હું અને મારી વાર્તાઓ:એક કેફિયત

હું અને મારી વાર્તાઓ…

એક કેફિયત:  ‘પેનડ્રાઈવ’ માટે …

– આનંદ ઠાકર

IMG-20180313-WA0019

‘મારા બાળપણની એકલતા મને સર્જન સુધી લઈ ગઈ’ રસ્કીન બોન્ડનું આ વાક્ય મારા માટે પણ એટલું જ લાગુ પડે છે.

હું અને મારી એકલતા મોટાભાગે વાતો કરીએ છીએ અને એમાંથી વાર્તાનો જન્મ થાય છે. બાળપણથી જ કેટલીય વિસંગતતાઓ અને વિટંબણાઓ સામે ઝઝુમતો આવ્યો છું. સમાજ, પરિવાર કે દોસ્તોનો વાંક ગુનો નહીં કાઢું કારણ કે, મારા પોતાના કહી શકાય એવડા એઓએ જો મને એકલો ન પાડ્યો હોત તો હું પુસ્તકો સુધી ગયો ન હોત. અને પુસ્તકોની મિત્રતાએ મને ડિપ્રેશન, પલાયનતા, ભય, અબુધતા, આ બધામાંથી બચાવીને કોઈક જુદા જ ઉજાસ ભણી મોકલ્યો…

એકલતા એટલી વહાલી હતી કે એકલો જ ક્યારેક તપોવનના નદીકાંઠે કલાકોના કલાકો બેઠો છું તો ક્યારેક દીવના દરિયાને નિહાળતો કલાકો બેઠો છું અને એમાં ક્યાંક કોઈ ભવિષ્યદર્શન, ક્યાંક કોઈ સમસ્યા, ક્યાંક કોઈ દૃશ્ય મને મળી જાય અને એ વિચારની આંગળી પકડીને હું કંઈક કહેવા માંગું તે વાર્તાના રૂપે કહેવા જાઉં. આમ તો હું કંઈ કહેતો નથી કહેવાઈ જાય છે, મને કહેવા દો કે મેં સર્જન સમયે મારા ‘હું’ ને સંપૂર્ણ ઓગળતો અનુભવ્યો છે.

નાનપણથી મારા પિતાજી મને ફરવા લઈ જતા અને ચાલતા ચાલતા પ્રકૃતિને નિહાળી છે અને તેને હું જોઈ અને વર્ણવ્યા કર્યો છું. મારા મમ્મીની આંસુભરી આંખોએ કેટલીય સમસ્યાઓને મારા બાળમાનસમાં ધરબી દીધી છે કે તેમાંથી સંવેદનના અનુભવને સમજતા શીખ્યો છું. ધારાની આંખોએ મને નિર્દોષતા શીખવી છે અને મને સતત હકારાત્મક વાર્તા લખવા તરફ ધકેલ્યો છે. નકારાત્મક કે દુઃખી કરી નાખતી વાર્તાને તેણે ધિક્કારી છે અને તેથી મને સમજાયું પણ છે કે રડશો તો એકલા રડશો પણ હસશો તો દુનિયા આખી તમારી સાથે હસશે.

 

જીવન એ મારી પાઠશાળા છે. સમય એ મારો શિક્ષક છે અને વાર્તા એ મારી સહાધ્યાયિની છે. હું સતત એવું અનુભવું છું કે મારામાંનું તારુણ્ય હજુ ગયું નથી. હું સતત એક ટીનએજરની નજરે આ વિશ્વને નિહાળતો રહ્યો છું, મને એમ દુનિયા ગમી છે. વળી, આ ટીનએજ જ તમને તરોતાજા રાખે છે જીવનના મરીમસાલા મળી રહે છે આ ઉમરમાં, જીવન ચટાકેદાર લાગે છે, નિસ્ફીકર રહેવાય છે. વિશ્વને નવા રંગરૂપમાં જોવાની દૃષ્ટિ પણ મને મારી માનસિક તરૂણાવસ્થામાંથી મળી છે..હાહાહાહ….

 

આ વાત થઈ મારા વિશે… હવે મારી વાર્તા વિશે વાત કરીશ..

મારી વાર્તાઓ મને મળી છે. કશે શોધવા કે શીખવા ગયો નથી. વાર્તા જ્યારે મારી પાસે આવે છે ત્યારે વિદ્વાનો કહે છે તે બધી શરતો જેવીકે તેની ટેકનિક, કથનરીતિ, ભાવવિશ્વ, સંવાદ, સ્થળ, કાળ, પરિવેશ બધું એની રીતે લઈને આવી છે.

કેટલીક સંવેદનાઓએ મારા મનને ઝણઝણાવ્યું અને તેમાંથી ‘લાગણીનો સંબંધ’, ‘પારિજાતનું ફૂલ’, ‘હજી વધારે’, ‘શ્વાસ’ અને ‘વિદેશ’ જેવી વાર્તાઓ આવી.

ક્યારેક એવુંય બન્યું છે કે અમુક દૃશ્યોએ મને આંગળી પકડીને વાર્તા સુધી પહોંચાડ્યો હોય જેમ કે ‘બાગલાના વતનમાં’, ‘અઢાર અક્ષૌહિણી’, ‘ખાખી કપડા’, ‘જરકસી જિંદગી’, ‘પાંચમીનીટ’, વગેરે.

‘લાડવા’ અને ‘પ્રસાદીયા ભગવાન’, જેવી વાર્તાઓમાં મારા વિગત જીવનના કેટલાક સ્મરણોએ પણ ક્યારેક આ રીતે મારા સર્જનમન પર બળવો કરીને પોતે વાર્તારૂપે ટપકી પડ્યા છે.

સૌ પ્રથમ મારા ઝહેનમાં સર્જન એ કાવ્યરૂપે આવ્યું પણ પછી વાર્તા પ્રવાહે વધુ ભાગ ભજવ્યો. અને તેમાં મારા પરિશીલન દરમિયાન જ્યારે હું ગુજરાતીના સમગ્ર વાર્તા પ્રવાહને નિહાળી રહ્યો હતો ત્યારે ત્રણ-ચાર સ્પિસીસ એવી હતી કે લાગ્યું કે આ વૃક્ષની એકાદ ડાળને ‘કલમ’ કરીને જીવાડવી જોઈએ. તેવા વિચારમાંથી જન્મી મલિયાનીલની‘ગોવાલણી’ પરથી ‘જાદુગરણી હજી જીવે છે’ આવી, ધુમકેતુની ‘પોસ્ટઓફિસ’ પરથી ‘પેનડ્રાઈવ’ જન્મી અને પન્નાલાલની ‘ભાથીની વહુ’ પરથી ‘આઈ એમ વેઈટિંગ ફોર યુ’ને ઘાટ મળ્યો. હું આ ત્રણેય સર્જકોને દંડવત કરીને તેની રિમેક સમર્પિત કરું છું.

આઈન્સ્ટાઈન કહે છે ને કે હું મારા પૂર્વવિજ્ઞાનીકોના ખંભે બેસીને વિજ્ઞાનમાં આગળનું જોઈ રહ્યો છું. ત્યારે આ વાર્તા પૂરતું તો કહેવું જ રહ્યું કે હું પણ આવા ખમતીધર ખંભાઓ પર મારી સર્જનયાત્રા પર નીકળ્યો છું અને મને વિશ્વાસ છે કે એ ખંભાએ કેટલાયને તારવ્યા છે જેણે એના નામનો પણ ઉલ્લેખ નથી કર્યો પણ હું તો તેનું લઈને તેને સમર્પિત કરીને છડેચોક કહું છું ત્યારે એ મને તેના ખંભા પરથી તો નહીં જ ઉતારે. એક રીતે જુઓ તો આ ગુજરાતી સાહિત્યમાં સૌ પ્રથમ પ્રયોગ છે.

 

જ્યારે કોલેજના પ્રથમ વર્ષમાં હતો ત્યારે સાથે સાથે કોમ્પ્યુટર હાર્ડવેરનું શીખી રહ્યો હતો. વિજ્ઞાનનો વિદ્યાર્થી ન હતો પણ મને કોમ્પ્યુટર હાર્ડવેરે વિજ્ઞાનમાં રસ પાડી દીધો. નવી નવી શોધો કઈ રીતે થઈ, ક્યું મશીન કઈ રીતે બન્યું, ક્યા સિદ્ધાંતો કામે લાગ્યા છે? આ બધા પ્રશ્નોના જવાબ શોધતા શોધતા હું ક્યારે વિજ્ઞાનથી જ્ઞાત થતો ગયો તે ખબર ન રહી. આખરે પુસ્તકોમાં રસ એટલે કેટલી વિજ્ઞાનકથાઓ મળી તે વાંચવામાં આવી. શોધોને વાંચતા વાંચતા વિશ્વને મારી નજરે જોતો ગયો અને વિચાર્યું કે હવે પછી આવું થાય તો? હવે પછી તેવું થાય તો? (આ બધું મેં આગળ કહ્યું ને તેમ કે માનસિક રીતે તરૂણાવસ્થામાં જીવવાના પરિણામો છે.) અને તેના જવાબ રૂપે ‘માર્સ મિસ્ટરી’, ‘લવલી લાઈવ’, ‘દ્વારકા’, ‘બ્રેવ એન્ડ મિલ્ડ’, જેવી વિજ્ઞાનકથાઓ આવી. જોકે પાછળથી સ્માર્ટફોનની કૃપાથી કેન સ્ટેનલી, આર્થર સી. ક્લાર્ક, જૂલે વર્ન, એચ.જી.વેલ્સ બસ હજી અત્યારે એટલાજ – એમની સાયન્સફિક્શન વાર્તાઓના સંપર્કમાં આવ્યો અને હજુ પણ મારી સાયન્સફિક્શન રાઈટર તરીકેની ધારણા-અભિધારણાઓ ઘડાતી જાય છે.

મેં પ્રસ્તાવના નથી લખી. લખવી જ નહોતી. તેમાં મિત્રોના કેટલાક રિવ્યુ લખ્યા છે. એક નવો પ્રયોગ. ખૈર…, કંઈક નવું કરવાની ઈચ્છાથી અલગ અલગ ભેગું કરીને ‘પેનડ્રાઈવ’ નામનો સંગ્રહ કર્યો છે. આશા છે ગુજરાતના વાચકો તેને સારો પ્રતિસાદ આપશે.

આ કેફિયત પણ એટલે લખી છે કે શક્ય છે મારા પુસ્તકની વાત બીજે ક્યાંય ન થાય. મારા વર્તુળ ને જાણીતા સિવાય કદાચ કોઈ અન્ય વાચક સુધી આ વાર્તા સંગ્રહ સુધી વાત ન પણ પહોંચે તો વાર્તાઓ વિશે કશું જાણી ન શકાય. મરિઝ કહે છેને કે
– છોને તારી કહાનીમાં અસીમ દર્દ હતું, સવાલ એ છે કે લોકો રડી પડ્યા કે નહીં? – આ માટે વાર્તાસંગ્રહની વાત છેવટ લગી જવી જોઈએ. આજે ગુજરાતમાં એવી વ્યવસ્થા નથી લેખકો માટે કે તેના લેખન વિશે સમગ્રતયા ચર્ચા થાય, એટલે મેં જાતે જ વાત કરી છે. કવિ નિરજનું ગીત યાદ આવે કે – ગીત લે લો મેં ગીત બેચતા હું… (અને હા હું એવા કોઈ ફાંકામાં નથી કે માત્ર સ્વાન્તઃ સુખાય લખવું.) હું ય માણસ છું અને મને ય ગમે કે મારી વાર્તા લોકો સુધી જાય પછી ભલે તે વાર્તાનું જે થવું હોય એ થાય આખરે સર્જક છું એટલે એ બીક નથી કે બધા સારુ જ કહે. પણ તો મારી સાહિત્યિક યાત્રામાં મને કંઈક સૂઝશે.

અને આખરે તો અત્યારે એક જ અનુભવ થાય છે કે –

શબ્દો મળ્યા તારે નગર જાવા,
ચરણ લઈ દોડવા બેસું તો વર્ષોના વરસ લાગે

ને

સહજ સાથે સળંગાઈ સમય ખળખળ વહ્યા કરશે.

 

મોરલ ઓફ ધી સ્ટોરી…. (હાહાહાહાહા…) –

મારો નવલિકા સંગ્રહ ‘પેનડ્રાઈવ’ના પ્રાપ્તિ સ્થાનો…

રાજકોટ – પ્રવીણ પ્રકાશન
ઓનલાઈન –

https://www.dhoomkharidi.com/pendrive-aanand-thaker-gujrati-book

And

https://www.gujaratibooks.com/Pendrive-Gujarati-book.html

ભાવનગર – પ્રસાર અને લોકમિલાપ

અમદાવાદ – ગ્રંથવિહાર, સાહિત્ય પરિષદ

આ ઉપરાંત આપના શહેરના સાહિત્યિક પુસ્તકો ધરાવતી બૂક સ્ટોરને કહેશો તો તે રાજકોટ પ્રવીણ પ્રકાશનમાંથી ઊપલબ્ધ કરાવશે.

આભાર….

About aKshArAnANd

સામાય ધસી જઈએ, આઘાય ખસી જઈએ... હોવું ય હવે ઉત્સવ આકંઠ શ્વસી લઈએ....રેતાળ કીનારા પર હેતાળ હસી લઈએ..... મૃત્યુ, જીવન, ઉત્સવ, પ્રેમ, કોમ્પ્યુટર, દોસ્તી પુસ્તક આ બધાને મળવા માટે ધરતી પર ફરવાનું બહાનું મળે તો તે ખરેખર લિજ્જતની વાત છે.....
This entry was posted in આંખના ઈશારે..... Bookmark the permalink.

2 Responses to હું અને મારી વાર્તાઓ:એક કેફિયત

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s