જરકસી જિંદગી

( નોંધ – આ વાર્તાના પાત્ર કે પરિસ્થિતિ કાલ્પનિક છે જો સંજોગોવશાત જોડાઈ તો તે એક આકસ્મિક સંયોગ છે. )

જરકસી જિંદગી

રસ્તા પર ગાંડો પોતાના કોથળામાં નીચે પડેલી નકામી વસ્તુ નાખતો હતો. ગામના રસ્તા પર આજે ફટાકડા ફૂટતા હતા. કોઈના લગ્ન ન હતા, કોઈ શોભાયાત્રા કે પોથી યાત્રા ન હતી, પણ આજે ચૂંટણીનું ‘રિઝલ્ટ’ આવી ગયું હતું.

કોણ આવે? નક્કી જ હતું… જેકી. જેકી? હા, જયકિશન. આમ તો તે જૂનાગઢના કોઈ ગામડાનો, પણ મારો બેટ્ટો, આ શહેરમાં આવીને એવો રાજકારણે બની ગયો કે વર્ષોથી પોતાની તાલ ઘસતા રાજકારણીઓ જોતા રહી ગયા.

ખૂલ્લી જીપમાં ઊભો રહી હાથ ઊંચા કરતાં તે લોકોનો આભાર માની રહ્યો હતો. ફૂલહાર પહેરાવતા હતા. આજે છેક કાન સુધી થપ્પો થયેલા ફૂલહારનું તેને વજન લાગતું ન હતું. ત્રણ ચારે તો ગાંધીછાપ નોટને સોયથી વીંધીને તેનો હાર બનાવીને પહેરાવેલો. ગામમાં ફરેલું આ ‘ફૂલેકું’ પછી કાર્યાલયે ઊતરેલું, ત્યારે ‘ધારાસભ્ય શ્રી જેકીભાઈ’નું સ્વાગત ડી.કે.ભાઈએ કરેલું. સૌ જાણતા હતા જેકી પાછળ ‘ભાઈ’નો હાથ હતો. ભાઈ? હા. ડી.કે ભાઈ, ‘ભાઈ’થી જ પ્રચલિત હતો, નામથી અને કામથી. એણે જયકિશન નામના હિરાને ‘જેકી’ બનાવીને બજારમાં મૂક્યો ત્યારથી જ જેકીના ભાવ બોલાવા માંડેલા.

ગામમાં ક્યાંયથી, કોઈનો પણ ફોન આવ્યો હોય એટલે જેકી હાજર. માંદો હોય તેને તરત દવાખાને લઈ જાય, ધિંગાણું હોય ત્યાં સુલેહ કરાવે, વાંધા-વચકા ટાળે, સરકારી હોસ્પિટલમાં દરરોજ સવાર-સાંજ જેકી હોય, ત્યાં બધાને ફળ આપે, કોઈ મદદ માગવા આવે તો જોઈએ તેટલા રૂપિયા આપે. આમ, જેકીભાઈ… જેકીભાઈ… થવા લાગ્યું. એટલે જેકીએ નગરપાલિકામાં ઝંપલાવ્યું. પૈસાની ક્યાં કમી હતી! કહે છે કે ડિ.કે.ભાઈ ધંધાને તો આવક બતાવવા રાખે છે, નહીં તો દારૂની હેરાફેરી જ બસ છે.

આજે જેકીને કાર્યાલયમાં રાત પડી જવા છતાં હજી ફોન બંધ થતો ન હતો. શુભેચ્છાઓ, બીજું શું! ઓળખાણ ન હતી તે આજે ઓળખીતા થવા આવતા હતા. ડી.કે.ભાઈએ કહ્યું, ‘‘જેકી, ફ્રેશ થઈને આપણા ફાર્મહાઉસે આવી જજે. આઠ-દસ આપણા સિલેક્ટેડ લોકો સાથે પાર્ટી છે.’’

ભાઈ ‘પાર્ટી’ શબ્દ આંખ મિચકારીને બોલ્યા અને જેકી જાણે જાગી ગયો, અંદરથી કોઈક મુંઝાઈ ઊઠ્યું હોય તેમ જેકી બોલ્યો, ‘‘ભાઈ… પણ…. એ નહીં.’’

ભાઈએ જેકીના સ્પેશિયલ બોડીગાર્ડ તરીકે રાખેલા રમેશે પોતાની ગનને પૉકેટમાં રાખી દરવાજો ખોલ્યો. રમેશને ફોન આપી ને નાહવા ચાલ્યો ગયો.

માથા પર પાણી પડતાં જ જેકીને જયકિશન સાંભરી આવ્યો. તે બબડ્યોઃ જય કિશન વ્રજલાલ મહેતા…. અને તેનાથી હસી પડાયું. તે ફરી બબડ્યો. હા, જયકિશન વ્રજલાલ મહેતાને ધારાસભ્ય શ્રી જેકી ભાઈ થતા પૂરા બાર વર્ષ વીતી ગયા. પણ વ્રજલાલ મહેતા? તેમણે ક્યારેય તેને જેકીના રૂપમાં જોયો નથી.

જયકિશન જેકી બની ગયો એ ખબર જેકીના મોટાભાઈ – ભાભીએ પિતાજીને આપેલી. કારણ કે જેકીના મોટા ભાઈ-ભાભી જાણતા હતા કે પિતાજી રાજકારણ નહીં સહન કરી શકે. ભાઈ-ભાભીનો પાસો સીધો પડ્યો ને ક્રોધમાં જ વ્રજલાલ મહેતાએ પોતાના દીકરાને ઘરનો ઉંમરો પણ ચડવા ન દીધો અને મિલકત માંથી રદબાતલ થઈ ગયો. ભાઈ-ભાભીને એ જ તો કરવું હતું.

પણ, ઈશ્વર એક હાથે લે છે તો હજાર હાથે આપે છે. ડી.કે. ભાઈ તેના ભાઈ બની ગયા. સપનામાં પણ ન દેખેલી ગાડી, બંગલો, દોઢસો વીઘા જમીન એના નામે, બે ફાર્મહાઉસ અલગ-અલગ શહેરમાં. છવ્વીસ વર્ષથી શરૂ કરી સફર આડત્રીસ વર્ષે પરિણામ આપી ગઈ. બાર-બાર વર્ષની સુવિધાયુક્ત તપશ્ચર્યા!

તેણે કપડાં પહેરતાં પહેરતાં જૂની બેગ ખોલી. મા-બાપના ફોટાને પગે લાગ્યો. બેગમાં રહેલી ફાઈલને જરા ખોલી. કંચનના એ અક્ષરો ઝળકતા હતા. તેણે જ લીધેલી લાલ કલરની ઝરીવાળી બોલપેનથી…

તેને જાણે સ્લાઈડ શૉની જેમ બધું નજર સામે જવા લાગ્યું. વ્રજલાલ મહેતા અને ભવાનીલાલ શાસ્ત્રી બંને શિક્ષક અને પાછા એક નાતીલા. વારંવાર મળવાનું થાય. કંચન, ભવાની લાલ શાસ્ત્રીની છોકરી. પહેલા ધોરણથી ગ્રેજ્યુએશન સુધી અભ્યાસમાં ક્યાંક ને ક્યાંક સાથે રહ્યાં. જયકિશને એમ.એ. શરૂ કરેલું અને કંચન તેના માસીને ત્યાં ફરવા ગયેલી અને ત્યાં તેની માસીની દીકરી સાથે નવી-સવી બનેલી ફોન કંપનીના કૉલસેન્ટરમાં રહી ગયેલી. એટલે એની મા તો વેંત એક ઊંચી થઈ તેને ઘરે કહેવા આવેલી, ‘‘વિજયાબેન, મારી કંચુને તો નોકરી મળી ગઈ હોં. હાડાચ્ચાર હજ્જાર પગાર છે!’’ તેની મા જાણે પરાસ્ત થઈ ગઈ હોય તેમ નીમાણે મોંએ બોલેલી, ‘‘એમ…’’ વધુ કશું પૂછ્યું ન હતું, છતાં કંચનની મા તો બબડ્યે જ જતી હતી, ‘‘એને તો એ.સી. ઑફિસમાં બેહવાનું, ફોન ઉપાડવાના. બે’દિ હું ત્યાં રઈ તી. હવે તો ફાવી ગયું છે.’’

ધીરે ધીરે કંચન પણ બદલાતી ગઈ. જીન્સ, ટોપમાં જ ફરતી તે હવે ધીરે ધીરે કેપ્રી પહેરતી થઈ ગયેલી. જયકિશન એમ.એ. પછી શહેરમાં ગયો. બે-ત્રણ હજારમાં આખો દિવસ શાળાઓમાં બાળકો સાથે કાઢતો.

એકવાર શાળાના કાર્યક્રમમાં ડી.કે.ભાઈ આવેલા અને જયકિશન ઉદઘોષક હતો. તેનો અવાજ અને અંદાજ જોઈને તેને એકવાર તેના કાર્યાલયે આવવાનું કહ્યું હતું. તે ગયેલો ય ખરો. પણ ડી.કે. ભાઈની ઓફર સાંભળતાં તે વિમાસણમાં પડેલો. એકબાજુ તેનું કુટુંબ અને સિદ્ધાંતો હતા, તો બીજી બાજુ યુવાન હૈયાની ઈચ્છા, કંચનને પામવાની. કારણ કે, શહેરની કંપની કલ્ચરની હવા ખાઈને કંચનની ફરમાઈસિસ્ અને ચોઈસીસ્ ખૂબ ઊંચા જવા લાગેલા. તેને હવે મૅનજર કે આઈ.ટી. એન્જિનિયર જોઈતો હતો. એવું કંઈક હતું કે તેના કુટુંબથી સાવ અલગ પડતી કંચનને પામવા તે મથતો હતો. તેને યાદ છે કે કંચન જ્યારે પાસે હતી તે દિવસે જાણે કશું અઘૂરું ન હતું. હૈયાની હલચલ એક અજબ ઊર્જા પૂરી પાડતી હતી. એ બધા વિચારોને અંતે તેણે ડી.કે. ભાઈના છેલ્લા શબ્દોનો રાહ પકડ્યો.

‘‘તું શું કરે છે?’’

‘‘બસ, અહીં આ શિક્ષકની નોકરી અને કોમ્પિટેટિવ એક્ઝામની તૈયારી.’’

‘‘દેખ તું કહાં સે કહાં હોતા.’’ તેને થોડીકવાર વિચારમાં પડીને ડી.કે.ભાઈએ કહ્યું હતું, ‘‘પોતે સરકાર ચલાવીશ, તો પછી સરકારી નોકરી માટે શું રડે છે?’’

….અને તેણે પકડી લીધી રાજકારણની રાહ… આ બધા વચ્ચે તે કંચનને પણ મળેલો. એણે પણ હવે સંભળાવવા માંડેલું કે એને તો સરકારી નોકરિયાત કે પછી આઈ.ટી. એન્જિનિયર જોઈએ છે. સાથે સાથે જેકીના રાજકારણમાં પડવાના નિર્ણયની વાતને એવી રીતે ઉડાવી દેતી હતી જાણે આ વાતથી તેને કશો ફરક પડતો ન હોય! …. આમ તે સંબંધો પર વિરામ મૂકવા લાગી હતી. તેણે તો ત્યાં સુધી કહી દીધેલું કે પોતે હવે પ્રમોશન પામતી, પંદર હજારે પહોંચી છે, જ્યારે તે તો કોઈ સ્ટેટસ મેળવી શક્યો નથી!

આજે જેકીને થતુ હતું કે તે માત્ર રાજકારણી નહોતો બન્યો. પણ કંઈક એવું હતું કે તેણે બધું મેળવીને ઘણું ગુમાવી દેવું પડેલું. હવે તેના મોબાઈલમાં ન તો કંચનના મેસેજ મલકતા, ન તો તેની યાદ ઝંકાર કરતી. તેના મગજે જ્યાંથી વાત છોડી દીધી હતી ત્યાંથી તેના મને કબજો લઈ લીધેલો. મન કહેવા લાગેલું કે હવે તો વ્રજલાલ મહેતાના સંબંધોથી કેટલોય દૂર નીકળી ગયો છે અને કંચનથી પણ… કંચને હવે લગ્ન ય કરી લીધાં હશે. આટલા વર્ષો થવા છતાં તેને કશે પ્રયત્ન કર્યા ન હતા. એના વિશે કોઈનું ધ્યાન પણ ક્યાં ગયું છે? ડી.કે.ભાઈ, એને આગળ કરીને બે ટાઈમ શરાબ, શબાબ અને કબાબ દઈ દો એટલે રાજી. સેવંતી દાદા એની રસોઈ કરતા પણ તેમને ઘડપણમાં કોઈ સાચવે એમ ન હતું, એટેલે તે અહીં હતા. અહીં જેકી આવે કે ન આવે એ લે’ર કરતા. વિશાલ, ભાવેશ, રફીક, ડિસોઝા આ બધા તેની સાથે હતા, બધા જેકીના નામે આગલા બે બટન ખુલ્લા રાખીને ફરવા માટે, ટ્રાફિક પોલીસ અને મિડિયાને ધમકાવવા માટે કાં એ બધાને રાજાને ગમતી રાણી કરવા માટે. પણ, રાજા ખુદ ખાલી છે એનું શું?

તેનું મન આ બધા સામે વિદ્રોહ નોતરે તે પહેલા સમયે બાજી સંભાળી લીધી. જ્યારે મગજની સ્મૃતિ વિકૃતિ તરફ વાળે છે ત્યારે સમય જ હોય છે કે જે આપણને સંભાળી શકે. ભલે પછી સમય ગમે તેને નિમિત્ત કરે. અહીં પણ ડી.કે.ભાઈનો ફોન આવ્યો એટલે તે તરત નીકળી ગયો. ગાડીમાં બેઠા એટલે રમેશે તેની આદત મુજબ શરૂ કર્યું.

‘‘યહાં ભી હોગા… વહાં ભી હો… અબ તો સારે જહાં મેં હોગા… ક્યા?… મેરા હી … જલવા… જલવા… જલવા…’’

અને જાણે આ શબ્દો જેકીના મગજના તાંતણાને નવો ઝબકારો આપી ગયા. તેના મનને થયુઃ હા, હવે તો એનો જ ઓપ પડશે. હવે તો શોધી કાઢીશું ગમે ત્યાંથી. કંચન નહીં તો કંચનથી માથાવા ઉંચેરી. હવે જે નશો જેકી પર ચડતો હતો તે જીગરમાંથી જલેલી આગમાંથી સળગાવેલી બીડીનો હતો! છતાં ય તેના હૈયાને ખૂણે કંચનને પામવાની તમન્ના તસતસતી હતી અને કહેતી હતી. કંચન મળી જાય તોય સારું. મારે કંચન પાસેથી બીજું જોઈએ છે ય શું? એ સામે હોય તો ધારાસભ્ય શું વડાપ્રધાન પદના સપના પણ લીલાછમ કરું. આ બધાનું શું કરવું કંચન વગર.

સૂમસામ રસ્તા પરથી તેની ગાડીએ એક ખેતરમાં વળાંક લીધો. થોડું દૂર એક ફાર્માહાઉસ. ગાડી પાર્ક કરી, આઠ-દસ ગાડી હતી. બારેક રૂમનું ફાર્મહાઉસ હતું. એક રૂમમાં સોફા પર બધા બેઠા હતા. ખાસ અંગત માણસો જ. બે સાકીઓ બધાના શરાબના ગ્લાસ ભરી રહી હતી. ટેબલ પર કંઈક કેટલું ય ખાવાનું પડ્યું હતું. રાત જામતી જતી હતી. બધાના આગ્રહ વચ્ચે ડી.કે. ભાઈને ચિયર કરી જેકીએ એક પેગ લીધો અને એ સાથે તે બધું જ ભૂલી ગયો. બધી કહાણી ઉડી ગઈ.

એકે કહ્યું કંટાળીને, ‘‘ડી.કે. ભાઈ કોઈ ખાસ બંદોબસ્ત છે કે…’’

ડી.કે. ભાઈએ તેની આગવી અદાથી કહ્યું, ‘‘બધા ય માટે અલગ અલગ કોઈને સેન્ટ્રો, કોઈને વેગન-આર, કોઈને ફ્રિન્ટી, કોઈને હોન્ડાસિટી, પણ…’’ અટકીને બાજુમાં બેઠેલા જેકી સામે જોઈ તેને પડખામાં લેતાં કહે, ‘‘યાર, તારા તો ભાવ છે. ભૈ એક મોબાઈલ કંપની છે, તેને અહીં એજન્સી નાખવી છે. માટે તેના સી.ઈ.ઓ. એ જેકી માટે સ્પેશિયલ ઈન્તઝામ કર્યો છે. મર્સિડીઝ મોકલી છે. સીલ પેક…’’ ડી.કે.ભાઈએ ‘સિલપેક’ શબ્દ આંખ મારીને બોલ્યો અને જેકીએ ચોંકીને કહ્યું,

‘‘ભાઈ… મને નહીં પોષાય એવું બધું.’’

‘‘ભાઈ જેકીને ડ્રાઈવ કરતાં આવડે છે તો ખરું ને કે…’’ એકે મજાક કરી!

જેકીને પરાણે મોકલ્યો તેના રૂમમાં. જેકીએ બારણું ખોલ્યું. અંદર બાથરૂમમાં કોઈ નાહી રહ્યું હતું. ત્યાં ડેસ્ક પર શરાબની પોટલ પડી હતી. શું કરવું તે ન સૂઝતાં એક ગ્લાસ ભરી જેકી હજી હોઠ પર લાવે ત્યાં બાથરૂમમાંથી પગ નીકળ્યા, છેક ગોઠણ સુધી. ત્યાંથી ટુવાલમાં વિંટળાયેલ દેહ. છેક ઉપર સુધી એ જ રીતે નિહાળતા જેકીએ મુખ પર જોયું તો જેકીના હાથમાંથી ગ્લાસ પડી ગયો.

પેલીએ ગ્લાસના અવાજથી ઉપર જોયું તો તેને ચક્કર આવી ગયા. એને થયું જાણે તે હમણાં પડી જશે. પરિસ્થિતિ જેકીએ સંભાળી લીધી. પથારી પર પડેલા કપડાં તેણે પેલીને આપી દીધા. પેલીએ જેમ તેમ કપડાં પહેરી લીધાં. જેકી તો શૂન્ય મનસ્ક થઈ ગયો. પેલી તેની પાસે માંડ આવી શકી અને બોલી, ‘‘જ… જયકિ..શન તું?’’

  • આનંદ ઠાકર
    ( ‘ પેનડ્રાઈવ ‘ વાર્તાસંગ્રહની વાર્તા )
    ( પ્રસ્તુત તસવીર પ્રતિકાત્મક છે. )

#pendrivestorybook

#gujratistory

#story

#storybook

About aKshArAnANd

સામાય ધસી જઈએ, આઘાય ખસી જઈએ... હોવું ય હવે ઉત્સવ આકંઠ શ્વસી લઈએ....રેતાળ કીનારા પર હેતાળ હસી લઈએ..... મૃત્યુ, જીવન, ઉત્સવ, પ્રેમ, કોમ્પ્યુટર, દોસ્તી પુસ્તક આ બધાને મળવા માટે ધરતી પર ફરવાનું બહાનું મળે તો તે ખરેખર લિજ્જતની વાત છે.....
This entry was posted in આનંદની વાર્તા. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s