કાજલ ઓઝા-વૈદ્ય

કાજલ ઓઝા-વૈદ્ય. જેમણે 19-21 વર્ષની ઉંમરે જ સ્ક્રિન પ્લે માટેનું કામ શરૂ કરી દીધું હતું. નવલકથા માટે તો છેક 2007માં આવ્યા અને 7 વર્ષમાં 45 બૂક લખી છે, જેમાં 18 તો નોવેલ લખી છે. તેમણે નાટકો પણ ઘણાં લખ્યા છે અને તે લોકોએ વધાવ્યા પણ છે. ગુજરાતી વાંચકો માટે હવે આ નામ અજાણ્યું રહ્યું નથી.

‘સપ્તપદી’  એક ગુજરાતી ફિલ્મનો સ્ક્રિનપ્લે લખ્યો તથા ‘મોટી બા’નામની સિરિયલ પણ તેમણે લખી. આ બન્ને નામ તો જાણતા જ હશો અને સાથે સાથે તેમની નવલકથાના નામ લેવા હોય તો ‘મૌનરાગ’, ‘કૃષ્ણાયન’, ‘યોગ-વિયોગ’, ‘દ્રૌપદી’ વગેરે…

એક અલગ શખ્સિયત ‘મોર્ડન’ ગુજરાતણ અને લેખિકા કાજલ ઓઝા-વૈદ્ય…

આપની જિંદગીમાં એવી કોઈ ઘટના ઘટી છે કે આપને લાગ્યું હોય કે ઈશ્વર તમારી સાથે હતા?

સો ટકા, એકથી વધારે ઘટનાઓ છે કે દરેક વખતે મને એવું લાગ્યું છે કે જ્યારે જ્યારે હું પડી છું  ત્યારે મને બચાવી છે. આવું એક વાર નહીં પણ અનેક વાર થયું છે. હાલની જ વાત કરું તો હું કૈલાસ માનસરોવર જઈ રહી છું તે હમણાને હમણાં ત્રીજીવાર ઈન્વિટેશન આવ્યું. પહેલી વાર પૈસા બચાવેલા તે મેં મારા દીકરાને યુરોપ મોકલવામાં વાપરી નાખ્યા એટલે મને થયું આ વખતે નહીં જવાય, ત્યાં બીજી ટ્રાવેલ એજન્સીનો મેસેજ આવ્યો કે તમે જાઓ અને લખો અમારા વિશે ત્યારે હું તૈયાર થઈ, તો ઉત્તરાખંડનું થયું તો તે લોકોએ કેન્સલ કર્યું તો થયું ફરી કેન્સલ થયું. આ ત્રીજું ઈન્વિટેશન છે સેમ સીઝનમાં તો સંકલ્પ તમારા મનમાં હોય તો આઈ થિંક યુ ડૂ મેઈક ઈટ લાઈફ.

આજે આપ જ્યાં છો તે શું તમારું સ્વપ્ન કે વિચાર હતો?

ના..રે… મારે એકદમ હાઉસ વાઈફ થવું ’તું, કમાવાનો તો મને વિચાર  જ નથી આવ્યો. મારે કંઈ કરવું જ નહોતું. લખવું તો શું કમાવાનું પણ સુઝ્યું ન હતું. હું સારી ગૃહિણી, સારી માતા બનવા ઈચ્છતી હતી. આજે હું જ્યાં છું તે ઈશ્વરે નક્કી કરેલી જગ્યા છે અને હું આનંદથી જઉં છું.

આપના જીવનમાં ધર્મની કોઈ ભૂમિકા છે? છે તો કેવી રીતે?

ધર્મની ભૂમિકા બિલકૂલ નથી, અધ્યાત્મની ભૂમિકા છે. હું સ્પિરીચ્યુઅલ છું. અધ્યાત્મમાં મને એમ લાગ્યું છે કે એક કનેક્ટ છે મારું, સુપર પાવર સાથે. હું કાં તો બધા જ ધર્મમાં માનું છું ને કાં તો કોઈ ધર્મમાં નથી માનતી.

જીવનમાં ખુશી રહેવા માટે આપનો મંત્ર શું છે?

‘ઈટ્સ ઓકે’…આપણા હાથમાં કશું છે જ નહીં, પ્રયત્ન કરવા સિવાય આપણે કશું કંઈ કરી શકતા નથી. પ્રયત્ન કરવો અને પછી છોડી દેવું, રિઝલ્ટને સ્વીકારી લેવું. હું બહુ અફસોસ નથી કરતી, બહુ ધમપછાડા નથી કરતી. સામાન્ય રીતે ડિવાઈન ડિઝાઈનનો ભાગ બની જાઉં છું. હું વિચારું છું કે તે જે નક્કી કર્યું છે તેમ જ જો થવું હોય તો હું તે સ્વીકારું છું.

તમારા માટે સુખની વ્યાખ્યા શું હોઈ શકે? ભૌતિક કે માનસિક?

માનસિક. સો ટકા. ભૌતિક સુખ નથી જોઈતું એવું નથી. મને કપડા સારા પહેરવા ગમે, મને બેસ્ટ પરફ્યૂમ્સ ગમે, મને ફાઈવસ્ટાર લક્ઝૂરી ગમે, પણ એ બધા પછી મારે માટે ખુશ રહેવું , માનસિક શાંતિ વધુ જરૂરી છે. એટલે મારા મિત્રો, મારી દુનિયા, એના વગર મને ન ચાલે.

આપને મૃત્યુનો ડર લાગે છે?

જરાય નહીં ને. મને મૃત્યુ વધારે રોમેન્ટિક લાગે છે. કેવી રોમેન્ટિક હશે તે જગ્યા જેના વિશે હું જાણતી નથી, મેં જોઈ નથી. પણ એવો ડર મને ચોક્કસ લાગે છે કે મારે ડિપેંડન્ટ થઈને નથી મરવું, એટલે કામ કરતા કરતા ફટાક દઈને જીવ નીકળી જાય એવી પ્રાર્થના હું ઈશ્વરને કર્યા કરું છું.

પુનર્જન્મ જેવું કશું હોઈ અને આપને પસંદગી આપવામાં આવે તો આપ બીજા જન્મમાં શું બનવા ઈચ્છો?

જે છું એ જ. મને કંઈ જિંદગી વિશે અફસોસ નથી. મને પસંદગી મળે તો હું એવું પ્રિફર કરું કે મારું બાળપણ જેવું હતું તેના કરતા થોડું જુંદું હોઈ. બાકી કંઈ ફેર નથી પડતો. મજા છે. બહુ સારી રીતે જીવું છું.

ધર્મ અને અધ્યાત્મને આપ કેવી રીતના તફાવત જુઓ છો?

મારા માટે દીવો કરવો કે એવું રહી જાય તો મારા માટે એ બધું અપીલ નથી કરતું. મને મારી જાત સાથે મજા આવે છે. પણ અધ્યાત્મ વિશે એવું ખરું કે હું મારી પ્રામાણિકતામાંથી ચૂકું નહીં, મારો આત્માનો અવાજ હું સાંભળું. મારી સિક્સ્થ સેન્સ મને કહે છે બધું કે આ કરવું અને આ ન કરવું. કશું ખોટું થતું હોય તો મારી સિક્સ્થ સેન્સ મને અટકાવે છે, એવું મને હંમેશા લાગ્યું છે.

આપની સફળતાનો શ્રેય તમે કોને આપવા ઈચ્છો?

મારા સંઘર્ષને. મારી પીડાએ મને હું જે છું તે મને બનાવી છે. હું ખરેખર સખત મહેનત કરું છું, હું  સુપર રાઈટર છું એવો વહેમ મને થયો જ નથી. મને હંમેશા એવું  લાગ્યું છે કે હું મિડિયોકર લેખક છું, બહુ મધ્યમ પ્રકારનું કામ કરું છું. મારામાં કોઈ એવી મહાન સર્જનાત્મકતા જેવો વહેમ નથી. પણ હું એવું ચોક્કસ માનું છું કે હું જેવું લખું છું, તેવું જીવું છું. હું પ્રામાણિક અને સખત મહેનતું છું. આ બે વસ્તુ મારા માટે જરૂરી છે.

આપના જીવનસાથીની સૌથી સારી અને ખરાબ કોઈ એક બાબાત?

મારા જીવનસાથીની સૌથી ખરાબ બાબત એની બેજવાબદારી અને સૌથી સારી બાબત એને મને જે ફ્રિડમ આપ્યું છે તે. મારી સ્વતંત્રતાને એને જે સન્માન આપ્યું છે એવી રીતે ભાગ્યે જ કોઈ ભારતીય પુરુષ આપી શકે. હું ગુજરાતી નથી કહેતી, ભારતીય પુરુષ કહું છું. તેણે ખરેખર મને સ્વતંત્રતા અને પસંદગી આપી છે. હું જે છું તે મને એણે રહેવા દીધી છે, એટલે હું બહુ જ એ વિશે માર્ક આપું. અને તે મહાબેજવાબદાર છે એ એનું બીજું ખરાબ પાસું છે.

આપણે ત્યાં ગુજરાતી સાહિત્યમાં બે ફાંટા છે એક તો ખૂબ લોકપ્રિયતા મેળવતું સાહિત્ય અને એક કલા કેળવી લે છે, તો આ બન્નેને તમે કેવી રીતે જુઓ છો?

વાંચક વાંચે એવું લખવું જોઈએ મને લોકપ્રિયતા કે કલા એવા લેબલમાં રસ નથી. પણ જેને વાંચવાની વાંચકને મજા આવે. રૂપિયા ખર્ચીને એક માણસ તમારું પુસ્તક ખરીદે છે, તો એને કમસે કમ તેના રૂપિયાનું વળતર મળવું જોઈએ. 

એક તરફ હરકિશન મહેતા હોય અને એક તરફ સુરેશ જોશી તો આપ કોને વાંચવા પસંદ કરો?

જુઓ, અંગત રીતે હું બન્નેને વાંચું છું. બન્ને મને ગમે છે. પણ લખવાનું હોય તો હું હરકિશન જોશી જેવું જ લખું કારણ કે સુરેશ જોશી જેવું મને લખતા નથી આવતું. આવડતું જ નથી હું એવું લખવા ધારું તો  કોપિ કરી શકું. આવું જન્મે નહીં મારામાંથી.

આપને ગમતું આપનું પુસ્તક….

મૌનરાગ અને દ્રોપદી.

અમિતાભ બચ્ચન જેના વિશે બોલ્યા હોય તે કૃષ્ણાયન વિશે?

ક્રૃષ્ણાયન મેં લખી જ નથી. એ તો કોઈ પાવરે શક્તિએ મને પસંદ કરી હતી એ લખવા માટે. મેં ટ્રાન્સમાં લખી છે. મારો કૃષ્ણ પોલિટિકલ સ્કોલર છે. એક માણસ તરીકે, પ્રેમિતરીકે, માણસાઈના ઉદાહરણ રૂપ કૃષ્ણ આપ્યો છે. ચાર્મિંગ, રોમેન્ટિક, સ્ટેબલ, સિન્સિયર એવા કૃષ્ણનું મને બાળરૂપ ગમ્યું નથી મને તે એક પુરુષ તરીકે ગમ્યો છે, તેના પ્રેમમાં પડ્યા વગર કઈ રીતે રહેવાય !

સાહિત્યમાં હવે માર્કેટિંગ આવતું જાય છે એ વિશે આપનો શું ખ્યાલ છે?

આવવું જ જોઈએ, શા માટે ન આવવું જોઈએ. લોકો વધું વાંચે એ આપણો રસ નથી! 

  • – આનંદ ઠાકર
  • ( ઇન્ટરવ્યૂ ઈ.સ. ૨૦૧૩માં લેવાયેલો. )

About aKshArAnANd

સામાય ધસી જઈએ, આઘાય ખસી જઈએ... હોવું ય હવે ઉત્સવ આકંઠ શ્વસી લઈએ....રેતાળ કીનારા પર હેતાળ હસી લઈએ..... મૃત્યુ, જીવન, ઉત્સવ, પ્રેમ, કોમ્પ્યુટર, દોસ્તી પુસ્તક આ બધાને મળવા માટે ધરતી પર ફરવાનું બહાનું મળે તો તે ખરેખર લિજ્જતની વાત છે.....
This entry was posted in આંખના ઈશારે..... Bookmark the permalink.

Leave a comment