ભણવા માટે એટોઆ મુન્ડા જંગ જીત્યો

ભણવા માટે એટોઆ મુન્ડા જંગ જીત્યો

munda1

દિવાળીના દિવસો ગયાં. ભૂત ક્યાં જાય? પિપળે. ઘણાં સમયથી રહી ગયેલી ‘અંગદનો પગ’ નવલકથા પૂરી કરી. સફારી, જિપ્સીના બન્ને અંક પૂરાં કર્યાં. એવામાં તાવ-શરદીમાં પટકાયો. ક્યાંય ગમે નહીં. સોનલ દેસાઈ દ્વારા દાન કરાયેલા પુસ્તકો કેતન મોદી સાહેબે બી…નચિકેતાને મોકલેલા. એ હજુ મારી પાસે પડ્યા હતા. ખુલતા વેકેશને ત્યાં લઈ જઈશ એવા વિચારે. તેમાંથી થોડાં પુસ્તકો કાઢ્યા. અચાનક મને પુસ્તક હાથ લાગે છે ‘એટોઆ મુન્ડા જંગ જીત્યો’ મારા ગમતા સર્જકોમાના એક મહાશ્વેતાદેવીએ એ લખ્યું છે.

આશ્ચર્ય તો ત્યારે થયું કે એ હમણાં પુરું કર્યું અને તેમાં બિરસા મુન્ડાની વાત આવી. તેનો દિવસ પણ 15 નવેમ્બરે જ ઉજવવામાં આવે છે અને આ પુસ્તક પણ મારા હાથમાં 15 નવેમ્બરે જ આવ્યું.
આમાં જો કે બિરસા મુન્ડાની વાત નથી પરંતુ તે આદિવાસી કુળના મુન્ડા અને લોધી જેવી શાખાના આદિવાસી લોકોના બાળકોના ભવિષ્ય વિશે વાત છે. બિરસા મુન્ડા તો તીરકામઠે લડ્યા હતા પરંતુ આ કથાનો નાયક એટોઆ મુન્ડા પોતાના ભવિષ્ય માટે લડી રહ્યો છે.

મહાશ્વેતાદેવી એ લોકોની સેવામાં રહ્યા છે તેથી તેમનો જાત અનુભવ ચિતરાયો છે. આ એ કાળની કથા છે કે ભારત અંગ્રેજો સામે લડીને આઝાદ થઈ ગયું પછી વધી રહેલી બાબુશાહીએ મજૂરોને પોતાની જાગીર માનીને જે જુલમ ગુજાર્યા તેની કથા છે.
આ એ સ્થળની કથા છે જ્યાં ભારતના પૂર્વતટે હાવડા નદી અને સુવર્ણરેખ નદી વહી જાય છે. ત્યાંના વૃક્ષો અને ઝાડીઓમાં ઊછરેલી અતિપછાત આદિવાસી પ્રજાની વાત છે.

આ એવા સમાજની કથા છે જે પોતાનું પેટ ભરવા માટે ક્યારેક સાપ, શાહુડી, ઉંદરને પણ રાંધીને ખાઈ લે છે.

એટોઆ મુન્ડા એક નાનો છોકરો છે. તેના મા-બાપ મૃત્યુ પામ્યા છે અને તેના દાદા મંગલ પાસે ઉછરે છે. મંગલને એટોઆના પિતાને પણ ભણાવવો હતો, કારણ કે અંગ્રેજો અને શાહુકારો આદિવાસીઓની જમીનો પડાવી જતા હતા અને હવે તેને સમજાઈ આવે છે કે જો ભણેલા હોઈશું તો તેમને કોઈ છેતરી શકશે નહીં.
એ સમયમાં તેના બાળકો ભણવા માટે સંઘર્ષ કરીને સરકાર પાસેથી શાળા લઈ આવે છે. શિક્ષક મળતો નથી. એવામાં આદિવાસી વ્યક્તિ જ શિક્ષક તરીકે આવે છે.

જેમની જમીન છે એવા આદિવાસી તેમના સંતાનને ભણાવવા મોકલે છે, પરંતુ જેની પાસે જમીન નથી તેમને તો મોતીબાબુ જેવા શેઠને ત્યાં ગાયો-બકરા-ઘોડા ચરાવી ને તેની ગુલામી કરીને જ જીવવું પડે છે અને એટોઆ અને તેના દાદા એવા જ છે.

મંગલને ખૂબ ઈચ્છા હોય છે કે એટોઆ ભણે. શાળાએ મોકલે છે. એવામાં મંગલની તબિયત લથડે છે. મંગલ ઘરડો થઈ ગયો હોય છે અને કામ કરી શકે એમ નથી. એટોઆ ફરી કામે જાય છે ત્યારે મોતીબાબુને થાય છે કે પોતે જીત્યો. હવે આ લોકો ભૂખ ભાંગવા પણ તેમને ત્યાં આવશે. તે ગમે તેવું વર્તન કરે છે. પણ આદિવાસીઓ એક થાય છે અને મોતીબાબુ જેવાની ગુલામીમાંથી છુટવાના ઉપાય શોધે છે. 15 નવેમ્બરનો દિવસ આવે છે તેના બિરસાભગવાનનો દિવસ તે ઉજવે છે અને ગામની શાળાના શિક્ષક તે લોકોને બાળકોને ભણાવવા સમજાવે છે. સૌ તૈયાર થાય છે પૈસાનો પ્રશ્ન શિષ્યવૃત્તિમાંથી ઉકેલાઈ છે અને ખાવાનો પ્રશ્ન મધ્યાહ્નભોજનમાંથી ઉકેલાઈ છે. માટે સૌ પોતાના બાળકોને ભણાવે છે.

એટોઆ તેના વાડામાં લપાઈ છૂપાઈને જીવન જીવતા સસલાને જૂએ છે. ત્યારે તેને સમજાઈ છે કે માત્ર બિરસા ભગવાને જ લડાઈ નથી લડી કે પોતાને મોતીબાબુને ત્યાં કામ કરવા જવાનું બંધ કરીને નિશાળે જવા માટે આટલી મોટી લડાઈ લડી એ જ લડાઈ નથી, આ જિંદગી જ એક લડાઈ છે – જંગ છે. અને તેને લાગે છે કે ભણવા જવા માટે તેને તક મળી તે મોટી જંગ જીતી ચૂકયો છે. તેને સપના છે કે એક ચડ્ડી અને કોથળો પહેરી-ઓઢી ફરતો છોકરો ભણીને એ પણ કોઈ શાળામાં શિક્ષક બનીને એની જાતિના અન્ય છોકરાઓના વિકાસમાં ફાળો આપશે.

આ કથામાં એ વનવિસ્તારના લોકોના રીતરિવાજો, લગ્નવિધિઓ, તહેવારો વગેરેનું ચિત્રણ સુંદર છે. એક તો મહાશ્વેતાદેવી અને તેની ભાષા એટલે નર્યો શીરો. તેમને વાંચો એટલે તેમની કથા પૂરી જ કરવી પડે. આ કથા વાંચતા વાંચતા ગીરના વનના લોકોને ઉજાગર કરતી ‘અકૂપાર’, બીહારના વનના લોકોનું જીવન ઉજાગર કરતી ‘આરણ્યક ’, પડઘાયા કરે. એટોઆ મુન્ડામાં ‘અલકેમિસ્ટ’નો સાન્તિએગો અને ‘સાગર પંખી’નો જોનાથ લિવિંગસ્ટનના ઓછાયા વરતાય.

વાર્તા અને વાસ્તવિકતાના લેખક છે મહાશ્વેતાદેવી જી. મેં આરણ્યક, અકૂપાર દ્વારા ભારતના બિહાર અને ગુજરાતના વનોમાં વસતી આદિમજાતિઓ વિશે જાણ્યું અને એટોઆ મુન્ડાની કથામાં બંગાળપ્રાંતના વનોમાં વસતી આદિમજાતિઓ વિશે જાણવા મળ્યું. આપણું મૂળ અને કૂળ કેટલું ઊંડું છે!! તેની આપણને પ્રતિતિ થયા વિના ન રહે. આપણા જીવન કદાચ વિકસ્યા છે અને સારું ખાવું પીવું અને સારી રીતે રહેવામાં જ જો આપણે વિકાસ માનીએ તો આપણે ખરા વિકાસ માટે તો દૂરદરાજના ગામડાના જીવન અને વનોમાં ઝાડવાઓને પોતાના મિત્રો ગણતા માણસો કરતા કેટલાય પછાત છીએ.

એટોઆ મુન્ડા જંગ જીત્યો – આ પુસ્તકના લેખક મહાશ્વેતા દેવી છે તેને નેશનલ બૂક ટ્રસ્ટે ગુજરાતી અનુવાદ કરાવ્યો છે. જે સાધના નામના અનુવાદિકાએ કર્યો છે. આવા પુસ્તકોની માથે બેસ્ટ સેલરનું લેબલ નથી હોતું પરંતુ આપણને બેસ્ટ સાઉલ (soul) બનાવી જાય છે.

About aKshArAnANd

સામાય ધસી જઈએ, આઘાય ખસી જઈએ... હોવું ય હવે ઉત્સવ આકંઠ શ્વસી લઈએ....રેતાળ કીનારા પર હેતાળ હસી લઈએ..... મૃત્યુ, જીવન, ઉત્સવ, પ્રેમ, કોમ્પ્યુટર, દોસ્તી પુસ્તક આ બધાને મળવા માટે ધરતી પર ફરવાનું બહાનું મળે તો તે ખરેખર લિજ્જતની વાત છે.....
This entry was posted in આંખના ઈશારે..... Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s