્ચા જ નકામી થઈ પડે. કારણ કે ફિલ્મમાં ઘણું દૃશ્ય દ્વારા સમજાવી શકાય છે. વિજ્ઞાન લેખકની ખરી કળા જ ત્યાં વરતાય કે એ જ્યારે તે વિજ્ઞાનની સંકલ્પના આઘુનિકતા કે તકનિકી જ્ઞાનને પોતાના શબ્દો દ્વારા કલાકીય ઢંગમાં પ્રસ્તુત કરે.
હાલના પ્રખ્યાત સાયન્સ ફિક્શન લેખક કિમ સ્ટેનલી રોબીનસનની વાત ટાંકવાનું મન થાય કે સાયન્સ ફિક્શન વર્ક સૌંદર્યદર્શી રીતે કરવાની જરૂર છે. તે આગાહિઓ માટે નથી. તેના જેવું ભવિષ્યમાં બને તો તે એક અકસ્માત્ હોઈ શકે પણ ઈનોવેશન માટે સાયન્સ ફિક્શન રાઈટિંગ નથી.
મને ગમી આ વાત તમે પહેલા લેખક છો વિજ્ઞાન કે ટેક્નોલોજી તો તમારી વાતને પ્રસ્તુત કરવાનું સાધન માત્ર છે. મને અહીં મારી જ વાર્તાનું ઉદાહરણ આપવું ગમશે કે મેં ‘લવલી લાઈવ’ વાર્તા લખી. ત્યારે મારા મગજમાં સાહિત્યના જે નવ રસ છે તેમાનો જુગુપ્સા રસ જ હતો. તેના પર બહુ ઓછું કામ થયું અને આપણે ત્યાં તો સાવ જ નહીવત્ તો તે લખાતું ગયું અને વિજ્ઞાન કે ટેક્નોલોજી એક એલિમેન્ટ તરીકે આવતી રહી. આ રીતે તેની એ વાર્તાની રૂપરચના બંધાઈ. અને એટલે જ એ વાર્તા બની. મારી દૃષ્ટિએ વિજ્ઞાનના સાધનો કે ટેક્નોલોજીનો વિકાસ એ વાર્તામાં મેટાફોર તરીકે આવી શકે છે.
સાયન્સ ફિક્શન રાઈટર્સે કરવાનું હોય છે શું?
વિજ્ઞાનકથાના લેખકને કલ્પના કરવાની મુક્તિ છે પરંતુ તેનો પાયો વિજ્ઞાનના સિદ્ધાંત પર રચાયેલો હોવો જોઈએ. માનવીય સંવેદના અને સામાજિક દાયિત્વ પણ નિભાવવાનું છે અને સાથે સાથે વાર્તાકલાને પણ સિદ્ધ કરવાની છે.
સાયન્સ ફિક્શન લેખકની હાલત દોરડા પર ચાલતા મદારીના છોકરા જેવી છે. સામાજિક સંદર્ભ અને માનવીય સંવેદનાના વાંસની ટેકણે વાર્તાકલાની દોરી પર વિજ્ઞાનકથા સર્જકે ચાલવાનું હોય છે અને સાથે સાથે વિજ્ઞાનના સૈદ્ધાંતિક સમજનો વાંસ હાથમાં પકડીને ચાલવાનું છે અને એમાં જે બેલેન્સ કરી શકે તે આર્થર સી ક્લાર્ક બની શકે. તે કિમ લીયુ બની શકે, તે એચ.જી. વેલ્સ કે જુલે વર્નની જેમ એટલા વર્ષે પણ  વંચાઈ શકે અને આ વાતને સમજવા માટે હું કિમ સ્ટેનલી રોબીનસનની આ વર્ષે જ બહાર પડેલી ન્યૂયોર્ક – 2140 નવલકથા વાંચવા માટે કહીશ.
આના પરથી કહી શકાય કે વિદેશી સાહિત્યમાં તો સાયન્સ ફિક્શનની વાર્તાકલાના મુદ્દે અને સાયન્સ ફિક્શનના મુદ્દે 9G ચાલે છે અને આપણે હજુ 4Gમાં પડ્યા છીએ.
જગત અને ભારત સાયન્સ ફિક્શન રાઈટિંગના સંદર્ભે. 
ઈ.સ. 1818 જગતે મેરી શેલીની ફ્રેન્કેસ્ટાઈનથી શરુ કરેલી સાયન્સ ફિક્શન વાર્તાઓની યાત્રા આજે 2017માં પ્રકાશિત થયેલી અન્નાલી નેવીત્ઝની ઓટોનોમસ નવલકથા સુધી વિસ્તરી છે.
ભારતમાં હિન્દીમાં ઈ.સ.1900માં ચંદ્રલોક કી યાત્રા વાર્તા લઈને કેશવ પ્રસાદસિંહ આવે છે પણ હિન્દીના સાયન્સ ફિક્સન આલોચક ચોખ્ખું કહે છે કે હિન્દીમાં હજુ સુધી મૌલિક વિચારની સાયન્સ ફિક્શન આવી નથી. પણ ત્યાં ખેડાણ ચોક્કસ થયું છે.
એવી જ રીતે બંગાળમાં વૃક્ષમાં જીવ છે એવું કહેનારા જગ્દિશચંદ્ર બોઝે તોફાન પર વિજય (1897) નામની સાયન્સ ફિક્શન લખી જે ખરેખર તેના મૌલિક વિચારથી હતી કારણ કે એ પોતે વિજ્ઞાની હતા. આ આપણા ભારતની પ્રથમ સાયન્સ ફિક્શન કહી શકાય. મરાઠી ભાષામાં બાલકૃષ્ણ રાનડેથી શરુ થયેલું સાયન્સ ફિક્શન લખાણ પછીથી સારું એવું ખેડાણ થયું છે. કન્નડ માં પણ થયું છે હું ઝડપથી ગુજરાતી ભાષા તરફ આવું….
ગુજરાતીમાં સાયન્સ ફિક્શન …
ગુજરાતીમાં સાયન્સ ફિક્શન બાબતે થયેલા કામ જોવા મેં ‘ગુજરાતી પ્રતિનિધિ વિજ્ઞાનકથાઓ’ પુસ્તક સંદર્ભ તરીકે લીધું ત્યારે તેમાં 1924માં લખાયેલી આકાશવાણી નામની વાર્તાને પ્રથમ સાયન્સફિક્શન તરીકે રજૂ કરી છે. પણ તેમાં સમાવીષ્ટ મોટાભાગની વાર્તા બાળકો માટે કે કિશોરો માટે લખાયેલી લાગે. તેમાં  છેક 1998માં પ્રકાશિત પરેશ નાયકની આદિરોબો કંઈક સાયન્સ ફિક્શન અને વાર્તાકલા બન્ને ત્રાજવે સમાન્તર સ્થિતિ લાવે તેવી વાર્તા થઈ. પછી કે. આર. ચૌધરીની વાણીયોઃ માઈક્રો રોબો નામની વાર્તા પણ ધ્યાનાર્હ છે. આમ આંગળીના વેઢા પણ વધી પડે એવી અને એટલી સમાન્તર સાયન્સ ફિક્શન વાર્તાઓ રચાયેલી હું જોઈ રહ્યો છું.
ગુજરાતી  સાયન્સ ફિક્શન લેખકોએ શું કરવાનું છે?
ગુજરાતી સાયન્સ ફિક્શન રાઈટર્સે પ્રથમ તો પોતાના ભાષાના સંદર્ભો સાહિત્યિક દૃષ્ટિકોણથી તપાસવા પડશે. હવે બધા લેખકો બની જાય છે પણ ભાષા ક્યાં? આજની ભાષા ચ-ભ આવવી જોઈએ ચાલો માન્યું પણ ગુજરાતી આપણી માતૃભાષાના કેટલા રૂપો છે એ તો એકવાર જૂઓ. રૂપક કે ઉપમાનો વિનિયોગ ક્યારે ને ક્યાં થઈ શકે. તમારે નવું કંઈક કરવું છે તો નવા રૂપકો અને નવી ઉપમાઓ આપવી પડશે. નવું લાવવા જૂનું જાણવું તો પડશે ને…
આપણા લેખકો પાસે વિજ્ઞાનની પાશ્ચાદ્દભૂ નથી. એ લાવવી પડશે.  આપણી પાસે બહુ ઓછા વિકલ્પો છે. આપણી પાસે પરંપરા નથી. એટલે આપણે ઝવેરચંદ મેઘાણીએ જેમ ચારણી સાહિત્યની કેડી કંડારી તેમ આપણે સાયન્સ ફિક્શનની કેડી કંડારવી જ પડશે.
આપણે સીધો જ 9G માં ઠેકડો મારવો પડશે.
આપણે ત્યાં જે છૂટકપૂટક સાયન્સ ફિક્શન લખાય છે તે પલ્પ સાહિત્ય જેવી લાગે છે. નોંધનીય વિજ્ઞાનકથા ત્યારે જ બનશે જ્યારે તે વાર્તાકલાની દૃષ્ટિએ પણ ઉચ્ચતમ માનાંક સિદ્ધ કરે.
આપણા છાપા અને મેગેઝીન્સ પણ આમાં ભાગ આપવો પડશે. એક મેગેઝિન બતાવો જે નેચર કે નેશનલ જિયોગ્રાફી જેવું કામ ગુજરાતમાં કરતું હોય. એક છાપું બતાવો જે ટાઈમ્સ કે ધ હિન્દુ જેવું કામ ગુજરાતમાં કરતું હોય.
છાપાઓએ અને મેગેઝિન્સે ફરી મૂડીવાદી વિચારધારા ને અગ્રિમતા આપવાનું શરૂ કર્યું છે. આપણા સમાજને છાપા અને સામયિકોએ પોતાના ગ્રાહક તરીકે જ જોયો છે. તેનું પરિણામ એ આવ્યું કે  સમાચારપત્રો અને સામયિકોમાં શેરબજારના પાના વધતા ગયા અને વિજ્ઞાન કે સાહિત્ય ઓછું થતું ગયું. જે વિજ્ઞાન કે સાહિત્ય લેવામાં આવે છે તેને પણ પોતાના ઢાંચામાં ઢાળીને ‘બજારુ’ બનાવી દે છે. આ બધાનું પરિણામ એ આવ્યું કે આજે કલાકે કલાકે મોબાઈલ, કોમ્પ્યુટર, કાર બાઈક્સ વગેરેમાં નવા મોડેલ મળે છે. સંશોધન થાય છે જ્યારે આપણા ગામડામાં ચાલતી છકડો રીક્ષા બાબતે કોઈ સંશોધનો સાપેક્ષની દૃષ્ટિએ ન થયા કારણ કે તેમાં મૂડીવાદીઓને કોઈ ફાયદો નથી. એ મજૂરી થતી જ રહે છે. આ બધી બાબતને ધ્યાને રાખીને કામ થવું જોઈએ.
હવે વિદેશી સાહિત્યમાં સામાન્ય માણસોની વિચારધાને પ્રાધાન્ય અપાયું છે. તેની નવલકથાઓમાં ખેતીની વાતો આવે છે. સંહાર પછી સર્જન આવે છે. એ લોકો પણ હવે ડીસ્ટ્રોયર સાહિત્યમાંથી ક્રિએટિવ આઈડિયાઝ તરફ જઈ રહ્યા છે. આપણે પણ એ કરવું પડશે.
આપણી પાસે આઈડિયાઝ છે. પણ પ્રકાશકો, તંત્રીઓ, સંપાદકોએ એ સ્પેશ આપવી પડશે અને લોકો સુધી નવી વાતો પહોંચાડવી પડશે. આમાં તંત્રી, સંપાદકો અને પ્રકાશકોની પણ પરીક્ષા થઈ જવાની છે સાયન્સ ફિક્શન કોને કહેવાય  એ બાબાતે.
સોફિયા નહોતી આવી એ પહેલા મેં લવલી લાઈવ અને બ્રેવ એન્ડ મીલ્ડ લખેલી. કરુણતા તો જૂઓ કે આજે લેખકે પોતે જ તેની વાર્તાના લખાણ વીશે વાત કરવી પડે છે કારણ કે આપણા વિદ્વાનો માટે પણ સાયન્સ ફિક્શન અસ્પૃશ્ય થયેલો વિષય છે. આપણા વિવેચકો તો લેન્ડલાઈનના જમાનાના છે. યુવા વર્ગમાંથી આધુનિક ટેક્નોલોજીના માસ્ટર્સ અને સાહિત્યને ઘોળીને પી જનારા વિવેચકો પણ તૈયાર કરવાના છે નહીં તો તું મારી પીઠ ખંજવાળ હું તારી પીઠ ખંજવાળું એવું ચાલ્યા જ કરવાનું છે.
સાયન્સ ફિક્શન રાઈટિંગ સંદર્ભે મોટા મેગેઝીનોમાં સ્થાન મળવું જોઈએ. અંગ્રેજીમાં રચાતા સી.ફી. સાહિત્યની ચર્ચા થવી જોઈએ. વર્ષમાં બે કે ચાર વાર સી.ફી. સંદર્ભે બેઠકો બોલાવીને ત્યાં પોતાનું સર્જન પ્રસ્તુત કરવાનું સ્ટેજ પૂરું પાડવું જોઈએ. આમ કરશો તો ગુજરાતીમાં સાયન્સ ફિક્શન રચાશે નહીં તો આજની પેઢી જે અમારી પછીની પેઢી છે એ અંગ્રેજી માધ્યમ વાળી છે એ સીધું જ કંઈ નવું સર્જશે એ અંગ્રેજીમાં લખશે. તેને ગુજરાતીમાં પણ રીવર્ડ આપવું પડશે.
આભાર…
અને આખરે…. બશીર બદ્રને યાદ કરીશ કે –
ચરાગોં કો આંખો મેં મહફૂઝ રખના,બડી દેર તક રાત હી રાત હોગી,મૂસાફીર હૈ હમ ભી મૂસાફીર હો તુમ ભી,કભી ઈસી મોડ પે ફીર મૂલાકાત હોગી.

About aKshArAnANd

સામાય ધસી જઈએ, આઘાય ખસી જઈએ... હોવું ય હવે ઉત્સવ આકંઠ શ્વસી લઈએ....રેતાળ કીનારા પર હેતાળ હસી લઈએ..... મૃત્યુ, જીવન, ઉત્સવ, પ્રેમ, કોમ્પ્યુટર, દોસ્તી પુસ્તક આ બધાને મળવા માટે ધરતી પર ફરવાનું બહાનું મળે તો તે ખરેખર લિજ્જતની વાત છે.....
This entry was posted in આંખના ઈશારે..... Bookmark the permalink.

2 Responses to સાયન્સ ફિકશન અને ગુજરાતી સાહિત્ય એક મુસદ્દો

  1. jiscience says:

    Pushkal mahiti aapi che tame science fiction vishe mane to ama thi kashij khabar na hati… Thanks..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s