…. તો હિંસક તેમજ ખૂનખાર ક્રાંતિ અહીં થયા વિના રેહવાની નથી!
સર્જનાત્મકતા એ માણસની વિકૃતિનું શમન કરે છે અને સંસ્કૃતિનું જતન. ગાંધીજીનો ઉદ્દેશ આજે પણ રેલેવન્ટ છે, જુઓ કે તે માત્ર સ્વતંત્રતા નહોતા ઇચ્છતા, તેનો ઉદ્દેશ તો સ્વતંત્ર ભારતને અનુસાશનપૂર્ણ બનાવવાનો, માણસાઈ નું સામ્રાજ્ય સ્થાપવાનો હતો, આથી જ લડત સાથે રચનાત્મક કાર્ય રાખેલું કે જેથી સંવેદનશીલ વ્યક્તિઓનું રાષ્ટ્ર બને. સર્જક વ્યક્તિ કશું ખોટું કે અપ્રમાણિક કરતા બે વખત વિચારે. આજે આપણે કેટલાં દૂર થઈ ગયા છે?
શું હતું રચનાત્મક કાર્ય માનવ જીવનમાં ઉમેરવાનું ગાંધીજીનું ગણિત? એનો જવાબ છે એમની લખેલી નાની એવી પુસ્તિકા ‘ રચનાત્મક કાર્ય ‘ .
પૂરી બુક વાંચશો તો તો ચોક્કસ તમને એમનો મહાન ઉદ્દેશ સમજાશે. અહીં થોડાં અવતરણો દ્વારા જોઈએ…
ખાદી માનસનો અર્થ થાય છે જીવનની જરૂરિયાતોની પેદાશ તેમજ વહેંચણીનું વિકેન્દ્રીકરણ. તેથી આજ સુધીમાં જે સિદ્ધાંત ઘડાયો છે તે એ છે કે દરેકેદરેક ગામે પોતપોતાની સઘળી જરૂરિયાત જાતે પેદા કરી લેવી અને શહેરોની જરૂરિયાતો પૂરી કરવાનો ખાતર થોડીક વધારે પેદાશ કરવી.
( પે. ૧૫ )
આપણા દેશમાં બુદ્ધિ ને મજૂરીની છેક ફારગતી થઈ છે. પરિણામે આપણું જીવન બંધિયાર ખાબોચિયામાં પાણી જેવું થઈ ગયું છે. મેં અહીં સુધી દર્શાવ્યું છે તે ધોરણે તે બંનેનું એટલે કે બુદ્ધિનું ને મજૂરીનું અતૂટ લગ્ન થાય તો તેનાં જે ફળ આવશે તેનો આંક બંધાય તેવો નથી.
( પે. ૧૯ )
આપણી પોતાની માતૃભાષાઓના કરતાં અંગ્રેજી પર આપને વધારે પ્રેમ રાખ્યો તેથી કેળવાયેલા તેમ જ રાજકીય દૃષ્ટિથી જાગ્રત એવા ઉપલા વર્ગોના લોકોથી આમસમુદાય છેક વિખૂટો પાડી ગયો છે ને તે બંને વચ્ચે ઊંડી ખાઈ પાડી ગઈ છે. વળી તે જ કારણે હિન્દુસ્તાનની ભાષાઓ ગરીબ બની છે ને તેમને પૂરતું પોષણ મળ્યું નથી.
( પે. ૨૮ )
હિન્દુસ્તાનની મહાન ભાષાઓની કે અવગણના થઈ છે, ને તેને પરિણામે હિંદને જે પારાવાર નુકસાન થયું છે, તેનું માપ આજે આપણાથી કાઢી શકાય એમ નથી.
( પે. ૨૮ )
પૈસાવાળો પોતાનો પૈસો અને તેને લીધે મળતી સત્તા એ બંને આપમેળે રાજીખુશીથી છોડી દઈ સર્વના કલ્યાણને માટે બધાંની સાથે મળીને વાપરવાને તૈયાર નહિ થાય તો હિંસક તેમજ ખૂનખાર ક્રાંતિ અહીં થયા વિના રેહવાની નથી એમ ચોક્કસ સમજવું.
( પે. ૩૧ )
કિસાનોને જ્યારે પોતાની અહિંસક તાકાતનું ભાન થશે ત્યારે દુનિયાની કોઈ સત્તા તેમની સામે ટકી શકવાની નથી …..
…… સત્તાનો કબ્જો લેવાને માટે ખેલતાં રાજકારણમાં તેમનો કદી ઉપયોગ ન થવો જોઈએ. તેમના એ જાતના ગેરઉપયોગ ને હું અહિંસાની પદ્ધતિ થી વિરોધી ગણું છું.
( પે. ૩૩ )
વિદ્યાર્થીઓ જે જે નવું શીખે તે બધું પોતાની માતૃભાષામાં ઉતરે અને દે અઠવાડિયે આસપાસ નાં ગામડામાં પોતાનો વારો ફરવા નીકળે ત્યારે ત્યાં બધે લેતા જાય ને પહોંચાડે.
( પે. ૪૧ )
રચનાત્મક કાર્યક્રમ દરેકમાં રોપીને ગાંધીજી કેટલું બધું સિદ્ધ કરવા ધારતા હતા. ખેતી, શિક્ષણ, રાજકારણ, ઇનોવેશન, સ્વરાજ સંસ્થાઓનું કાર્ય, આર્થિક વિકાસ, ગામડાની જીવંતતા.
આજે ગામડાં ભાંગી પડ્યા છે કારણ કે ગાંધીજી માત્ર પૂતળું બની ગયા છે. તેના વિચારોની તો આપણે ક્યારનીય હત્યા કરી નાખી છે. કાશ, ગાંધીજીના વિચારો ફરી પ્રયોગિક રીતે જીવંત થાય.