‘ પ્રસાદિયા ભગવાન ’

‘ પ્રસાદિયા ભગવાન ’

‘‘ ઈહ લોકે સુખં ભુક્ત્વા, ચાન્તે સત્ય પૂરં યયો… .’’

આ શબ્દ ઘણાં બધાં લોકોના ઘોંધાટ વચ્ચે પણ સંભળાઈ ગયો. તેના કંઠેથી પણ સત્યનારાયણની કથામાં આવું અનેક જગ્યાએ બોલ્યો છે. તેના મનની વેદી પર પ્રથમ વિચારની આહૂતિ અપાઈ જતાં જ રમેશને તેના પિતા યાદ આવ્યા. માનશંકરનો એ ઘેઘૂર અવાજ દૂર દૂરથી તેના કાનમાં પડઘાયો…

‘‘ આમ તે આ લોકમાં સર્વસુખ ભોગવી અને અંતે સત્યપુરમાં ગયો….”

… એ પટેલ એલ. ડી. હાઈસ્કૂલનું ગ્રાઉંડ અને એ જાહેર બગીચો જ્યાં તેણે માત્ર એક ટાઈમ ચા-પારલેજીમાં એક ટાણું વિતાવ્યું’તું . શેના માટે? સરકારી નોકરી માટે અને તે… ન લેવાયો. મેરિટમાં પણ હતો. માત્ર દોઢ ટકા અને ખેલ બીજાના હાથમાં. તેના હોઠ થોડું મલકી ગયા પણ તેના વિચારો તો ચાલતા હતા.

રમેશના દીકરા ચૈતન્યના લગ્ન પછી આજે પે’લી સત્યનારાયણની કથા છે. લોકોનો કોલાહલ છે. વિશાળ બંગલામાં બધી સ્ત્રીઓ બેઠી છે અને બહાર ફળિયામાં ખુરશીઓ પર પુરૂષો બેસીને ગપાટા મારે છે. ચૈતન્યની ઓફિસના બધા ઓફિસરો આવ્યા છે, તેની નીચેના કર્મચારીઓ હોંશે-હોંશે કામ કરે છે. આજે તો ધારગઢથી પણ ઘણા તેના ગામના, કુટુંબના આવ્યા છે. તે વિશાળ ફળિયામાં હિંડોળા ખાટે બેઠો છે. આસપાસ બે તકીયા છે અને બાજુમાં સોપારીની પેટી છે. તેને કટુંબના નાના બધા પગેલાગવા આવે છે, ઓળખાણ કરાવે છે. ઘડીભર રમેશે આસપાસ જોયું તો જાણે તે રાજા હોય તેવો ભાસ થયો. તેણે આ વિચારને પોષવા માટે તકિયા પર બે હાથ પસારી દીધા! સફેદ ધોતીયું અને ઝબ્બો પહેર્યાં હતાં, તેના પર ચૈતન્યએ આજે ચંદનનું અત્તર છાંટી આપ્યું હતું, તે વારંવાર તેણે સુંઘ્યું.

રમેશમાં રહેલો વિતેલો વખત વિચારોના વંટોળે ચડવા લાગ્યો. માનશંકર બાપાએ ગોરપદામાં પણ પાઈ-પાઈ દક્ષિણામાંથી બચાવીને ભેગી કરી હતી તેની માટે. તેની માએ પોતાના સાડલામાં થાપનના થીંગડા માર્યાં હતાં. અને તેમ છતાં તે સરકારી નોકરી ન લઈ શક્યો એટલે બે વરસ ફરી રાહ જોઈ અને પછી માનશંકર બાપાએ લાચારીથી રમેશને કહ્યું હતું ‘‘ દીકરા હવે, શરીર અને ગળું કહ્યું નથી કરતું, તું હવે નોકરી માટે ભટકવું રહેવા દે અને ગોરપદું સંભાળી લે. અમથાય બ્રાહ્મણના છોકરાવ તેવી ગુલામી પસંદ નથી કરતા. ’’

ત્યારે ય બાપા પાસે એક જ દલીલ કરી હતી, ‘‘તમારા આ પરસાદિયા ભગવાને ય શું આપ્યું, માત્ર દોઢ ટકો આમથી તેમ ન કરી શક્યો. શું તેની કથા લખાવા માટે આપણે એક ગરીબ બ્રાહ્મણ જ રહેવાનું? ’’

‘‘ નોકરીમાં આખરે તો તું સરકારની જ જીહજુરી કરવાનો છે ને? તે આ સરકારનો સરકાર પ્રસાદિયા ભગવાનની જીહજુરી કરતો રહીશ તો ક્યારેય ભૂખ્યે તો નય જ સુવાડે. ’’ ત્યારે માનશંકર બાપા કડક શબ્દોમાં બોલેલા.

મને-કમને બે વાર બાપા સાથે રમેશ કર્મકાંડ કરવા ગયો અને પછી તો તેને યજ્ઞનો ધૂમાડો એક ‘દિ પણ ન મળ્યો હોય તો મૂંજારો થવા લાગતો.

માનશંકરબાપા માટે પણ એમ કહેવાતું કે જેને ગોરપદું શીખવું છે, તે એકવાર તેનું એઠું પાણી પી ’ગ્યો એને જીભે સરસ્વતી વાસ કરવા લાગે! ખરેખર, યજમાનો કહેવા લાગેલા કે ગોરદાદા તમે ય રમેશને બીજા માનશંકર બનાવી દીધા.

પણ, રમેશને ખટકો રહ્યો પેલા દોઠ ટકાનો. રોજ ભગવાનને એ જ ઠપકો આપતો રહ્યો એટલે સુધી કે જ્યારે ચૈતન્યને શાળાએ બેસાડ્યો ત્યારે રીતસર તેને પૂજામાં ફૂલ ચઢાવવા બંધ કરી દીધા હતા. જ્યાં સુધી ચૈતન્ય નોકરી પર ન લાગે ત્યાં સુધી તે ઘરની પૂજામાં ભગવાનને ફૂલ નહીં ચઢાવે! તેમણે પણ ભગવાને ખરેખર હંફાવ્યો. ચૈતન્યને નવા જમાના પ્રમાણે ભણાવ્યો. બનાવવો ’તો ડોક્ટર પણ ભગવાને ત્યાં થોડું આડું પાડ્યું, પણ બારમા પછી ચૈતન્યને પસંદ તેવી કોમ્પ્યુટરની લાઈનમાં ભણવા માટે ઓછી ફીમાં એડમીશન મળી ગયું હતું.

એક દિવસ જ્યારે ચૈતન્યએ સારા ભણતર માટે ઘરનું કોમ્પ્યુટર હોવું જરૂરી છે એમ કરીને માંગ્યું ત્યારે તેને આંખે અંધારા આવી ગયા હતા. વીસ હજાર લાવવા ક્યાંથી તરત? તે રાતે વિચારે ચડી ગયેલો. એવામાં એને યાદ આવ્યું કે સરપંચને ઘરે અઠવાડિયામાં યજ્ઞ છે અને તેને ત્યાં રમેશે જ બધી તૈયારી કરાવવાની છે. પણ પાંચ હજારનો આ યજ્ઞ મળી જશે પછી પંદર હજારનું શું થશે? એમ તે રાતે વિચાર કરતો સૂઈ ગયો…

સૂતા..સૂતા સપનું જોયું કે એક મગરે હાથીનો પગ પકડી રાખ્યો હતો. હાથીએ ભગવાનની સ્તુતિ કરી. ત્યારે ગરુડગામી વેગે ત્યાં પહોંચ્યા અને વિષ્ણુજીએ કોમ્પ્યુટર હાથીને આપ્યું…..

સવારે ઉઠીને તરત ભગવાનના ગોખલા પાસે જઈને કહેલું કે તું મારી મજાક કરે તે ચાલશે પણ મારા દીકરાની કરી છેને તો હું માનીશ કે આટલી પેઢીઓથી તને ચંદન કરતા આવ્યા છે તે ખરેખર પથરો છે. આટલું બોલતામાં તો તેને આંખે પાણી આવી ગયા હતા!

પણ નવેક વાગ્યા હશે ત્યાં તો ગોરાણી બોલ્યાઃ જુઓ તો, કોઈ યજમાન આવ્યું લાગે છે. તે બહાર નિકળ્યો અને જોયું તો વણાકબારાના કેટલાક યજમાને તેને કહ્યું ‘‘ ડાડા, ટમારે પરતિષ્ટા કરવાની સે અમારા ઘરની બાજુમાં હડુમાનડાડાની. ટમી આવ્યોહ ખરા કે –‘ દાદો થોડો ના પાડવાનો હતો અને પેલા લોકોએ કહ્યું, ‘‘ ડાડા, અમી ટમીને પંડર હજાર આપતા જાહ્યું, ટમારે જ બધી કરવાનું સે. અમીને કાંઈ ખબર પડેની. આ લો પંદર હજાર રૂપીયો લાવ્યો સ. ’’

હિંડોળા ખાટે તકીયા પર બેઠેલા રમેશદાદાને આજે પણ આંખમાં પાણી આવી ગયા. કોઈ એ પ્રસાદ માટે તેને ઢંઢોળ્યા ત્યારે પડીયાને જ તે પ્રસાદિયા ભગવાનમાની નમી પડ્યા અને પ્રસાદ નહીં પણ ભગવાન તેને ખવડાવતા હોય તેમ તે પ્રસાદ આરોગવા લાગ્યા.


  • આનંદ ઠાકર
  • ‘ પેનડ્રાઈવ ‘ વાર્તાસંગ્રહ માંથી.

pendrivestorybook #anandthakarbook #anandthakarstory

About aKshArAnANd

સામાય ધસી જઈએ, આઘાય ખસી જઈએ... હોવું ય હવે ઉત્સવ આકંઠ શ્વસી લઈએ....રેતાળ કીનારા પર હેતાળ હસી લઈએ..... મૃત્યુ, જીવન, ઉત્સવ, પ્રેમ, કોમ્પ્યુટર, દોસ્તી પુસ્તક આ બધાને મળવા માટે ધરતી પર ફરવાનું બહાનું મળે તો તે ખરેખર લિજ્જતની વાત છે.....
This entry was posted in આનંદની વાર્તા. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s