વસંતના વહાલની વાત કરતી: સ્પર્શ અને પ્રથમ રોમાંસની આજે પણ વાંચવા જેવી LOVE STORY

વસંતના વહાલની વાત કરતી: સ્પર્શ અને પ્રથમ રોમાંસની આજે પણ વાંચવા જેવી LOVE STORY

– આનંદ

IMG_20190210_093038

દોસ્તો, આજે વસંતપંચમી પ્રેમનો ઉત્સવ મનાવવા કોઈ સંસ્કૃતિ કે સભ્યતાની દિવાલો નથી હોતી.

તમારા પ્રેમી સાથે વાંચવા જેવી એવી વાતો જે આજથી વર્ષો પહેલા કહેવાય છે. કોઈ તમને કેટલી હદે પ્રેમ કરી શકે.
અહીં છ એવી સંસ્કૃત કૃતિઓ પસંદ કરી છે.

‘માલવિકાગ્નિમિત્રમ્’

સેવકની દિકરી સાથે રાજા અગ્નિમિત્રના પ્રેમ સંબંધનું નિરૂપણ કરતી કૃતિ એટલે ‘માલવિકાગ્નિમિત્રમ્’. પાછળથી માલવિકા રાજકુમારી નીકળે છે અને અગ્નિમિત્રને અપનાવી લે છે. પણ મહત્વની વાત તો એ છે કે માલવિકાના નૃત્યુથી રચાતી તેની દેહયષ્ટિનું નીરુપણ એટલું તો કોમળ રીતે થયું છે કે રોમેન્ટિક ફિલ્મોને પણ ઝાંખી પાડી દે છે. માલવિકાના અંગ-પ્રત્યંગ માંથી સુગંધથી ઘેલો થતો અગ્નિમિત્ર, તેના નૃત્યુની ભંગીમાં પર વારી જતો હતો. આજે તમને ‘ચાંદની’ ફિલ્મ યાદ આવી જાય તેવી માલવિકા ખરેખર તો શ્રી દેવી જેવી જ લાગવા લાગે. આ વસંત-વેલેન્ટાઈનના દિવસે લવ કપલ સાથે વાંચશો તો પુરુષ જાણી શકશે કે સ્ત્રીના કયા અંગમાં વધારે માધૂર્ય હોઈ શકે છે.

‘સ્વપ્નવાસવદત્તા’

ઉદયન વત્સ રાજ્યના રાજા હતા. પ્રદ્યોત ઉજ્જૈનના રાજા હતા. ઉદયનના વીણા વાદનની ખ્યાતી સાંભળીને શાલંકાયે છળ કરીને તેને કેદ કરી લીધો. પ્રદ્યોતે ઉદયનને તેની દીકરી વાસવદત્તા માટે વીણા-શિક્ષક નીયુક્ત કર્યા. આ સમયે બન્ને એકમેક તરફ આકર્ષણ અનુભવે છે. બન્ને લવ કપલ મંત્રી યૌગન્ધરાયણની મદદથી ફરાર થઈ ગયા. ઉજ્જૈયની જઈ ઉદયને તો વાસવદત્તા સાથે લગ્ન પણ કરી લીધા. પછી તો ઉદયનું રાજ્ય પણ જૂટવાય જાય છે. આ સમયે ઉદયન વાસવદત્તા વીખુટા પડી જાય છે અને બધાની વિનંતીથી ઉદયન પદ્માવતી સાથે લગ્ન કરવા જાય છે ત્યારે વાસવદત્તા ત્યાં જ પદ્માવતીની દાસી તરીકે હોય છે. અને ફરી એક બીજા મળી જાય છે. સ્વપ્નમાં રાજા વાસવદત્તા-વાસવદત્તા કરે છે એ સમયે ત્યાં દાસી તરીકે રહેલી વાસવદત્તા સાંભળી જાય છે અને તેને સ્પર્શ કરી હાથ સરખો કરે છે ત્યરે રાજા તેને ઓળખી જાય છે. આ કથા કહે છે કે પ્રેમમાં સ્પર્શની ભાષા શીખો.

‘કાદમ્બરી’

ચંદ્રાપીડ અને પુંડરિકના ત્રણ જન્મોની કથા છે અને તેમાં શુદ્રકના દરબારમાં સુંદરી ચાંજાલ કન્યા વૈશમ્પાયન નામના પોપટને લઈને આવે છે. તે મનુષ્યની બોલી બોલે છે. આ કન્યા પાછળ પાગલ થતો પુંડરિક કન્યા સાથે ત્રણ વાર જન્મ લે છે અને છેલ્લે અચ્છોદ સરોવરની પાસે આવે છે. ત્યાં તેની કથા પાંગરે છે. મહાશ્વેતા રૂપે ત્રીજા જન્મમાં મળેલી કન્યાના સૌદર્યને નિરખીને પાંચ પાના સુધી વિસ્તરે તેટલું તો તેનું સૌંદર્યવર્ણ આવે છે. દુનિયાની સમસ્ત શ્વેત વસ્તુઓ સાથે મહાશ્વેતાને સરખાવે છે. તેના અંગે અંગની એક એક રેખા વીશે વાત કરે છે તમારે લવ લેટર લખવો હોય તો સારું એવું મટિરીયલ અહીંથી તમારી પ્રેમિકાને ખૂશ કરવા માટે મળી રહે છે.

‘અભિજ્ઞાનશાકુન્તલમ્’

કાલિદાસની અપ્રતિમ પ્રેમની રચના તમને પ્રથમ પ્રેમના રોમાંસનું મહત્વ જણાવશે. ફોરપ્લેની વિભાવના અને સિગ્મન ફ્રોઈડ ન હતો કહી ગયો તે દિવસે તેણે કહ્યું હતું! ઝુંપડીમાં દુષ્યન્ત પ્રવેશ કરે એ સમયે શાકુન્તલાને થતો સળવળાટ પ્રેમની એક ક્ષણ ઝીલે છે. દુષ્યત અને શકુન્તલાને પ્રેમ થઈ જાય છે. ગુરુના આશ્રમમાં બન્ને પ્રથમ પ્રેમનો પ્રથમ રોમાંસ કરે છે, ત્યાં થોડાં લવ મેકિંગના સીન પણ ભજવાય છે. આથી શકુન્તલા ગર્ભવતી બની જાય.  દુષ્યંત તો તેને શ્રાપવશ ભૂલી જાય છે. કણ્વ શકુન્તલાને દુષ્યંત પાસે મોકલે છે. જુઓ એ સમયનું કલ્ચર કે બાપ જેવા કણ્વ પણ પ્રેગ્નેન્ટ શકુન્તલાને કંઈ કહેતા નથી. પ્રાર્થના કરો કે આવો બાપ બધાને મળે. આખરે તેને પ્રેમ કરતી વખતે દુષ્યન્તને મળે છે અને વીંટીંથી બધું યાદ આવતા દુષ્યંત શકુંતલાના વિરહમાં વલવલે છે. આખરે બન્નેનું મિલન થાય છે.

‘મૃચ્છકટિકમ્’

તમે ‘ઉત્સવ’ ફિલ્મ. હા…હા… બરોબર રેખાવાળી, હા એ તો જોયું જ હશે. આ એ બીજું કશું નથી પણ ‘મૃચ્છકટિકમ્’ નાટક પરથી બનેલી ફિલ્મ છે. બ્રાહ્મણ યુવાન ચારુદત્ત અને વરાંગના વસંતસેના વચ્ચે પાંગરેલા લવની રોમેન્ટિક કહાની જોવા મળે છે. ચારુદત્ત આમ તો પત્નીવાળો પુત્રવાળો છે. પણ તેને અચાનક જ વસંતસેના મળી જાય છે અને નગરવધુ સાથે તેને પ્રેમ થઈ જાય છે. બન્ને વચ્ચે લવમેકિંગ સીન્સ આવે છે પણ જુદું જ દર્શન છે બન્નેની જરૂરિયાત બન્નેને પ્રેમ સુધી લઈ જાય છે. જેને કશું લેવું નથી માત્ર આપવું છે, જેની કશી ડિમાંડ નથી તેવી પ્રેમિકા તરીકે વસંતસેનાનું આલેખન થયું છે. જાણવા જેવી વાત તો એ છે કે એક સ્ત્રી પ્રેમિકા થઈને એટલું કરે છે કે બરબાદ થયેલા ચારુદત્તની ગાડી ફરી પાટે ચઢાવવા મદદ કરે છે. આકર્ષણ અને પ્રેમ વચ્ચેની ભેદરેખા તોડીને રચાયેલી યુનિક લવસ્ટોરી જબરદસ્ત છે.
સૌંદરનંદ’

અશ્વઘોષ દ્વારા લખાયેલી કૃતિમાં સિદ્ધાર્થને જોઈને એક્સાઈટેડ થતી કપિલવસ્તુની સુંદરીઓનું વર્ણન કરવામાં આવે છે. બુદ્ધના નાના ભાઈ નન્દનું ચરિત લખ્યું છે. હકીકતે તો આ ગ્રંથ બૌદ્ધ ધર્મના સિદ્ધાંતને જનસામાન્ય સુધી પહોંચાડવા માટે લખવામાં આવ્યો છે. પણ નન્દ અનેક દાસીઓ વચ્ચે પડેલો હોય છે. અનેક રાણીઓ તેની સેવાઓ કરે છે. ત્યારે રચાતા રોમેન્ટિક દ્રશ્યો અને સ્ત્રીઓ વીશેની વાસ્તવીક ધરાતલ પર થતી વાતો તમને સૌંદર્યશાસ્ત્ર સમજાવે છે. હળવાશથી લવ મેકિંગની રોયલ રીત અહીં તમે જોઈ શકો છો. સ્ત્રીની કોમળતા અંગે સારો પ્રકાશ છે.

આ અને આવું તો કેટલુંય સંસ્કૃત સાહિત્યમાં પડ્યું છે બસ, ફિલ્મ અને વર્ચ્યુઅલ ઇન્તિમેટેડ સીન માંથી બહાર આવી પુસ્તકો સુધી જાઓ તો એ આજના દિવસે પ્રેમની અને સરસ્વતીની પૂજા જ છે!

– આનંદ

Advertisements
Posted in આંખના ઈશારે.... | 2 Comments

આવકાર અંક – 17

શ્રી વડવિયાળા પે સેન્ટરના બાળકો દ્વારા નિર્મિત ‘આવકાર’ મુખપત્રનો અંક નંબર – 17 નીચેની પીડીએફ ક્લિક કરી ડાઉનલોડ કરો…

આપનો પ્રતિભાવ અને માર્ગદર્શન અમારા માટે પ્રોત્સાહક અને પ્રેરક રહેશે…

aavkar-17

Posted in આવકાર - શાળા સામયિક | Leave a comment

ડિજિટલી yours: અનુરણ, છીન્નપત્ર, ટાગોર ને એવું બધું…

ડિજિટલી yours: અનુરણ, છીન્નપત્ર, ટાગોર ને એવું બધું…

digitaly-yours.JPG

મારા બ્લોગનો પરાણનો પ્રિય વાચક,

માણસ એકલો આવે છે – જાય છે પણ એકલો રહી નથી શકતો. તેના ખીલવા અને ખરવાની
વચ્ચે મહેકવું હોય છે અને મહેકવા માટે કોઈ ધરતી જોઈએ જ્યાં એ છોડ બનનીને પાંગરે અને
પોતાના હોવાપણાના ફૂલોની ખૂશ્બો ફેલાવી શકે. આ પણ એક અતૃપ્તિ છે અને તેને તૃપ્ત
કરવા માટે સંગ જરૂરી છે.
ડિજિટલી yours… ની મથામણ આવી કંઈક છે. ક્લાસિક પ્રોબ્લેમ યંગજનરેશનની
ભાષાના પોતની આંગળી ઝાલીને તમને ક્યાં લઈ જઈ શકે તેનો પડઘો એટલે ડિજિટલી
yours…
અનાહિતા અને અલયની સૃષ્ટિ જૂદી છે. ધ્યેયો અલગ છે. બસ, ખાલી થવું છે – લેખક ખાલી
શબ્દ લખે છે હું ખીલવું છે એવું કહીશ. – વિજાતીય વ્યક્તિ આગળ તમે ખીલી અને ખૂલી
શકો, એટલા મિત્રો સાથે ન ખૂલી કે ખીલી શકો. તમારા અંતરનો એક તાર વણ રણક્યો રહી
જાય જ્યારે તમે જગતને ખબર ન હોય એવા કોઈ રિલેશનમાં ગુફ્તેગો ન થાય! માત્ર તમે બે
પાત્રો જ જાણતા હો કે તમારો શો સંબંધ છે અને પછી તેમાં ખીલવાની અને ખૂલવાની ભાવના
અલગ હોય છે. સંવેદના રણઝણી ઉઠે છે અને પ્રેમના પુષ્પને પાંગરવાની પૂરવાઈ વેહવા લાગે
છે!
ડિજિટલી yours… માં આવા સંવેદનોનો આનંદ લહેરાય છે. જ્યારે વાંચતો હતો ત્યારે
મારા મનમસ્તિસ્કમાં કંઈ કેટલીય વાતો રમી રહી હતી. ભાઈ અંકિત દેસાઈ સાથે તો
સર્જનપ્રક્રિયા વિશે સાહિત્યિક લેબાસમાં વાત થઈ પણ સાહિત્યની આખરી ફલશ્રુતિ જ તેના
ભાવવિરેચનમાં રહેલી છે.
આ લેખના ટાઈટલમાં જણાવ્યું એમઃ છીન્નપત્ર યાદ આવી. હું ઘણીવાર કહું છું અને એ વાત
ફોન પર અંકિતભાઈને પણ કરી કે સુરેશ જોશીને એમના જ હિતશત્રુઓએ અને હિતેચ્છુઓએ
સંદિગ્ધ ચિતરી દીધા નહીં તો તે બહુ આગળની પેઢી માટે કંઈ નવું મૂકીને ગયા છે જે આજની
પેઢી માટે વણબોટ્યું છે. અરે હું તો એવું કહેવા લોભાયો કે ડિજિટલી yours… એ
છીન્નપત્રની રિમેક છે!
છીન્નપત્રના પત્રોની કક્ષા ભલે અનાહિતા-અલયના ચેટ ન આંબી શકે તો શું થયું આખરે તો
બન્નેને પોત પોતાના વિચારોથી ખૂલવું છે. એક એવો સાથી કે જેની સાથે લોકોથી અજાણ બનીને
હૃદય ઠાલવી શકાય. એનો પ્રેમ અને આનંદ પામી શકાય.
બીજું યાદ આવ્યું અનુરનન ફિલ્મ. ‘અનુરનન’નો અર્થ જ છે સારી રીતે એકમેકમાં તાલમેલ
સાધવો. બે વાદ્ય વાગતા હોય અને તે બન્ને તાલમાં અને સૂરમાં તાલમેલ થાય અને જે
સંગીતની હારમની ઉત્પન્ન થાય તે અનુરનન. આ ફિલ્મમાં રાહુલ પાસે પ્રિતિ ચાલી આવે છે
માત્ર એક દૃશ્ય – કાચનજંઘાને રાતના, ચાંદનીના અજવાળે માણવા. એ બન્નેની સંવેદના
એકસૂર થાય છે. કંઈક એકમેકને કહેવાનું કહેવાય છે પણ એ બધું જ મૌન. ફિલ્મમાં એના
સંવાદો કરતા સંવેદના વધુ બોલે છે. અહીં પણ એકમેકને પામવા કરતા ખીલવા – ખૂલવાની
તલપ વધારે છે.
ત્રીજા યાદ આવ્યા રવિબાબુ… રવિન્દ્રનાથની કબિતિકાઓ યાદ આવે છે જેમાં આવો જ કંઈક સૂર
છે – ‘હે નારી, તારી અંગુલીઓ નાજુક સ્પર્શ થકી મારી વસ્તુસંપત સુચારુતાના મધુર સૂર
છેડે છે.’ અને ‘ તારા મૌનના ગર્ભગૃહમાં મને લઈ જા અને મારા અંતઃકરણને ગીતો વડે
છલકાવી દે.’ તો વળી, ‘હું તને મારા આવાસમાં નથી બોલાવતો, અંતઃસ્તલની અનંત
એકલતામાં આવ, પ્રિયે!’ આ કબિતિકાઓ દ્વારા રવિબાબુએ પ્રેમના એ ખિલવાની, ખાલી થવાની, ખૂલવાની ભાવના આપી દીધી છે જેને કલાકીય આયામ આપ્યો છે.
ડિજિટલી yours… એ ચેટચાટમાં પણ કંઈક થોડું જે ઝબકાવી આપે છે તે આવું કશુંક
ક્લાસિક છે. સંવેદનવાહી છે. ડિજિટાલીટી આપણા જીવનવ્યવહારને જ બદલતા નથી, પરંતુ
સંવેદનવિશ્વને પણ બદલાવે છે. સંવેદન પણ છીછરા સરોવરમાં આવી જાય એવું ય બને છે.
ચેટ માત્ર ખોલે છે જ્યારે પત્રો ખિલવે છે લાગણીને. એ પડઘો પણ પડે છે. આખરે મારા કાનમાં
એમર્સનનું વાક્ય મચ્છરની જેમ ગણગણે છે કે – સુવાક્યોને હું ધિક્કારું છું, તમે પોતે શું જાણો
છો એ કહો. – અને આ રીતેય આ નવો લેબાસ લઈને આવેલી કૃતિ ડિજિટલી yours…
ને વધાવવી રહી.

ખૂલવા, ખીલવા અને ખાલી થવાની આ મથામણ જ માણસને જિવંત રાખે છે એટલે આવી સંવેદના શાશ્વતીનો સૂર છેડે એમાં નવાઈ શી!

લાંબુલસક લખતો ડિજિટલી yours… આનંદ…

Posted in આંખના ઈશારે.... | Leave a comment

@Entrance – કલાવિશ્વના દ્વારે ટકોરા દેતા પથિકોનું સામયિક…

ક્યારેક કંઈક નવી પ્રેરણા મળી શકે….?!
@Entrance … કલાવિશ્વના દ્વારે ટકોરા દેતા પથિકોનું સામયિક…

@entrance

મારી આસપાસના કેટલાય ટીનએજને ઉછરતા જોયા. તેની સાથે સંવાદ ચાલ્યો. કોઈ કંઈને કંઈ વાંચે છે, લખે છે, અભિનય, ફોટોગ્રાફી, સેવાકીયક્ષેત્ર, એન્જિનીયર, સાયન્સ, વગેરેમાં કંઈક નવું કરે છે. કેટલાકનું અંગ્રેજી અને ગુજરાતી બન્ને એટલું પાવરફૂલ છે કે અંગ્રેજી સાહિત્યમાંથી સારો અનુવાદ કરી શકે એમ છે, આ બધું જોઈ રહ્યો હતો એમાં સદ્દભાવના પર્વમાં મહુવા જવાનું થયું. અમૃત ગંગર સાથે અમે કેટલાક યુવાનો વાતો કરી રહ્યા હતા. તેમાં એક તરૂણે કહ્યું કે અમને તો કોઈ સાંભળતું જ નથી… બસ આ વાક્ય પછી મારા મનમાં પડઘાયા કર્યું. પૂ. બાપુના કૈલાસગુરુકુળનું રામયાણસંગ્રહાલય જોઈ રહ્યો હતો, વિચાર આવ્યો કે આવું તો કોઈ ઉમરે મને ય થતું.

શાળાના વિદ્યાર્થીઓમાં લેખનવૃત્તિ જાગે તેના માટે ‘આવકાર’ નામનું હસ્તલિખિત સામયિક અમે ચલાવી રહ્યા છે. તેની પીડીએફ બનાવી પછી શેર કરું છું. થયું, આવું નવું સામયિક ન થઈ શકે? જેમાં કિશોરો, તરૂણો અને નવયુવાનોની – નવોદિતોની રચનાઓ, લેખો વગેરે સમાવી શકાય?! અને આમ એન્ટ્રાન્સ – એટલે કે પ્રવેશદ્વાર … નવા ક્ષેત્રે પ્રવેશ માટેનું સામયિક શરૂ કરવાનું વિચાર્યું છે.

આશા છે વિદ્વાનોનું માર્ગદર્શન, વડિલોના આશીર્વાદ અને સમવયસ્કોનો સપોર્ટ મળશે. નવોદિતોને સાદર આમંત્રણ છે આ સામયિકમાં લખવા માટે. આ સામયિકની મારા બજેટ અનુસાર પ્રિન્ટ નકલ પણ યોગ્ય જગ્યાએ પહોંચતી કરીશું કે જ્યાંથી ક્યારેક કંઈક નવી પ્રેરણા મળી શકે.

– આનંદ

( thakaranand88@gmail.com )
આ સમયિકના પ્રથમ અંકની  PDF Download કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…

@entrance issue – 1

 

Posted in @entrance | Leave a comment

આવકાર…. ON-LINE

આવકાર….

વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર થતું સામયિક…

મૂળ પ્રણેતા મારા પિતાશ્રી દિનેશભાઈ વી. ઠાકર. તેમણે ભાડાસી પ્રા. શાળામાં એક અંક બહાર પાડેલો. પછી જ્યારે હું શિક્ષક બન્યો ત્યારે વિધિવત કામ ચાલ્યું વડવિયાળા પે સેન્ટર શાળામાં.

આ સામયિકના નવતર પ્રયોગમાં મારા સાથી ભાષાશિક્ષક બહેનો દિપ્તીબહેન અને અનિલાબહેને હંમેશા ઉત્સાહ દાખવ્યો. ચાર વર્ષના આ કાર્યમાં ત્રણ આચાર્યો બદલ્યા જેમાં પ્રથમ નિલેશભાઈ, બીજા અશોકભાઈ અને ત્રીજા વિનોદભાઈ … ત્રણેયનો સહયોગ સારો રહ્યો અને તમામ શાળા પરિવારે આ નવતર પ્રયોગને સરાહ્યો એ માટે વડવિયાળા શાળાપરિવારનો આભારી રહીશ. વળી, એકાદ-બે વખતતો આવકારની ઝેરોક્ષ માટેના ગામમાંથી આર્થિક દાતા પણ મળ્યા તે સૌનો આભારી છું.

(નીચે અત્યાર સુધીના 16 અંકની PDF છે પરંતુ એ પહેલા ‘આવકાર’ ના નિર્માણકાર્ય વિશે થોડી વાતો…  )

પ્રાથમિક શાળામાં એકાદ વર્ષ પસાર કર્યું ત્યારે અંદાજ આવ્યો કે પ્રાથમિક શાળા પ્રત્યે વાલી, સમાજ અને ગામ જાગૃત નથી કે અહીં કેવી કેવી સુંદર પ્રવૃત્તિઓ માટે શિક્ષકો મહેનત કરી રહ્યા છે. એમના સમયે શાળાની વાત એમની પાસે જઈને કરવી પડે તો આ જાગૃતિ આવે. એ જ સમયમાં SCE માં ભાષાની કેટલીક અધ્યયન નિષ્પત્તિઓ એવી હતી કે તે મુખપત્ર દ્વારા વધારે સારી રીતે સિદ્ધ કરી શકાય એમ હતી. આમાંથી શાળા મુખપત્રની શરૂઆત થઈ. બાળકોના સર્જનને આવકારવા માટે મુખપત્રનું નામ ‘આવકાર’ આપવામાં આવ્યું. સને 2014ના ગુણોત્સવના દિવસે 23-11-2014ના રોજ શાળામુખપત્ર ‘આવકાર’નો પ્રથમ અંક પ્રકાશિત કરવામાં આવ્યો. આ સાથે તે ચાર વર્ષ આ મહિનામાં પૂરાં કરે છે.

‘આવકાર’ માટે દર વખતે ધો. 6,7,8ના અલગ અલગ વિદ્યાર્થીઓના –સંપાદન મંડળ-ની રચના કરવામાં આવે છે. જેમાં સંપાદનથી લઈને મુખપત્રને વાલીઓ સુધી પહોંચાડવાની જવાબદારી વિદ્યાર્થીઓને જ સોપવામાં આવે છે. જેમાં મુખ્યસંપાદક, સહસંપાદક, આલેખક, ચિત્રાંકનકાર, પ્રુફરિડર, ગામ પત્રકારો, શાળા પત્રકારો અને વાંચક કાર્યકરો. વગેરેને પસંદ કરવામાં આવે. આ સંપાદક મંડળમાં દર વખતે શક્ય તેટલા અલગ અલગ વિદ્યાર્થીઓ નિમાય તેની ખેવના રાખવામાં આવે.

પત્રકારો ગામના અને શાળાના નવા સમાચારો લઈ આવે. તે સહસંપાદકને સોંપે. સહસંપાદક અને મુખ્યસંપાદક બન્ને મળીને જરૂરી ફેરફાર કરે. તે પ્રુફરિડરને આપે. પ્રુફરિડર ભાષાદોષ દૂર કરી અને વ્યવસ્થિત લખીને તે શિક્ષકના ધ્યાને મૂકે. હું તેમાં જરૂરી ફેરફાર લાગે તો કરું છું નહીં તો તે આલેખન અને ચિત્રાંકન માટે ચાલ્યું જાય છે. પેઈજમાં બાળકોના જ હસ્તાક્ષરે તેનું આલેખન અને ચિત્રાંકન થાય છે. એ થઈ ગયા બાદ તેની 40 જેટલી નકલ ઝેરોક્ષ રૂપે બનાવીને (ઝેરોક્ષ શિક્ષક સ્વખર્ચે કરાવે છે.) ગામની અલગ અલગ શેરીમાં આઠથી દસ ઘર વચ્ચે એક વિદ્યાર્થીને વંચાવવા માટે આપીએ છીએ.

ગામના પોતાના સમાચાર હોવાથી વાલીને રસ પડે છે અને શાળામાં થતી નવી નવી પ્રવૃત્તિઓથી વાલીઓ, ગામ અવગત થાય છે. વિદ્યાર્થીઓમાં ભાષા બાબતે કેટલીક નિષ્પત્તિઓ મળે છે તેનું પરિણામ પણ જોઈ શકાય છે.

અહીં નીચે આવકારના અત્યારસુધીના અંકો મૂક્યા છે.  તેના પર ક્લિક કરી આવકાર અંક પ્રમાણે પીડીએફ વાંચી શકશો.

આપનો પ્રતિભાવ આપ કોમેન્ટમાં કે thakaranand88@gmail.com  પર આપી શકો છો.

aavakar-1

aavkar-2

aavkar-3

aavkar-4

aavkar-5

aavkar-6

aavkar-7

aavkar-8

aavkar-9

aavkar-10

aavkar-11

aavkar-12

aavkar-13

aavkar-14

aavkar-15

aavkar-16

Posted in આવકાર - શાળા સામયિક | Leave a comment

ભણવા માટે એટોઆ મુન્ડા જંગ જીત્યો

ભણવા માટે એટોઆ મુન્ડા જંગ જીત્યો

munda1

દિવાળીના દિવસો ગયાં. ભૂત ક્યાં જાય? પિપળે. ઘણાં સમયથી રહી ગયેલી ‘અંગદનો પગ’ નવલકથા પૂરી કરી. સફારી, જિપ્સીના બન્ને અંક પૂરાં કર્યાં. એવામાં તાવ-શરદીમાં પટકાયો. ક્યાંય ગમે નહીં. સોનલ દેસાઈ દ્વારા દાન કરાયેલા પુસ્તકો કેતન મોદી સાહેબે બી…નચિકેતાને મોકલેલા. એ હજુ મારી પાસે પડ્યા હતા. ખુલતા વેકેશને ત્યાં લઈ જઈશ એવા વિચારે. તેમાંથી થોડાં પુસ્તકો કાઢ્યા. અચાનક મને પુસ્તક હાથ લાગે છે ‘એટોઆ મુન્ડા જંગ જીત્યો’ મારા ગમતા સર્જકોમાના એક મહાશ્વેતાદેવીએ એ લખ્યું છે.

આશ્ચર્ય તો ત્યારે થયું કે એ હમણાં પુરું કર્યું અને તેમાં બિરસા મુન્ડાની વાત આવી. તેનો દિવસ પણ 15 નવેમ્બરે જ ઉજવવામાં આવે છે અને આ પુસ્તક પણ મારા હાથમાં 15 નવેમ્બરે જ આવ્યું.
આમાં જો કે બિરસા મુન્ડાની વાત નથી પરંતુ તે આદિવાસી કુળના મુન્ડા અને લોધી જેવી શાખાના આદિવાસી લોકોના બાળકોના ભવિષ્ય વિશે વાત છે. બિરસા મુન્ડા તો તીરકામઠે લડ્યા હતા પરંતુ આ કથાનો નાયક એટોઆ મુન્ડા પોતાના ભવિષ્ય માટે લડી રહ્યો છે.

મહાશ્વેતાદેવી એ લોકોની સેવામાં રહ્યા છે તેથી તેમનો જાત અનુભવ ચિતરાયો છે. આ એ કાળની કથા છે કે ભારત અંગ્રેજો સામે લડીને આઝાદ થઈ ગયું પછી વધી રહેલી બાબુશાહીએ મજૂરોને પોતાની જાગીર માનીને જે જુલમ ગુજાર્યા તેની કથા છે.
આ એ સ્થળની કથા છે જ્યાં ભારતના પૂર્વતટે હાવડા નદી અને સુવર્ણરેખ નદી વહી જાય છે. ત્યાંના વૃક્ષો અને ઝાડીઓમાં ઊછરેલી અતિપછાત આદિવાસી પ્રજાની વાત છે.

આ એવા સમાજની કથા છે જે પોતાનું પેટ ભરવા માટે ક્યારેક સાપ, શાહુડી, ઉંદરને પણ રાંધીને ખાઈ લે છે.

એટોઆ મુન્ડા એક નાનો છોકરો છે. તેના મા-બાપ મૃત્યુ પામ્યા છે અને તેના દાદા મંગલ પાસે ઉછરે છે. મંગલને એટોઆના પિતાને પણ ભણાવવો હતો, કારણ કે અંગ્રેજો અને શાહુકારો આદિવાસીઓની જમીનો પડાવી જતા હતા અને હવે તેને સમજાઈ આવે છે કે જો ભણેલા હોઈશું તો તેમને કોઈ છેતરી શકશે નહીં.
એ સમયમાં તેના બાળકો ભણવા માટે સંઘર્ષ કરીને સરકાર પાસેથી શાળા લઈ આવે છે. શિક્ષક મળતો નથી. એવામાં આદિવાસી વ્યક્તિ જ શિક્ષક તરીકે આવે છે.

જેમની જમીન છે એવા આદિવાસી તેમના સંતાનને ભણાવવા મોકલે છે, પરંતુ જેની પાસે જમીન નથી તેમને તો મોતીબાબુ જેવા શેઠને ત્યાં ગાયો-બકરા-ઘોડા ચરાવી ને તેની ગુલામી કરીને જ જીવવું પડે છે અને એટોઆ અને તેના દાદા એવા જ છે.

મંગલને ખૂબ ઈચ્છા હોય છે કે એટોઆ ભણે. શાળાએ મોકલે છે. એવામાં મંગલની તબિયત લથડે છે. મંગલ ઘરડો થઈ ગયો હોય છે અને કામ કરી શકે એમ નથી. એટોઆ ફરી કામે જાય છે ત્યારે મોતીબાબુને થાય છે કે પોતે જીત્યો. હવે આ લોકો ભૂખ ભાંગવા પણ તેમને ત્યાં આવશે. તે ગમે તેવું વર્તન કરે છે. પણ આદિવાસીઓ એક થાય છે અને મોતીબાબુ જેવાની ગુલામીમાંથી છુટવાના ઉપાય શોધે છે. 15 નવેમ્બરનો દિવસ આવે છે તેના બિરસાભગવાનનો દિવસ તે ઉજવે છે અને ગામની શાળાના શિક્ષક તે લોકોને બાળકોને ભણાવવા સમજાવે છે. સૌ તૈયાર થાય છે પૈસાનો પ્રશ્ન શિષ્યવૃત્તિમાંથી ઉકેલાઈ છે અને ખાવાનો પ્રશ્ન મધ્યાહ્નભોજનમાંથી ઉકેલાઈ છે. માટે સૌ પોતાના બાળકોને ભણાવે છે.

એટોઆ તેના વાડામાં લપાઈ છૂપાઈને જીવન જીવતા સસલાને જૂએ છે. ત્યારે તેને સમજાઈ છે કે માત્ર બિરસા ભગવાને જ લડાઈ નથી લડી કે પોતાને મોતીબાબુને ત્યાં કામ કરવા જવાનું બંધ કરીને નિશાળે જવા માટે આટલી મોટી લડાઈ લડી એ જ લડાઈ નથી, આ જિંદગી જ એક લડાઈ છે – જંગ છે. અને તેને લાગે છે કે ભણવા જવા માટે તેને તક મળી તે મોટી જંગ જીતી ચૂકયો છે. તેને સપના છે કે એક ચડ્ડી અને કોથળો પહેરી-ઓઢી ફરતો છોકરો ભણીને એ પણ કોઈ શાળામાં શિક્ષક બનીને એની જાતિના અન્ય છોકરાઓના વિકાસમાં ફાળો આપશે.

આ કથામાં એ વનવિસ્તારના લોકોના રીતરિવાજો, લગ્નવિધિઓ, તહેવારો વગેરેનું ચિત્રણ સુંદર છે. એક તો મહાશ્વેતાદેવી અને તેની ભાષા એટલે નર્યો શીરો. તેમને વાંચો એટલે તેમની કથા પૂરી જ કરવી પડે. આ કથા વાંચતા વાંચતા ગીરના વનના લોકોને ઉજાગર કરતી ‘અકૂપાર’, બીહારના વનના લોકોનું જીવન ઉજાગર કરતી ‘આરણ્યક ’, પડઘાયા કરે. એટોઆ મુન્ડામાં ‘અલકેમિસ્ટ’નો સાન્તિએગો અને ‘સાગર પંખી’નો જોનાથ લિવિંગસ્ટનના ઓછાયા વરતાય.

વાર્તા અને વાસ્તવિકતાના લેખક છે મહાશ્વેતાદેવી જી. મેં આરણ્યક, અકૂપાર દ્વારા ભારતના બિહાર અને ગુજરાતના વનોમાં વસતી આદિમજાતિઓ વિશે જાણ્યું અને એટોઆ મુન્ડાની કથામાં બંગાળપ્રાંતના વનોમાં વસતી આદિમજાતિઓ વિશે જાણવા મળ્યું. આપણું મૂળ અને કૂળ કેટલું ઊંડું છે!! તેની આપણને પ્રતિતિ થયા વિના ન રહે. આપણા જીવન કદાચ વિકસ્યા છે અને સારું ખાવું પીવું અને સારી રીતે રહેવામાં જ જો આપણે વિકાસ માનીએ તો આપણે ખરા વિકાસ માટે તો દૂરદરાજના ગામડાના જીવન અને વનોમાં ઝાડવાઓને પોતાના મિત્રો ગણતા માણસો કરતા કેટલાય પછાત છીએ.

એટોઆ મુન્ડા જંગ જીત્યો – આ પુસ્તકના લેખક મહાશ્વેતા દેવી છે તેને નેશનલ બૂક ટ્રસ્ટે ગુજરાતી અનુવાદ કરાવ્યો છે. જે સાધના નામના અનુવાદિકાએ કર્યો છે. આવા પુસ્તકોની માથે બેસ્ટ સેલરનું લેબલ નથી હોતું પરંતુ આપણને બેસ્ટ સાઉલ (soul) બનાવી જાય છે.

Posted in આંખના ઈશારે.... | Leave a comment

સંઘેડા બજાર – મહુવાઃ એક મુલાકાત

સંઘેડા બજાર – મહુવાઃ એક મુલાકાત

IMG_20180607_175725

સદ્દભાવના પર્વમાં મહુવા જવાનું થયું. સૌ આવવાના હતા તેના એક દિવસ પહેલા હું પહોંચ્યો. કેટલાય વખતથી ઈચ્છા હતી કે સંઘેડા બજાર જોવી. મમ્મી-પપ્પાએ એના વિશે ઘણી વાતો કરેલી.

હું બજારમાં ગયો. બધાને પૂછતો પૂછતો. સંઘેડા બજાર આવી. સૌ પ્રથમ તો મને થોડી દુકાનો લાકડાની કલાકૃતિઓના શોરૂમ લાગ્યા. પણ મારે તો ચાલુ કામ જોવું હતું.

હું આગળ ગયો ત્યાં મને સંઘેડા જોવા મળ્યા. આ ‘સંઘેડા’ શબ્દ લાકડાને કલામય ઘાટ આપનારા યંત્ર માટે પણ છે અને એ કાર્ય કરનાર કાષ્ટકલાકારને પણ આ જ નામથી સંબોધવામાં આવે છે.

IMG_20180607_180543

હું એક સંઘેડાઉતારનારને ત્યાં બેઠો. તે લાકડાના કટકા માંથી ઢીંચણિયું ઉતારી રહ્યા હતા. મેં એને પૂછ્યુંઃ શું સ્થિતિ છે આજના બજારની…? તો એને જે જવાબ આપ્યો તે આ કલા માટે આપણને જાગૃત કરનારો છે. તેમણે કહ્યુંઃ અહીં પહેલા સો આસપાસના સંઘેડા મશીન અને દુકાનો હતી. અત્યારે વીસની આસપાસ રહી છે.

IMG_20180607_180510

તેનાથી આગળના સંઘેડા પાસે ગયો તો વાતો વાતોમાં એને મને કહ્યું કે તમે જે શો રૂમ જોયાં તેમાં અહીંની વસ્તુઓ મોટાભાગની નથી. કારણ કે ચાઈનાથી માલ આવે છે. અમે તૈયાર કરીએ એ જે વસ્તુ 70 રૂ.ની પડે તે ચાઈનાથી આવે તે 40 રૂ. પડે.

મેં કહ્યું, ચાઈના થોડું આવું જોવા આવે… ચાઈના નઈ આપણાં જ કોઈક હશે બીજા પ્રાંતના

તો કહે, ના ના સાહેબ, બીજા પ્રાંતની અમુક વસ્તુઓ તો આવે જ છે, પણ ચાઈનાના લોકો અહીં આવી જોઈ ગયા, એકએક વસ્તુ ખરીદી ગયા અને ત્યાંથી બનાવીને હવે અહીં મોકલે છે, આપણાંથી સસ્તી કરીને… (આમાં કેટલું સત્ય તે હું જાણી શક્યો નહીં.)

ત્રીજા સંઘેડા પાસે ગયો ત્યાં વાત થઈ અને તેણે કહ્યું કે આની હવે કોઈ બજાર રહી નથી.

IMG_20180607_175705

આ ત્રણેય સાથે વાતો કરતા એક સર્વસામાન્ય વાત તે વારંવાર કરી રહ્યા હતા અને તે કદાચ આપણા સૌ માટે રેડલાઈટ સમાન છે કે તેનો સૂર હતો કે અત્યારે જે સંઘેડા કાષ્ટકલા કરી રહ્યા છે, આ એ લોકોની છેલ્લી પેઢી છે. આ કામ કરવા તેની પેઢીમાં પણ હવે કોઈ તૈયાર થતું નથી.

IMG_20180607_175447

આવી સ્થિતિમાં આજે પણ ત્યાં ઘોડિયા, ઢોલિયા, ઢીંચણિયા, ગરિયા, રમકડાં, પાટલા, વેલણ, લગ્નમાં વપરાતા પોંખણિયા. વગેરે વસ્તુનું નિર્માણ થઈ રહ્યું છે. અને એ એટલું કલાત્મક છે કે તેનું મૂલ્ય આંકી ન શકાય, ચિંતાનો વિષય છે કે હવે આ કલાને ટકાવવી હોય તો શું? આ કલાનું કોમર્શીલાઈઝેશન શા માટે ન થયું. આજે તો હવે સુશોભન માટેના કન્સેપ્ટ ખિલતા જાય છે. ત્યારે મને બે બાબતો સમજાઈ કે કાં તો આ લોકો વિકસિત નથી થયાં મતલબ કે પરંપરાગત જે વસ્તુઓ બનાવે છે એ જ બને છે અને એ રીતે જ બને છે, અને આનો કોઈ અલગથી સેલ્સમેન નથી જે આ લોકોને બજાર પૂરી પાડે. ત્યારે આ લોકોની રોજીરોટી જોખમાય તે કરતા તો કાં તેમને વિકસવું જોઈએ કાં આ કલાના પ્રદર્શનો થવા જોઈએ તેને બજાર પૂરી પાડવી જોઈએ.

કાષ્ટકલાના સુંદર નમુનાઓ મેં જોયા…. ક્યારેક મહુવા જાઓ તો આ બજાર પણ જોજો…

અહેવાલ અને તસ્વીર © આનંદ ઠાકર

Posted in આંખના ઈશારે.... | 1 Comment