રહેવું અગત્યનું નથી. સાથે હોવું મહત્વનું છે: ન ઇતિ…
નિઃશબ્દ છું ને છતાં કશું બોલ્યા વગર રહી શકવાનો નથી. ગમવું, ન ગમવું અને એ લાગણીઓને જાહેર કરી દેવી એ પૃથ્વીવાસીઓનો સામાન્ય ગુણધર્મ છે.
હવે અફસોસ નથી કે હું પોલો કોએલ્હો ને મળ્યો નથી. મારી ભાષાનો એક સર્જક તે એનાથીય બે વેંત ચડિયાતો છે ને હું એને મળ્યો છું એનો આનંદ છે એ સર્જક છે નામે ધ્રુવ ભટ્ટ
|| ન ઇતિ.. ||
શું લખું આ વાર્તા વિશે? એક લેખક તરીકે મારા પ્રેરણા સ્ત્રોત જેવા ધ્રુવ ભટ્ટ સામે નતમસ્તક જ હોઉં. પણ એક વાચક તરીકે ગમતાનો ગુલાલ કરતા જાતને રોકી નથી શકતો.
ધ્રુવ ભટ્ટ ફરી એકવાર સાબિત કરે છે કે મારે જે કહેવું છે એ હું મારી રીતે જ કહીશ અને વાચકો ફરી એકવાર સાબિત કરે છે કે કેટલા વર્ષે એવો સર્જક આવ્યો જેનું પુસ્તક પ્રકાશિત થાય એ એક ઘટના બને!
ન ઇતિ નો પ્રથમ ભાગ સાયન્સ ફિક્શન છે. ઈન્ટરવલ પેહલા એમ લાગે જાણે આપણે કોઈ ભયાનક ભવિષ્યનો સામનો કરી રહ્યા છે જે વર્ષો પછીની વાસ્તવિકતા બનવાની છે. વિજ્ઞાન કલ્પનો આપણને ધ્રુજાવી મૂકે!
ઈન્ટરવલ પછી સર્જક ધ્રુવ ભટ્ટ પર અકૂપાર, તત્વમસિ અને સમુદ્રાંતિકે ના ધ્રુવ ભટ્ટ સવાર થઈ જાય છે ને વળી વાર્તા પ્રવાહ આપણને આપણું મૂળ શોધવા બેસાડી દે છે. આ પહેલા એવા સર્જક છે જેમણે પરમ પ્રશ્ન – હું કોણ છું? – ની શોધમાં આટલું બધું સર્જ્યું હોય અને બધું હિટ સાબિત થયું હોય!
ન ઇતિ લખી ને ધ્રુવ ભટ્ટ ટાગોર, વ્યાસ અને શંકરાચાર્યની પંગતના માણસ બને છે. આપણે ત્યાં ઋષિકવિ છે: રાજેન્દ્ર શુક્લ સાહેબ. પણ આ સાથે જ ઋષિલેખક પણ ગુજરાતીને મળે છે: ધ્રુવ ભટ્ટ.
આ કથા તમારામાં રહેલા પૃથ્વીના આદિમ વંશજ ને જગાડવાનો – ઢંઢોળવાનો પ્રયત્ન છે. બીજો પાર્ટ કેહવા આજના વાચક ને વિજ્ઞનકલ્પના માં એ યુગમાં લઈ ગયા જ્યાં માણસ છે પણ મશીન જેવો! એક ચિપ જે માણસ પાસેથી એનું માણસપણું લઈ લે ત્યારે કેવી દશા થશે?
અને બીજા પાર્ટમાં અનેક વિનાશો પછી જાગેલી નવી પૃથ્વીની રમ્ય કલ્પના આપણને પ્લાવિત કરી ને આપણને પણ પેલા કી ની સાથે અપરાધ ભાવમાં ખેંચી જાય છે. અહો! દિવ્ય દર્શન!
આખી વાર્તા તો નહિ જ કહું. આ ટ્રેલર આપી ને તમેય મારી પેઠે પિકચર નિહાળો એવી અભિલાષા જન્મે એવા કેટલાક વાક્યો – ન ઇતિ ના જ તો વળી – મૂકીને આ પુસ્તક પરિચયને વિરામ આપું અને હુંય પેલા કીની જેમ ભૂઈ ને નિહાળવા – જાણવા અને ભૂઈ આપણી નથી, આપણે ભૂઈના છીએ. ( ભૂઈ = પૃથ્વી) એ સમજવા માંડી પડું.
ન ઇતિ… ના કેટલાક વાક્યો …
પ્રકૃતિની માતૃશક્તિ ને સમજનારા બ્રહ્માંડમાં જ્યાં જ્યાં પહોંચ્યા હશે તે બધા ગ્રહોને આ રીતે, નારી રૂપે ઓળખાવ્યા હશે.
***
આપણી હાજરીમાં, આપણી નજર સમક્ષ જે થયું તેનું ઉત્તરદાયિત્વ આપણે સ્વીકારવું જ જોઈએ.
***
શાસકો સામે વિરોધથી વધુ તમે કરી પણ શું શકો?
***
પ્રજાની ભાષા લઈલો તો તેમના વિચાર આપોઆપ છીનવાઈ જશે. તેમને ખબર ન પડે તે રીતે તેમની ભાષા ટૂંકી કરતા જાઓ. વિચારોનો ઉપદ્રવ આપોઆપ શમી જશે. ભાષા વગર વિચાર શક્ય નથી. આવી સ્થિતિમાં કોઈ મૂંઝાય તો તેના ઉકેલ શોધવાનો વિચાર પણ કોઈને આવવાનો નથી.
***
રહેવું અગત્યનું નથી. સાથે હોવું મહત્વનું છે.
***
વિકાસ તો થાય. કરાય નહીં.
***
કુદરત સાથે દોસ્તી સાધ્યા સિવાય તમે થોડો સમય રહી લઇ શકો. ટકી ન શકો.
***
પ્રકૃતિ સાથે જીવવું સહેલું નથી. કારણ કે તે આપણા વર્તનથી તેને થતી તકલીફો વિશે આપણને કશું જણાવતી નથી. તે તો આપણને સીધું પરિણામ આપી દે છે.
***
જે ક્ષણે માણસના મનમાં ધરતી પર અધિકારનો ભાવ જાગ્યો તે પળે જ તેનું અનંત અંતરોના સ્થળાંતર કરવાનું નક્કી થઈ ગયું હતું.
***
ભૂઈ માંથી કશું લેશો નહિ. ભૂઈને તસુ પણ ઉલેચવાની નથી. ખાલી કરવાની નથી. કારણ કે તે, અંદરની ઊર્જા ઉપર તો પોતે જીવે છે અને તમને જીવાડે છે. ધરતીની અંદરની ઊર્જા પણ તમે લઈ લેશો તો તે જીવશે શી રીતે?
***
જો તમે મનુષ્યનું આયુષ્ય લંબાવશો તો પ્રકૃતિ ભૂઈનું આયુષ્ય ઘટાડવાનું શરૂ કરી દેશે.
***
પોતાના કામ માટે બીજા મનુષ્યનો, પ્રાણીનો કે યંત્રની ઉપયોગ કરવાની ઈચ્છા આપણે પોતાને જ યંત્ર બનાવી દે તે શક્ય તો છે જ.
***
ભૂઈ આપણી નથી, આપણે ભૂઈના છીએ. ( ભૂઈ = પૃથ્વી)
*****
આટલું લખ્યા પછીય કેહવું પડશે એટલું જ … ન ઇતિ… ||
નીચે ધરતીની વંદના… ઈમેજ રૂપે ધૃવદાદાની માફી સાથે.